કરવું પડે (ગઝલ) ~ સંદીપ પૂજારા

જેવું તેવું ચાલે નહિ, ખાસ્સું ગહન કરવું પડે,
જીવવા માટે, જીવનનું અધ્યયન કરવું પડે!

પાત્રતા ના હોય એને, જો નમન કરવું પડે,
તો પછી ખુદ પર ઘણું ચિંતન મનન કરવું પડે.

‘સત્ય કડવું હોય છે’ એ સત્ય પણ બદલી શકાય,
થઈ શકે મીઠું, ફકત મીઠું કવન કરવું પડે!

માત્ર કાગળ ને કલમથી તો ગઝલ બનતી નથી,
‘ભાવ’ નું, ને ‘ઘાવ’ નું પણ સંકલન કરવું પડે.

એકતરફી લાડ તો ઓછા પડે ઉછેરવા,
બેઉએ સંબંધનું પૂરતું જતન કરવું પડે.

યાદ પણ જેની, હંમેશા એક ઉત્સવ જેવી હોય,
એ મળે તો, ઉત્સવોનું બહુવચન કરવું પડે.

~ સંદીપ પૂજારા

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. સરસ ગઝલ
    યાદ પણ જેની, હંમેશા એક ઉત્સવ જેવી હોય,
    એ મળે તો, ઉત્સવોનું બહુવચન કરવું પડે.
    વાહ

  2. વાહ…ખૂબ સરસ ગઝલ
    ઉત્સવોનું બહુવચન…ક્યાં બાત