અહેવાલ ~ વર્ષા અડાલજાને પન્ના નાયક પારિતોષિક -૨૦૨૬ એનાયત, મુંબઈ
અમેરિકાસ્થિત ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગ દ્વારા જયશ્રી વિનુ મરચંટના સહયોગથી સાહિત્ય ક્ષેત્રમાં નારીસર્જકોને બિરદાવવા પ્રસિદ્ધ સાહિત્યકાર પન્ના નાયકના નામે `પન્ના નાયક પારિતોષિક’ની વિધિવત શરૂઆત આ વર્ષથી કરવામાં આવી છે. આ પારિતોષિક દર બે વર્ષે એનાયત કરવામાં આવશે.
આ ઉપક્રમમાં સૌપ્રથમ પારિતોષિક પ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર વર્ષા અડાલજાને તેમના આજીવન યોગદાન બદલ આપવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા એક લાખની ધનરાશિ અને સ્મરણિકાનો સમાવેશ થાય છે.


૨૭ જૂને વર્ષા અડાલજાના નિવાસસ્થાને યોજાયેલી અર્પણવિધિમાં ડૉ. પ્રકાશ કોઠારી, કુન્દન વ્યાસ, ઉદયન ઠક્કર, હિતેન આનંદપરા, હેમેન શાહ, ઉત્કર્ષ મઝુમદાર, ડૉ. પ્રીતિ જરીવાલા, હેમંત ઠક્કર, ભીખુભાઈ ચિતલિયા તથા અમદાવાદથી અનિલ ચાવડા અને રામ મોરી ઉપસ્થિત રહ્યા હતા.
ટૂંક સમયમાં વર્ષા અડાલજાની વાર્તાઓ આધારિત `વર્ષા-વિશેષ’ કાર્યક્રમ પરિચય ટ્રસ્ટ ખાતે યોજવામાં આવશે.
એ ઉપરાંત પિતા ગુણવંતરાય આચાર્યના સંઘર્ષ અને સિદ્ધિને આવરતી વર્ષા અડાલજા લિખિત જીવનકથા `દરિયાનો લાલ’ આપણું આંગણું બ્લૉગમાં જુલાઈ મહિનાથી હપ્તાવાર પ્રગટ કરવામાં આવશે.
***