“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૫) ~ લેખિકાઃ દેવિકા રાહુલ ધ્રુવ ~ સંપાદકઃ રેખા સિંઘલ
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાયી દેવિકાબહેનનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એમની અનેકવિધ પ્રવૃતિઓમાં છલકાતો જોવા મળે છે. ૧૯૪૮ની સાલમાં ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મીને અમદાવાદમાં ઉછરેલાં દેવિકાબહેન ૧૯૮૦માં અમેરીકા આવ્યાં. ગુજરાત યુનિવર્સિટિ દ્વારા સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી સ્નાતકની પદવી મેળવી. નાનપણથી કલા પ્રત્યેની રુચિને કારણે તેઓ કાવ્ય, વક્તૃત્વ, નાટક અને નૃત્યમાં ઈનામો અને ચંદ્રકો મેળવતાં રહ્યાં; જેમાં ઉમાશંકર જોશીના હસ્તે મળેલા ઈનામનો સમાવેશ પણ થાય છે. યુનિ.ઓફ ફ્લોરીડા, પોએટ્રી ફૅસ્ટીવલ(૨૦૧૪)માં મુખ્ય વક્તા તરીકેના સન્માન ઉપરાંત તેઓ બીજાં સન્માન-પત્રો અને આમંત્રણો મેળવતાં રહ્યાં છે. વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. કેટલાંક અન્ય પ્રકાશનો ઉપરાંત તેમનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એમાંની કેટલીક રચનાઓ સ્વરબદ્ધ પણ થઈ છે. ‘આથમણી કોરનો ઉજાસ’ નામની પત્રશ્રેણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૧૭માં ડાયસ્પોરા ઍવોર્ડ મેળવેલ દેવિકાબહેન સાહિત્ય સેવા માટે સતત કાર્યરત રહે છે. નીચેના બ્લોગ ઉપર પણ તેમને વાંચી શકાશે. https://devikadhruva.wordpress.com
Email: ddhruva1948@yahoo.com
સ્મૃતિ સંપદા – લેખિકાઃ દેવિકા રાહુલ ધ્રુવ
૧. વિસરાતી વારસાઈ
વહેલી સવારનો આજનો સૂરજ કંઈક જુદાં જ કિરણો પાથરતો આવ્યો. રોજની આદત મુજબ હાથમાં ગરમ ગરમ વરાળો નીકળતી ચ્હાનો કપ લઈ ‘બૅકયાર્ડ’નું બારણું ખોલ્યું ને તરત હવામાંથી એક પરિચિત સુગંધની લહેરખી સ્પર્શી ગઈ. ડૅકનાં બે પગથિયાં ચડીને હીંચકે બેઠી ત્યાં તો આંખના પલકારામાં ચાર દાયકા જૂની અને એથી પણ જૂની મનગમતી એ મહેક મનમાં ઝોલે ચડી. આ સ્મૃતિઓ કેવી વિસ્મયકારી છે! અચાનક મન પર કાબૂ જમાવી દે છે. મહાન લેખક શ્રી સુરેશ જોશીએ સાચું જ લખ્યું છે કે, સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો એ વિકાસ સ્મરણમાં જ થાય છે.
ચાર દાયકા પહેલાંની આ વાત. Good Fridayનો એ દિવસ હતો. ૧૯૮૦ના એપ્રિલ મહિનાની ૪થી તારીખ. ખૂબ સરળતાથી યાદ રહી જાય તેવી તારીખ અને દિવસ પણ. ૪-૪-૧૯૮૦. ગુડ ફ્રાઈડે. એ દિવસે અમે અમેરિકાની ધરતી પર બે નાનાં ભૂલકાંઓ સાથે પગરણ માંડ્યાં હતાં. ૪૧ વર્ષ પહેલાંની એ વાત. સમય પણ સ્મૃતિઓ જેટલો જ ગજ્જબનો છે. ક્યારેક વર્ષોનાં વર્ષો વીતી જાય છે તો ક્યારેક એક પળને વીતતાં વાર લાગે છે. ક્યાં ગુજરાતના એક નાનકડા ધૂળિયા ગામડામાં (૧૯૪૮માં) જન્મ અને ક્યાં આ મહેલ જેવી સવલતોવાળી અમેરિકાની ચમકદમકભરી જિંદગી! રાતોરાત ફેરવાઈ ગયું શું? ના રે ના. મૂળથી જ નિરાંતે વાત માંડું.
જો ટૂંકમાં કહેવાનું હોય તો તો જન્મ ગુજરાતના એક ગામડામાં. ઉછેર, લગ્ન અને બે દિકરાઓના જન્મ અમદાવાદમાં અને તે પછી પરિવાર સાથે વસવાટ અમેરિકામાં. આમ તો આટલી જ અમસ્તી વાત. પણ આટલી અમથી વાતની પાછળ કેટકેટલાં પરિબળો, અસંખ્ય ઘટનાઓ, અનેક સંજોગો, વિવિધ સ્થાનો, અલગ અલગ દેશી અને વિદેશી વ્યક્તિઓ અને એ તમામને કારણે સંઘર્ષોની વચ્ચે વિકસતી જતી વિચારધારાઓ અને સમજણ શક્તિની ક્ષિતિજો.
આ લખું છું ત્યારે ધૂળિયા ગામનાં ફળિયાં, તે સમયની સખીઓ અને અમદાવાદની પોળનાં પડોશીઓથી માંડીને હ્યુસ્ટનના આજના ‘નેબર’ સુધીનાં તમામ સ્મૃતિમાંથી સરે છે. તો સાથે સાથે પરિવારજનો ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને અમેરિકન શિક્ષક-મિત્રોના ચહેરા પણ તરવરે છે. ભારત, અમેરિકા, હૉંગકૉગ, સિંગાપોર, મલેશિયા, થાઈલૅન્ડ, કૅમ્બ્રીજ, કૅનેડા, સ્વીટ્ઝર્લૅન્ડ વગેરેના રસ્તાઓ પણ દેખાય છે. પ્રસંગો અને ઘટનાઓનાં હરણટોળાં ફરીથી એકવાર ચારેબાજુથી મન-આકાશમાં દોડાદોડ કરી રહ્યા છે. જાણે કોઈ ગીચ ઝાડીમાંથી ઊડી આવતાં તીડનાં ટોળાંઓ તો ક્યારેક જાણે નજર સામે ફરફરતાં મનગમતાં પતંગિયાઓ !!
થોડા દિવસો પહેલાં જ વર્ષો જૂની ડાયરીઓ અને કાગળો હાથ લાગ્યાં હતાં, તેને ફરીથી ફીંદવાનું મન થયું. લગભગ ૪૧ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી એ. સાચવીને રાખેલા, મિત્રોના જૂના પત્રો વાંચતી ગઈ, વાંચતી ગઈ ને પછી તો વાંચતી જ રહી. વિદેશની ધરતીની શરૂઆતની અવનવી વાતો, મથામણો, મૂંઝવણો અંગેની મારી અનુભૂતિઓના મળેલા પ્રતિપત્રો. કેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હૃદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મન-મસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી. આમ તો આ અનુભવ સૌનો હશે જ…
આ આંગળીઓના ટેરવેથી કેટકેટલું ઝર્યું હશે?
ને હૈયાના હોજમાંથી ત્યારે કેટકેટલું સર્યું હશે?
સમયનાં પડ, બની થડ, જામી જાય છે મૂળ પર,
પણ પાંદડીઓ વચ્ચે પતંગિયા જેવું કૈંક ફરફર્યું હશે….
૨. વિદેશ આગમન પૂર્વે
આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે? અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્મૃતિમાંથી સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. આટલી જન્મ વિશેની, સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે.
ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરનાં નળિયાંના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. ત્યાં હતું એક ગોરસ આમલીનું ઝાડ. ઘરથી થોડે દૂર ગામનો એક કૂવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ લોકગીતોને ગણગણતી, પાણી ભરતી તે હું જોતી. વચ્ચે કલરવતાં પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને એ ખૂબ ગમતું. ગમે તેટલી ઉંઘ આવતી હોય તો પણ એ જોવા માટે જાગતી. હવે એમ લાગે છે કે ત્યારથી જ કલા પ્રત્યેની અંદર પડેલી રુચિ જાગવા માંડી હશે.
૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો, અને કદાચ… જો ત્યાંથી આપણા સૌના સદ્ગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ, તો દૂનિયા દેખાઈ સાવ અનોખી
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે? હવેની પેઢીનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડૉક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “ઍપલ વૉચ”પર, યુટ્યુબ પર, આઈપૅડ/ટૅબ્લૅટ પર,આઈફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશું? મનનો અભિગમ પરિવર્તનને આશીર્વાદરૂપે આવકારે છે, પણ જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઇચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી રાખવી જરૂરી છે.
अति सर्वत्र वर्जयेत् ।।
પિતાજી અમદાવાદના વતની એટલે મારો ઉછેર પણ ત્યાં જ. અમદાવાદની સાંકડીશેરીમાં આવેલ ઝુંપડીની પોળનું એ ઘર. આમ તો દાદા શરાફી પેઢી ચલાવતા. તેથી અમારી અટક બેંકર હતી. પણ પિતાજીની ઘણી નાની ઉંમરે, દાદાના ગયા પછી, કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું. ભાડાના ઘરમાં રહેતાં થયાં. ઘર તો ભાડાનું; પણ લાગે સાવ પોતાનું. ૨૩ વર્ષની ઉંમર સુધી ત્યાં જ વસવાટ.
નાનું ઘર આર્થિક સંકડામણ અને ૧૦ માણસોનો સહવાસ. છતાં પણ એ સ્મરણો આજ સુધી શ્વાસની જેમ સાથે જ રહ્યાં છે. ક્યારેક રડાવ્યાં છે, ક્યારેક હસાવ્યાં છે, છતાં સતત મહેક્યાં છે. કુંભારના ચાકડાની જેમ બધાં જ ભાઈબહેનોને તાવ્યાં છે, ટીપ્યાં છે, કસ્યાં છે અને એ રીતે દરેકને પોતપોતાના સ્વત્વ પ્રમાણેના આકારે ઘડ્યાં છે. એ ઘરની એક એક ભીંત, ફર્શનો પથ્થર, ગોખલા, ઓરડી, છજું, અગાશી, છાપરું, આજે પણ જ્યાં હોઈએ ત્યાં આવીને વાતો કરે છે. મનનો સંઘર્ષ પણ ક્યાં ઓછો હોય છે?
દાદીમાની વાર્તાઓએ મારી કલ્પના શક્તિને નાનપણથી જ ખીલવી. એ મને બહુ કામ કરાવતા પણ વાર્તાઓ સરસ કહેતા. મને બહુ મઝા આવતી. કેટલીક તો એ પોતે ઘડી કાઢતા. હું પણ આજે એવું જ કરું છું! મોટા ભાઈ અને બહેનને નિશાળે જતા જોઈ હું બહુ ખેંચાતી ને વિચારતીઃ હું ક્યારે નિશાળે જઈશ? લખતાં અને વાંચતાં આવડી જાય તેની મનને ખૂબ જ ઉતાવળ હતી. ભાઈબહેનોની વાતો અને કક્કો-બારાખડી, ૧ થી ૧૦ નંબરોની અને આંકની ચોપડીઓ વગેરેમાંથી જાતે જાતે શીખ્યા કરતી. ખાનગી બાલમંદિરોની ફી તો પોસાય તેમ હતું જ નહિ એટલે સીધી ૬ વર્ષની થઈ ત્યારે જ મફત ભણાવતી મ્યુનિસિપાલિટીની શાળામાં પ્રવેશ લીધો. એક જ નાનકડી રોજે રોજની અગાઉથી થતી જતી તૈયારીની સાહજિક વૃત્તિ, શિક્ષકોના પાઠો અને જલદી જલદી ‘હોમવર્ક’ કરી લેવાની આદતને કારણે દરેક બાબતમાં આપમેળે જ રિયાઝ થતો ચાલ્યો. પોળના નાકે આવેલ બાલભવનનાં તો બધાં પુસ્તકો એમ જ વંચાતા જાય. મને નથી યાદ કે ક્યારેય પરીક્ષા વખતે ઉજાગરા કરીને વાંચ્યું હોય. પરીક્ષાનો ‘હાઉ’ ક્યારેય લાગતો જ નહિ.
વિચાર કરું છું કે આ બીજ ક્યાંથી વવાયાં? વાતાવરણમાંથી? સંજોગોમાંથી, માના મૂળ અને અનુરાગમાંથી? કદાચ આ બધામાંથી. પણ તો પછી દરેક વ્યક્તિને એ લાગુ પડે ને? દરેક માનવીને એના સંજોગો હોય છે, એનું વાતાવરણ હોય છે અને મૂળ પણ હોય છે જ ને? તો બધા જ એક સરખા રસ-રુચિ કે આદતયુક્ત કેમ નથી હોતાં? આ એક ખૂબ રસપ્રદ મનન છે કે એક જ ઘરનાં બાળકો જુદાં જુદાં કેમ હોય છે? સર્જનહારે તો સૌને અંગ-ઉપાંગો, મન બુધ્ધિ, હ્રદય,આંખ, કાન, વિચાર-શક્તિ આપેલાં છે. તો વ્યક્તિત્ત્વ જુદા કેવી રીતે ઘડાય છે? ઊંડાણથી વિચારીએ તો એમ લાગે છે કે જેના મૂળમાં જે રસના બીજ વધુ શક્તિશાળી તે તે મુજબ તેની પ્રક્રિયા અને વિકાસ થતો જાય. દા.ત. બગીચામાંથી પસાર થતા હોઈએ તો કોઈ ગુલાબ ચૂંટે, કોઈ મોગરા પાસે જઈ સુવાસ માણે તો કોઈ વૃક્ષની પાસે ઊભા રહી આનંદ પામે. આ એનું સ્વત્વ.
સ્મરણો ક્યાં ક્યાં ખેંચી જાય છે? આ લખું છું ત્યારે પ્રાથમિક શાળાનાં ઘણાં શિક્ષકોના ચહેરા નજર સામે યથાવત તરવરે છે. ભણતાં ભણતાં જેમની સાથે નાટકો ભજવ્યાં કે ગરબા કર્યાં તે સૌ સખીઓનાં નામો,ચહેરા, અરે,ઘણી બધી વક્તૃત્વ હરિફાઈ માટે તૈયાર કરેલી સ્પીચ અને રજૂઆત પણ અકબંધ સ્મૃતિમાં સચવાયેલી છે!
તે સમયની આર્થિક અગવડો અન્ય પ્રવૃત્તિઓમાં નડતી ન હતી. કોઈ ને કોઈ રીતે આવડતને અવકાશ મળી જ જતો. એ માટે હંમેશા હું શિક્ષક-વિદ્યાર્થીના પરસ્પરના આદર અને પ્રેમભાવને જ નમન કરું છું. આજે પૈસો સર્વસ્વ બની ગયો છે. કારણ કે, આપણે એના આધિપત્યને સ્વીકાર્યું છે, પોષ્યું છે, પંપાળ્યું છે અને પરિણામે એના ગુલામ બની ગયા છીએ, એમ માનીને કે આપણે કેટલાં સ્વતંત્ર અને સમૃદ્ધ થયા છીએ!! ખરેખર સાચું શું છે? સવાલોના આ તણખા આજે તો મનને દઝાડે છે પણ કદીક, ક્યારેક, કોઈકને કિરણ બની અજવાળે તો કેવું સરસ?
મ્યુનિસિપિલ હાઇસ્કૂલની થોડી વાતો અને યાદગાર પ્રસંગોએ પણ મનને એક સરસ દિશા ચીંધી..સાલ હતી ૧૯૬૪ની. ત્યારે હું ૧૧માં ધોરણમાં. તે સમયે ૧૨મું ધોરણ ન હતું. અગિયારમાં ધોરણ પછી તરત જ પ્રિ.આર્ટ્સ, સાયન્સ, કોમર્સ વગેરે શરૂ થાય. શાળાની ‘પ્રિલિમિનરી’ પરીક્ષાના પરિણામનો એ દિવસ. દરેક વિષયના શિક્ષક પોતે જ, જે તે વિષયનું પરિણામ જાહેર કરે. જે કંઈ કહેવા લાયક હોય તે કહેતા જાય અને તે મુજબ ફાઈનલ પરીક્ષાની તૈયારીઓ પણ થવા માંડે. તે રીતે ગણિતના શિક્ષક વર્ગમાં આવ્યા. પરિણામની જાહેરાત શરૂ થઈ. એક પછી એક નામો બોલાતા ગયાં, કેટલાં માર્ક્સ મળ્યા તેની જાહેરાત અને જરૂરી સૂચનો પણ અપાવા માંડ્યા. તે દિવસે મારું નામ જ ન બોલાયું. મને એમ કે, દર વખતની જેમ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જ હશે એટલે છેલ્લે બોલાશે અને મોટે ભાગે એમ જ બનતું. તે સમયે આત્મવિશ્વાસ પણ લગભગ અભિમાન જેવો હતો અને તેનું કારણ પણ શિક્ષકો જ હતાં! કારણ કે મને સૌએ ખૂબ જ પોરસાવી હતી.
આમ, આવું બધું વિચારતી હું રાહ જોયા કરતી હતી ત્યાં તો એક સખત મોટો શાબ્દિક ધડાકો થયો. સાહેબના કડક શબ્દો હતાઃ “ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.” ઓ મા…હું તો હેબતાઈ ગઈ! સાહેબ આ શું બોલે છે? ફરી પાછી ચહેરાની રેખાઓ થોડી તંગ કરી, મારી તરફ જોઈ બોલ્યાઃ “પછી શિક્ષકોની ઓફિસમાં મળજો”. પછી તો જેવો ઘંટ વાગ્યો કે તરત કંઈ કેટલાયે વિચારોનાં વમળો લઈ હું વંટોળવેગે દોડી ઓફિસ તરફ. બે ચાર અન્ય શિક્ષકો અને પ્રિન્સિપાલ બેઠા હતા. સાહેબે મારું પેપર ખોલ્યું, પાસે બોલાવીને બતાવ્યું અને એક નાનક્ડી ભૂલને કારણે આખો દાખલો કેવી રીતે ખોટો પડ્યો તે વિષે સખત શબ્દોમાં મારી ઝાટકણી કરી, લાંબુ ભાષણ આપ્યું અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યુઃ “આખું વર્ષ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ લાવનારને આવી ભૂલ થઈ જ કેવી રીતે? ૧૦૦ ને બદલે ૯૩ માર્ક્સ? આ ચાલી જ ન શકે વગેરે,વગેરે…”આઘાત તો મને પણ લાગ્યો, આંખમાં આંસુ પણ આવી ગયાં, પણ મનમાં સવાલ મૂંઝવ્યા કરતો હતો કે, આટલા સારા સાહેબ આજે આટલા બધા ગુસ્સે? ઘણીવાર ઘણાંનાં માર્ક્સ ઓછા આવ્યા હતા, દાખલા ખોટા પડ્યા હતા. આજે આમ કેમ?
વાતાવરણમાં સ્તબ્ધતા હતી. થોડી ક્ષણો પછી, દુઃખી દિલે બધું ચૂપચાપ સાંભળી લીધા પછી, મેં પાણીનો ઘૂંટ પીધો. હિંમત ભેગી કરી પૂછી જ લીધુઃ સર, તમે કોઈ દિવસ નહિ ને આજે આટલા ગુસ્સે?…વાક્ય અધૂરું જ રહ્યું ને સાહેબે તરત જ જવાબ વાળ્યો. “ હા, કારણ કે, મારી હાઈસ્કુલના વર્ષોમાં ખરે વખતે મારે આવું જ બન્યું હતું. જે ભૂલ મેં કરી હતી, તે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીને ન જ થવી જોઈએ, એ ઈતિહાસ રીપીટ ન થાય અને હજી તમારે તો ફાઈનલ બાકી છે, તમે ચેતી જાવ તેથી કડવી રીતે આ કહ્યું. દરેક વખતે ઓછા માર્ક્સ લાવનારને માટે આવું ને આટલું બધું દુઃખ ન થાય. પણ જેના તરફથી શાળાને મોટી આશા છે તેની ભૂલ તો ન જ થવી જોઈએ. નાની સરખી ભૂલ જીવનમાં ન થાય તે પણ આમાંથી જ શીખવાનું છે. ગુસ્સો એટલા માટે કે જીવનભર આ વાત યાદ રહે.” સાંભળીને હૈયું એક થડકારો ચૂકી ગયું. બસ, તે દિવસે, અધ્ધર ઊડતા મારા પગ ધરતી પર આવી ગયા. અને એ સંવેદનાએ, તે રાત્રે કાગળ પર થોડા અક્ષરો પાડયા. બધા જ શબ્દો તો યાદ નથી. બીજી સવારે માનીતા શિક્ષકને એ કાગળ આપી દીધો હતો..પણ મુખ્ય ભાવની એક પંક્તિ સ્મૃતિના દાબડામાં આજસુધી અકબંધ રહી
‘લાવું નંબર એસ.એસ.સી.માં, સેન્ટર અમદાવાદમાં,
કરું પ્યારી શાળાના નામને, રોશન અમદાવાદમાં..’
સર્જનની કેવી પીડાજનક પ્રક્રિયા? એ વાત દિલમાં હંમેશાં કોતરાઈ ગઈ અને સતત કામે લાગી. આખરે કોલેજની ડીગ્રીમાં યુનિવર્સિટિમાં પ્રથમ આવી ત્યારે મનમાં શાતા થઈ.
આ વાત અહીં અટકતી નથી. વર્ષો વીત્યાં, અમેરિકા આવી. એક દિવસ દીકરાનું mathનું ‘હોમવર્ક’ જોતી હતી. એક જગાએ નાનક્ડી, લગભગ એવી જ (!) એક ભૂલ જોઈને ગણિતના એ સર યાદ આવ્યા. દીકરાને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. તે સમયે એરોગ્રામ લખાતા. વચ્ચેના વર્ષોમાં કોઈ સંપર્ક રહ્યો ન હતો. છતાં તરત જ મેં ડાયરીમાંથી સરનામુ શોધી કાઢી, પેલી જૂની વાતને યાદ કરતો એક (aerogramme) પત્ર ગણિતના સરને લખ્યો. ૧૫ દિવસ પછી તેમના દીકરાનો આંસુભીનો જવાબ આવ્યોઃ “તમારો પત્ર મળ્યો, મેં વાંચ્યો, પણ પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી. ગયા મહિને જ…. હવે તેમણે શીખવાડેલું ગણિત હું જીવનમાં શીખું છું અને શીખવાડું છું”. વાંચીને ગળે ઊંડો ડૂમો ભરાઈ આવ્યો. આવા શિક્ષકો હવે ક્યાં મળે?!
મન ચક્ડોળે ચડ્યું. આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ તો મેળવે છે, પણ શું જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?
સ્મરણની આ ખડકી, આજે અર્થસભર સર્જનની સાંકળ ખોલી કેવી રણકી ગઈ?!! જિંદગીમાં ક્યારેક આવી ઘટનાઓ વંચાય અને દીવાદાંડી બને એવી શુભ ભાવના.…મનની ભીતરમાં ભર્યા છે ખજાના, સાગર મહીં જેમ મોતી સુહાના,
સાચાં કે ખોટાં, સારાં કે નરસાં, કદી ન જાણે કોઈ અંતરની માળા.
આ શાળાએ ભણતરની સાથે સાથે ઘડતરમાં વળી નોંધપાત્ર ફાળો નોંધાવ્યો.. એ ચાર વર્ષની કારકિર્દી યશસ્વી તો રહી જ, પણ તે સિવાય કવિતા તરફનો અનુરાગ અહીંથી શરૂ થયો. તે વખતનો મારો કવિતા-પ્રેમ, લાયબ્રેરીમાં અવારનવાર જવાની વૃત્તિ, સુંદર નિબંધો લખી શિક્ષકોને બતાવવાની ઘેલછા વગેરેએ આજે એનું સામ્રાજ્ય જમાવી જ દીધું છે.
જે નથી એના અભાવની અનુભૂતિને રડતાં રહીને માણસે બેસી રહેવાનું હોતું નથી. તકલીફનું પક્ષી માથે બેસે તો એને ઊડાડી દેવાનું હોય. એને માળો ન બાંધવા દેવાય. સમય સૌનો ક્યાં સદા એક સરખો રહે છે? એની પણ આવનજાવન ચાલુ જ રહે છે. આપણે તો બસ ચાલતાં રહેવાનું છે, એની સાથે જ, પણ પરવા કર્યા વગર. સુખ મળે તો છક્યાં વગર અને દુઃખ મળે તો રડ્યાં વગર. પોતે જ પોતાના નાવિક બની નૈયા તરાવતાં રહેવાનું છે. જીવનની સહેલ લાંબી હોય કે ટૂંકી. આપણે જ એને પાર કરવાની છે અને તે પણ સાચી દિશામાં રહીને, યોગ્ય રીતે હંકારીને. બધી જ શક્તિ સૌને મળેલી છે અને તેને ખીલવવાની છે.
જુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
૧૯૬૪માં અગિયારમાં ધોરણમાં સ્કૂલમાં પ્રથમ અને સારા ટકા હોવાથી અડધી ફી તો માફ જ હતી. છતાં પણ સૌથી ઓછી ફી વાળી અને ચાલીને જઈ શકાય તેવી અને સવારની જ કોલેજ પસંદ કરવાની હતી. પ્રિન્સિપાલને લાગ્યું કે હું તો સાયન્સ શાખામાં જ હોવી જોઈએ તેથી આર્ટ્સનું ફોર્મ જોતાં આશ્ચર્યથી પૂછપરછ કરી. મારે તો નોકરી સાથે ભણવાનું હતું ને? એટલે જાતે જ નક્કી કરી લીધું કે, સવારની કોલેજ અને બપોરની નોકરી કરીશ. સંજોગો સમજણ અને શક્તિ બંને આપી દેતા હોય છે!
સોળ-સત્તરની એ ઉંમરે સુંવાળા સપનાઓ સેવવાના બદલે વિષમ પરિસ્થિતિઓમાંથી રસ્તા કાઢવાનું અહીંથી શરૂ થઈ ચૂક્યું હતું. જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનો ભેદ પણ ત્યારે જ પરખાવા માંડેલો. તે સમયની વાંચન ભૂખ ‘યેનકેન પ્રકારેણ’ સમયને ચોરીને પણ પૂરી કરી લેતી. ડાયરીઓમાં સારાં સંકલનો થતાં રહ્યાં, ભીતર ઘણું કસાતું ગયું અને સ્વ-અક્ષરો પણ ઉપસતાં ગયાં.
પ્રારબ્ધ-પુરુષાર્થના પાઠો વિશે ‘પરમ’ સાથે અનેક પ્રશ્નોત્તરી મનમાં ને મનમાં સતત ચાલતી. પણ જાત સિવાય કોઈ ધર્મગ્રંથો, પ્રવચનો કે મંદિરોની મૂર્તિઓમાંથી કશો ઉત્તર ન મળતો. ઊલ્ટાનું વધુ ને વધુ કસોટીઓ અનુભવાતી ગઈ. પછી તો એની પણ આદત પડતી ગઈ! આજની ચાલુ ગાડીમાંથી પાછલા અરીસામાં જોઉં છું તો સમજાય છે કે જે હતું તે ભલે સારું ન હતું, પણ કદાચ સારા માટે હતું.
આજના સુખ-સવલતો વચ્ચે ઉછરતા બાળકો આ બધું ક્યાંથી મેળવશે? વસ્તુની જેમ વ્યક્તિઓ બદલાય છે અને વહેંચાય છે. લાગણીઓનાં પાનાં પણ ગઈકાલનાં વાસી છાપાંના સમાચારોની જેમ એક કોરાણે મૂકી દેવાય છે. આ લખવાનો આશય અને ધ્યેય પણ અંતરના સ્વત્વને જગાડવાનો છે. હવે પછીની પેઢીનાં પ્રશ્નો અને મૂંઝવણો સમયાનુસાર જુદાં હશે, આર્થિક નહિ હોય; પણ ઉકેલ તો સૌને પહેલાંના લોકોની જેમ જ પોતાની મેળે જ કાઢવાનો રહેશે એ હકીકત સમજાવવાનો છે, દિલથી..
કોલેજમાં જાણીતા સાહિત્યકારો જેવાં કે, શ્રી યશવંત શુક્લ, હાસ્ય લેખક શ્રી મધુસૂદન પારેખ, ટાગોરની બંગાળી કૃતિઓના અનુવાદક શ્રી નગીનદાસ પારેખ અને સંસ્કૃત વિષયના શ્રી પી.સી.દવે મળ્યા, તો મિત્રો પણ ખૂબ ઉમદા મળ્યા. તે સૌ સાવ પોતાના લાગતા. એ વાતાવરણ, ઈતરપ્રવૃત્તિ અને ગીતા, વેદ, કાલિદાસનાં મહાકાવ્યો, શબ્દાર્થમીમાંસા ઘણું બધું શીખવા મળતું. એનાં ખરા અર્થો સમયની સાથે સાથે અનુભવની એરણ પર ટીપાતાં ટીપાતાં ખુલતા ગયા.
ઈતરપ્રવૃત્તિઓની યાદો પણ મનના એક ગોખલેથી ઝળહળ્યાં કરતી રહે છે. સંસ્કૃત ભાષામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ફાધર વાલેસની હાજરીમાં પ્રથમ ઈનામ મેળવ્યું હતું. કવિ શ્રી ઉમાશંકર જોશી હસ્તક કાવ્યપઠન માટે પણ ઈનામ મેળવ્યું હતું. કોલેજના એ ચાર વર્ષે ઘણું બધું આપ્યું. કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત વિષયમાં યુનિ.નો ગોલ્ડ મેડલ મેળવ્યો એ સિદ્ધિ આખી જિંદગી ખુશી અપાવતી રહી અને એને જાળવી રાખવા માટે પ્રેરતી રહી. શિક્ષકોએ સાચું જ કહ્યું હતું કે, કોઈપણ વસ્તુ મેળવવી સહેલી છે, એને જાળવવી અઘરી છે એ શીખ મનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને હંમેશા વારંવાર દ્વિધાઓના વળાંક પર દિશાઓ બતાવતી ગઈ. આમ, આર્થિક વિટંબણાઓએ શિક્ષણનો રાહ જરા ( વિજ્ઞાનના ક્ષેત્રમાં ન જવાયું એ રીતે) વાળી તો લીધો.પણ એનો ઝાઝો અફસોસ ન થયો. કારણ કે, દરેક સ્થિતિમાં ‘પ્રાયોરીટી’ પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે. અને સાચું શિક્ષણ તો જિંદગીમાંથી મળતું જ રહેતું હોય છે ને? એમ વિચારી મનને જલદી મનાવી લેવાતું.
સવારની કોલેજની સાથે સાથે બપોરથી સાંજના સમયની જૉબ કરી. કદીક ટ્યુશન કર્યા, ટાઈપીંગની નોકરી કરી. જે કાંઈ પૈસા મળતા તે ઘર-ખર્ચમાં ઉમેરણ થતું. બસને બદલે ચાલીને કોલેજ જતી. કપડાંની બે કે ત્રણ જ જોડ રહેતી. એક જોડ ચંપલ ઘણાં વરસ ચાલતી અને એક સ્વેટર ઘણાં શિયાળા ટૂંકાવતી. ૬ ભાઈબહેન હતાં ને? પણ કોણ જાણે એ અભાવ ત્યારે બહુ નડતો નહિ. કારણ કે, બીજી સિદ્ધિઓના ગૌરવ આગળ અભાવો ઝાંખા પડતા. આજે એ બધા દિવસો યાદ કરું છું તો હવે…હવે વસમું દેખાય છે. છતાં યાદ કરવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, તેમાંથી ઘણું શીખવા મળ્યું અને તેથી વારંવાર યાદ કરી વાગોળવું ગમે છે.
સ્મરણની આ શેરીના વળાંકો કેવા કેવા મોડ પર લાવી ખડા કરી દે છે! અને કેવા જુદા, નવા રસ્તાઓ ખોલી આપે છે!! ૧૯૬૮માં યુનિવર્સિટીની નોકરી શરૂ કરી. ક્લાર્ક તરીકે એકાઉન્ટ વિભાગમાં શરૂઆત કરી. પછી તો સમયાનુસાર પરીક્ષા વિભાગ, અનુસ્નાતક વિભાગમાં અને લાયબ્રેરીમાં પણ કામ કર્યું. તે અરસામાં ઉંમર ૨૦ વર્ષની. એક મોટા કુટુંબની આદર્શ વહુ થવાના ત્યારે ઓરતા જાગ્યા. એક તરફ પોતાના નાનાં ભાઈબહેનો તો બીજી તરફ?! અવનવી દ્વિધા વચ્ચે મન ઝુલતું હતું. દિલ અને દિમાગ વચ્ચે રકઝક ચાલ્યા કરતી હતી.
તેવામાં યોગાનુયોગે જ્ઞાતિ બહારના એક યુવક સાથે જરા મન મળ્યું. નાતજાતના કે ધર્મ સંપ્રદાયોના વાડામાં હું ક્યારેય માનતી ન હતી. ઘરમાં પણ ક્યાં બંધન હતું? પણ સામે પક્ષે જબરદસ્ત ઉહાપોહ અને વિરોધ હોવાને કારણે, ફરી પાછો થોડાં વર્ષો, એક નવો સંઘર્ષ સામે આવી પડ્યો. નવલકથાની જેમ વહેતાં જતાં એ સમયની લાંબી પીંજણ કર્યા વગર એટલું જ કહીશ કે ત્રણ-ચાર વર્ષની ધીરજ અને અવિરત મક્કમતા સરસ કામે લાગી. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ એ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે’ એમ માની એ કસોટીકાળ પૂરો કર્યો અને ૧૯૭૧માં બહોળા નાગર પરિવારના ધ્રુવ કુટુંબમાં પ્રવેશ કર્યો. દૈવયોગ તો કેવો?! રગેરગમાં ભરેલા સાહિત્ય, સંસ્કૃત અને સંગીતનાં બીજને જાણે હવા, પાણી અને પ્રકાશ મળ્યાં!!
નવા જ રીતિરિવાજો, રહેણીકરણીમાં સ્વયંને ઢાળી અને વાળી. ઘણું ઘણું અહીં શીખવા મળ્યું. ૧૧ ઓરડાઓ, ત્રણ અગાશીઓ, મોટો ચોક અને ધાબાવાળા ત્રણ માળના મકાનમાં, વિશાળ સંયુક્ત કુટુંબ મધ્યે થતી તહેવારોની સામૂહિક ઉજવણી, પૂજા-પાઠ, સ્તુતિ, આરતી, મહેમાનોની સતત અવરજવર, દિવાળી-હોળી-ઉત્તરાયણના ઉજવાતા ઉત્સવો વગેરેમાંથી પસાર થતાં વ્યક્તિત્વને, ભીતરથી એક નવો જ આયામ મળતો ગયો. એકદમ સ્વતંત્ર રીતે વિકસેલી મનોવૃત્તિને અહીં સ્વયં સમજણ અને સમજૂતીના સરસ પાઠો મળ્યા. સાચા અર્થમાં અને વ્યવહારુ રીતે અહીં ભણતરનો ઉપયોગ થતો ચાલ્યો. પરિણામે શરૂઆતનો સંઘર્ષ થોડાંક જ સમયમાં ઓગળતો ચાલ્યો અને સાહિત્ય, સંગીત અને સંસ્કાર-પ્રિય કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળીને એકરૂપ થઈ શકાયું. સૌનો સ્નેહ અને શાંતિ એ જ તો ખરો આનંદ. માનવી માત્ર સારો છે માત્ર સંજોગો ક્યારેક વર્ચસ્વ જમાવી દેતા હોય છે !! life is continuous a learning process. સાચા મનથી અને ધીરજથી શીખવાની ભાવના હોય તો સારું ગ્રહણ કરી શકાય છે. એકવાર સારી આદતો પડ્યા પછી એ જ તો ક્રમ બની જાય છે અને સફળતા આપમેળે મળતી રહે છે.
ગીતામાં જરા અઘરી રીતે આ જ વાત કરી છે ને? બસ, કર્મ કર્યે જાવ. ફળ તો આપોઆપ મળશે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
જે અવસ્થામાં જે કાંઈ સામે આવી મળે છે તેને યોગ્ય રીતે સ્વીકારીએ, એને વિક્સાવીએ તો સારા વાવેલાં કે મળેલાં બી, થોડી અમસ્તી માવજતથી ઊગ્યા વગર નથી રહેતા. સમય સમયનું કામ કર્યે જાય છે. કોઈનો સમય એકસરખો ક્યારેય રહેતો જ નથી.
૧૯૭૫ થી ૮૦ના ગાળામાં તો નસીબ આડેનાં પાંદડે એક જુદો જ રંગ ધર્યો..
૩. અમેરિકામાં આગમન
૧૯૮૦ની એ સાલ. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર ખિસ્સામાં માત્ર ઍરપોર્ટ પરથી મળેલા ૨૪ ડોલર રાખીને પરિવાર સાથે (અમે બે અને અમારા બે પુત્રો ) પગ મૂક્યો ત્યારે….ઓહોહો….આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું. ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓનાં ચક્રો, આબોહવા, રીતરિવાજ, લોકો, બધું જ સાવ નોખું. પ્રજા પંચરંગી. તે સમયે ડૅમોક્રૅટીક પ્રમુખ હતા જીમી કાર્ટર. જો કે, તે જ વર્ષમાં ચૂંટણીનો માહોલ હતો અને વર્ષના અંત સુધીમાં તો પ્રેસીડેન્ટ મિ. રોનાલ્ડ રેગન ચૂંટાઈ આવ્યા.
તે સમયે સાવ જ અલગ દુનિયામાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ એ યાદ કરી, આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.
સૌથી પહેલી અને તાત્કાલિક જરૂરિયાત હતી અર્થ ઉપાર્જનની અને બાળકોને સ્કુલમાં દાખલ કરવાની. તે સમયે તો ઈન્ટરનેટ હતાં નહિ, તેથી ફાઈલમાં resumeની કૉપીઓ બનાવી હતી તે બધી લઈને ઠેરઠેર ફરવું પડતું. સવારથી બ્રાઉન બેગમાં સૅન્ડવિચ ભરી અમે બંને નીકળી પડતાં. પોતપોતાની રીતે ટ્રેઈનમાં બધે ફરતાં. બપોર પડે નક્કી કરેલી જગાએ, સાથે સૅન્ડવિચ ખાઈ લેતાં, ફરી પાછાં સાંજ સુધી જૉબની રખડપટ્ટી. ‘સેલ ફોન’ તો હતા નહિ તેથી આખા દિવસનો પ્લાન સવારથી જ નક્કી કરી દેવો પડતો કે કેટલાં વાગ્યે, ક્યાં મળીશું વગેરે વગેરે..
એક મહિનાના એ સંઘર્ષની વિગતે વાતો પહેલાં બાળકોનો સ્કુલમાં પ્રવેશ, શિક્ષણ પધ્ધતિ અને શિક્ષણ-પ્રથાની વાતો લખવી જરૂરી છે. પ્રવેશ અંગેના પ્રથમ અનુભવની વાત કરું. અહીંની નિશાળોમાં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયૉર્ક આવ્યા. પહેલા જ અઠવાડિયામાં બંને બાળકોને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરૂ થતા વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ. અમારાં આશ્ચર્યો વચ્ચે, માર્ગદર્શક શિક્ષક બહેન, અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠાં અને અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો. એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભાં જ થઈ ગયાં! કારણ કે, અમારાં મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોમાં એડમિશનની ચિંતા કરતાં માબાપોનાં દૃશ્યો ચાલતાં હતાં! આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુદ્ધિધન હોવાં છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે સમજાયું. વિચારોની ક્ષિતિજો ત્યારે ખુલતી અનુભવાઈ.
બીજું, અહીં મોટામાં મોટી વાત તો એ કે હાઈસ્કૂલ સુધીનું ભણતર પબ્લિક શાળાઓમાં તદ્દન ફ્રી હોય છે અને તે સ્કૂલો સારી પણ હોય છે. નિયમો એટલા કડક હોય છે કે, શિક્ષકોને કામનો બોજો ખરો પણ વિદ્યાર્થીઓને સવલતો વધુ. જો કે, પ્રાથમિક ધોરણે આપણા દેશની આંક વગેરેની પધ્ધતિ વધારે સારી. કદાચ એટલે જ આપણે ત્યાંથી પાયાનું શિક્ષણ લઈને આવેલાં બાળકો વધુ તેજસ્વી નીવડે છે અને દરેકની મહેનતની કદર થાય છે અને વળતર પણ મળી રહે છે; પણ મોટો ફરક એ છે કે, અહીં તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ આગળ લાવવાની વિવિધ રીતો અપનાવવામાં આવે છે. પરિણામે દરેક લેવલની વ્યક્તિઓને પ્રગતિનું એક વધુ સોપાન મળી રહે છે. એક તો અહીં ‘મેટ્રોપોલીટન’ પ્રજા છે. એટલે દરેક દેશમાંથી આવેલ જુદી જુદી માટીનાં મૂળિયાંઓને આ ભૂમિની આબોહવામાં ખીલવવાનાં હોય છે. કામ કપરું છે પણ જબરી કુનેહથી કરવામાં આવે છે. તેથી આપણા દેશમાંથી કે કોઈપણ બીજા દેશમાંથી પોતાની માતૃભાષા ભણીને આવેલા વિદ્યાર્થીઓ જોતજોતાંમાં તો અંગ્રેજી શાળાઓમાં દૂધમાં સાકરની જેમ ભળી જતા હોય છે. એટલું જ નહિ, પોતાને યોગ્ય વિષય પકડી આગળ વધતા રહેતા હોય છે, સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને વિકાસ સાધે છે. અહીં એ અંગે મોટા મોટા ડોનેશન, ટ્યુશન અને લાગવગ વગેરે નથી હોતાં. એટલે કે, જીવનની ખૂબ જ જરૂરી વસ્તુઓમાં, સૌને એકસરખી સહાય મળી રહે તેવી વ્યવસ્થા હોય છે.
આની સાથે થોડા નાના-મોટા નડેલા સંઘર્ષોના પ્રસંગો પણ સાંભરે છે જ. એક તરફ જૉબ શોધવાની રઝળપાટ અને બીજી તરફ ન્યૂયોર્કની ૧૦ સ્ટ્રીટ ચાલીને ઘેર એકલા પાછા આવતા દીકરાઓની ચિંતા. એક વખત તો એવું પણ થયું કે ટ્રેઈન મોડી પડવાને કારણે ઘેર આવતાં મોડું થયું, છોકરાઓ વહેલા ઘેર પહોંચી ગયા તો ઘરનું તાળું તૂટેલું અને ચીજ વસ્તુઓ વેરવિખેર. આવા ઘણા બધા ચડાવ-ઉતારની વચ્ચે એક વખત એમ બન્યું કે, ઘર બદલવાને કારણે, દૂરની બસ લેવા મૂકવા આવે એવી સ્કૂલમાં નાના દીકરાને પ્રવેશ મળ્યો. પણ ડ્રાઈવર તો છોકરાને ઉતારી દે. લેવા જનારને બે-પાંચ મિનિટ મોડું થાય તો એકલા રોડ પર ઉભેલા દીકરાને કોઈ ઉપાડી લઈ જશે તો? એવી પણ એક દહેશત મનને કોરી ખાય. એક વખત એવો પણ હતો કે, સાડા પાંચ વર્ષના દીકરાને દૂર મોટીબહેન પાસે મોકલી દીધો હતો. પણ રાતદિવસ જીવ વીંધાઈ જતો હતો. તેથી મળેલી જૉબ છોડી દેવી પડી હતી. છેવટે બંને ભાઈઓ એક સ્કૂલમાં જઈ શકે તેવા વિસ્તારમાં સ્થળાંતર કર્યું. ત્યાં પણ એક દિવસ કોઈ તોફાની ‘ટીનએજર’ ખભેથી દફતર ખેંચી ગયાનો બનાવ બન્યો. પરિણામે વેકેશન પડતાંવેંત ભારત જઈ, દીકરાઓને ૧ મહિના માટે દાદા-દાદી પાસે મૂકી, અહીં આવી ન્યૂયૉર્કથી ન્યૂ જર્સી સ્થળાંતર કર્યું. આવા સંઘર્ષો વચ્ચે એકમેકના સહારે રસ્તાઓ કાઢતાં ગયાં જે છેવટે ફળીભૂત થયાં. ત્યાં ૨૩ વર્ષ એક જ ઘરમાં રહ્યાં અને છોકરાઓ પણ ભણીગણી, પરણી, પગભર થયાં. એનું કારણ અમેરિકાની શિક્ષણ પધ્ધતિ. એક વાત ખૂબ આવકારદાયક છે; તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે. કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે. આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.
આ અંગે ભારતમાં વિદ્યાર્થીઓની સ્થિતિ વિચારો. ખભો તૂટી જાય તેટલા દફતરોનો બોજ, હોમવર્કનો ભાર, ટ્યુશનોનો મારો અને ગમે કે ન ગમે અન્ય પ્રવૃત્તિઓ તરફ ધક્કા. બાળકના કુમળા છોડને આપમેળે, સ્વાભાવિક રીતે વિકસવા દેવાતા જ નથી. પ્રગતિના નામે અધોગતિ તરફ ફેંકાય છે. એ રીતે અહીં, જેની જેમાં ક્ષમતા હોય તે મુજબ તેને બહાર લાવવાના પ્રયત્નો થાય છે; જે અનુકરણીય છે. એ ઉપરાંત, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવાં બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયા છે.
આ સાથે કેટલાંક cultural extreme પણ નજરે આવ્યાં જ. તે વખતે પહેલવહેલી વાર અમે ન્યૂયોર્કની ‘સબવે’ (ટ્રેઇન)માં બેઠાં હતાં. ભીડ, ઇન્ડિયાની જેમ જ સખત હતી. તેથી અમને બંનેને સીટ જુદે જુદે ઠેકાણે મળી. જ્યાં જગા દેખાઈ ત્યાં હું તો ગઈ. ત્રણ જણની એ બેઠકમાં મારી બાજુમાં એક અમેરિકન કપલ હતું અને એ બંને એકબીજાંને સખત વળગીને પ્રેમ કરતાં હતાં. તાજી જ ભારતથી આવેલી મારે માટે જાહેરમાં આવું જોવાનો પહેલો આઘાતજનક અનુભવ હતો. એકદમ ચોંકી જવાયું. મને તો સખત આંચકો લાગ્યો!. એ લોકોના બદલે જાણે કે મને શરમ, ભોંઠપ એવું બધું થવા લાગ્યું! પછી તો ક્યારે સ્ટેશન આવે ને હું અહીંથી ઊભી થઈને ભાગું એમ થયું! જાહેરમાં આવું ? બાપ રે! ધીરે ધીરે વિચારતાં સમજાયું કે આ વાતાવરણ ફેર! આ સંસ્કાર ફેર! આ કુટુંબ અને સમાજ-વ્યવસ્થામાં ફેર! હજી આજની તારીખમાં પણ આ દેશ અંગે એ વિષય પર મારા અભિપ્રાયમાં કોઈ ફરક નથી પડ્યો. ઘણી બધી બાબતોમાં અમેરિકાને અદબભેર સલામ હોવા છતાં, છડેચોક આવા પ્રદર્શનોનો હું મનથી અસ્વીકાર કરું છું. ભારતના કોઈ પણ ખૂણે, એકે હિન્દુસ્તાની આ દૃશ્ય ઊભું કરે કે જુએ તેવું મારી જાણમાં નથી. જો કે, અહીં સહેજ અટકું… હવે તો….આજના આપણા યુવાનોએ, ત્યાં પણ કેટલાંક એવાં અનુકરણોની શરૂઆત કરેલી દેખાય છે. ખેર!
વાત હવે આગળ વધારું જૉબ મેળવવા અંગેની. અમારી પાસે ડૉક્ટર, એન્જિનિયર જેવી કોઈ પ્રોફેશનલ ડીગ્રી તો હતી નહિ. એકને બેંકનો બહોળો અનુભવ અને બીજાંને યુનિવર્સિટીનો. તેથી સામેથી ઑફર તો ક્યાંથી મળે? સતત એક મહિના સુધી રોજ સવારે આશાનું કિરણ લઈને રખડપટ્ટી આદરતાં અને રોજ સાંજે નિરાશા લઈને પાછાં આવતાં. એમ કરતાં કરતાં એકને તો મનપસંદ બેંકની જોબ મળી, પણ સવાલ મારો હજી બાકી હતો. ત્યાં એક ન ધારેલી મહત્ત્વની ઘટના બની.
ન્યૂયોર્ક જેવા શહેરની કાતિલ ઠંડીમાં પાર્ક એવન્યુ પરના બિઝનેસ વિસ્તારમાં ચાલતાં ચાલતાં “બેંક ઓફ બરોડા’નું પાટિયું વાંચતા જ મોં મલકી ઊઠ્યું. મનમાં થયું કે જરી બે ચાર ભારતીયોને જોઉં, વાત કરું તો સારું લાગે. આમ તો ‘૮૦ની સાલ સુધીમાં ઘણા ભારતીયો અહીં આવી ચૂક્યા હતા અને કદીક રસ્તે જોવા મળતા પણ હતા; છતાં આજના જેટલા તો નહિ જ! બેંકનું બારણું ખોલી અંદર ગઈ. ‘Jobs availability છે કે કેમ તે પૂછવા માટે સીધી મેનેજરને જ મળી. મને ખબર ન હતી કે મનની આ આખી યે પ્રક્રિયા જિંદગીની એક મહત્ત્વની તક હતી!
મારા આશ્ચર્ય વચ્ચે એ દક્ષિણ ભારતીય મેનેજરે બેસાડી, અભ્યાસ, અનુભવ વગેરે વિશે ઈન્ટરવ્યુ જેવી પૂછપરછ કરી. એટલું જ નહિ, પોતે સંસ્કૃતના રસિયા હોવાથી અને હું સંસ્કૃતમાં સ્નાતક હોવાથી, એક શ્લોકનો અનુવાદ પણ પૂછ્યો. “આકાશં પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ”..આ તો મારો માનીતો શ્લોક! તેથી પૂરી મઝાથી વિગતે જવાબ આપ્યો. એ વિશે વધુ ઊંડાણમાં ચર્ચાઓ કરતાં કરતાં તેમણે વચ્ચે વચ્ચે, સિફતપૂર્વક મારા એકાઉન્ટસના અનુભવો વગેરે અંગે પણ ખાતરી કરી લીધી. મને ખબર પણ ન પડી એ રીતે સાચે જ મારો ઈન્ટરવ્યુ લેવાઈ ગયો! કશી પણ તૈયારી વગર બસ, એમ જ; અને પરિણામે જોબ મળી પણ ગઈ!! અનહદ આશ્ચર્ય અને અતિશય આનંદ હૃદયમાં ભરી હું ઘેર આવી. બસ, ત્યારથી બરાબર ૨૩ વર્ષ સુધી બેંકમાં ખંતથી કામ કર્યું, પ્રગતિ કરી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ક્લાર્કમાંથી સુપરવાઈઝર, સબ-મેનેજર સુધી પહોંચી શકાયું.
જીવનનાં અગત્યનાં વર્ષો બેંક ઓફ બરોડા, ન્યૂયૉર્કમાં વીતાવ્યાં. એ સ્મરણોએ પીછો ન છોડ્યો. સારા ખોટા કંઈ કેટલાય પ્રસંગો, મિત્રોનો નાતો, વાતો અને અવિસ્મરણીય ઘટનાઓ?! એ વર્ષો દરમ્યાન સહકાર્યકર, મૅનેજર્સ, એકાઉન્ટ હોલ્ડર્સ, દેશવિદેશની અન્ય શાખાઓના સ્ટાફ મેમ્બર્સ વગેરે મળીને કંઈ કેટલાયે લોકોના સંપર્કમાં આવવાનું થયું. ઘણા બધા ચહેરાઓ નજર સામે તરવરે છે. ગઝલકાર શ્રી આદિલ મનસુરીને પણ બેંકના એક ‘ક્લાયન્ટ’ તરીકે મળવાનું થતાં અહીંથી જ નિકટનો પરિચય થયો. જુદાં જુદાં વ્યક્તિત્વો અને મનોભાવોને સમજતાં શીખવાનું પણ અહીંથી વધુ મળ્યું. કેટલાક સંબંધો આવ્યા અને ગયા, કેટલાક સંપર્કો થોડાં વર્ષો રહ્યા અને કેટલાક હજી આજ સુધી ચાલુ રહ્યા. સ્મૃતિના ડબ્બામાં ઘણું બધું હજી તાજું છે, અકબંધ છે. બેંકના જ કામે Bahamasની offshore branch, Nassauમાં, વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનાનાં closingના કામે બે અઠવાડિયા માટે જવાનો લાભ મળ્યો. તે ઉપરાંત, યુએસએ. બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે, Overseas Training દરમ્યાન ભારતની જુદી જુદી શાખાઓમાં ફરવાનું પણ મળ્યું, આમ, ઘણું બધું શીખવાનું મળ્યું. બેંક ઓફ બરોડામાં ભારત દેશના જુદા જુદા પ્રાંતના લોકો કામ કરતા હોવાથી એમ અનુભવાતું કે અહીં આખું ભારત શ્વસે છે.
‘૮૦ની સાલમાં માત્ર વીસ-બાવીસ જણનો સ્ટાફ. એમાં ચાર વિદેશી સ્ત્રીઓ હતી.. તેમાંની એક આફ્રિકન અમેરિકન સહકાર્યકર સ્ત્રી સાથેનો, શરૂઆતનાં વર્ષોમાં થયેલ એક સંવાદ યાદ આવે છે. કદાચ, આધુનિક સમયમાં બહુ વિચિત્ર નહિ લાગે, પણ ત્યારે પહેલી પહેલી વાર મને એની વાત આંચકાજનક લાગી હતી. લંચબ્રેક દરમ્યાન તેની સાથે પરિચય વધ્યો હતો અને થોડી દોસ્તી પણ થઈ હતી.. એની પાસેથી અહીંની ઘણી અવનવી વાતો જાણવા મળે. આ દેશમાં ત્યારે અમારી પણ શરૂઆત હતી તેથી કુતૂહલવશ હું એને સાંભળતી. એક દિવસ એણે એક ફોટો બતાવ્યો અને કહે કે ‘આ મારું બેબી છે.’ એને બૉયફ્રેન્ડ હતો તે વાત તો અગાઉ કરી હતી. પણ છોકરું છે, તે ખબર ન હતી. હવે અમેરિકામાં કોઈને પગાર વિષે ન પૂછાય અને અંગત જાતીય સવાલો ન પૂછાય તેની જાણ હતી. તેથી કહે તે સાંભળવાનું અને મિતાક્ષરી, જરૂરી પ્રતિભાવ આપવાનો, પણ મને તો પૂછવાનું એકદમ મન થઈ ગયું. તેથી કંઈક શબ્દો ગોઠવીને બોલવા જતી હતી ત્યાં તો તે બોલી ઊઠીઃ ”અમે પરણ્યાં નથી,પણ હવે જો એનાથી બીજું બાળક થશે તો હું લગ્ન કરીશ!!” માય ગોડ, હું તો ચક્કર ખાઈ ગઈ કે આ બાઈ શું બોલે છે? એને મન આ એક રમત હશે? ગમ્મત હશે? આવા સમાજ વચ્ચે રહેવાનું? મનોમન ભારતના સંસ્કારો વિશે વિચારીને આપણા દેશને વંદી રહી.
જેને આપણે સ્વચ્છંદતા કહીએ છીએ તે અહીની સ્વતંત્રતા છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યની આ વ્યાખ્યા કદીયે ગળે ઊતરી નથી. આ અંગે પાયાના આપણા શિક્ષણને સો સો સલામ. ગમે તેટલું પશ્ચિમના દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતીય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતાં હોય.
એ સાથે જ લગભગ એ જ અરસામાં ૨૫-૩૦ કે તેથી પણ વધુ વર્ષોનું સુખી દાંપત્યજીવન જીવતા વિદેશીઓના પરિચયમાં પણ આવવાનું થયું. કોઈક પડોશી હતા, કોઈક બેંકના ખાતેદાર હતા, કોઈક છોકરાઓની સ્કુલના શિક્ષક હતા તો કોઈક વળી રોજ ટ્રેઈનમાં મળતાં સહયાત્રી હતાં. સારું-ખોટું બધે જ છે, બધાંમાં છે, એ સમજાતા વાર ન લાગી. અહીંની પંચરંગી પ્રજાનાં વૈવિધ્યપૂર્ણ માનસને સમજવું એક વિસ્મયનો વિષય બની ગયો હતો. ઈમીગ્રેશન પર આવેલા હોય કે જન્મજાત અમેરિકન હોય પણ દરેક વ્યક્તિ ઉપર પોતાના દેશની અસર હોય છે. આમ છતાં દરેક વ્યક્તિમાં પોતાની ભીતરની પણ એક સ્વતંત્ર ઓળખ અને તેમાંથી ઉપસતી એક વિશેષ પરખ બને છે.
આમ, બેંક સાથે એક પ્રકારનો વિશેષ લગાવ બંધાઈ ગયો હતો. તેથી જ તો ૨૦૦૩માં જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે હ્રદયમાં એક ઊંડી ઠેસ વાગી હતી. પરિણામે એક પદ્યરચના, ત્યારે પણ લખી હતી. છોડ્યા પછી પણ હરપળમાં બેંકની સ્મૃતિઓ છવાયેલી રહેતી.
આ આખો યે ગાળો જીવનમાં ઘણો અગત્યનો હતો. શરૂઆતના ત્રણ વર્ષમાં તો અમે ન્યૂજર્સી સ્થળાંતર કર્યું, ત્યાંના Iselin નામના નાનકડાં સુંદર ગામમાં. ત્યારે ત્યાં માત્ર એક જ ઈન્ડિયન ‘સ્ટોર’ હતો, અને એક જ મંદિર. અત્યારે તો ત્યાં માઈલોના વિસ્તારમાં માત્ર ભારતીયો જ વસે છે. એક ‘લીટલ ઈન્ડિયા’ ઊભું થઈ ગયું છે!! ત્યાંની John F Kennedy Schoolમાં બંને દીકરાઓ ભણ્યા. ગ્રેજ્યુએટ થયા, સ્પોર્ટ્સમાં પોતાની રીતે જ આગળ આવ્યા અને પોતપોતાના માટે, અમારી જેમ જ સારા પાત્રો શોધ્યા, પરણ્યા અને સરસ રીતે, સીધી રાહ પર ચાલી સ્થાયી થયા. એટલું જ નહિ, કુટુંબની નજીકની વ્યક્તિઓને ભારતથી બોલાવી, સ્થાયી થવામાં તન-મનથી સહાયરૂપ બન્યા. ખંત, મહેનત અને ઉમદા આશયથી સૌ પગભર થઈ શક્યા તેનો સંતોષ આજે ઘણો છે.
ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઘણા સારા મિત્રો મળ્યાં. સૌની સાથે હર્યાં, ફર્યાં, માતપિતાને પણ અવારનવાર બોલાવ્યાં અને સાથે સંયુક્ત કુટુંબના લાભ પરસ્પર માણ્યાં. ભાઈબહેનો સાથે પણ સ્નેહનો તાર અતૂટ રહ્યો. અમેરિકન સ્કૂલમાં ભણતા દીકરાઓ પાસેથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું. પડોશ પરદેશીઓનો હોવા છતાં સારો સાથ મળ્યો. ઘણીવાર વિચારું છું કે અમેરિકન પ્રજા પાસેથી વિવેક અને શિસ્ત એક એવી શીખવા જેવી જરૂરી બાબતો છે કે જો આપણા દેશમાં અમલી બને તો અડધી શાંતિ થઈ જાય અને આબાદી વધે. જેનામાં જે સારું છે તે ગ્રહણ કરવામાં નાનમ ન હોવી જોઈએ. તેની ખોટી બાજુઓ સાથે આપણને શું નિસ્બત? ઘઉંમાંથી કાંકરાની જેમ બાજુએ મૂકી જે જરૂરી છે તે રાખી લેવાય ને? નકામા કાગળિયાઓને ફેંકી ટાંકણી કાઢી લેવાની!!
આમ, તો એ વાત સાચી જ છે કે, અમેરિકા એક લપસણી ભૂમિ છે. ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? સાચું શિક્ષણ એ છે. ડીગ્રી અને ભણતર અર્થ-ઉપાર્જનમાં મદદ કરશે. પણ ગણતર અને ઘડતર સાચું જીવન જીવાડી જાણશે. યાદ રહે કે, Money is necessary but it is not the definition of happiness. A King can have world’s wealth but he may not be the happy human being. Whereas a poor person can sleep on the road peacefully. આપણા વડદાદા-દાદી બહુ ભણેલાં ન હતાં પણ સરસ જીવન જીવી શકવા માટે સક્ષમ હતાં. મારા દાદી વિશે તો એમ કહેવાતું હતું કે તેઓ સ્ત્રી દેહે પુરુષ હતા.
આ બધું લખવા પાછળ જે કહેવું છે તે એ જ કે પ્રેમ અને શાંતિથી સરસ જિંદગી જીવવી અને ભોગવવી જોઈએ, કેવી રીતે? એ દરેકના પોતાના જ હાથમાં છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, વિધાતા આપણા હાથની રેખાઓને ખૂબ ઝાંખી દોરે છે કે જેથી કરીને આપણે પોતે તેમાં મનગમતો આકાર ઉપસાવી શકીએ.. ૠતુઓ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે.
ફરી પાછાં કેટલાંક જૂના પ્રસંગો, એનો અનુભવ આંખ સામે તરવરે છે.
૧૯૮૧ની સાલ હતી. સાડા ૯ વર્ષનો મારો દિકરો ન્યૂયોર્કની સ્ટ્રીટસ વટાવતો,ચાલતો નિશાળે જતો હતો. અચાનક એણે રસ્તા ઉપર કશુંક ચમક્તું જોયું. વાંકા વળી હાથમાં લીધું તો એ વસ્તુ, એક સુંદર, હીરા મઢેલી આકર્ષક નાની ઘડિયાળ હતી. સ્કૂલે જઈ એ સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો અને પેલી ઘડિયાળ ક્યાંથી મળી તેની વાત કરીને આપી દીધી. તેના આશ્ચર્ય વચ્ચે, પોતાના ક્લાસમાં ગયો તો પબ્લિક સ્કૂલના એ પ્રિન્સિપાલે સવારની ‘એનાઉન્સમેન્ટ’માં આખી સ્કૂલ વચ્ચે તેનું નામ જાહેર કરી તેનાં કામને ખૂબ બિરદાવ્યું, ઈનામ આપ્યું અને ઘડિયાળ અંગે યોગ્ય કાર્યવાહી કરી. અમે જ્યારે શિક્ષકના ફોન-કોલથી આ જાણ્યું ત્યારે બે-ત્રણ વાતનો ખૂબ પોરો ચડ્યો. (૧ ) કશું યે ઝાઝુ, સીધું શીખવાડ્યા વગર દીકરાનું હૈયું સંસ્કારોથી સભર હતું. (૨) પારકા દેશમાં, પબ્લિક સ્કૂલમાં પણ હીરાની પરખ થાય છે એટલું જ નહિ, મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે અને (૩) ભારતીયોની એક સરસ છાપ આ રીતે ઉભી થાય છે.
એક વાત સ્પષ્ટ કરું કે હું અમેરિકાથી પ્રભાવિત થઈ ગઈ છું તેવું નથી. અંતરને તળિયે મૂળિયાંની માટીની સુગંધ તો અકબંધ જ છે. ‘મા’નું replacement હોય જ નહિ. છતાં જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે બધું જ સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ વહેંચવું ગમે જ. માતૃભૂમિ માટે મને ખૂબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દૃષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ વિશ્વની બારીઓ ખોલીને કશાયે પૂર્વગ્રહ વગર, જુદાં જુદાં પણ સાચાં દૃશ્યો આલેખવાની અને વહેંચવાની ઝંખના જાગે છે.. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, સાચો આનંદ નવા દૃશ્યો જોવામાં નહીં, પણ એ જ દૃશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. શરૂઆતનાં વર્ષોનાં અવનવાં ઘણાં દૄશ્યોમાંનાં બે રમૂજી કિસ્સા પણ સાંભરે છે.
(૧) ન્યૂજર્સીથી NJIT ટ્રૈનમાંથી બહાર આવીને ન્યૂયોર્કના એવન્યુ પર હું ચાલી રહી હતી. ત્યાં ૩૪ મી સ્ટ્રીટ પર એક આફ્રિકન અમેરિકન રમકડાં વેચી રહ્યો હતો. હાથમાં રબ્બરની દોરીવાળા ચમકતા “યોયો બૉલ”ને ઉપર નીચે ફેંકતો, વારંવાર મોટે મોટેથી ‘વન દો’, ‘વન દો’, ‘વન દો’ જેવું કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો. હું ઊભી રહી ગઈ. મને રમકડાંની સાથે સાથે એ શું બોલી રહ્યો છે એ જાણવામાં રસ હતો. મારી પણ શરૂઆત હતી. તેથી અમેરિકન ઉચ્ચારો ત્યારે સમજવા અઘરા પડતા હતા. મેં એને લગભગ પચ્ચીસ વાર સાંભળ્યો. મનમાં વિચારું કે આ ઈંગ્લીશમાં વન બોલે છે એ તો બરાબર પણ હિન્દીમાં ‘દો’ કેમ બોલે છે?!! એને તો હિન્દી ના આવડે. બીજો વિચાર આવ્યો કે, કંઈક ‘વન્દો’તો નથી બોલતો? પણ એના મોઢે ગુજરાતી તો સ્વપ્નવત્! એકદમ અશક્ય. વળી આસપાસ ક્યાંય વંદો તો દેખાતો જ નથી! બહુ વિચાર્યા પછી અને વારંવાર સાંભળ્યા પછી જ સાચું સમજાયું કે એ તો બૉલના વેચાણ માટે એની કિંમત ‘વન ડૉલર’ One Dollar બોલી રહ્યો હતો! ડૉલર શબ્દનો ડો જ બોલે. ‘લર’ તો ગળમાં જ રહેતો!
My goodness! આવી છે આ સાંભળવાની અને સમજવાની વાત. હજી આ તો થઈ સ્થૂળ સમજણની, ઉપરના અર્થની વાત. પણ સાચું સાંભળીને યોગ્ય રીતે સમજવાનો વળી એક જુદો મુદ્દો. ખરેખર સાંભળવાની પણ એક કલા છે. દરેક વ્યક્તિએ સાંભળવાની કળા કેળવવી જોઈએ.
(૨) બીજો પ્રસંગ સાંભર્યો. ૧૯૮૬ની એ સાલ હતી. હાડ ગાળી નાંખે તેવી ઠંડીના દિવસો પૂરા થઈને વસંતૠતુ ઊઘડી રહી હતી. સૂકા ઝાડની ડાળીઓ પર, લીલી લીલી, ઝીણી ઝીણી કળીઓ ફૂટવા માંડેલી. એકાદ સ્વેટરથી ચાલી જાય એવી હળવી, ગુલાબી ઠંડી હતી. અહીંની અમેરિકી પ્રજાની જેમ અમે પણ ‘વીકેન્ડ’માં ભારતથી આવેલ માત-પિતા (સાસુ-સસરા)ને લઈને ફરવા નીકળી પડ્યાં હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ ન્યૂજર્સીથી કારમાં વોશિંગટન ડી.સી. પહોંચી જઈ હોટેલમાં ગોઠવાઈ ગયાં. બીજા દિવસે, ખૂબ વહેલી સવારે અમેરિકાના પ્રેસિડેન્ટનું ‘વ્હાઈટ હાઉસ’ જોવા લાઈનમાં ઊભાં રહી ગયાં. વહેલાં પહોંચી ગયાં હોવા છતાં પણ લાઈનમાં અમે ઘણાં પાછળ હતાં. બધાં જ વ્યવસ્થિત રીતે હારમાં ઊભેલાં હતાં. ક્યાંયે કશી ધક્કામુક્કી કે ઘોંઘાટ ન હતો. બધા પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા ઊભા હતા.
અચાનક મોટેથી બાએ ‘હટ..હટ.હટ‘ કરીને પોતાની સાડીને પાછળ પગ પાસેથી સરખી કરવા માંડી. સૌની નજર એ તરફ ગઈ. એક્દમ લોકોનાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જોયું તો કમરે પટ્ટો બાંધેલું એક ભાખોડિયા ભરતું બાળક, સાડી સાથે રમી રહ્યું હતું!! બ્રાઉન કલરનું પાતળું જેકેટ પહેરેલ કશુંક ફરતું જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે એ કુરકુરિયું હશે ! એના પટ્ટાનો બીજો છેડો, દૂર ઊભેલી તેની માના હાથ સાથે બાંધેલો હતો ! બા હજી યે હટ..હટ. કરી રહ્યાં હતાં અને લોકો ખડખડ હસતાં હતાં. તેમણે જ્યારે સાચું જાણ્યું ત્યારે કહેઃ મેર, મૂઆ! એટલામાં તો માંડ ચાલતાં થયેલાં બીજાં ત્રણેક નાનાં બાળકો લાઈનની બહાર આવીને તેને રમાડવાં માંડ્યાં. એમાં એક હતું ચાઈનીઝ બાળક, બીજું અમેરિકન અને ત્રીજું મુસ્લિમ બાળક. કોઈ કોઈની ભાષા જાણતું ન હતું. અરે, બરાબર બોલતાં પણ ક્યાં આવડતું હતું? છતાં ખૂબ સરસ રીતે ત્રણે જણ એકમેક સાથે ભળી ગયાં હતાં. દસ પંદર મિનિટ પછી પેલાં પટ્ટો બાંધેલ બાળકની મા આવી, બાને વિનયપૂર્વક અને દિલગીરી સાથે ‘સોરી’ કહ્યું અને બાળકને ઉંચકીને તેની સાથે વાતો કરવા લાગીઃ
આ આખો યે પ્રસંગ લખવાનું કારણ એ કે, એમાંથી અહીંની કેટકેટલી નવીનતા જાણવાની મળી. સૌથી પહેલાં તો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહેવાની અહીંની શિસ્ત મને ગમી ગઈ. બીજું, થોડીક બાળક વિશેની અસલામતી વર્તાઈ. કૂતરાની જેમ નાનાં બચ્ચાંઓને બાંધી રાખવાં પડે એ કેવી કરુણતા! સાથે સાથે અન્ય કશાંકમાં વ્યસ્ત રહેતી માતાની મનોદશા પણ અછતી ન રહી. તો ત્રણ પરદેશી અબૂધ બાળકોની એકસાથે રમવાની મઝા આનંદ આપી ગઈ. ન વાણીનો વિખવાદ, ન રંગભેદ કે ન અહંનો પહાડ.. નરી નિર્દોષતા, નિર્વ્યાજ આનંદ.. આ બધું મોટાં થતાં થતાંમાં કેવી રીતે અદૃશ્ય થઈ જતું હશે? એના ઉપર કેવાં અને કયાં થર જામતાં જાય છે જે પ્રગતિના અવરોધક બની, આગળ જતાં આખા વિશ્વમાં અશાંતિ ફેલાવી દે છે? આ એક સનાતન સળગતો પ્રશ્ન છે. ટાગોરે કહેલાં શબ્દો “દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી” કેમ નથી પળાતા? ક્યાં શું ખામી છે?
૪. ન્યૂજર્સીથી હ્યુસ્ટનની રાહે..
ગાડી જુદે, નવે પાટે વળી.. એકવીસમી સદીની શરૂઆત જાણે જિંદગીને એક નવા વળાંક પર લઈ આવી. વાત એમ બની કે, બંને દીકરાઓ ભણી-ગણી-પરણી પોતપોતાના ક્ષેત્રે આગળ વધ્યાં. વ્યવસાય પ્રમાણે સૌએ સ્થળાંતર કર્યું. પતિને પણ હોંગકોંગ,લંડન વગેરે જુદે જુદે સ્થળે, જૉબને કારણે ફરવાનું શરૂ થયું. ભર્યુંભાદર્યું ન્યૂજર્સીનું ઘર ખાલી થઈ ગયું. ૧૯૯૮માં પ્રથમ અને ૨૦૦૨માં બીજી પૌત્રીનો જન્મ થયો.. તે ૨૦૦૪ના ઓક્ટો.મા પૌત્રનો જન્મ થયો. એ દિવસ ન્યૂજર્સીનો આખરી દિવસ હતો. ન્યૂજર્સીના ઘરના ૨૧-૨૨ વર્ષના સહસ્ત્ર સંભારણાની પોટલી બાંધી ન્યૂજર્સીથી સામાન સાથે ગાડી રવાના કરી. ઘર છોડ્યાની વેદનાએ જાતજાતના શબ્દ-રૂપ ધર્યા, ગતિ પકડી.
સૌએ સાથે મળીને સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે હવે આ કાતિલ ઠંડીમાંથી બહાર નીકળીને ભારત જેવી ઋતુવાળાં સ્ટેઈટમાં જવું અને એ રીતે જ અમે તૈયારી પણ કરી હતી. છતાં પેલાં “જૂનું ઘર ખાલી કરતાં”ની અનુભૂતિએ મનને વીંધી નાંખ્યું. ખરેખર ઘર સમેટવું એટલે જાણે જીવન સંકેલવું! કેટલું બધું છોડવાનું? છોડતાં છોડતાં રડવાનું ને રડતાં રડતાં છોડવાનું. સાચું કે ખોટું, સારું કે નરસું પણ મારું એટલું સારું! કેટલાંકના ભૌતિક મૂલ્યો તો કેટલાંક જીવથી અમોલા. અરે,વસ્તુની તો સીધી વાત, પણ સંસ્મરણો? એ તો મરણના દુઃખ જેવાં. દેખાય નહિ ક્યાંય પણ ઊંડે સુધી ભોંકાય. કાચની કણીની જેમ ખૂંચે. તોયે જીવતરના ગોખે પાછાં અચાનક ઝબૂકે! માનવના શરીરરૂપી ઘરને સંકેલતા ઈશ્વરને પણ વેદના થતી જ હશે ને? કદાચ પરિવર્તન એનો ક્રમ હશે? તો પછી એની પ્રક્રિયા સહજ કેમ નથી? સરખી કેમ નથી? માંડવું અને સમેટવું, ઉકેલવું ને સંકેલવું, જન્મ અને મરણ, મિલન અને વિરહ. ફરક કેમ? કદાચ ઈશ્વરનો સંદેશ એવો હશે કે, ફરક સમજમાં છે. સ્વસ્થતા હોય ત્યાં ફરક નથી. એટલે કે બંનેને માણો અને સ્વસ્થ રહો.
સમયને પસાર કરવા માટે શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું. પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો. આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કૂલમાં જ રહી શકાય. અહીં પૌરાણિક વાર્તા અને વિસ્મય વિશે વળી એક પ્રસંગ સાંભર્યો અને તેની સાથે પૌત્રીના પ્રશ્નથી થયેલ અનુભવ પણ.
ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હંમેશાં એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારેય મનને જચતી ન હતી. પછી તો એ વાતને વર્ષો વીત્યાં, અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઈ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં, એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નાર્થ ડોકાતાં ગયાં. છેવટે એ બોલી જ ઉઠી. બાપરે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના..આ તો બરાબર ના કહેવાય. That is not fair..ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ?
નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે? એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં, હાથીની પણ હત્યા કરી? અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતું બુદ્ધિશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતિનું માથું તો તાજું ત્યાં જ પડ્યું હતું ને? તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’ આમાંથી સમજવા મળે છે કે, કાલ્પનિક વાર્તાઓ હોય કે, સાચાં સ્મરણો હોય, તેનો દસ્તાવેજી ઈતિહાસ એક એવું સાહિત્ય છે કે, જે વિરોધાભાસની વચ્ચેથી પણ સારાસારનો વિવેક શીખવે છે, તેની વચ્ચે પણ જીવંત રહેવાનું શીખવા મળે છે.
હા, વાત આગળ વધારું. અમેરિકન લાયબ્રેરીમાં કામ કરતાં કરતાં, પછી તો બન્યું એવું કે કામથી પ્રભાવિત થઈને મને ત્યાં જ જૉબની ઑફર મળી અને મેં સ્વીકારી જેને કારણે મને મોટી હૂંફ મળી. અમેરિકાની શિક્ષણ પધ્ધતિ, લોકોનો વિવેક, વાણી વર્તન-વ્યવહારને ખૂબ નજીકથી જોવાં/સાંભળવાં અને એ રીતે અનુભવવાં મળ્યાં. ન્યૂયોર્ક/ન્યૂજર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી. નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એ વિશે પ્રસંગો ટાંકવા ગમશે.
પૌત્રીની પહેલી એલિમેન્ટરી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ હતું મિસ સીએરા. ખૂબ જ સૌમ્ય, શાંત અને વિવેકી. સદા યે હસતાં. હું વૉલન્ટીયર કામ કરતી. એ મારી પર ખૂબ જ પ્રભાવિત. દીકરાની બદલી લંડન થતાં પૌત્રીઓને પણ એ સ્કૂલ છોડીને જવું પડ્યું. છતાં પણ મેં મારું કામ ત્યાં ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ તેમણે મને પોતાની કેબીનમાં બોલાવી અને અડધોએક કલાક મિત્રભાવે વાતો કરી, મારા હવે પછીના પ્લાન વિશે પણ જાણ્યું. મને ખૂબ સારું લાગ્યું. પછી તો થોડાક સમય પછી એક ‘વીકેન્ડ’માં મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, સ્કૂલને તમારી જરૂર છે. તમે ફોર્મ ભરીને મને હમણાં મોકલાવો અને સપ્ટે. મહિનાથી ફુલ ટાઈમ જોબ શરૂ કરી દેશો. મારા આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. ખુશીના પ્રતીક તરીકે મેં ફૂલ-પાંખડી આપી તે પણ ‘YOU deserve it’ કહી પ્રેમથી પરત કરી. ત્યારપછી તો ખૂબ જ આદરપૂર્વક, આર્થિક જરૂર ન હોવા છતાં પણ મિસ સીએરા તે સ્કૂલમાં હતાં ત્યાં સુધી, મેં ત્યાં જ જૉબ કરી. તેમની સાથેનો સંબંધ પણ કાયમ માટે યાદગાર અને અકબંધ જ રહ્યો.
એવો જ એક બીજો પ્રસંગ બીજી એક સ્કૂલના પ્રિન્સિપાલ મિસ ફીમસ્ટરનો થયો. ૨૦૧૩ની સાલ હતી. મારી વર્ષગાંઠનો દિવસ. સ્કૂલના ‘ડ્રાઈવે’માં મારી કાર પાર્ક કરી હું ફોન પર મારા નવા ગુજરાતી ( કાવ્યસંગ્રહ) પુસ્તક ‘પબ્લીશ’ થયાની ખુશીની વાત કરી રહી હતી. મને ખ્યાલ ન હતો, પણ પાર્કીંગ લૉટમાં ચાલતાં ચાલતાં પ્રિન્સિપાલના કાન મારી વાત સાંભળવામાં સતેજ થયા. ફોન પૂરો થતાં તેમણે એ વિશે થોડી પૂછપરછ કરી. દરમ્યાનમાં અમે બંને સ્કૂલની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. થોડી જ વારમાં બેલ વાગ્યો અને સ્કૂલના ન્યૂઝ બુલેટિનના ટીવી પર તેમણે ઍનાઉન્સ કર્યું કે ‘ here is a news.. Please Join me to congratulate our staff, Mrs. Dhruva for her newly published foreign language Book today…હું તો છક્ક થઈ ગઈ અને પછી તો આખો દિવસ મારી પર અભિનંદનનો વરસાદ સતત વરસતો રહ્યો. વાત તો નાની સરખી હતી પણ જે રીતે એને વધાવવામાં આવી તેની મહત્તા ઘણી હતી.
અમેરિકન સ્કૂલની પણ આવી તો ઘણી વાતો અને યાદો છે. નાનાં ભૂલકાંઓની વિવિધતા, નવી રીતો અને શિક્ષણ સંસ્થાઓનું નવું વાતાવરણ વગેરે જાણવાનું હંમેશા મળતું રહેતું. એજ કારણસર મેં ૨૦૧૯ની સાલ સુધી અઠવાડિયામાં બે દિવસ જવાનું ચાલુ જ રાખ્યું હતું. જે વાત મારે કહેવી છે તે એ કે, જ્યાં જે કામ કરીએ તેને મન મૂકીને ચાહીને, પ્રેમથી કરીએ અને આંખ-કાન ખુલ્લાં રાખી કશુંક નવું શીખવાનું અને સારું સ્વીકારવાનું ચાલુ રાખીએ તો ભલે જે ચાહીએ તે ન મળે, પણ જે મળે તેને ચાહી શકીએ. ખૂબ મઝા આવશે.
સારા વાતાવરણ અને સારી વ્યક્તિઓની આસપાસ રહેવું ખૂબ જરૂરી હોય છે. જીવન તો એક લપસણી ભૂમિકા છે. ક્યારે લપસી જવાય, કંઈ કહેવાય નહિ. પણ સારી વ્યક્તિઓ આસપાસ હશે તો ટટ્ટાર રહેવાનું સરળ બનશે. આનાં અનુસંધાનમાં એક બીજી વાત લખવી જરૂરી લાગે છે.
વર્ષો જૂના દિવસોમાં સૌથી વધુ સાંભરે છે એક આદર્શ કુટુંબ અને તેમાં થતી રહેતી અમારા સૌ ભાઈબહેનોની અવરજવર. ગાંધીકથા કહેનારા શ્રી નારાયણ દેસાઈનો પણ અમદાવાદ ખાતે આ ઘેર જ મુકામ. મારા માનસ પર આ મજમુદાર પરિવારની ઘેરી અસર અને ત્યાંથી કેળવાતી જતી સમજણ. કુટુંબની દરેક વ્યક્તિઓ સરળ, સેવાભાવી અને સમજદાર. એક સરસ જીવન કેવું હોઈ શકે એ વાત ત્યાંથી સમજાય. બધું જ વ્યવસ્થિત ચાલે, દરેક કામો પ્રેમથી થાય, સાંજના સમયે સૌ સાથે બેસીને ઘરમાં પ્રાર્થના કરે ત્યારે મંદિર જેવી પરમ શાંતિનો અનુભવ થાય. શાળા-કોલેજોમાંથી ભણતર થાય છે તો આવાં સારાં વાતાવરણમાંથી વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થાય છે એ વાતનો પાયો દ્રઢપણે હૈયામાં જડાઈ ગયો. ભાઈબહેનો અને માતપિતા તો પોતાનાં હોય જ, પણ ફરિશ્તા જેવી આવી વ્યક્તિઓ અનેકનો વિસામો બની રહે છે. હજી આજે પણ મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમનાં ઘેર જાઉં ત્યારે ધન્યતાનો અનુભવ થાય છે.
બીજી થોડાં વર્ષો પહેલાંની એક વાત.
અમારાં બેકયાર્ડમાં માળી કામ કરતો હતો. ત્યાં તેને અચાનક ગૅસની સખત દુર્ગંઘ આવતી જણાઈ. તપાસ કરતાં ખબર પડી કે બહારની ગૅસની પાઈપમાં તિરાડ પડી છે અને ત્યાંથી ગૅસ નીકળી રહ્યો છે. એણે દોડતાં આવીને અમારાં બારણે જોરજોરથી ઘંટડીઓ દબાવી. રસોઈ કરતી મેં ગભરાટમાં દોડીને “શું થયું, શું થયું’ પૂછતાં પૂછતાં બારણું ખોલ્યું. એણે જલ્દી જલ્દી વાત કરી ઈમરજન્સીને ફોન જોડ્યો. મેં રસોઈના ચાલુ સ્ટવને એકદમ બંધ કર્યો, ફોન અને કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગઈ, ગૅસ કંપનીના માણસોને ફોન કરી બોલાવ્યા. ૨-૫ મિનિટમાં તો પોલીસો, ફાયર ટ્રક અને ગૅસ કંપનીના માણસો બધા આવીને કામે લાગી ગયા અને તે જ સમયે જૂની ગૅસ-પાઈપ કાઢી નાંખી, નવી પાઈપ લગાવી દીધી. વિચાર કરો કે કેટલી મોટી શક્ય હોનારતમાંથી હું બચી ગઈ..! ( તે સમયે ઘરમાં હું એકલી જ હતી.) કહેવાનું તાત્પર્ય એ જ કે, ખૂબ જરૂરી સવલતો અહીં સહેલાઈથી, તરત જ અને સમયસર મળી જાય છે!!
આવા ચાર-પાંચ દાયકાઓના વિદેશના અનુભવોના અર્કરૂપે લખાયેલા બાવન પત્રોને એક સાહિત્યિક આકાર પણ મળ્યો. કેટલી અને કેવી ખુશી!! ‘આથમણી કોરનો ઉજાસ’ પુસ્તક રૂપે પાથરી અમે ( હું અને મારી સહલેખિકા નયના પટેલ) અંતર અજવાળ્યાં અને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિકનાં વિજેતા પણ બન્યાં.
જીવનકથાની આ શેરી આગળ વધીને વર્તમાનને રસ્તે વળે તે પહેલાં હજી ઘણી ગલીઓ, ખાંચા, ખડકી, પોળ મળશે. અમે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે ભાઈબેનોએ કહેલું કે મને અહીં ખૂબ ગમશે. કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને મન આનંદિત થઈ ગયું. જન્મજાત વવાયેલા ભીતરના બીજને પ્રકાશ અને પાણી મળતાં એક પ્રફુલ્લિત છોડ ઉછરતો, ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે, કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યું અને એમ કરતાં કરતાં આંતરિક શક્તિઓ સળવળી, ભાષાનો અભ્યાસ કામે લાગવા માંડ્યો અને વિકાસનો પંથ દેખાયો. પછી તો કાગળની દોસ્તી અને કલમ સહેલી !! એટલે કે કલમ સખી..અરે..ના..ના.. કીબોર્ડની દોસ્તી અને ક્લીક ક્લીક સહેલી…શબ્દોની નાવ લઈ ચાલી સવારી સંવેદનાના સાગરમાં તરતી.
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે આમ અક્ષર-હલેસેથી સરતી.
હ્યુસ્ટનમાં બંને ભાઈ બહેન હોવાથી તેમનો સતત સાથ મળ્યો. સતત ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે મોટામાં મોટો ફાયદો એ થયો કે ભીતરની સર્જનાત્મકતાને મઝાનો ઢાળ મળ્યો, સુંદર ગતિ મળી અને ‘રોલર કોસ્ટર’ની જેમ વેગીલી બની. કલમ કસાતી ગઈ, સાહિત્યિક મિત્રો મળતા ગયાં,વાંચન વધતું ગયું, પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ. સાથે સાથે ટેક્નોલોજીને કારણે વિવિધ વ્યાપ પણ વધતા ચાલ્યા.
અહીં થોડી સર્જનપ્રક્રિયાની ગલીમાં વળું છું. કોલેજ-કાળ દરમ્યાન વિદ્વાન પ્રોફેસર્સ પાસેથી જે શબ્દાર્થમીમાંસા અને કાવ્યમીમાંસાનો અભ્યાસ કર્યો હતો તેમાં અહીંના મૂળે પાકિસ્તાની ગઝલકાર શ્રી રસિક ‘મેઘાણી’ જેવા અને બીજાં પણ ઘણાં ‘વેબ’ પરના કવિ-મિત્રો તથા વિવિધ માધ્યમોના સીંચને મોટો ભાગ ભજવ્યો. એ તો હકીકત છે કે, દરેક સર્જનપ્રક્રિયાનું મૂળ સંવેદના છે એ પછી સજ્જ્તા પણ એનું બીજું ચરણ છે. જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણું બધું સતત મળતું જ રહે છે. થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રીતે વ્યક્ત થતી રહેતી હોય છે. પણ જો એને કવિતાના નિશ્ચિત્ત રૂપમાં નિખારવી હોય તો થોડી સજ્જતા જોઈએ જ. જેમ થાળીમાં વેરાયેલાં રંગબેરંગી ફૂલો સૌને ગમે. પણ એને એક ‘પેટર્ન’ પ્રમાણે વ્યવસ્થિત ગૂંથીને, વેણી કે હાર બનાવીએ તો વધુ શોભે. અથવા બીજી રીતે કહીએ તો નાનું બાળક હાથ–પગ હલાવીને નાચવા લાગે તો એને ડાન્સ કર્યો કહીને તાળીઓ પાડીએ અને એ જ બાળક નક્કી થયેલા નિયમ અનુસાર તાલીમ લઈને ‘ભરત નાટ્યમ’કે ‘કથ્થક’ કે એવો કંઈક શાસ્ત્રીય ડાન્સ કરીને બતાવે તો એ સાચી નૃત્યકલા કહી શકાય. બસ, એનું જ નામ સજ્જતા. સાધના પછીનું સર્જન. અભ્યાસ,આયાસ અને રિયાઝ પછીનો નિખાર.
આના જ સંદર્ભમાં એક બીજી, જરા જુદી વાત પણ માંડું. આ વાતના નેપથ્યમાં બાળપણમાં વાંચેલાં અને સાંભળેલાં કેટલાંક વાક્યો હતા. આજથી લગભગ ૫૫-૬૦ વર્ષ પહેલાં એક મેગેઝીનમાં વાંચ્યું હતું.”પાટણમાં પંકાયેલા પ્રતિષ્ઠિત પુરુષ પ્રાણલાલ પીતાંબર પંડ્યાએ પોતાના પ્રિય પુત્ર પ્રતાપને, પેટલાદમાં પંકાતા પ્રેમજીભાઈ પ્રભુલાલની પુત્રી પુષ્પા સાથે પરણાવ્યો.” વર્ષો પછી એ વાંચનનું સ્મરણ જાગી ઉઠ્યું અને મનમાં એક તરંગ જાગ્યો કે આવું ગદ્યમાં તો ઘણા લોકોએ લખ્યું છે પણ કોઈએ પદ્યમાં લખ્યું છે? લખ્યું હોય તો કેવું? પણ એવા પદ્યને કવિતા તો ન કહેવાય એવી જાણ હોવા છતાં એ વિચારને અમલમાં મૂક્યો. ખૂબ જ અઘરું કામ હતું. ઘણો ઘણો સમય લાગ્યો. પણ છેવટે આપણા ગુજરાતી બધા જ મૂળાક્ષરો પર એક કાલ્પનિક વાર્તા વિચારીને પદ્ય-રચના કરી. દા.ત. પહેલો અક્ષર ‘ક’ લઈએ તોઃ
કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન. એ રીતે આખી પદ્ય-રચના..
અને એ જ રીતે ‘ખ’ જેવાં અઘરાં અને ‘ણ, ળ, ક્ષ અને જ્ઞ જેવાં અશક્ય અક્ષ્રરો ઉપર પણ કામ કર્યું અને ‘ક થી જ્ઞ’ સુધીના તમામ અક્ષરો અંગે ‘શબ્દોને પાલવડે’ નું પુસ્તક પ્રગટ કર્યું.
આ શબ્દ-સાધનાની સાથે સાથે કવિતાનો રિયાઝ પણ ચાલુ જ રહ્યો. આપણા થઈ ગયેલાં મહાન કવિઓની જીવનમાં પડેલી વધતી ઓછી અસરોને કારણે સર્જનાત્મકતા જાગતી જ રહી.
એક સુંદર સવાર હતી. રૂપાળું પોતીકું grandchild ખોળામાં હતું, એનું હસતું વદન, બારીની બહારથી ઝરમરતો વરસાદ અને સામે તરતાં કમળનાં ફૂલોનું મનોહર દૄશ્ય જોઈને એક લયબધ્ધ ગીત લખ્યું. ‘શતદલ’ જેની લયાત્મકતા અને વ્રજભાષી ઝલક ઠેકઠેકાણે પોરસાઈ અને સ્વરબધ્ધ પણ થઈ. તે ઉપરાંત, કાવ્યસંગ્રહો, સંપાદનો, ઈપુસ્તકો અને પત્રલેખન; એમ કુલ ૧૦ પુસ્તકો પ્રકાશિત થયાં. આમ, લેખન સતત ચાલુ જ રહ્યું છે છતાં એમ લાગે છે જાણે કશું જ નથી લખ્યું. કોઈ એવા શબ્દની, અર્થની અને તત્ત્વની શોધમાં છું જે હજી મળ્યાં જ નથી.
સમયની સાથે સાથે, સમયની બળવત્તતા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલાયે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પળપળ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે ફેરફાર થયા કરે છે, ક્યાં ખબર પડે છે? એકાએક એક પળ યુગ બની બેસે છે!! વ્યક્તિગત સંઘર્ષોની વાત વિચારીએ કે લખીએ ત્યાં તો, ૨૦૨૦નું વર્ષ સૌને માટે મહામારીનું રહ્યું. આખી દુનિયાએ સહિયારો સંઘર્ષ વેઠ્યો જેની વાત લખ્યા વગર કેમ ચાલે? સાતસાત દાયકાથી જોવાતાં અને જીવાતાં બધાં જ વર્ષો કરતાં સાવ નોખું અને યાદગાર. આમ જોઈએ તો તો વર્ષ એક સમયનો હિસ્સો છે,એક ક્ષણનો કિસ્સો છે.એમાં વળી જુદું શું હોવાનું એવો પ્રશ્ન કોઈને પણ જરૂર થાય, પણ ૨૦૨૦નાં વર્ષની વાત તો એક ઐતિહાસિક ખેલ સમી સાવ અલગ જ રહી. વર્ષની શરૂઆતમાં માંડ નવા વર્ષને આવકાર્યું ત્યાં તો પૂર્વ દિશાથી કોરોનાનો કાળો કેર વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો. માર્ચથી ડિસેમ્બર સુધીમાં શ્રીમતી કુન્દનિકા કાપડિયાથી માંડીને શ્રી જયંતભાઈ મેઘાણી સુધીના કંઈ કેટલાંયે સર્જકો ગુમાવ્યાં. એટલું જ નહિ, વિશ્વમાંથી વિદાય પામેલ માનવીઓનો આંકડો તો બે મિલીયન સુધી પહોંચી ગયો. કોને કોને, કેટકેટલું અને શું શું સંભારીએ?
માણસજાતને કોરો ના રાખનારી આ શક્તિએ કોઈ ભેદભાવ રાખ્યા વગર, સમગ્ર વિશ્વને, મનુષ્ય માત્રને, એક જ પ્લેટફોર્મ પર મૂકી દીધાં. આખી દુનિયાને એક જ ક્લાસમાં બેસાડીને એણે એકસરખું કેટ્કેટલું શીખવાડી દીધું? એવું અને એટલું બધું નવું કે જે આપણે કોઈ, ક્યારેય અગાઉ શીખ્યાં જ ન હતાં!!! પહેલું સુખ તે જાતે નર્યા. કેટલી જૂની અને અસલ વાત! જીવનની અમાનત મૃત્યુ છે એ જ સાચી અને પાકી ક્ષણ. શ્વાસ છે તો જ જીવન છે એ સાચું પણ શ્વાસ શુદ્ધ હશે તો જ જીવતર સાર્થક. બાકી તો બધું જ તસ્વીરમાં! વ્યક્તિ-સ્વાતંત્ર્ય ધરી બેઠેલા આ વિશ્વને બીજો એક મંત્ર, નવી રીતે મળ્યો અને તે ‘પરિવાર અને પ્રેમ’નો. સૌની સાથે રહેવાનો. સતત દોડતા રહેતા માણસના ખરા હુન્નરને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કેવો આશીર્વાદરૂપ છે તે દર્શાવવાની એક અનોખી રીત. આંતરદેશીય ટપાલોમાંથી બહાર આવેલો આજનો સીનીયર વર્ગ ‘વેબીનાર’ ને ‘ઝુમ’ની જરૂરિયાતને સમજતો અને ઉપયોગ કરતા શીખ્યો. વાહ! સ્વચ્છ અને સ્પષ્ટ ‘વિઝન’ ૨૦૨૦.
આજે વિશ્વ નાનુ થતું ગયું છે, પણ સાંકડું પણ થતું જાય છે. સાંકડું એ રીતે કે ટેક્નોલોજીએ અને એની ઝડપે માનવીય સ્પર્શ બુઠ્ઠો કરી નાંખ્યો છે. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત્ કરી દીધા છે. આંગણાનાં દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદૄશ્ય થયા છે! સાથે બેસીને સુખ-દુઃખની વાતો કરનારા લોકો (આપણા સહિત) હવે આધુનિક માધ્યમોમાં વ્યસ્ત થઈ ગયાં છે! છતાં માનવીને હવે એકલતા સતાવતી નથી. ટેક્નોલોજીએ એને ઘણા સહારા શોધી આપ્યા છે. પરિવર્તન આવકારદાયક જરૂર છે પરંતુ હકીકત તો હવે એ બની છે કે વ્યક્તિને માત્ર જાત સિવાય કશામાં રસ નથી, કોઈનામાં રસ નથી. મેઈલબૉકસમાં કોઈનો હાથથી લખાયેલો પત્ર મળે તો એક આશ્ચર્ય થાય છે! આ પ્રક્રિયાને શું કહીશુ? એના પરિણામને શું કહીશું? પ્રગતિ કે અધોગતિ? વિકાસ કે વિલાસ? કે આ ટેક્નોલોજીની બલિહારી ! એક ચિંતાજનક વાત છે.
એક બીજો વિચાર એ આવે છે કે, “વતનનો ઝુરાપો” ઘટી ગયો છે અથવા તો બદલાઈ રહ્યો છે એમ લાગે છે. તેની પાછળ મુખ્ય કારણો કદાચ આ પ્રમાણે હશે.
૧. વતનનું જે ચિત્ર મનમાં રાખીને આવ્યાં હતાં તે હવે લગભગ બદલાઈને ભૂંસાઈ ગયું છે. ખરેખર તો હવે ત્યાં પરદેશની અસરો વધુ દેખાય છે.
૨. હવે અહીં પણ ઉત્સવો અને ઉજવણીનો માહોલ વતન જેવો જ, કદાચ વધારે જોવા મળે છે.
૩. જોજનો દૂર લાગતુ વતન હવે નિકટ આવી ગયું છે, વિશ્વ હવે નાનું બન્યું છે. તેથી પણ વ્યક્તિ કે વસ્તુઓનો ઝુરાપો ઓસરતો ગયો છે, નહિવત્ રહ્યો છે.
વતનની મમતા તો મા જેવી હોય જ. છતાં માશીના વ્હાલ સમી આ અમેરિકાની દુનિયાએ ઘણું ઘણું આપ્યું, શીખવ્યું અને પોતાની મેળે પગભર અને સધ્ધર થઈ શકાય છે એ પણ વ્યવહારું રીતે બતાવ્યું જ. તે ઉપરાંત સદીઓ જૂના વિચારોના સીમાડાઓને હટાવી દઈ સમજણ શક્તિની ક્ષિતિજો સતત વિકસાવી અને વિસ્તારી. જેમ જમીનમાં બીજ નાંખીને આપણને રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ માનવીનું સર્જન કરી, સર્જનહારને પણ આપણો વિકાસ જોઈને આનંદ જ થતો હશે ને? અને પ્રગતિને બદલે જો અધોગતિ જોતો હશે તો કેવું થતું હશે?
આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો વળી કેટલાક સમાજમાં ધીમેથી આવે છે, પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું એ જરૂરી જ છે. માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિદ્ધિને જ આભારી છે ને? બદલાતાં જવું, વિકસતાં જવું અને વિસ્તરતાં રહેવું એ પ્રકૃતિ શીખવે છે, જિંદગીની હરપળ શીખવે છે. નિજીકથાના આ અધ્યાયોમાંથી ન જાણે કેટલીયે કણિકાઓ ઝગમગી ઊઠશે?
૫. ઉપસંહારઃ
સ્મરણકથાની શરૂઆત સૂર્યોદયથી કરી હતી અને આજે જ્યારે સમાપન તરફ વળી છું ત્યારે આકાશમાં સંધ્યા ખીલી છે. જાણે પૂર્વમાં જન્મેલી હું અત્યારે આથમણી કોરે, પશ્ચિમને આરે ઊભી છું!
નવેમ્બર મહિનો ચાલે છે. ટેક્સાસમાં તો હજી પાનખરની માંડ શરૂઆત થઈ ગણાય. તેથી હજી સોળે કળાએ રંગો નીખરવાને વાર. ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઉભો છે. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું. પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે!
કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમુ સ્પર્શે, પડદા પાંપણના ખોલે.. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહૂકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે. સવારની મહેક છેક ક્યાં સુધી ખેંચી ગઈ!
તો આ રીતે આ સાત સાત દાયકાની યાત્રા થઈ. સદ્ભાગ્યે સંઘર્ષો બહુ નથી નડ્યા અથવા તો રસ્તાઓ આપમેળી ખુલતા જ ગયા છે. આ લખ્યું ત્યારે સમજાયું કે કેટલું ચાલ્યાં અને કેવી રીતે ચાલ્યાં! એક એક વ્યક્તિ અલગ છે. સરવાળા અને બાદબાકી તો બધામાં જ છે અને તાકાત અને નબળાઈ પણ દરેકમાં છે જ. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ જ ન સર્જ્યું હોત? પરંતુ હવે એમ સમજાય છે કે વિચારો સારા તો આચાર આપમેળે સારા અને આચાર સારા તો જીવન સારું. હકારાત્મક અભિગમ અને સારો સંગ એ જ તો પ્રવાસનો રંગ લાવે છે. આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? આ ક્ષણે તો મને એમ લાગે છે કેઃ
અહો, ક્યાં અચાનક, મને હું મળી ગઈ.
હતી જે ખરી, તે જગે હું જડી ગઈ.
નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.
સમાપનમાં એ જ કે, આ સ્મરણકથા ખરેખર તો જીવનની અનુભૂતિઓની ઝલક છે. સ્મરણની શેરીમાં રખડતાં રખડતાં જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલાં છીપલાં છે, જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય! શ્વાસની સાથે સંકળાયેલી આ સ્મરણની શેરીની સાંકળ વાસવી હોય તો પણ ક્યાં વસાય એવી છે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એ પણ સતત ઊઘડતી અને ધબકતી જ રહેશે.
નવા યુગના GPS-Global Positioning System જેવો સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તેવી શુભેચ્છા અને આશિષ. એમ થશે તો ‘વિશ્વશાંતિ’નું સ્વપ્ન સાકાર બનશે. છેલ્લે આ જીવનકથાના અનુભવોને, પ્રસંગોને અને સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં રાખી લખું છું કે, “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…”
-દેવિકા રાહુલ ધ્રુવ
હ્યુસ્ટન
જાન્યુઆરી ૨૦૨૨ Ddhruva1948@yahoo.com
શબ્દોને પાલવડે | સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં (wordpress.com)
http://devikadhruva.wordpress.com
