કવિથી કવિતા ક્યારે લખાય છે? – અનિલ ચાવડા
કવિ અને કવિતા, વૃક્ષ અને ફળ જેવા હોય છે. વૃક્ષ પોતે ફળ બનાવતું નથી, પરંતુ ઋતુઓ, વરસાદ, સૂર્યપ્રકાશ અને ધરતીની અંદરની અગણિત પ્રક્રિયાઓ મળીને તેને પકવે છે. તેમ કવિતા પણ માત્ર કલમથી જન્મતી નથી; તે જીવનના અસંખ્ય સ્પર્શો, ઘાવો, સ્મરણો, આશ્ચર્યો, અનુભવો, પીડા, મુખરતા અને મૌન દ્વારા ધીમે ધીમે ઘડાય છે.
કાગળ-કલમ હાથમાં લેવાની ઘટના તો માત્ર શરૂઆત છે. સાચી કવિતા તો કદાચ ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ ગઈ હોય છે. કોઈ બાળપણની સાંજે, જ્યારે દાદીએ વાર્તા કહી હોય; કોઈ ચોમાસાની સવારે, જ્યારે બારીમાંથી વાછટરૂપે વરસાદ કવિતાનું કહેણ મોકલતો હોય; કોઈ વિદાયની ઘડીએ, જ્યારે આંખોમાંથી શબ્દ વગરનું નીર વહી રહ્યું હોય; અથવા તો કોઈ એવી ખુશીમાં, જેને વ્યક્ત કરવા માટે ભાષા પણ વામણી પડતી હોય.
કવિથી જગતને સામાન્ય માણસની જેમ જોતો નથી. જ્યાં બીજાને માત્ર વૃક્ષ દેખાતુંં હોય, ત્યાં કવિને તૂટેલો માળો દેખાય છે. જ્યાં બીજાને માત્ર રસ્તો દેખાતો હોય, ત્યાં કવિને હજારો પગલાંઓનો ઇતિહાસ વંચાય છે. જ્યાં બીજાને માત્ર વરસાદ દેખાતો હોય, ત્યાં કવિને આકાશનું ઓગળતું હૃદય અનુભવાય છે. આંખો બધાની સરખી હોય છે, પરંતુ દૃષ્ટિ દરેકની જુદી હોય છે. કવિની દૃષ્ટિ વ્યવહારુ જગતથી પર હોય છે.
જીવનમાં એવી કેટલીય ક્ષણો આવે છે જેને આપણે જીવીને ભૂલી જઈએ છીએ. કવિ એમ કરી શકતો નથી. ક્યારેક એક નાનું દૃશ્ય પણ તેની અંદર વર્ષો સુધી જીવતું રહે છે. રસ્તા પર ચાલતી વૃદ્ધ સ્ત્રી, ફુગ્ગા વેચતું બાળક, ખાલી પડેલો બાંકડો, સાંજ પછીનું નિર્જન બસસ્ટેન્ડ, ઘરની દીવાલ પર પડતા કંકુથાપા, યુવતીને નિહાળતી વાસનાભૂખી આંખો, મજૂરને મળતું અપૂરતું વેતન, કે ટ્રેનના પાટા તરફ આગળ વધી રહેલાં અજાણ્યાં પગલાં… આ બધું જ તેની અંદર ક્યાંક ઊંડે ઊંડે નિરંતર ઘૂંટાતું રહે છે.
કેટલીક કવિતાઓ મહેમાન જેવી હોય છે. આવે, શાંતિથી બેસે, અને લખાઈ જાય. પરંતુ કેટલીક કવિતાઓ તોફાન જેવી હોય છે. તેઓ બારણું ખખડાવતી નથી; તોડી નાખે છે. તેઓ પરવાનગી માગતી નથી; કબજો જમાવે છે. કવિ ગમે તેટલો બચવાનો પ્રયત્ન કરે, પણ બચી શકતો નથી.
કવિતા માટે માત્ર સંવેદના પૂરતી નથી. દુનિયામાં લાખો લોકો દુઃખી થાય છે, પરંતુ બધા કવિ નથી બનતા. કવિની વિશેષતા એ છે કે તે પોતાનાં દુઃખોને એકલાં નથી રહેવા દેતો, તેને માનવજાતના અનુભવ સાથે જોડી દે છે. તેની વ્યક્તિગત પીડા ધીમે ધીમે સૌની બની જાય છે. એટલા માટે કોઈ અજાણી વ્યક્તિ પણ કવિતા વાંચીને કહે છે, “આ તો મારી વાત છે.”
કવિતા અર્થથી વધારે સંકેતમાં જીવે છે. તે બધું કહી દેતી નથી. માત્ર સંકેત આપે છે. જેમ ધુમ્મસમાં દૂર કોઈ દીવો દેખાય અને મુસાફર પોતાનો માર્ગ પોતે શોધે, તેમ કવિતા વાચકને માત્ર દિશા આપે છે. બાકીનું અંતર દરેકે પોતે કાપવાનું હોય છે. કવિતા એક બારી ખોલી દે છે. પછી એ બારીમાંથી દરેક વાચક પોતાના અનુભવ મુજબ આકાશને જુએ છે. કદાચ એ કારણે જ એક જ કવિતા દરેક વ્યક્તિને અલગ રીતે સમજાય છે.
બીજ અંધકારમાં ફૂટે, તેમ કવિતા પણ આંતરિક નિર્જનતામાં ઉગે છે. બહારનો કોલાહલ શમી જાય અને માણસ પોતાના જ હૃદયનો અવાજ સાંભળવે ત્યારે કવિતાનો અંકુર ફૂટે છે. કવિતા શાંતિમાં જન્મે છે, ભલે પછી તે તોફાનની વાત કરતી હોય.
પ્રેમ વગર કવિતા શક્ય છે, પરંતુ પ્રેમ વિના મહાન કવિતા શક્ય નથી. પ્રેમ જ કવિને સામાન્ય વસ્તુઓમાં અસામાન્ય સૌંદર્ય જોવાની કલા શીખવે છે. પાનખરનું પાન, જૂનું ઘર, અધખૂલેલી બારી, કે ભૂલાયેલું નામ… બધું જ અચાનક અર્થસભર બની જાય છે.
જ્યાં કવિ પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરે, ત્યાં માત્ર શબ્દોની કારીગરી જન્મે છે. કવિતા ચતુરાઈ નહીં, નિખાલસતા માગે છે. તે ભાષાની જાદુગરી કરતાં હૃદયની સચ્ચાઈને વધારે ઝંખે છે.
– અનિલ ચાવડા