એઈડ્સ ~ વાર્તા ~ કાલિન્દી પરીખ

(લેખિકાનો પરિચયઃ અમરેલી સ્થિત, કાલિન્દી પરીખના ૩૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. એમનું સર્જન ફલક વિશાળ છે. નવલકથા -૫, ગઝલસંગ્રહ, અછાંદસ કાવ્ય સંગ્રહ, વાર્તાસંગ્રહ, અનુવાદ, સંશોધન -સંપાદન , પ્રવાસ નિબંધ, બાળસાહિત્ય વગેરે. એમની કૃતિઓ વખતોવખત પુરસ્કારો અને સન્માનથી બ=નાવજી ગઈ છે. અંતર્દાહ નવલકથાને ઈશ્વર પેટલીકર પ્રથમ પારિતોષિક, અપરિચિતા નવલકથાને એની સરૈયા, પ્રિયકાન્ત મણિયાર પારિતોષિક -ગુ.સા.પ., વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નાનાલાલ હ. જેબલિયા પારિતોષિક. વેદોમાં પર્યાવરણ માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક. ભાગ્યવિધાતા કિશોર કથા માટે બાળ સાહિત્ય અકાદમી, અમદાવાદ તથા ગાંધીનગર દ્વારા પ્રથમ પારિતોષિક. ‘ભારતીય નારીસંતોનું કાવ્યાકાશ’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક. ‘ચોર રસ્તાઓ’ મરાઠી નાટકના અનુવાદ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દ્વિતીય પારિતોષિક . વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત. વક્તવ્ય, દૂરદર્શન તથા આકાશવાણી -રાજકોટ અને GTPL દ્વારા મુલાકાત, મીનપિયાસી ટૂંકીવાર્તા પરથી શોર્ટ ફિલ્મ વગેરે. આમ બહેન કાલિન્દીની સર્જનયાત્રા સમૃદ્ધ રહી છે. આ વાર્તા સૌ વાચકોને ગમશે જ.)
પડુ પડુ થઈ રહેલી દિવાલના ટેકે સીવવાના સંચા પર જાનકી બેઠી હતી. કપડાંનો ઢગલો પડ્યો હતો. સવારની બેઠી હતી. સાંજ પડવા આવી તોય ઢગલો જાણે ઓછો થતો ન હતો! ઓઈલ તો પૂર્યું હતું બે વખત પણ તોય અવાજ બહુ આવતો હતો. તેમાં રઘુના ખાંસવાનો અવાજ પણ ભળતો હતો. બંને અવાજો જાણે એકબીજાની સ્પર્ધા કરતા હોય તેમ બંધ જ થતા ન હતા.
જાનકીથી પતિની આ હાલત જોઈ શકાતી ન હતી. ખાંસી ખાંસીને ચહેરો તો લાલઘુમ થઈ ગયો હતો. હાડકા-પાંસળા સ્પષ્ટ દેખાઈ આવતા હતા.૩૦ વર્ષનો રઘુ ૬૦ વર્ષનો દેખાતો હતો. કેટલાય ઓસડિયા પાયા. વૈદ્યની દવાથી ફરક ન પડ્યો એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા ડોક્ટરને બતાવી જોયું. પણ ન તાવ ઉતરવાનું નામ લેતો હતો કે ન ખાંસી અટકવાનું નામ લેતી હતી. બેય જાણે માડીજાયા ભાઈ-બહેન હોય તેમ સંપી તો ગયા જ હતા પણ પેધીય ગયા હતા.
આવી હાલતમાં રઘુ હીરાની ઘંટીએ તો કઈ રીતે જઈ શકે? રંગપુરથી ૧૫ કિ.મી.જ દૂર અમરેલી આવેલું હતું. પણ જ્યાં ચાલીય શકાતું ન હોય ત્યાં સાયકલ ખેંચીને કેમ જઈ શકાય? જાનકીને યાદ આવ્યું,’ જ્યારે નવી નવી સાયકલ લીધી હતી ત્યારે રઘુ કેવો તેને સાયકલ પર બેસાડીને શે’રમાં લઈ ગ્યો હતો. મહાદેવના દર્શન કરીને બેય નદી કાંઠે બેસતા અને અલકમલકની વાતો કરતાં ધરાતાં જ નહીં. પોતે જ યાદ કરીને કહેતી, “ હવે ઉઠો, તમારે તો ઠીક મારે ઘરે જઈને રાંધવાનું છે.”
ત્યારે રઘુ હાથ પકડીને પરાણે બેસાડતો અને કહેતો,” બસ, રાંધવાની જ ઉતાવળ છે ને. તો નથી રાંધવું, હાલ તને ભેળ ખવડાવું.”
પણ કુદરતથી આવું નાનું સુખય ન જોવાણું. બે વરસ માંડ ગ્યા હશે ત્યાં કોણ જાણે ક્યાંથી રઘુને તાવ ને ઉધરસ ભરાયા કે આજ છ મહિના થવા આવ્યા તોય કેડો જ નથી મૂકતા. વળી, ઘરમાં કોઈ છેય નહીં સાવ એકલા ઘર ચલાવવું, સંચા પર બેસવું અને રઘુને સંભાળવો. સગાવહાલાં બધાંય કે’વાનાં. નંઈ તો રઘુએ જ્યારે સાયકલ લીધી’તી ત્યારે શે’માંથી હમજુકાકી પોતાની બજર મંગાવતા. ડાહ્યાકાકા બીડીની ઝુડી, તો કોઈ તેલની બરણી લાવવાનું કહેતું અને માંદે-હાજે દવાય ઈ જ લાવી દેતો. હાંજ પડે શે’રમાંથી ઘરે આવે ત્યારે સાયકલના બેય ગવંડર પર થેલા ઝળંબૂતા હોય. બધાંય પોતપોતાની વસ્તુ લેવા ઘર આગળના ચોકમાં ટોળે વળીને ઊભા હોય. આજે તો કોઈ ડોકાતુંય નથી. હા, સલાહુ આપી જાય, તો કો’ક…”
“ શું કો’ક … કાં જાનકી અટકી ગઈ? કાંઈ નંઈ જુવાનિયા એટલે કીધું નઈ કૂતરા જેવા. કૂતરાને જેમ હાડકામાં રસ હોય એમ લબરમૂછિયાવાને ચામડામાં રસ બીજું શું? પણ શું જુવાનિયા જ પોતાને જોઈ લાળ ટપકાવતા’તા? ડાહ્યાકાકા બીડીનો કસ લઈને કેવું કેવું બોલતા’તા, “ આ બીડીમાં કંઈ દમ નથી. ઈના કરતાં…એમ બોલી કુડી નજરે જોતા.”
તો ગામની બાયુંય કે’તી,” ધણી ગળતો જાય છ અને આ જોવો કાંઈ ફરક પડ્યોસે ? રાતીરાણ્ય જેવી સે. જ્યારે જોવો ત્યારે હમણાં જ તૈયાર થઈ હોય એવી દેખાય સે. વાળની એક લટય વીખાતી નથ. સાડલોય કે’વો મજાનો રંગીન, ફૂલની ડિઝાઈનવાળો પે’રે સે. ના, ના ધણી માંદો હોય તિયારે આવો બધો ટેમ ચ્યાંથી મળે? અને ગમેય શીનું?”
પણ જાનકી તો રઘુના રાજીપા સારુ આ બધું કરતી હતી. રાત- દિવસ સીવવાનું કામ અને રઘુને સાચવવામાં જાનકી શરૂઆતમાં તો પોતા પ્રત્યે તો બેદરકાર થઈ ગઈ હતી. નો માથાના ઠેકાણા હોય કો નો સાડલાના. આથી રઘુ ચિડાતો, રિસાઈ જાતો.
એક દિવસ તો ક્યે,” હું હવે કેટલા દિ? હું મરી જાવ પસીલફૂલવાળા સાડલા પે’રજે ને એય ને મજાનો કપાળમાં કંકુનો મોટો રૂપિયા જેવો ચાંદલો…” ત્યાં તો જાણે મરણપોક મૂકતી હોય તેમ જાનકી ચીસ પાડીને પોતાનો હાથ રઘુને મોઢે દઈ દીધો હતો.
“ મરે આપડા દશમન. તમે શું લેવાને…”
“હા, જાનકી હું હાસું કવ સું.”
“ ના,ના તમને કાઈ નથ થ્યું. આપડે ચેક તો કરાવ્યું’તું. તમને કાંઈ ટી. બી. નથ થ્યો અને હવે ટી.બી. ક્યાં રાજરોગ ગણાય સે.”
“ મને ટી. બી. નથ થ્યો, ઈ તો મનેય ખબર સે.”
ત્યાં જ ડાહ્યાકાકાએ આવીને બીડીના ધૂમાડાથી ઓરડાને ભરી દીધો.
“ હવે તમે બેય જણા આમ રોગની ચરચા કરવાને બદલે શે’રમાં જઈને હોસપિટલમાં દેખાડી આવો. પૈસા જોતા હોય તો હું આપું.” એમ કહી જાનકી સામે જોયું અને પાછું કહયું,” મુંઝાવાનું નંઈ, હું બેઠો સું ને. રાત પડ્યેય કામ હોય તો સંકોચ વન્યા બોલાવવો.”
“ તમને ક્યાં હેરાન કરવા કાકા? તમારી ઊંઘ બગાડવી અને વળી…”
“અરે, એમાં હેરાનગતિ શાની? અને ઊંઘ કાંઈ થોડી બગડી જાવાની હતી, તું ઉઠાડ્ય એમાં?” જાતા જાતા રઘુ નો હાંભળે એમ કીધું. “તું નથ ઉઠાડતી ઈમાં જ હું પડખા ઘહ્યે રાખું સું. લે આ તને હાસી વાત કીધી.”એમ કહી એ ડોહો કેવું ગંદુ હસ્યો કે ,” આના કરતા તો બીડીનો ધૂમાડો હારો.
બપોરે સીવેલા ચણિયા લઈને જતી હતી ત્યાં જ સુરેશે બપોરનું એકાંત જોઈ તેને આંતરી હતી અને કહ્યું હતું,” અરર ભાભી, તારે આમ ખરે બપોરે ક્યાં જાવું પડે છે અને શું છે આમાં?” કહી હાથમાંથી પોટકું આંચક્યું હતું?
“ લે, ચણિયા છે હં… તું તો સારું સીવે છે.” એમ કહી કાંડુ મરડવા લાગ્યો.
“ જાવા દ્યો ને સુરેશભાઈ, મારે ઘણાં કામ સે.” જાનકી કરગરવા લાગી.
“જાવા દવ, હું ક્યાં ના પાડું છું? આ તો મને થ્યું તારા માથે દુ:ખના ડુંગર ઊગ્યા છે તો તને મદદરૂપ થાવ. તે તું મારા કપડાં સીવી દે? તું તારે માપ હું આવીને આપી જાઈશ. ક્યારે આવું બોલ, આજે રાત્રે આવું? ઓલો રઘલો ખાંસી ખાંસીને ઊંઘી ગ્યો હોય ત્યારે…”
હવે જાનકીથી નો રહેવાણું. તેણે પગમાંથી ચંપલ કાઢ્યું. પણ સામેથી રેવામા આવતા હતા.
“ લે બાઈ ચંપલું તૂટી ગ્યું કે હું?”
“ ના, ના કાંટો ભરાઈ ગ્યો’તો તે કાઢતી’ તી.” જાનકીએ વાત બદલતા કહ્યું.
“ તે ચંપસા હોંતો કાંટો ભરાઈ જ્યો? અરે વાલામુંઈ હું તો તને કવ સું કે ચંપલા જ પે’રવાનું મેલી દે. આમ જો ધણી માંદો હોય ને તો આપડે બાઈ માણહે કાંઈક અગડ રાખવી જોવે. તું ચંપલા નંઈ પે’રવાની અગડ લઈ લે.”
તે દિવસથી બિચારી જાનકીએ પગમાં ચંપલ નહીં પહેરવાની બાધા લીધી હતી. પગમાં કેટલીય વાર ફોડલા પડ્યા હતા. અરે, લોહીના ટશિયાય ફૂટી આવ્યા હતા. પણ ઈ તો બધું સહન થાય પણ આ લોકોના મોઢેથી દેવાતા ડામ…
“રઘુને તો એઈડ્સ થ્યો સે. એઈડ્સ તો જીવલેણ બીમારી સે. કાંઈ વાંધો નંઈ, તું તારે હું બેઠો સું. હું તારી રાહ જોઈશ”
તો કો’ક વળી એમય કહેતું, “ એઈડ્સ શું કામ થાય ઈ ખબર સે ને? તું સતી સાવિતરી થૈને ફરસ, જાણે મોટી સીતામૈયા?! પણ તારો આ રઘલો કાંઈ રામ નથ. નંઈ તો થોડો એને એઈડ્સ થાય?”
જાનકી ઊભી ને ઊભી સળગી જતી. રોજ રોજ અગ્નિપરીક્ષા આપતી હતી. પણ રઘુના કપાળે હાથ મૂકતા જ તેની હથેળી સળગી જતી. તેને થતું કે,” ના ના, પોતે બળે સે તો આ જીવ પણ નથી બળતો? આજ સ સ મઈનાથી બસારો શેકાય સે. હવે ગમે તે થાય હોસપિટલે લૈ જ જાવો સે. છેવટે ઘરેણાં ગીરવે મેકી દઈશ. ભલે જે ખરસ થાય ઈ.”
પૈસાની વ્યસ્થા તો થઈ ગઈ પણ રઘુ માનતો નથી. ”શું તેને ખબર પડી ગઈ હશે કે તેને એઈડ્સ થઈ ગ્યો સે? નંઈ તો આમ હિંમત હારી નો જાય અટલે જ ઈ આમ વારે ઘડીયે મરી જાવાની વાતું કર્યા કરે સે.”
“જોવો, હાંભળો સો તમને કવ સું. એઈડ્સ કાંઈ જીવલેણ બીમારી નથ.”
“મને એઈડ્સ નથઅ..અ…” કોણ જાણે કઈ તાકાતથી રઘુ બરાડી ઊઠ્યો.
“હું ક્યાં કવ સું?” જાનકી ધ્રૂજતા ધ્રૂજતા બોલી.
“હમણાં તો બોલી અન પાસી કે’સ કે હું ક્યાં કવ સું? બૈરાની જાત, ધણી ઉપર શંકા નો કરે એવું બને જ નંઈ. મને તો ઈમ હતું કે મારી જાનકીને મારા પર ભરોહો સે.”
“હા, તો મને ભરોહો સે તમારા પર, જેટલો સીતામૈયાને રામજી ભગવાન પર હતો એટલો જ. પણ…
“પણ શ્યું? કેમ અટકી ગઈ? ગામવાળા શું ક્યે સે ઈ હંધીય મને ખબર સે. તું ઈમ નો માનતી કે મને ખબર નથ.” જાનકીને શું બોલવું એ જ નહોતું સમજાતું. તેણે ચૂપ રહેવું જ વ્યાજબી લાગ્યું.
“કાં ચૂપ થૈ ગઈ? બોલતા શરમ આવે સ કાં? જાતા શરમ નથ આવતી તારા ઈ હગલાવ પાંહે?”
“બસ કરો, બસ કરો.” જાનકીને થયું ધરતી મારગ આપે તો સમાઈ જાય.
“બસ કરું હું ઈમને? લાજતી નથ?” એમ કહી જાનકીને પાટુ મારવા જતો હતો ત્યાં જ તે ભોંય પર પડી ગયો અને તેને લોહીની ઊલટીઓ થવા લાગી.
જાનકી જાણે ઊંડા પાતાળમાંથી પાછી પૃથ્વી પર આવી ગઈ. ”હાશ મા, હારું થ્યું તારી ગોદમાં ન લીધી. નંઈ તો આમની સેવા હું કઈ રીતે કરી શકત?” અને તે ચૂપચાપ પતિ પરમેશ્વરની સેવા કરવા લાગી ગઈ.
ઊલટીમાં ઘણું બધું લોહી વહી ગયું હતું. તે સાથે કેટલાક શંકા અને માલિકીભાવના કીડાઓ પણ ચાલ્યા ગયા હતા. આમેય રઘુમાં હવે રહી સહી શક્તિય ક્યાં બચી હતી? જાનકીના મોં સામેય ક્યાં જોઈ શકતો હતો? જાનકીએ તેનું માથું પોતાના ખોળામાં લીધું. તેના માથે, બરડે હાથ ફેરવવા લાગી. રઘુનેય સારું લાગ્યું અને તે અમદાવાદ જવા માની ગયો.
રંગપુરથી અમરેલી સુધીનું તો જાનકીએ પ્રાઈવેટ વાહન બાંધી લીધું પણ અમરેલીથી અમદાવાદ સુધીનું પ્રાઈવેટ વાહન બાંધે તોપછી રઘુની બીમારીના ઈલાજના પૈસા ક્યાંથી કાઢે?” હા, પણ ઓલું કે’સે કે હૂતા હૂતા જવાય એવો કોસ સે.”
તેને હૈયામાં હામ આવી. સ્લિપીંગ કોચમાં એકની જ સીટ મળે તેમ હતું. તે તો તોય રાજી થઈ ગઈ” આમેય મારે ક્યાં હૂવું’તું. નીસે ગમે ઈમ પડી રે’શ.” અને એમ જ થયું.
અમદાવાદ આવી, રિક્ષા કરી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા. આ બધો જ સમય જાનકી તો ઠેબા જ ખાતી રહી, અંદરથી અને બહારથી. ધોળી ટેક્સી પર કાળું કાળું કાંઈક લખ્યું હતું એટલી જ તેની આંખોને ખબર હતી. બાકી શું ટેક્સી, બસ કે રિક્ષા બધાંય તેના અંગે અંગને ઉછાળતાં હતાં. પણ તે જ્યારે ઊછળતી હતી ત્યારે રઘુના ગાલે કે કપાળે હાથ ફેરવી લઈ
તાવની વધઘટ તપાસી લેતી હતી. તેને આ સ્વાય બીજા કશામાંય નહોતો રસ કે નહોતો કોઈ વિચાર.
જાનકી સિવિલ હોસ્પિટલને જોઈ રહી.”આવડી મોટી હોસપિટલ…!” તેનાથી બોલાઈ ગયું. કેટલાય માણસો આવતા હતા અને જતા હતા. “શું આ બધાં જ બીમાર હશે? જો કે આમાંથી ઘણાંય હાજા-નરવાય દેખાય સે. દરદીઓના હગા-વહાલા હશે. પોતાની હારે તો કોઈ નથ. ગરીબનું કોઈ નથ.” તેણે ઊંડો નિ:સાસો નાખ્યો.
અનેક વિભાગો હતા. પોતાને ક્યાં જવું? કોને પૂછવું? કાંઈ સૂઝતું નહોતું. રઘુને ઉધરસ ચડી. તેણે આમથી તેમ નજર દોડાવી. સામે માણસો પાણી પી રહ્યા હતા. રઘુને લઈને તે ત્યાં ગઈ. પાણી પીવડાવ્યું. પોતે પણ પીધું. બાજુમાં જ બાંકડો હતો. રઘુને તેના પર બેસાડ્યો. પૂછતાં પૂછતાં તે કેિન્ટનમાં ગઈ, ત્યાંથી ચા લઈ આવી. રઘુને ચા- નાસ્તો કરાવ્યો. તેણે પણ ચાની સાથે ઘરેથી લાવેલા થોડા સેવ-મમરા અને એકાદુ બિસ્કિટ ખાધું.
શરીરમાં થોડીક તાકાત આવી. રઘુએ જાનકી સામે જોયું અને પ્રેમથી હસ્યો. આકાશમાંથી કંકુ ઢોળાતું હતું. જાણે તેની સેંથીને ભરી દેતું હતું. પતિનો હાખ પકડી થોડું ચાલ્યા પછી, રઘુ પાછો હાંફવા લાગ્યો. તે ત્યાં જ બેસી ગયો. જાનકીએ જોયું તો ડોક્ટરો આવ-જા કરતા હતા. બધા જ ઝડપથી ચાલ્યા જતા હતા. કેમ ઊભા રાખવા? પણ એક સજ્જન જેવા દેખાતા સદ્ ગૃહસ્થને જોઈને તેણે પોતાના પતિને દાખલ કરવા માટે કોને મળવું વગેરેની પૂછપરછ કરી.
તેમણે કહ્યું,” અહીંથી સીધા જાવ, પછી ડાબી બાજુએ વળજો, ત્યાંથી સીધા જઈ જમણી બાજુ વળજો.”
“ડાબી બાજુ અને જમણી બાજુ” ના ચકરાવાને જેમ તેમ કરી પસાર કર્યો તો ત્યાંથી જવાબ મળ્યો,” ઉપર જાવ.”
“ઉપર?” જાનકીને પણ થોડો શ્વાસ ચડી ગયો હતો અને થાક વર્તાતો હતો.
“હા, ડોક્ટરને મળવું હોય તો ઉપર જવું પડશે , ત્યાં જ તમને સાહેબ મળશે.” જાનકીને પોતાની નહીં રઘુની ફિકર હતી. તેને પાછો ડીલમાં તાવ ભરાયો હતો.
ત્યાં કોઈકના રડવાનો અવાજ સંભળાયો. તેણે જોયું તો ચાર- પાંચ સ્ત્રીઓ ઘૂમટો તાણીને મરશિયા ગાતી હતી,” અરેરે, તમે અમને બધાંને મૂકીને ક્યાં ચાલ્યા ગયા?” જાનકી ફફડી ઊઠી.
“ઓય, અહીં રસ્તા વચ્ચે નહીં ઊભું રહેવાનું” ઝાડુ-પોતા મારવાવાળાએ કહયું. જાનકી રઘુને પોતાની સહેજ પાછળ કરી એકબાજુ ઊભી રહી ગઈ. તોય નડવા લાગી.
“ખસો… ખસો…” તેને થયું,“ક્યાં જવું?”
વળી, ચાર જણા એક દર્દીને સ્ટ્રેચર પર સુવડાવી ઓપરેશન રૂમમાં લઈ જતા હતા. રઘુ જાનકીની તકલીફ સમજી ગયો. તેણે જ કહ્યું,”હાલ, આપડે ઉપર સડી જાઈએ.”
“પણ તમે દાદરા કિમ કરીને સડી હકશો?”
તેમની આ વાત એક ચાવાળો છોકરો સાંભળી ગયો. તે ઉપર સ્પેશિયલ વોર્ડમાં ચા આપવા જઈ રહ્યો હતો. તેણે કહ્યું,” અહીં લીફ્ટની વ્યવસ્થા છે. ચાલો હું ઉપર જ જાઉં છું.”
તે બંને ચાવાળા છોકરાની સાથે લીફ્ટ પાસે ઊભા રહી ગયા. “ઊભા રહો. લીફ્ટ ઉપર ગઈ છે, નીચે આવે પછી જવાય.” તેણે જાનકીની ઉતાવળ જોઈને કહ્યું.
જેવી લીફ્ટ ખૂલી કે એકી સાથે પેલા ચાવાળા છોકરાની સાથે બીજા સાત-આઠ જણા ઘુસી ગયા. જાનકી અને રઘુને ઉપર ગયેલી લીફ્ટ નીચે આવે તેની રાહ જોવી પડી. એકવાર કુદ્રષ્ટિનો ભોગ બની તે રઘુને લઈને ડોક્ટર પાસે પહોંચી. ત્યાં પણ દર્દીઓની લાંબી હાર વીંધતા વીંધતા તે માંડ ડોક્ટરની ચેમ્બરમાં ગઈ. ડોક્ટરે તેની નજરોના ઈન્જેક્શનથી જાનકીના દેહને વીંધી નાખ્યો. પછી રઘુને તપાસ્યો. દવાઓ લખી આપી.
જાનકીએ પૂછ્યું,” સાહેબ, ઈમને હું થ્યું સે?”
“ એ અત્યારે ખબર ન પડે. તમે લોહી અને પેશાબના ટેસ્ટ કરાવી લાવો.”
“ઈ ક્યાં કરાવવાના? અમે અંઈ અજાણ્યાં સી”
“ લેબોરેટરી અહીં જ છે. નીચે કોઈને પૂછશો તો બતાવશે.”
વળી, બંને નીચે ઉતર્યાં. રઘુ થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેને આરામની સખત જરૂર હતી. પણ તે ક્યાં સૂવે? તેને હજુ રિપોર્ટ કરાવવા પણ જવાનું હતું. છતાંય તેણે જાનકીને કહ્યું, “તપાસ કરાવવાનું કાલે રાખીએ તો. આજે હવે મારાથી નંઈ હલાય.” તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો.
જાનકીએ એક સિમેન્ટના બાંકડા પર રઘુને સુવડાવવાનું નક્કી કર્યું.પણ તે રઘુને લઈને ગઈ ત્યાં બાંકડો ભરાઈ ગયો. છેવટે તેણે તેના પોટલામાંથી એક ચાદર કાઢી જે પણ રઘુના ફેફસા જેવી કાણાં-કાણાં થઈ ગઈ હતી. તે જ નીચે પાથરી તેના પર રઘુને સુવડાવ્યો. પોતાનું પોટલું ઓશીકાની જેમ રાખી, તેના પર તેનું માથું ટેકવ્યું. પછી જાનકી ઝડપથી પાણી લઈ આવી અને રઘુના મોં પર છાંટ્યું. તે પાલવથી હવા નાખવા લાગી.
થોડીવારમાં રઘુને કંઈક સારું થતાં તે તેને લેબોરેટરીમાં તપાસ કરાવવા લઈ ગઈ. જો કે ત્યાં સુધી પહોંચવામાંય વચ્ચે કેટલાયને પૂછવું પડ્યુ હતું, લાળા ચાવવા પડ્યા હતા. એકેય ડગલું સીધું નહોતું. જાણે કોઈ વિકટ માર્ગે કઠિન યાત્રા કરી રહી હતી.
રઘુના બ્લડ અને યુરિન લેવાઈ ગયા પણ રિર્પોર્ટ તો બીજે દિવસે સવારે લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. બંને ત્યાંથી હોસ્પિટલમાં પાછા આવ્યાં. જનરલ વોર્ડમાં ગયાં. ત્યાં ઘણા બધા પલંગો હતા.
કોઈ ખાંસતું હતું, કોઈ હાંફતું હતું. કોઈને ઊલટીઓ થતા હતી. કોઈ ચીસો પાડતું હતું, કોઈને બાટલા ચડતા હતા. કોઈને એક્સીડન્ટ થયો હતો અને ફ્રેક્ચર થયું હતું, પગે પ્લાસ્ટર હતું. આ બધું જોતી, ત્યાંથી પસાર થતી જાનકી પતિ રઘુને લઈને છેક છેલ્લે એક ખૂણામાં પહોંચી. બારી પાસે રહેલા પલંગ પર રઘુને સુવડાવ્યો. તેને થયું,” અહીં બારી ન હોત અથવા બારી પાસેનો પલંગ ન મળ્યો હોત તો સારું થાત.” કારણ કે બારી દેવાતી નહોતી અને તેમાંથી ઠંડી હવા આવતી હતી. પોતાની પાસે બે જોડ કપડાં અને એક કાણાંવાળી ફાટેલી ચાદર સિવાય કાંઈ નહોતું. એમ તો તો પલંગ પર ઓઢવાનું હતું, માગે તો કદાચ વધારાનું મળે પણ ખરું. પણ તે રઘુને એક ઘડીય રેઢો મૂકવા નહોતી માગતી. પોતાની પાસે જે કાંઈ હતું તે બધું જ રઘુને ઓઢાડી દીધું. પોટલું ખાલી થઈ ગયું. અરે, પોટલું જ ક્યાં રહ્યું? તે નીચે સાવ જમીન પર સૂઈ ગઈ. પણ ઊંઘ ક્યાં આવતી હતી? રઘુના રિપોર્ટની ચિંતા અને વિચારોનું કીડીઓ તેને સતત ચટકા ભરતી હતી. તેણે છત સામે જોયું.
એક ગરોળી જીવડાને ખાઈ રહી હતી. તે આમથી તેમ પડખા ઘસવા લાગી. પણ તેને ક્યાય ચેન પડતું નહોતું. તે બેઠી થઈ ગઈ. તેને ગળે કાંચકી બાઝી ગઈ હોય તેવું લાગ્યું. તે પાણી પીવા ઊભી થઈ. તેણે પાણી પીવા જતાં પહેલા રઘુના કપાળે હાથ મૂક્યો. કપાળ ઠંડુબોળ હતું. ગાલે, હાથે, આખા શરારે હાથ ફેરવ્યો. રઘુનું શરીર બરફ જેવું ઠંડું થઈ ગયું હતું. હવે તેના શરીરમાં તાવ નહોતો.
તેણે રઘુને હલાવ્યો. ઉઠાડવા બહુ કોશિશ કરી પણ… તાવની સાથે રઘુ પણ દૂર દૂર ચાલ્યો ગયો હતો.
તેણે જનરલ વોર્ડ્ને જાણે આંસુઓથી ધોઈ નાખ્યો. દીવાલો પર કાચની બંગડીઓ ભટકાડી ફોડી નાખી. પોતાની જાતે જ કપાળ પરનો ચાંદલો ભૂંસી નાખ્યો. સવારે લેબોરેટરીમાંથી રિપોર્ટ લેવાનો હતો પણ હવે તેનું કોઈ કામ નહોતું. તેને યાદ પણ નહોતું. તે કઈ રીતે રંગપુર પહોંચી એનીય એને સુધ નહોતી.
હજુ તો રઘુની ચેહ પુરી ઠરીય નહોતી ત્યાં ચણભણ શરૂ થવા માંડી-
“શું હતું રઘુને?”
“મોટા ડોક્ટરે ક્યો રોગ કીધો’તો?”
“એઈડ્સ ને? અમે તો કે’તા જ તા.”
જાનકીએ ચીસ પાડીને કહ્યું,” ના, ઈને એઈડ્સ નો’તો થ્યો. ઈને તો ખાલી તાવ જ આવ્યો’તો. ઈ તો કેવો શાંતિથી સૂતો’તો! ભાયગશાળી થઈ ગ્યો મારો રઘુ! પણ એઈડ્સ તો તમને બધાને થ્યોસે, હા…!”
****************
(કેતન મુનશી વાર્તા સ્પર્ધા-૪ ની પ્રથમ હરોળની ધારદાર વાર્તા. ‘છાલક’ ત્રૈમાસિક, જાન્યુ.૨૦૧૩ ના સૌજન્યથી સાભાર)
૩,દેનાબેન્ક સોસાયટી, સ્ટેશન રોડ, અમરેલી-૩૬૫૬૦૧, મો.નં.- ૯૪૨૯૧૩૯૧૪૫