“સ્મૃતિસંપદા”~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૨) ~ લેખકઃ પ્રીતિ શાહ-સેનગુપ્તા ~ સંપાદકઃ રેખા સિંઘલ

 વિશ્વના સાતેય મહાખંડના અનેક દેશો અને વિવિધ સંસ્કૃતિઓ સાથે એકરૂપ થઈ વિશ્વમાનવની કક્ષાએ પહોંચેલાં એકલપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાનું નામ વિશ્વગુર્જરી એવોર્ડ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને અકાદમી તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલા પુરસ્કારો સાથે જોડાઈને ગુજરાત માટે ગૌરવવંતુ બન્યું છે. જગતની કોઈ પણ સ્ત્રી જેમાંથી પ્રેરણા અને હિંમત મેળવી શકે તેવું અનુભવોનું અમૃત એમનાં લખેલાં પચાસથી વધારે પુસ્તકોમાં છલકાતું જોવા મળે.
અંગ્રેજીમાં માસ્ટર્સની પદવી મેળવ્યા પછી અમેરીકામાં વર્ષોથી રહેતાં હોવા છતાં ગુજરાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ પણ વિરલ છે. દસેક જેટલા વિદ્યાર્થીઓ જેમનાં લેખનકાર્ય પર PhD કરે છે તે પ્રીતિ શાહ સેનગુપ્તાનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૬૮થી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં છે. હાલ ફ્લોરિડા રાજ્યમાં તેઓ તેમના પતિ સાથે રહે છે.

સૌનાં મિત્ર એવાં પ્રીતિ સેનગુપ્તાએ અનેક દેશોનો અનેકવાર પ્રવાસ કરીને મૈત્રીનાં પુષ્પો ખીલવ્યાં છે. આ દરમ્યાન તેઓ અનેક વિશ્વવિખ્યાત મહાનુભવોના સંપર્કમાં પણ આવ્યાં છે. ઉત્તરધ્રુવની હાડ ગાળી નાખે તેવી બર્ફિલી ભૂમિમાં, ત્યાં સુધી સાથે પહોંચેલા દસ સભ્યોની ટુકડી વચ્ચે ભારતનો ધ્વજ લહેરાવીને વંદન કરતી એકમાત્ર નારી તરીકે અનેક માટે વંદનીય બની રહેલાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતીઓનું ગૌરવ છે.
Email: preetynyc@aol.com

“વજ્ર સમ કઠોર, કુસુમ સમ ઋજુ” –  પ્રીતિ શાહ-સેનગુપ્તા

પુથ્વી પરના ભ્રમણ દરમ્યાન જોયેલી અસંખ્ય નદીઓ – સાબરમતી, હડસન અને વચમાં હુગલી, વોલ્ગા, એમેઝોન, ઓકાબુકો, મિસિસિપિ જેવી અનેક – તે બધીમાં ઘણું ઘણું પાણી વહી ગયું છે, ને સાથે, જીવનનાં વર્ષો, નાનકડા શઢવાળી નાવની જેમ, એ પ્રવાહ પર ડગમગતાં ગયાં છે. સરળ વહેણ પર આનંદની, તેમજ તોફાન દરમ્યાન ભયની ઘણી બધી પળો યાદ પણ નથી; બલ્કે, એમને ભૂલવાનો ઉદ્યમ જ વધારે રહ્યો છે.

અલબત્ત, અમેરિકામાંનાં શરૂઆતનાં દસેક વર્ષો દરમ્યાન દેશ-ઝુરાપો ઉત્કટ રહ્યો, આગલી યાદો મનમાં જકડાયેલી રહી, અને વિયોગનાં, વિયુક્તિનાં, વિચ્છેદનાં આંસુ સતત વહેતાં રહ્યાં. પણ ખૂબ ધીરે ધીરે કરતાં, જીવન વિષેની સમજણ વિકસતી ગઈ, અને દરેક બાબતની સ્વીકૃતિનો અભિગમ સ્થાયી થયો. અલબત્ત, આ દરમ્યાન જીવ મુંઝાતો પણ રહ્યો, કે હું કોણ છું? પછી એક સૉનેટમાં કૈંક આમ લખ્યું, કે મારા અસ્તિત્વની ગરિમા ક્યાં કેન્દ્રસ્થ થયેલી છે? – પૂર્વમાં કે પશ્ચિમમાં? છેલ્લે, પરિવર્તન પામેલી આંતર્ચેતનાની સમજણ વ્યફ્ત થઈ છે, કે મારા મનનું વિશ્વ દિશા ને દેશોની સીમાઓથી પરે, અસામાન્ય રીતે, સ્થિત છે.
**
સૌ પ્રથમ અમેરિકાના મહાનગર ન્યુયોર્કના જે.એંફ.કે. વિમાનમથકે ઊતરી ત્યારે આછા ભૂરા રંગની સાડી પહેરેલી, એવું હજી આછું આછું યાદ છે. સાડી શું કામ પહેરી હશે? ઘેર તો હંમેશાં ફ્રૉક જ પહેરતી હતી. પણ મનમાં શું એમ હશે કે કયાંક જઈએ છીએ, તો તેયાર થવું જોઈએ? એ પ્રારંભિક કાળમાં કોઈને હજી કશો ખ્યાલ જ ક્યાં હતો અમેરિકા આવવું એટલે શું તેનો?

અમેરિકા-પ્રવેશ માટેના સાઠના દાયકાનાં છેલ્લાં વર્ષોના નિયમ પ્રમાણે પાંસળીના એંફસ-રેનું મોટું પેકેટ હાથમાં હતું, તે ય યાદ છે. અમદાવાદથી નીકળતાં ખૂબ રડી હતી, પણ પછી, મુંબઈથી ન્યુયોર્ક સુધીમાં, વિમાનમાં એકલાં બેઠાં બેઠાં, નિરાધારપણે, આંસુ વધ્યાં હતાં કે નહીં, તેનું કોઈ સ્મરણ નથી. જે.એફ.કે.થી બીજી ફલાઇટને માટે બીજા એરપોર્ટ પર જવાનું હતું. ત્યારે તો જેનું નામ પણ ખબર નહતી એ લગવાર્ડિયા એરપોર્ટ પર કઈ રીતે જવાનું તે હું ક્યાંથી જાણં? એંરલાઈન દ્વારા ત્યાં લઈ જવાની ગોઠવણ થઈ હતી, એવો કૈંક ખ્યાલ છે.
    **
એમ નહતું કે ભારતમાં | ગુજરાતમાં| અમદાવાદમાં જીવન સંકુચિત હતું. બીલકુલ નહીં. જીવન સાધન-સંપન્ન અને આધૂનિક હતું, મોટા બંગલામાં રહેવાનું હતું, કામ કશું જાતે કરવાની જરૂર જ નહીં. રસોડામાં તો મહારાજ- એટલેકે બ્રાહ્મણ રસોઇયા હોય, ત્યાં તો જવાય જ નહીં, ને તેથી રસોઈ શીખવાનો પ્રશ્ર જ નહતો. પણ બીજી પ્રવૃત્તિઓ ક્યાં ન હતી?

જાતજાતની કળાઓ શીખી, બહોળું વાંચન રહ્યું, ને વર્ષમાં બે-ત્રણ વાર બહારગામ જવાનો રિવાજ હતો. આ બધી દિશાઓ ઘરમાંથી, કુટુંબ દ્વારા જ, ખુલતી ગઈ હતી.

કળાઓ લઈએ તો ભરતકામ જેવું તો મમ્મીએ જ પાસે બેસાડીને શીખવાડવા માંડ્યું હોય. ચિત્રકામ શીખી, ચિત્રો કર્યા, ને મમ્મીના કેટલાયે સાલ્લા પર બોર્ડર, પાલવ ને બુટ્ટા મે ચિતરી આપ્યાં હતાં. શાસ્ત્રીય સંગીત શીખવા માંડ્યું. પછી મારું મન રવીન્દ્ર-સંગીત તરફ અને ઉર્દુ ગઝલો તરફ ખેંચાયું. એ બંને રીતની ગાયકી હું કૈંક ઊંડાણથી શીખી, ને એ બંને ભાષાઓનો અભ્યાસ પણ જીવનભરનું આકર્ષણ બનીને રહ્યો છે.

સ્કૂલમાં ભરતનાટયમ્‌ નૃત્યના ક્લાસ શરૂ થયા, તો તરત મને એમાં દાખલ કરી દીધી. નાટકમાં પણ ખૂબ રસ હતો. એક બાજુ હું ખૂબ શરમાળ. આંખો ઊંચી ના થાય, અને બીજી બાજુ સ્ટેજ ઉપર પાત્રને પ્રોજેફ્ટ કરી શકતી. કોલેજમાં પણ નાટક કર્યા. હજી એક કળા છે, જે હું શીખી, અને એમાં ખૂબ પારંગત થઈ. એ કળા તે બાટિક. હું નવા નવા રંગોના સંમિશ્રણ કરવા લાગી, અને રેશમી સાડીઓ બનાવવા લાગી. અન્યો તરફથી ઓર્ડર પણ મળવા માંડ્યા. પછી તો હું મિલની છાપેલી સાડી પહેરું તોયે બધાં પૂછે, “આ તેં કરી છે?” આવું સાંભળીને મનમાં બહુ ખુશી થાય !

ભણવામાં પણ બહુ જ મઝા પડે, ને નંબર બીજો તો આવે જ. લખવાનું પણ શરૂ થઈ ગયેલું. સ્કૂલમાં હતી ત્યારથી જ પ્રવાસ-નિબંધ તેમજ કાવ્યો લખતી હતી, ને શાળાના સામયિકમાં તેમજ બીજે ક્યાંક ક્યાંક છપાતાં પણ હતાં. કોલેજ દરમ્યાન એક અંગ્રેજી છાપામાં લખતી થઈ હતી. વળી, નાનાં નાટકો લખીને મિત્રો સાથે ભજવ્યાં પણ ખરાં! આમ મૌલિક સર્જન થવા માંડ્યું એના કારણમાં કદાચ મારું અનવરત વાંચન હશે. ગુજરાતી, હિન્દી, બીજી ભાષાના ગુજરાતી અનુવાદો, અને અંગ્રેજી સાહિત્યનાં ખૂબ પુસ્તકો વાંચ્યાં. વર્ષગાંઠ પર શું જોઈએ છે, એમ પુછવામાં આવે, તો તરત જવાબ હોય, “ચોપડીઓ !”

અમદાવાદમાં કોઈ પણ કાર્યક્રમ હોય, અને એને વિષે છાપામાં વાંચ્યું હોય, અથવા રસ્તા પર એની જાહેરાતનું બોર્ડ જોયું હોય, ને એ જોવા જવાનું મન થયું હોય. પછી ઘેર આવીને જોઉં તો મમ્મીએ ટિકિટો મંગાવી જ લીધી હોય.. ક્યારેક અંગ્રેજી, કે હિન્દી નાટક કે વાતીલાપ હોય, કે બંગાળી ફિલ્મ આવી હોય, તો અચૂક જોવા-સાંભળવા જવાનું.

આ રીતે વિવિધ બાબતો શીખવાનું, જોવાનું, જાણવાનું, સમજવાનું નાનપણથી જ શરૂ થયેલું. ત્યારે તો મનમાં સ્પષ્ટ કોઈ જ ખ્યાલ ન હતા, કે ન હતી આટલા બધા શોખ ને રસને લીધે પણ જાત માટેની હોશિયારી કે સભાનતા. જીવનમાં ખાસ્સો વિરોધાભાસ હતો એમ તો – એક બાજુ પ્રવૃત્તિઓનો પાર નહીં, ને બીજી બાજુ મોટાં કહે તેમ જ કરવાનું, ને શિસ્ત રાખવાની. વળી, હું માનું છું કે મારા ગાંધીવાદી પિતા તરફથી હું આદર્શવાદ (Idealism) પામી, ને મારાં કળાપ્રિય મા પાસેથી સૌદર્યવાદ (Aesthetics). જેમ દરેક સુંદર વસ્તુ ગમતી થઈ, તેમ કરુણા તે અનુકંપાના, તથા ગમતું બધું ખરીદવાની બિન-જરુરિયાત માટેના સિદ્ધાંત મનમાં સ્થાયી થતા ગયા. વિવેકાનંદ અને ગાંધીજી વાંચતી હતી, મન પર એની છાયા, તેમજ સાદગી હંમેશાં માટે રહ્યાં.

છેક શરૂઆતથી જાણે કેટલાંક દ્વન્દ્વ મારા જીવનનો, તેમજ મારા વ્યક્તિત્વનો, ભાગ બનેલાં છે. જેમકે, વલણ હંમેશાં ગંભીર હોય છે, પણ એને લીધે મનમાં સહજ આનંદની ગેરહાજરી નથી હોતી. વળી, કાળક્રમે બીજાં દ્વન્દ્વ ચિત્તમાં આલેખાતાં ગયાં, જેમ કે ઈન્ડિયા ને અમેરિકા, ગુજરાત ને બંગાળ, ગાંધી ને ટાગોર, સરદાર પટેલ ને વિવેકાનંદ, અમદાવાદ ને ન્યુયોર્ક શહેર; ને સૌથી વધારે તો, લેખન અને પ્રવાસ, એટલેકે ઘર અને આખી દુનિયા. લેખનને લીધે મને ઘરમાં રહેવાનું કારણ મળ્યું, તો પ્રયાણોને લીધે વિશ્વ આખાને પામી શકી. તેથી વિરોધી જેવા આ શબ્દો – કે મનોમન મક્કમ નિર્ધારયુક્ત (વજ્ર સમ દૃઢ) પણ ખરી, અને ઊંડી સંવેદનશીલતાયુક્ત (કુસુમ સમ ઋજુ) પણ ખરી.

જે આવશ્યક નહોતું બન્યું તે હતું કૃત્રિમ ધાર્મિકતાનો આગ્રહ. મમ્મી એમનાં જમાના અને જીવન પ્રમાણે ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરતાં. હું મન થાય ત્યારે હાજરી આપતી, પ્રસાદનો આનંદ લેતી, પણ કોઈ કિયાકાંડ કરવાની કે શીખવાની ફરજ પડી નહતી. ચોક્કસ, રામાયણ-મહાભારતની તથા અન્ય પૌરાણિક કથાઓ હંમેશાં સાંભળવા મળતી જ, અને ઘરમાં રોજ ગવાતાં પદો, શ્લોકો અને ભજનો પણ આપોઆપ મુખસ્થ થતાં ગયાં.  આ થયું વૈષ્ણવ ઘરની સ્વાભાવિક સંસ્કૃતિનું મનની અંદરનાં મૂળ સુધીનું સિંચન.

આ આખી વાત છે તો એક વ્યક્તિનાં સર્વ-સાધારણ જીવનની, પણ જે અર્થઘન બાબત છે તે આ, કે નાનપણમાં જે જે જાણ્યું, જે રસ વિકસ્યા, જે મૃલ્યો કેળવાયાં તે બધું જ એ સાંસ્કૃતિક મૂળના આધારરૂપ રહ્યું. પરદેશમાંના લાંબા વસવાટ પછી, તથા એક નહીં, અનેક પર-દેશોનાં વિશિષ્ટ પાસાંને સમજ્યાં, ને ક્યારેક અપનાવ્યા પછી પણ, એ મૂળ ઊંડાં ઊતરતાં રહ્યાં. એ ક્યારેય સૂકાયાં નહીં, બલ્કે ફાલતાં રહ્યાં.

સ્વ-મહત્ત્વના કે કોઈ મહત્ત્વાકાંક્ષાના કશા પણ ખ્યાલ નહતા, પણ એ કુટુંબદત્ત મૂળનું જેટલું ઊંડાણ રહ્યું તેટલો એમનો વ્યાપ પણ થતો ગયો. તેથી, હું જેટલી ભારતીય રહી તેટલી જ સર્વ-દેશીય પણ  બનતી ગઈ. આ જે પ્રક્રિયા અને પરિણામ હું પામતી રહી તે જ છે મારા જીવનમાંનો કશો પણ વિશિષ્ટ અંશ.
   **

હું અમેરિકા જઈ રહી હતી, આગળ અભ્યાસ માટે, અને તદ્દન એકલી. આને જ કહેવાય ફરી જન્મ લેવો તે? સાવ નવી જગ્યાએ નવી જ જિંદગી શરૂ થવાની હતી. તે વખતે તો એમ જ, કે ક્યારેય ભારત જવાનું થશે જ નહીં. એ વાસ્તવિકતાનો ખ્યાલ અત્યંત કારમો હતો. ખરેખર તો, દેશ છોડતાં પહેલાંના ઘણા મહિનાઓથી જીવ કલ્પાંત કરવા લાગ્યો હતો, કે આ ધરતીથી દૂર જવાનું છે?, આ હવાથી દૂર થવાનું છે?

ન્યુયોર્કના વિમાન-મથકે કોઈ લેવા આવનારું હતું નહીં. જ્યાં ભણવાનું હતું ત્યાં કોઈ ઓળખીતું હતું નહીં. પહેલા કેટલાક દિવસ વ્હાય.ડબલ્યુ. સિ.એ.માં રહી. પાણી યે ના ભાવે, અને શાકાહારી ખાવાનું ક્યાં મળે તે પણ ખબર ન હતી. સારું હતું કે નાની ઉંમરે ઓછું ખાઈને, નહીં ખાઈને ચલાવી લેવાતું હતું. પછી કોઈ અમેરિકન દપતીના ઘરમાં રૂમ ભાડે લીધો. ત્યાં રસોડાની સગવડ હતી, પણ રસોઈ કરતાં કોને આવડતું હતું? કાચું-કોરું બનાવી-ખાઈને દહાડા કાઢ્યા હશે, એમ માનું છું. એક વાત યાદ છે કે મહિનાઓ સુધી ક્યાયે ઘઉનો લોટ દેખાયો નહતો. મેંદાના લોટની ભાખરી બનાવીને ખાધા કરી હતી, ને પેટમાં દુઃખાવો થઈ આવ્યો હતો. વળી, બધું કામ જાતે કરવાના પણ આ દહાડા હતા. ટુવાલ, ચાદરો ને બીજાં કપડાં હાથે ધોતી હતી. ઈસ્ત્રી નહતી, તો કપડાં સરખાં વાળીને ખુરશીની ગાદી નીચે મૂકી દેતી. એના પર બેસતાં રહેવાથી ઈસ્ત્રી થઈ જતી !

કોલેજ જવા માટે એક મોટો રસ્તો ઓળંગી, એ પછીના રસ્તા પરથી બસ લેવાની, એટલું જાણી લીધું હતું. કૅમ્પસ પર ગાડીઓનો પાર નહીં. અહીં બધાં પોતાની ગાડી લઈને આવે? આવો પ્રશ્ર પહેલાં પહેલાં થતો રહેલો. પછી એ રીતથી ટેવાઈ જવાયું. અમેરિકાના જીવનની જાતજાતની વાસ્તવિકતા જોવા-સમજવાની આ તો હજી શરૂઆત હતી. છોકરીઓ માટેની કોલેજ હતી, એટલે રૂપાળી ગોરી છોકરીઓ કેમ્પસના બગીચા જેવા કમ્પાઉન્ડમાં દેખાતી રહેતી. મારે કેટલીક સરસ મૈત્રી થઈ ત્યાં.

ભણવાનું તો ખૂબ મોંઘું લાગે. તો ડીનની સાથે વાત કરતાં મારે માટે કોઈ ઉપાય શોધાવા લાગ્યો. વિચાર કરીને, ફીને બદલે, કાલિદાસનું “શાકુંતલ’ અને રવીન્દ્રનાથનું “ગીતાંજલિ” પુસ્તક (બંને અંગ્રેજીમાં) ભણાવવાની સ્કોલરશિપ મને આપવામાં આવી. ભારતની બહાર ભણાવવાની રીત બહુ જુદી હોય, તે મારે સમજવું ને શીખવું પડ્યું. હજી તો હમણાં જ, આ પહેલવહેલી જ મેં અમેરિકાની કોલેજ જોઈ હતી. અમેરિકન યુવતીઓ ખૂબ ધ્યાનપૂર્વક મને સાંભળતી રહી, અને કેટલીકે વાર્ષિક નિબંધોમાં આ અનુભવને અત્યંત ઊંડો અને અર્થપૂર્ણ તરીકે વર્ણવ્યો.

આમ પૈસાની તાણ, પણ કૉર્લેજના રસ્તામાં આવતા એક થિયેટરમાં જો ઍડવર્ડ આલ્બિ કે ટૅનૅસિ વિલિયમ્સ જેવા અમેરિકન લેખકોનાં સાહિત્યિક નાટકો પરથી બનેલી ફિલ્મ ચાલતી દેખાય તો પાછાં જતાં બસમાંથી ઊતરી જાઉં, ને એ ફિલ્મ જોઉં ત્યારે જ જાણે મનમાં શાંતિ થાય! અલબત્ત, ઘણો આનંદ પણ. હું અંગ્રેજી ને હવે અમેરિકન સાહિત્યની અભ્યાસી, તેથી આવી ફિલ્મો જોઈને જાણે જીવને પોષણ મળે.

અમેરિકામાંના પહેલા જ વર્ષમાં એક અત્યંત મોટું સદ્‍ભાગ્ય મને મળ્યું. હવે તો યાદ નથી, કે છએક મહિનાની અંદર જ મેં, અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી એવા, “ગ્રીન કાર્ડ” માટે અરજી કરવાનો વિચાર કયાંથી કર્યો હશે. તે કાળે પાંચ વર્ષ રહેવું પડે તેવા કોઈ નિયમ હતા. દોઢેક મહિનામાં ઈન્ટરવ્યુ પણ આવી ગયો. મને પુછવામાં આવ્યું, “અમેરિકામાં રહીને શું કરવા માગો છો?’ મારામાં આમ તો ખાસ કોઈ વહેવારુ બુદ્ધિ નહીં. ઉછરેલી જ કુટુંબની સુરક્ષિતતામાં. પણ એ ઘડીએ મને જે જવાબ સૂઝ્યો એણે અમેરિકામાં રહેવાની સમસ્યાનો નિકાલ કરી આપ્યો. મેં (કશા અણધાર્યાં) ડહાપણપુર્વક કહ્યું હતું, “હું ટીચર બનવા માગું છું.” ઈમિગ્રેશન ઓફીસરને એ જવાબ સંતોષકારક લાગ્યો હશે, તે મારી અરજી સ્વીકારાઈ ગઈ. બીજાં કેટલાંક અઠવાડિયાંમાં, પરવાનગીની સાબિતીરૂપે, ભૂરા રંગનું “ગ્રીન કાર્ડ” મારા
હાથમાં આવી ગયું.

અરજી કર્યા પછી ત્રણ જ મહિનામાં મને આ પ્રાપ્તિ થઈ ગઈ હતી. જિંદગીમાં પહેલી જ વાર મેં જાતે કશું પણ અગત્યનું વિચાર્યું હતું, એને અંગે આવશ્યક ગોઠવણ કરી હતી, અને સફળ પરિણામ મેળવ્યું હતું. ને આ હતો મારા નિજી જીવનમાંનો પહેલો ‘જાદુઈ’ અનુભવ. જાણે મારા જીવનની નોકાનું સુકાન હવે મારા પોતાના હાથમાં હતું.

હવે હું નોકરી કરી શકું તેમ હતી, પણ હજી માંડ થોડા પૈસા હતા, ને કોઈ પાશ્ચાત્ય કપડાં પણ નહીં. ઘેર રોજ પહેરતી હતી તેવાં કોઈ ફ્રૉક કે સ્કર્ટ હું સાથે લાવી નહતી. કેમ્પસ પર તો ઘેરથી લાવી હતી તે રેશમી સાડીઓ હું પહેરતી. એકાદ ડ્રેસ ખરીદી શકાત, પણ રોજ નોકરીમાં તો કેટલાં બધાં કપડાં જોઈએ. તેથી નોકરી શોધવા જતાં હું ચુડીદાર-ફૂરતું પહેરતી હતી. એ કાળે “ગ્રીન કાર્ડ” મેળવવામાં ખાસ કોઈ નિયમ ન હતા, પણ નોકરી પર સ્ત્રીએ શું પહેરવું તેના નિયમો હતા ! ચુડીદાર એટલે પેન્ટ કહેવાય, અને એ સમયે સ્ત્રીઓને ઓંફીસોમાં પેન્ટ પહેરવાની છૂટ ન હતી. છતાં, કોઈ બૅન્કમાં કે મોટી ઓફીસમાં તો નહીં, પણ એક નાની જગ્યાએ નોકરી મળી તો ગઈ. પણ થોડા જ વખતમાં એ છોડી દઈને મેં ન્યૂયોર્ક જતાં રહેવાનો નિર્ણય કર્યો.

જોકે એ પહેલાં, નોકરી ત્યજીને, હું “ધ બહામાઝ’ નામના દ્વીપ-દેશમાં જઈ આવી. “ગ્રીન કાર્ડ” હતું તેથી જ અમેરિકાની બહાર જઈ શકાયું. નોકરી, કરિયર, આવકમાં રસ નહીં, પણ અન્ય સ્થાન જોવામાં ત્યારથી જ ઘણો વધારે રસ હશે, એમ કહી શકું છું. કોલેજમાં સારી મિત્ર બની ગયેલી પામેલા “ઘ બહામાઝ’ની હતી, ને એણે મને એનાં માતા-પિતાને ઘેર જવા આમંત્રણ આપ્યું હતું. આને હું મારું “અમેરિકન બાળપણ” કહું છું. પ્રવાસી તરીકેનો આ સ્પષ્ટ આરંભ હતો. પામેલા હજી પણ મારી નજીકની મિત્ર રહેલી છે. એ ઈગ્લંડમાં વસે છે, ને એનાં વર અને દીકરીઓને માટે હું કુટુંબની સદસ્ય છું.

એ અરસામાં હજી અમેરિકામાં ભારતીય વ્યક્તિઓ ઘણી ઓછી દેખાતી હતી. મારી કોલેજમાં તો બીજી કોઈ નહતી. મારે ભાગ્યે જ કોઈ ભારતીય ઓળખાણો થઈ હતી, પણ ન્યુયોર્કમાં નાનપણની એક મિત્ર હતી. એણે અને એના પતિએ પણ મને પોતાના કુટુંબની ગણી લીધી, પોતાનાં મિત્રો સાથે ઓળખાણો કરાવી, અને ઘણી હુંફ આપી. ન્યુયોર્ક જેવા મહાનગરના રોજિંદા જીવનમાંનાં વહેવારુ જ નહીં, પણ સર્વ પ્રકારનાં કળાત્મક પાસાં સાથે પરિચય શરૂઆતમાં તો આ મિત્રો સાથેના હળવા-મળવામાંથી મને થતો ગયો. પછી ધીરે ધીરે એ પાસાં મારી અંદરના ચેતન-તત્ત્વનો મોટો અંશ બની ગયાં.

આ મારો ત્રીજો જન્મ થયો કહેવાય. એક તો ભારતમાં, બીજો અમેરિકા આવી ત્યારે થયો, ને આ હવે ન્યુયોર્ક શહેરમાં વસવા માંડી ત્યારે થયો ગણાય. આ ત્રીજા જન્મે તો મને ઉગારી લીધી. ન્યુયોર્કમાંના પ્રત્યેક દિવસે મારામાં કશું ને કશું ઉમેરાતું ગયું. સામાન્યતાની દીવાલો તૂટતી ગઈ. સાંસ્કૃતિક સીમાઓ વિકસતી ગઈ. રહેવા માટે ભાડાનો નાનો ઓરડો જ હોય, તે ભલે, પણ આકાશ જેવું વિશાળ વિશ્વ મારું ઘર બનતું ગયું. વળી, વિશ્વભરના દરેક ક્ષેત્રની મૌલિક રજુઆતો ન્યૂયોર્કમાં થતી જ રહે, તેથી નૃત્ય, નાટક, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે દરેક કળા-પ્રકારને વૈશ્વિક સ્તરે હું જોવા પામી, એમને સમજતી થઈ, અને માણતી રહી.

મોટા ભાગના લોકો પરદેશ ગયા પછી મૂળ છૂટી જવાની વાત કરતા રહેતા હોય છે. એવું કશું હું કહી શકું તેમ નથી. હા, તીવ્ર ઘર-ઝુરાપો ભારતને માટે અનુભવતી રહી, ને દસ વર્ષ સુધી એ ભૂમિ, એ હવા માટે રડતી રહી. (જોકે દર વર્ષે ભારત જવા પણ માંડેલી.) છતાં, ન્યુયોર્કમાં વસતાં, સમાંતર રીતે, મારી અંદર જે ઉમેરણ થતું ગયું તેણે કાંઈ મારાં મૂળથી મને જુદી ના કરી દીધી. જે ઈન્ડિયન મૂલ્યો અને સંસ્કાર લઈને નીકળી હતી તે તો રહ્યાં જ, પણ સાથોસાથ, સાચે જ, વિશ્વની કળાત્મક, સર્જનાત્મક, વ્યાપક ઉર્જા મારામાં પ્રાણ ભરતી રહી.

કાળક્રમે ગુજરાતી સર્જકો આમંત્રણથી અમેરિકા આવતા થયા. ઉમાશંકરભાઈ, હરીન્દ્રભાઈ, ચિનુભાઈ, મનોજભાઈ, ભગવતીકુમાર, રજનીકુમાર, મકરંદભાઈ, કુન્દનિકાબેન અને અન્ય સર્વે મારે ત્યાં ઊતયાં હોય. એમના સમય ને રસ પ્રમાણે મેં એમને ન્યૂયોર્ક શહેર બતાવ્યું હોય. ગુણવંતભાઈને પુસ્તકોની દુકાન આકર્ષે, તો નિરંજનભાઈને પગે ચાલીને શહેર જોવામાં રસ. શહેરની એતિહાસિક તેમજ આધુનિક ઈમારતો અને એમના સ્થર્પાતેઓ વિષે, મારા પોતાના અંગત રસ અને કુતૂહલને કારણે, હું વિગતો જાણવા માંડી ગઈ હતી. ચાલતાં ચાલતાં વાતોમાં એ વિગતો વણી લેતી જાઉં. નિરંજન ભગત તો શહેરની ગાઈડ બૂક વાંચીને, એને હાથમાં રાખીને ફરે. મને કહે, “પ્રીતિ, આવું બધું તો ગાઈડ બૂકમાં નથી !” મેં કહ્યું, “અરે, હું આ શહેરની જીવતી-જાગતી ગાઈડ બૂક છું.”

રસ, કુતૂહલ, ઉત્સાહ, વિસ્મય – આ જાણે મારી આંતર્‍ચેતનાનાં ધરવ-તત્ત્વો બનતાં ગયાં હતાં. બધી જ બાબતોમાં રસ, સતત કુતૂહલ, ના ખૂટતો ઉત્સાહ, મુગ્ધકર વિસ્મય. કૈંક આમ. ને રવીન્દ્રનાથના એક ગીતમાં છે તેવી અનુભૂતિ, કે “ આનંદની ધારા રાત-દિવસ આખા ભુવનમાં કેવી વહેતી રહે છે.”

ગુજરાતી આગંતુકો ઉપરાંત ભારતનાં અન્યભાષી સર્જકો સાથે પણ ખૂબ પ્રમાણમાં મળવાનું થયું. મોહન સામંત, કૃષ્ણ રેડી, ભગવાન કપુર જેવા જાણીતા ચિત્રકારો, અને વસંત રાય, રમેશ મિશ્રા, ઈન્દ્રનીલ રૉયચોધુરી જેવા સંગીતકારો સાથે સારો પરિચય થયો. વળી, અસમ, કેરળ, ઉત્તર પ્રદેશ વગેરેમાંથી આવેલાં સર્જકો; ને બંગાળનાં તો અનેક કળાકારો ને સર્જકો મળ્યાં, જેમકે, સત્યજીત રાય, ભવાનિ સેન, સમરેશ મજુમદાર, સુભાષ ઘોષ, જય ગોસ્વામી, નવનીતા દેવ-સેન, સલિલ ચૌધરી, કનિકા બેનરજી, સુચિત્રા મિત્ર, હેમંતકુમાર, ઉત્તમકુમાર, ફીરોઝા બેગમ, દેવપ્રસાદ હાલદાર, જોગેન ચોધુરી ઇત્યાદિ કેટલાંય. સુનીલ ને સ્વાતિ ગંગોપાધ્યાય સાથે તો કોટુંબિક ઘનિષ્ટતા થઈ. પછી સુનીલદાનાં ચાર પુસ્તકો મેં ગુજરાતીમાં અનુદિત કર્યા. મારા કામથી એ ખૂબ પ્રસન્ન થયા હતા.

બંગાળી સાહિત્ય વાંચવાની શર્‌આત, વર્ષો પહેલાં, મેં છસો પાનાંની “ચોરંગી” નામની નવલકથાથી કરેલી. એના લેખક કેવળ ‘શૉંકૉર’ (શંકર) તરીકે બંગાળમાં વિખ્યાત છે. ન્યુયોર્કમાં એમને મળવાનું થયું ત્યારે મારા આનંદનો પાર નહતો. આખી સાંજ મેં એમને કહ્યા કર્યું, “ તમે તો મારું બંગાળી બાળપણ છો.”

પણ હું અમેરિકામાં રહેતી હતી. શું ફકત ઈન્ડિયન નામો અને વ્યક્તિઓના સંપર્કમાં જ આવી હતી હું? ના, ના. ગ્રીન કાર્ડ મળી જવું જો જાદુ જેવું હતું, તો ખરેખર તો, ન્યુયો્કમાંનું મારું આખું જીવન જાણે કોઈ જાદુઈ છડીથી સ્પશીયેલું હતું. ચમત્કાર જ કહી શકાય. નહીં તો પાશ્ચાત્ય, અપરિચિત કળાઓ માટે આવો રસ પાંગયી કઈ રીતે? વેસ્ટર્ન મ્યુઝીકના અમુક પ્રકારો તો પહેલેથી સાંભળવા માંડ્યા હતા (મને હજી યાદ છે કે સોથી પહેલો કાર્યક્રમ, લિન્કન સેન્ટરમાં, વાન ફિલબર્ન નામના યુવાન પિયાનિસ્ટનો સાંભળ્યો હતો), પણ કાળક્રમે મને બે મૌલિક અમરિકન સંગીત-પ્રકાર સૌથી વધારે ગમવા માંડ્યા – કન્ટ્રિ મ્યુઝીક અને જાઝ મ્યુઝીક. જાઝના સૂર તો પ્રાણ સુધી સ્પર્શી જતા હોય છે. અને ગાયકોમાં બે તો મુખ્ય- ફ્રેન્ક સિનાત્રા અને એલા ફિત્ઝજેરાલ્ડ. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પઠન, વક્તૃત્વ અને રજુઆતોમાં પણ હું હાજર રહેતી હતી, એટલે દુનિયાનાં મુખ્ય સર્જકો અને ભાષાઓ પ્રત્યે પણ ધ્યાન આપી શકાયું.

વિશ્વનાં સાહિત્ય, સંગીત અને વિવિધ કળા માટે મારા શોખ અને અભ્યાસ જેમ જેમ વધતા ગયા તેમ તેમ અનેક વિશિષ્ટ વ્યક્તિઓનાં નામ અને કામ પણ યાદ રહેવા માંડ્યાં. આ કળા-ક્ષેત્રોના સંદર્ભે જેનો અભ્યાસ કે ખાસ પરિચય ના હોય તેવું પણ આપોઆપ મગજમાં, સ્મરણમાં નોંધાવા લાગ્યું, સમાવા લાગ્યું. હું ન્યુયોર્ક શહેરની પ્રેમી બની ગઈ હતી, અને ન્યુયોર્ક સાથેની ઘનિષ્ઠતાને કારણે જાણે મારી બુદ્ધિ પણ વધી હતી !

ફક્ત યાદો જ નહીં, જે યાદગાર છે તેમાં મને વધારે રસ છે, અને એવું જ થોડું અહીં નોંધી રહી છું : નાટ્યકાર જોસેફ પાપ્પ એક એવા આર્ષદૃષ્ટા હતા, જેમને લીધે શેક્સપિયરથી માંડીને સમકાલીન નાટકો ન્યુયોર્કની આમજનતાને માટે જોવાં શક્ય બન્યાં. હું એમને મળી ત્યારે એમણે ખાદીનો આછા કેસરી રંગનો ઝભ્ભો પહેરેલો. જુડિથ જેમિસન નામનાં આફ્રીકન-અમેરિકન નૃત્યકારને મેં સ્ટેજ પર ઘણી વાર જોયેલાં. એક વાર એમને નજીકથી જોયાં. એમનું વ્યક્તિત્વ એવું તો શાલીન, કે એમની સાથે સરસ વાતો થઈ શકી.

બધાં આવાં સરળ નથી પણ હોતાં. નોબેલ ઈનામ-વિજેતા રશિયન સર્જક જોસેફ બ્રૉડ્સ્કીનાં કાવ્યોના મેં ગુજરાતીમાં અનુવાદ કરેલા. એક સાહિત્યિક કાર્યકર્મમાં મળ્યા ત્યારે એમણે એ જોયા, સહેજ આભાર માન્યો, પણ સામે હસવાનું નામ નહીં. વિખ્યાત સંગીતકાર ફિલિપ ગ્લાસ પણ એવા જ અતડા. એમણે “સત્યાગ્રહ” નામના ગાંધીજી-વિષયક ઓર્પેરા માટેનું મ્યુઝીક લખ્યું છે. મુલાકાત દરમ્યાન આખો વખત એમનું મુખ ગંભીર જ રહ્યું. ક્રાંતિકારી ગણાતા અમેરિકન કવિ ગિન્સબર્ગનું પણ એવું જ. કોઈ વાર કવિ-ગોઠડીમાં સાથે થઈ જઈએ, પણ જલદી સ્મિત ના કરે. સાવ જુદો અનુભવ થયો ઍથૉલ ફ્યુગાર્ડ નામના વિખ્યાત દક્ષિણ આફ્રીકી નાટ્યકાર સાથે. એમને તો વળી ત્રણેક વાર મળવાનું થયું. એ તો હસમુખા અને વાચાળ. એમનાં નાટકો જોવા હું એકસો માઈલ દૂર ગાડી ચલાવીને જતી. એ અત્યંત અસરકારી નાટકો ઉપરાંત, એમની સાથે મો.ક.ગાંધીની વાત પણ નીકળેલી.

મારા પ્રિય અમેરિકન નાટ્ય-લેખક માર્ક મૅડૉફ સાથે અને મારા પ્રિય અમેરિકન વાતીકાર રેમન્ડ કાર્વર સાથે મળવાનું ના થયું. મૅડૉફ કયાંયે ગુમ થઈ ગયા, ને કાર્વર ખોટી ટેવો અને અનિયમિત જીવનને કારણે સમય પહેલાં મૃત્યુ પામેલા. એમનાં સંગિની અને જાણીતાં અમેરિકન કવયિત્રી ટૅસ ગાલાઘર એક વાર મળેલાં. એ દેખાવે ને સ્વભાવે સુશીલ, એમનાં કાવ્યો સંવેદનશીલ. કાર્વરનું કામ યુરોપના દેશોમાં પણ વંચાય છે, એમ મેં કહ્યું ત્યારે એ ખુશ થયેલાં, અને કાર્વરને ગુમાવવાને કારણે કૈંક ઉદાસ પણ.

જેને ન્યૂયોર્કની “નાટ્ય-આકાશગંગા’ કહી શકાય તેવા બ્રૉડ્વે-મંચ પર રોજનાં પચાસથી વધારે નાટકો રજૂ થાય. અનેક વર્ષોના નિવાસ દરમ્યાન ત્યાં અસંખ્ય, અને કેટલાંક અસામાન્ય, નાટકો અભ્યાસીની નજરથી જોયાં. અમુક પર લેખ પણ લખ્યા. વિખ્યાત અમેરિકન સમકાલીન નાટ્યકારો, જેવાકે નીલ સાયમન, આર્થર મિલર, ટેનેસિ વિલિયમ્સ, યુજીન ઑનીલ વગેરેનાં નાટકો વાંચેલાં, તે બધાંની રજુઆતો નરી આંખે જોવા મળતી રહી. રાતે બાર વાગ્યે નાટક જોઈને, સબ-વે ટ્રેન લઈને, કે ચાલીને ઘેર જતાં મને કશી બીક નહીં. હું ત્યારથીયે પોતાને “ન્યુયોર્કર” જ માનતી થઈ ગઈ હતી!

ઉપરાંત, ન્યૂયોર્કના અનેકવિધ નાટ્ય-મંચ પર અનેકાનેક જાણીતાં અદાકારોને પણ જોયાં : બેન કિન્ગસ્લિ, હૈન્નિ ફૉન્ડા, ગ્લૅન ક્લોઝ, મેંડોના, જીન હેંકમેન વગેરે. અને વિશ્વ-વિખ્યાત કેટલીયે વ્યફિતઓ પણ જોવા મળી : દલાઈ લામા, ઇસામુ નોગુચિ, ઍંડી વૉહૉલ, બિલ ફિલન્ટન, મુખ્ય પ્રમુખ બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, માથી સ્ટુઅર્ટ વગેરે. મિસિસ જેંકિ કૅનેડિ તો એક નાના ઓંડિટેરિયમમાં એક ખાસ ફિલ્મ જોવા જતાં લિફ્ટથી જ સાથે હતાં. અડકી શકાય તેટલાં પાસે, પણ સામે ય જોવાય નહીં. તાકીને તો નહીં જ! ઔચિત્ય-ભંગ તો ક્યાંથી કરાય?
  **
અમેરિકામાં હું કાંઈ કેવળ પરોક્ષ ઉપસ્થિતિ રાખીને જ નહતી રહી. જેમ ભારતમાં જુદી જુદી કળાઓ શીખતી ગયેલી, તેમ અહીં પણ જાતજાતની કળાઓ હું શીખવા માંડેલી. જેમકે, ચાઈનિઝ બ્રશ પેઈન્ટિન્ગ, મૅક્રૅમૅ, વીવિન્ગ, પોંટરી, પિયાનો પ્લેઇન્ગ, મશિન પર સિલાઈ, અરબી-ડાન્સિન્ગ વગેરે. ને ફોટા તો બધાં પાડતાં હોય, પણ ફોટોગ્રાફીની કળાને શીખવાની હોય છે. હું ડાર્કરૂમ-વર્ક શીખી. ઘરમાં એનલાર્જર, પ્રિન્ટર વગેરે જર્‌રી ચીજો વસાવી. પછી રસોડામાં કાળા પડદાથી બારી-બારણાં ઢાંકીને ડાર્કરૂમ બનાવું, ને એમાં ધીરજથી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ તૈયાર કરું. પણ આ દરેક કળા એવી હતી કે તૈયારી કરવામાં જ બહુ સમય નીકળી જાય.

આ બધાંની, તેમજ ગુજરાતી કાર્યક્રમોમાં હાજરી આપવાની અને કાવ્ય-પઠન વગેરે કરવાની સાથોસાથ ન્યૂયોર્કમાં થતા, એટલેકે અમેરિકન સાહિત્યના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હું હાજરી આપતી ગઈ. એવા અનેક કાર્યક્રમોમાં અંગ્રેજીમાં લખેલાં મૌલિક કાવ્યો વાંચવાની તકો પણ મને મળી. અમુક વિખ્યાત વિશ્વ-કવિઓનાં કાવ્યોના ગુજરાતીમાં અનુવાદ પણ કરવાના થયા. કેટલીક વાર આંતરરાષ્ટૄય એંન્થોલોજી માટે પણ એ કામ કરવા મળ્યું. મારાં અંગ્રેજી કાવ્યો પણ કેટલીક એંન્થોલોજીમાં સ્થાન પામ્યાં છે. આમ, અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી ગઈ હતી.

અલબત્ત, દરેક પ્રવૃત્તિ દરરોજ ના થાય, પણ થતી તો રહે જ. મને લાગ્યા કર્યું છે, કે એક પછી એક જુદાં જુદાં દ્વાર કેવાં ખૂલતાં ગયાં હતાં. ઉપરાંત, બન્યું એવું કે ભ્રમણ કરવાનું શરૂ થઈ ગયું હતું, અને લખવાનું પણ. છેવટે, ધીમે ધીમે કરતાં, આ બે પ્રવૃત્તિઓમાં જ મહત્તમ સમય જવા માંડ્યો, અને કાળકમે એ બંને જ મારા જીવિતનો ઊંડામાં ઊંડો અર્થ બની ગઈ.

“અમેરિકન ડ્રીમ”નો અર્થ હું એમ સમજી હતી, કે સમય પાસેથી જીવનમાં સ્થાવર ને સંપત્તિની નહીં, પણ આંતરિક આનંદ, સંતોષ, મુક્તતાની ભેટ મળે તો જ આ શબ્દ-પ્રયોગની વ્યાખ્યા સાર્થક થઈ ગણાય. શું નથી જોઈતું, તે વિષે મારા મનમાં હું સ્પષ્ટ હતી. મને અમેરિકામાં “વધુ ને વધુ મેળવવા’ પ્રત્યે કશું આકર્ષણ ક્યારેય થયું જ નહીં. ન્યુયોર્ક શહેરની અસાધારણતાએ મારી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી દીધી, મારા મનને સઘળું પ્રિય કરી લેવા માટે મુક્ત કરી દીધું, ને મારા હુદયને સુંદર બધું ચાહવા માટે વિશાળ કરી દીધું.

નોકરી લીધી તો હતી. પહેલી નોકરી ન્યુયોર્ક પબ્લિક લાયબ્રેરીમાં હતી. ત્યાં જ ટકીને, અન્ય હજારો-લાખો આગંતુકોની જેમ, આગળ વધી શકી હોત. પણ મેં છ જ મહિના કામ કર્યું, પછી એ છોડીને દેશ ચાલી ગઈ. પહેલવહેલી અમેરિકા આવી ત્યારે કકળીને વિચાર્યું હતું કે ક્યારેય દેશ જવાશે ખરું? ને તે પછી દોઢેક વર્ષ થતાંમાં જ, ત્રણેક મહિના માટે, હું દેશ જતી રહી. પાછી આવી ત્યારેય કાંઈ નોકરીમાં ના લાગી ગઈ. બલ્કે, બે સૂટકેસમાં સમાય તેટલી મારી “સંપત્તિ” કોઈને ત્યાં મૂકીને હું, જે હજી નહોતો ગમતો તે, અમેરિકા દેશને જોવા ને સમજવા નીકળી પડી. ત્યારથી જ મને ભૂમિ-દર્શન અર્થપૂર્ણ લાગે, તેથી મેં વિમાન નહીં, પણ બસ
દ્વારા મુસાફરી કરી. ગ્રેહાઉન્ડ કહેવાતી બસ-કંપની આખા દેશમાં એકથી બીજે છેડે જાય. મેં ત્રણ મહિના સુધી સળંગ અમેરિકાની બધી દિશાઓમાંનાં દૂર દૂરનાં, નાનાં ને મોટાં, નામ સાંભળ્યું હોય તેવાં ને સાવ અજાણ્યાં હોય તેવાં પણ અનેક સ્થાનો જોયાં. દિવસે કલાકોના કલાકો, અને રાતની રાતો ય બસમાં. મન અને હુદય છક થતાં ગયાં – શબ્દાતીત પ્રાકૃતિક સુંદરતા, ને એમાં વળી અકલ્પ્ય વૈવિધ્ય. અમેરિકાનું આ બહુલ ભૂમિ-દર્શન કર્યું તે પછીથી મારું હૈયું અહીં ઠરવા લાગ્યું.

મારા જીવનનો આ સો પ્રથમ સાવ એકલાં કરેલો પ્રવાસ. સાંસ્કૃતિક સીમા પ્રમાણેના જે પણ પ્રતિબંધ કુટુંબમાં હતા તેમને અતિક્રમી જઈને, સાવ જુદા, જાતે જ કહું તો ઘણા વિશિષ્ટ એવા, પરિમાણનું મારી વ્યક્તિગતતામાં પ્રદાન થયું. પાછું ફરી થોડા મહિના કામ કર્યું ના કર્યું ને યુરોપ જોવા જતી રહી. એમાં તો ઘર-ઝુરાપાનું કારણ અપાય તેમ નહતું. બસ, હું હજી અજાણ હતી પણ મને પ્રવાસી બનાવવા માટેનો, વિશ્વ તરફથી, એ પહેલો સાદ હતો. યુરોપ જતાં પહેલાં ફેન્ચ ભાષા શીખી. ત્યાં કેટલાક દેશોમાં એ કામમાં આવી શકે, તે કારણે. સળંગ અઢી મહિના યુરોપના દેશોમાં બસ, ટ્રેન અને બોટ લઈને ફરી. છેલ્લે, ત્યાંથી પણ ફરી ભારત જઈ જ આવી. પછી તો સ્પેનિશ શીખી, ને એ ભાષા બોલાતા કેટલાયે દેશોમાં ગઈ. જાપાન પહેલેથી મારો પ્રિયમાં પ્રિય દેશ રહ્યો છે, તેથી જાપાની ભાષા શીખવા પણ હું પ્રેરાઈ.

આવા મારા ઉત્ફુલ્લ સમય-કાળ દરમ્યાન એક એવો બનાવ બન્યો હતો કે જેને હું મારા અમેરિકામાંના જીવનનો બીજો ચમત્કાર ગણું છું. નાનપણથી હું બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદો વાંચતી આવેલી, અને રવીન્દ્રનાથનાં ગીતો ગાતાં શીખેલી. મનમાં એક હસવા જેવો ખ્યાલ હતો, કે બંગાળી કવિને પરણવું છે ! એવું, કે જે ગુજરાતમાં શક્ય ના બન્યું હોત તે કોઈ જાદુઈ રીતે ન્યુયોર્કમાં બન્યું. એક બંગાળી ભદ્રજન સાથે મુલાકાત, મૈત્રી, પ્રેમ ને પછી લગ્ન થયાં. જોકે મેં ઘણી વાર કહ્યું છે, કે “ સારું છે કે ઈશ્વરે કવિ મને બનાવી. જો એ કવિ હોત તો અમે “ખાખી બંગાળી’ હોત!” આટલો વિનોદ જાત પ્રત્યે !
**
પછી તો એના બંગાળી મિત્રો સાથે મારી ઓળખાણો થઈ, બધા બંગાળી કાર્યક્રમોમાં જવાનું થવા માંડ્યું, રવીન્દ્રનાથના ડાન્સ-ડામામાં ભાગ લીધો, કોલમ્બિયા યુનિવર્સિટીના મંચ પર બંગાળી કાર્યક્રમોમાં ગાયું, ન્યૂયોર્કની ટાગોર સોસાયટી સાથે વર્ષો સુધી એની કારોબારીમાં જોડાયેલી રહી. બધાં બંગાળીઓ મને બંગાળી જ માને. જે જાણતાં હોય તે પણ ભૂલી જાય કે હું “ઓંબોંગાલી’ છું! ન્યુયોર્કમાં રહેતાં રહેતાં મને આખું બંગાળી-વિશ્વ આવી મળ્યું. અન્યોની વાતો સાંભળી સાંભળીને હું બંગાળી બોલતાં શીખી ગઈ, અને જાતે, એકદમ ઝટપટ – પંદર મિનિટમાં – બંગાળી વાંચતાં શીખી ગઈ. ને એ પછી તો કેટલી બંગાળી ચોપડીઓ વાંચી – શૉકોરથી શરૂ કરીને ‘શરચ્ચંદ્ર’, ને રવીન્દ્રનાથ, તારાશંકર બંદોપાધ્યાય, આશાપુર્ણાદેવી ઈત્યાદિથી સુનીલ ગંગોપાધ્યાય. આ એક વધારે પરિમાણ – ગુજરાતી, અમેરિકન અંગ્રેજી, પછી બંગાળી. અને વિશ્વમાંથી તો હજી કેટલુંયે ઉમેરાવાનું હતું.

લગ્ન થતાંની સાથે શ્રી સેનગુપ્તાએ કહ્યું, કે “ તારે નોકરી કરવાની જરૂર તથી. હું હંમેશાં તારી સંભાળ રાખીશ.” તે મારે વળી નોકરી કયાં કરવી જ હતી ! આવી વ્યક્તિનું મને આવી મળવું, તે છે મારા જીવનનો બીજો, અને સદાયે માટેનો અદ્‍ભૂત ચમત્કાર. ભાગ્ય તરફથી મળેલો આશીર્વાદ.

બસ, આ પછી તો દુનિયાનાં બધાં બારણાં ખુલી ગયાં, અને બધા રસ્તા સામસામા થઈ ગયા. હવે તો છ મહિનાની નોકરી કરવાની પણ જરૂર ના રહી. ખૂબ રસથી ને પ્રેમથી મેં આ ગોળ પુથ્વી પર આવર્તનો લેવા માંડ્યાં. મારા વરને ક્યારેક ટાપુ-દેશો પરના મોંઘા રિઝોર્ટમાં જવા સિવાય પુથ્વી-દર્શનમાં જરા પણ રસ નહીં, ને મારે માટે એ તીવ્ર ખેંચાણ. મારો વર ચિંતા કર્યા કરે, પણ ક્યારેય મને રોકે નહીં. હું કેટલો નિજાનંદ પામું છું એ જોઈને પોતે પણ ખુશ થાય. અત્યાર સુધીમાં પંદરેક વાર પૃથ્વી ફરતે જઈ આવી છું. અમેરિકા અને યુરોપ પછી બીજા વધારે દૂરના દેશો તરફ ગઈ, વધારે અઘરા પ્રવાસો કરવા લાગી. બધું જ એકલાં, જાતેજાતે, એકદમ મક્કમ નિધીર. કેટલી હિંમત કરું છું, એવો કશો “વહેમ’ નહીં, ને સાથે જ, ભયનો ને બીકનો કશો ભાવ નહીં.

ખરેખર તો, મનમાં વિશ્વાસ રહેતો – અન્યો માટે. એમ, કે કારણ વગર સંશય કરવાનું, ને શંકિત થવાનું શા માટે? સહજ આનંદ અને સતત વિસ્મય જાણે મારી જીવન-નાવનાં બે હલેસાં બની ગયાં. બસોમાં ફરું ને ધરમશાળા જેવી નાની સ્થાનિક જગ્યાઓમાં રાત રહું, જે મળે તે ખાઈ લેતી હોઉં; ઘણી મહેનત કરીને ભ્રમણ કરતી હોઉં, પણ ફ્યારેય કંટાળો નહીં, ને ભાગ્યે જ જાતને પણ ફરિયાદ. વિશ્વભરમાં કેટકેટલા પ્રવાસો બસમાં કર્યા, ને તે પણ કલાકોના કલાકો, અને દિવસો સુધીના. જેમકે, પહેલી વાર અલાસ્કા ગઈ ત્યારે કેનેડાના વાનકુવર શહેરથી બસ લીધેલી. પાંચ દિવસ પછી પાંચમી રાતે ત્યાં ફેરબૅન્ક્સ ગામે પહોંચી. આમાં પહેલા અડતાલિસ કલાક એક જ બસમાં, એક જ સીટ પર ગાળ્યા હતા. કુદરતની કમાલને જોયા કરી હતી. શું રોમાંચ, શું ઉલ્લાસ; કંટાળાને માટે મનમાં જગ્યા જ ના થાયને. આ રીતે ટ્રેન-સફર તો ઘણા દેશોમાં કરી છે, પણ ટ્રેનમાં પિસ્તાલિસ કલાકો સળંગ મુસાફરી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ કરી છે. ભૂમિ, બસ, જોતી જ રહું.

દર વર્ષે, વર્ષમાં ચાર મહિના-છ મહિના પ્રવાસ થતા ગયા, ને અમુક વખતે મને ખ્યાલ આવ્યો કે સ્થાનો પર તો જઈ જ રહી છું, પણ એક પછી એક કરતાં પૃથ્વીના જુદા જુદા મહાખંડમાં પણ જઈ રહી છું. હું મારી જ પ્રક્રિયાથી સભાન બની, અને વધારે આદરપૂર્વક વિશ્વના પ્રદેશોમાં જવાનાં આયોજન કરવા માંડી. હું માનતી આવી છું, કે જે નજીક હોય તે પહેલાં જોવું જોઈએ, ને પછી ક્રમશ: દૂરનું, અજાણ્યું, અઘરું, જોવા જવાનું વિચારવું જોઈએ. જાણે એક પછી એક પગથિયું ચઢતાં જવાનું. સદ્‍ભાગ્યે, અમેરિકા આવી તે પહેલાં ભારતમાં વારંવાર થયેલા પ્રવાસો દ્વારા સમગ્ર જન્મભૂમિને નયનથી ને હૃદયથી નવાજવા પામી હતી. અલાસ્કા, હવાઈ અને આખા અમેરિકાને જોયું, અને યુરોપ, મેંફિસકો, કૅનેડા ગયા પછી જ જાણે હું પૂર્વ એશિયાના અત્યંત સુંદર દેશો – કોરિઆ, જાપાન, તાઈવાન વગેરે – જોવાને લાયક બની.

પછી એશિયા ખંડના અન્ય દેશો જોયા. આટલા મોટા આફ્રીકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડમાં પણ ઘણા દેશો આવેલા છે. વળી, ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ. આખી લાંબી યાદી અહીં કયાં બનાવું? પણ એમ કહી શકું કે નિયમિત તથા વ્યવસ્થિત રીતે ફરતાં ફરતાં એકસો દસથી વધારે દેશોનાં દર્શન કર્યા છે. કેટલાયે દેશોમાં એકથી વધારે વાર ગઈ, કારણકે બધે ગમી જાય, ને ફરી જવાનું મન તો તૈયાર જ હોય. ભારત તો દર વર્ષે જતી હતી, અને ત્યાં પણ વિભિન્ન સ્થળો જોવા જતી રહું. ઉત્તર-પૂર્વના પ્રાંતો હોય, કે ઉત્તર પ્રદેશમાંનાં યાત્રાધામ હોય, કે કર્ણાટકનાં પ્રાચીન સ્મારક-સ્થાનો હોય, મારે તો જાણે બધું જ જોવું હોય. સ્તેહસિક્ત લોભ એક આ જ- સ્થાનો જોવાનો. એમને ફરી ફરી જોવાનો !

વળી, પૃથ્વી પર તો જાણે પેટા-ખંડો પણ છે. જેમકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલો મધ્ય-અમેરિકા કહેવાતો ભૃમિ-ભાગ. ઉપરાંત, દરેક દરિયામાં ઘણા દ્વીપ-દેશો હોય છે. એ બધા તો એટલા વિયુક્ત, ને એટલા નાના, કે એમને કયા ખંડમાં ગણવા તે ઘણી વાર જાણે સમજાતું નથી હોતું. એટલાન્ટીક સમુદ્ર, પેસિફિક સમુદ્ર, કરીબિયન સમુદ્રમાંના એવા કેટલાયે દ્વીપ-દેશો પર પણ હું ગઈ. દરેક ટાપુ પર જન-જીવન પણ વિશિષ્ઠ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રીકા, ઓસ્ટ્રેલિયા – એમ છ ખંડોમાંના અસંખ્ય દેશોમાં ફરી વળી, ને તે પછી જ એન્ટાર્કીટેકા જવા મેં મારી જાતને પરવાનગી આપી. છેલ્લે જાણીતો થયેલો તેથી એ સાતમો ખંડ કહેવાય છે, ને પ્રવાસી તરીકે મારે એને યોગ્ય આદર આપવો હતો. એ તો જાણે શબ્દાતીત અદ્‍ભૂત જગ્યા હતી. માંડ કશી ભૂમિ. અમુક કિનારા પાસે લાવા-રજ દેખાય. વધારે તો, આખો યે મહા-વિસ્તાર બરફથી છવાયેલો. સફેદ વાદળાં જોઈને થાય આ પહાડ હશે?

હિમનદીઓ પોતાના જ વજનથી તૂટીને વિરાટકાયી હિમખંડો બનીને સમુદ્રમાં તરતી હોય. અલૌકીક સ્થાન, પારલોકીક અનુભવ. આ અસાધારણ હિમમંડિત સ્થાન-દર્શન કરીને વહાણ દુનિયા તરફ પાછું જવા માંડ્યું, ત્યારે ન બનવું જોઈએ તે બન્યું. પાણીમાં ઊંડે રહેલા પાષાણોની સાથે વહાણનું તળિયું અથડાયું, ને એવું ઘસાયું કે તત્કાળ વહાણમાં પાણી ભરાવા લાગ્યું. બધાં મશિનો બંધ થઈ ગયાં, બધે અંધારું થઈ ગયું. વહાણ મધદરિયે વાંકું વળીને અટકી પડ્યું. ધમાલ મચી ગઈ. આ વહાણ આર્જેન્ટીનાના નૌકાદળનું હતું, ને પહેલી વાર આમ પ્રવાસીઓને લઈને એંન્ટાર્કીટેકા આવ્યું હતું. બધા ખલાસીઓ સ્પેનિશ જ બોલે, અને એ બધા પણ ગભરાઈ ગયેલા. વહાણ તૂટ્યું પછી ખૂબ ઉતાવળે સ્પૅનિશમાં સૂચનાઓ આવવા લાગી. કશું સમજાય તહીં.

છેવટે બધાં મુસાફરોને તૃતક પર ભેગાં કરવામાં આવ્યાં. દરેક જણ, એક પછી એક કરીને, દોરડાની નિસરણી પકડીને ઊતરતું ગયું. એ નિસરણી તો થોડે સુધી જ જતી હતી, તેથી દરેક જણે પાણીમાં નાખેલી રક્ષા-નાવના નાના ચોરસ “મોઢા” માં કૂદવું પડ્યું. સાચવીને જ સ્તો. નીચે હતો બરફના પાણીનો બનેલો સાગર, એમાં મોટીમસ વહેલ માછલીઓ તરે, ને ડોલમડોલ નાવડીમાં “પડવાનું” – નહીં તો બચવાનો કોઈ ઉપાય નહીં.

બચવા અંગેની વાત તો લાંબી છે, પણ અહીં આટલું પુરતું છે. જાન બચી, તે જ; બાકી બધું ગુમાવ્યું – કપડાં, પૈસા, જરૂરી ચીજો, બે કૅમેરા, ત્રણસો જેટલા ફોટા, ને એથીયે વધારે તો, પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ. (વષી પહેલાં “જાદુ’થી મળ્યું હતુંને એ! ) મુસાફરો અગિયાર દેશોમાંથી આવેલાં, ને હું એક જ ઈન્ડિયન હતી. મારો પાસપોર્ટ પણ ઈન્ડિયન હતો. એ તો ફરીથી ન્યુયોર્કના ઈન્ડિયન કોન્સ્યુલેટ સાથે અમુક માથાકૂટ કર્યા પછી મળી ગયો, પણ ગ્રીન કાર્ડ ફરી મેળવતાં અમેરિકન સરકારના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની બેદરકારીને લીધે જે મુશ્કેલી પડી, તેને તો યાદ કરતાં પણ જીવને કષ્ટ થાય છે.

ઓગણીસમી-વીસમી સદીમાં દરિયો ઘણો ખેડાતો. ગુજરાતીઓ ભાગ્ય અજમાવવા દરિયાપાર જવાનું જોખમ પણ ખેડતા. ત્યારે પણ વહાણો તૂટતાં, ને મુસાફરો જાન ગુમાવતા. એ પછી કદાચ દાયકાઓ બાદ એક ગુજરાતી સ્ત્રી, વહાણ તૂટી પડ્યાથી, જીવ ખોવાની અણી પર આવી હતી. આ પણ થયો જ ને કોઈ પ્રકારે વિચિત્ર (અને વિસ્મયકર) અંગત દતિહાસ.

હું કહેવા લાગી હતી : “ મારી જિંદગી એંન્ટાર્કીટેકાની પહેલાં, અને એંન્ટાર્કીટિકાની પછી”, પણ ભાગ્યના તડકા-છાંયાની વાતો આપણે સાંભળતાં આવ્યાં છીએને? તો એવું જ કાંઈ બન્યું મારી સાથે. એ કમભાગી વહાણ તો પછીથી ત્યાં જ ડુબી ગયું. સદ્‍ભાગ્યે કોઈ જાનહાનિ નહોતી થઈ. મેં દુન્યવી સઘળું ગુમાવી દીધું હતું, ને તોયે હું એક અત્યંત અગત્યની રીતે ભાગ્યવાન બની હતી. વહાણમાં દરરોજ હું જેમાં નોંધ કરતી હતી, ને રોજ એ દેવી સ્થાન પર કાવ્ય લખતી હતી, તે નોટબૂક બચી ગઈ હતી. જે થેલો હંમેશાં ખભા પર રહેતો – પાણીની બૉટલ, ગોગલ્સ, રૂમાલ, હેંટ, એકાદ કૅમેરા જેવી ચીજો સાથે – એમાં એ દિવસે એ નોટબૂક પણ હતી. એ બચી, તો હું બચી ગઈ. એમાં એંન્ટા્કીટેકાની સ્તુતિમાં બાર કાવ્યો લખેલાં. ફોટા તો જાણે ત્યાં ફરીથી જઈને ફરી પણ પડાય, પણ જો એ શબ્દો ગુમાવત તો હુદય એવું તો તૂટી જાત, કે જીવને કળ વળતાં કેટલોયે સમય લાગત. કદાચ કળ વળત જ નહીં. મને તો લાગતું હતું કે જો એ શબ્દો ગુમાવ્યા હોત તો જીવ પણ ગુમાવી દીધો હોત.

સંસારમાં ફરી ગોઠવાઈ ના ગોઠવાઈ એટલાંમાં મારું ધ્યાન પુથ્વીના ગોળા પર છેક ઉત્તરે આવેલા આર્કીટેક સમુદ્ર પર ગયું. ઓહો, એ પણ કેટલો અમાપ વિસ્તાર છે. એમાં જ છે ઉત્તર ધ્રુવ. એની ચોતરફ ગ્રીનલેન્ડ, અમેરિકા, કૅનેડા, રશિયા વગેરે દેશોના ઉત્તરના છેડા છે. મારા સ્થાન-પ્રેમી મનને થયું, હું જો ત્યાં જઈ શકું – છેક દક્ષિણ પછી છેક ઉત્તરે – તો પુથ્વીના ગોળાકારને જાણે હું આલિંગનમાં લઈ શકું. વળી, આવો અનંત પ્રસ્‍તાર, ભલે જળનો, પણ એ સાડા સાતમો ખંડ તો ગણાવો જ જોઈએ. આમ, મારા મનમાં અને મારા માનવા પ્રમાણે, પુથ્વી પર સાડા સાત ખંડ છે !

ચુંબકીય ઉત્તર ધ્રુવ પર જતું અભિયાન, કેનેડાના છેક ઉત્તરના હિસ્સામાં રેઝોલ્યુટ નામના કેનેડાની સરકારે બનાવેલા થાણા પરથી શરૂ થયું. અમે પાંચ મુસાફર હતાં. ચાર પુરુષો યુરોપના ચાર દેશો- આયરલેંન્ડ, ઈગ્લંડ, સ્વિત્ઝરલેંન્ડ, જર્મની- માંથી આવેલા. પાંચમી હું તે ઈન્ડિયન. ઉપરાંત પાંચ સ્થાનિક ઇનુઇત જાતિના પુરુષો. અભિયાનમાં સ્ત્રી હું એક જ, ને મારા તંબુમાં પણ હું એકલી. દુનિયા આખીમાં એકલી હોઉં, તો ધ્રુવીય વિસ્તારમાં પણ કેમ નહીં ! એક અંદેશો જરાક રહે, કે જો આ્કીટેક પ્રદેશમાં ફરતાં રહેતાં સફેદ રીંછમાંનું એકાદ આવી ચઢશે, તો બીકના મા્યી બૂમ પણ નહીં પડાય. જોકે સાથેના બે ઈનુઇત પુરુષો પાસે રાઈફલ હતી, ને એ રાખવી ત્યાં જરૂરી ગણાય છે.

રૅઝોલ્યુટ થાણં છોડ્યું કે દુનિયા આખી પાછળ રહી ગઈ. અરે, ભૂમિ જ છૂટી ગઈ. હવે આગળપાછળ, ચારે તરફ હતો આર્કીટેક સમુદ્ર. તદ્દન થીજેલો. સદીઓથી થીજીને રહેલું પાણી. એના પર જ સ્લેજ જાય, એના પર જ દિવસો સુધી રહેવાનું, ને બરફની જ પથારી. હવામાન માઇનસ પચાસ, સાઠ, સિત્તેર ડિગ્રી. પહેલાં કદિયે ના કરી હોય એવી આ સફર હતી. મારા જીવનની આ મહાયાત્રા હતી.

ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચીને અમારાં બધાંના દેશોના ધ્વજ ફરકાવ્યા. મારો પાસપોર્ટ હજી ઈન્ડિયન જ હતો, તેથી ઈન્ડિયન ધ્વજ લગાવેલો. રેંઝોલ્યુટ થાણામાં રાખેલી નોંધપોથી પરથી પછી ખબર પડેલી કે ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચનાર હું પ્રથમ ભારતીય વ્યક્તિ બની હતી.

દુનિયા જ નહીં, પણ હું સંસારથી પણ મુક્ત થઈ ગઈ હતી. દુન્યવી એક્કે ચીજ લીધી નહતી. ઘડિયાળ પણ મેં સાથે નહતી રાખી. એવું બંધન પણ શા માટે રાખવું? ચોતરફ ચોવીસે કલાક ફેલાયેલા રહેતા પ્રકાશ સામે જોઈને હું સમયને સમજવા પ્રયત્ન કરતી. મેં નોંધ્યું કે મોડી સાંજ થવા માંડે ત્યારે પ્રકાશ કેંક દૂધિયો થતો હતો. આદ્ય-પ્રવાસીઓ આવી જ રીતે સમયને, આકાશને, દિશાઓને સમજતા હશે ને? કદાચ પોતાના ચિત્તને પણ.

અસહ્ય જેવી ઠંડી, સ્લૅંજમાં બેઠે બેઠે પળે પળે આવતા રહેતા આંચકા વગેરેને લીધે અત્યંત કઠિન હતું આ સાહસ, પણ અસામાન્‍ય-વિરલ હતો આ અનુભવ. ઈશ્વરીય તત્ત્વ મારી અંદર જ સમાયું હશે, નહીં તો બચું કઈ રીતે આમ અહીં, ને અન્યત્ર? ઉછેરવશ, ટેવવશ, શ્રદ્ધાવશ, ગણેશની નાની મૂર્તિ અને થોડાં ફૂલો હું સાથે લઈ ગઈ હતી. ફૂલો તો ઠંડીમાં સાવ સૂકાઈ ગયેલાં, પણ બરફની એક શિલા પર મૂર્તિ પધરાવી, ને ફરતે સૂકી પાંખડીઓ મૂકી. અગરબત્તી માટે દીવાસળી સળગી નહીં, કારણકે પવન હતો. જાણે મેં ત્યાં એક નિજી સ્થાનક બનાવ્યું.

આ સાહસની વિગતો ઘણી છે. એટલું કહું, કે આ મહાયાત્રાની નોંધ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ટીલેવિઝન, રેડિયો, અખબારો વગેરેમાં પણ લેવાઈ હતી. આ પ્રયાણ વિષે મેં ત્રણ પુસ્તકો લખ્યાં. પહેલું અંગ્રેજીમાં લખ્યું. કાવ્યો પણ અંગ્રેજીમાં જ લખ્યાં હતાં. બીજું ગુજરાતીમાં લખ્યું, અને બે બીજાં કાવ્યો પણ. ત્રીજું લખાણ ભારત સરકારના પ્રકાશન કેન્દ્ર દ્વારા આમંત્રિત થયું હતું. એ મેં અંગ્રેજીમાં લખ્યું, ને ગુજરાતી પણ કરી આપ્યું. એ પછી હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. શાળાઓમાં એ વંચાય છે, ને મને વિદ્યાર્થીઓ સાથે આ વિષે વાત કરવા આમંત્રણ મળતાં રહે છે. ભારત તથા કેટલાક અન્ય દેશોમાં પણ, ઓછામાં ઓછી બસો વાર, આ વિષે મેં સચિત્ર રજુઆતો કરી છે. પુથ્વી પર ઉત્તરથી યે ઉત્તરે હું પહોંચી હતી. આ ભૌગોલિક રીતે થયેલું અભિયાન.

જોકે, સમયના સંદર્ભમાં આ પ્રક્રિયા ઉત્તરોત્તર થતી આવી હતી, ને મારી આંતર્ચેતનાના સંદર્ભમાં એ આધ્યાત્મિક રીતે થતી ગઈ હતી. મારી હયાત અવસ્થામાં એક એકલ્પ્ય, ને અનપેક્ષિત મુકામ બન્યો હતો. હું હજી કહું છું, ને હજી માનું છું, કે હું સાવ નજીવી જેવી વ્યક્તિ, ને કશી ચરમ જગ્યાએ પહોંચવા પામી. સાવ શૂન્યથી શરૂ કર્યું મેં, ને છેક ઉત્તર ધુવ પર જઈ શકી. જે રીતે સીમિત થઈને રહેવાનું પ્રથાગત કુટુંબોમાં ફરજીયાત હોય છે તેની બહાર, અને સાચે જ, કોઈક રીતે જાતની બહાર, હું નીકળી ગઈ હતી.
**
પ્રસ્થાન અને લેખન – બંને નાનપણથી જ થતાં રહ્યાં હતાં, પણ સામાન્‍ય પરિમાણમાં. જીવનને જ્યારે મારે જાતે સન્‍માનવાનું, ચાહવાનું, જીવવાનું આવ્યું ત્યારે આ બંને પ્રવૃત્તિઓ પાંગરી ઊઠી, અને સદાયે એકમેકને પૂરક બનીને ચાલતી રહી. અમેરિકામાં આરંભનાં વર્ષો દરમ્યાન પ્રવાસ શરૂ થયા હતા, પણ ક્યારેક ક્યારેક કાવ્યો સિવાય બીજું લખવાનું અટકી ગયું હતું. ભાષાના છોડને, નવી હવા ને માટીમાં, ફલો હજી આવવા નહતાં માંડ્યાં.

૧૯૮૨માં હું પહેલી વાર મધ્ય-પૂર્વના દેશોમાં ગઈ – ઇજિપ્ત, પેલેસ્ટાઇન, જોર્ડન, ને ખાસ તો ઈઝરાયેલ. ત્યાં જેરુસલેમની ઝાંખી કરી, અને હુદય-મંદિરનાં દ્વાર ખુલી ગયાં. ઇશુના જીવનનાં સ્થાનો દ્વારા હું સ્પર્શી, અને એ સાથે ભાષા અને સાહિત્યનાં દેવી ટેરવાં પર પુન:પ્રસ્‍થાપિત થયાં. “જેરુસલેમની જાત્રા” નામનો લેખ મનના ઊંડાણમાંથી ઊભરાઈ આવ્યો. એ છપાયો. પછી તરત ચીન ગયેલી. એ તો તે કાળે “ચોથું વિશ્વ” લાગેલું. એના પર બે લાંબા નિબંધ લખ્યા. ને પછી તો જ્યા જ્યા ગઈ ત્યાં ત્યાંની આરતી શબ્દો દ્વારા ઉતારતી ગઈ. છતાં, શિવકુમાર જોષી જેવા મિત્રોએ જ્યારે કહ્યું કે “ હવે નિબંધ-સંગ્રહ છપાવ”, ત્યારે ઘણો અચંબો થયેલો. અરે, હોય કાંઈ? મારી તે કાંઈ ચોપડી થતી હશે? પણ થઈ. એ પ્રથમ પુસ્તક તે “પૂર્વી”. એમાં દુનિયાના પૂર્વીય પ્રદેશોના લેખો છે – પૂર્વ એશિયા, પૂર્વ આફ્રીકા, મધ્ય-પૂર્વ વગેરે. માન્યું નહતું, ને શરૂઆત થઈ. માન્યું નહતું, ને પુસ્તકો ચાલુ રહ્યાં. પ્રવાસ પર તેવીસ થયાં, ને એ સિવાય લલિત નિબંધ, કવિતા, વાતી, નવલકથા, અનુવાદો વગેરેનું કામ પણ થતું જ રહ્યું. ભારતમાં ભ્રમણ (તે ય એકલાં જ) કરતાં કરતાં લીધેલા અસંખ્ય ફોટાઓમાંથી ચૂંટીને ૪૮૦ જેટલી તસ્વીરોનું એક પુસ્તક (ઘણા શ્રમપૂર્વક) થયું. એનું નામ “આપણ ઈન્ડિયા” – (Our India). એ મારું પ્રિય પુસ્તક, અને દેશને કરેલું તર્પણ છે. લખ્યાં છે તો બધાં જ પુસ્તકો ભાષાના સ્નેહમાં ખૂબ આનંદથી, પણ એમાંયે અમુક પુસ્તક મને બહુ વહાલાં છે. જાપાનના પહેલા છ પ્રવાસો (હવે નવ થયા છે) પરનું પુસ્તક “ સંબંધની ત્રતુઓ.” લાંબા ભૂમિ-પટે જતા જાપાન દેશમાં, ઉત્તરથી દક્ષિણ, ઘણી જગ્યાઓએ ગઈ, બધીને ચાહી. વળી, જાપાનની દરેક ઋતુ દરમ્યાન હું ત્યાં હાજર રહેલી છું.

તિબેટના ભ્રમણ પરનું પુસ્તક “દેવો સદા સમીપે.” આખો એ પ્રદેશ ખૂબ ઊંચાઈ પર છે. મેં ત્યાં બસમાં ભૂમિ-માર્ગે મુસાફરી કરી. લાગે કે મારગ ઉપર ને ઉપર ચઢતો જાય છે, લાગે કે દેવો અહીંથી નજીકમાં જ રહેતા હોવા જોઈએ. હું બહુ સ્વપ્ન સેવતી નથી – પ્રવાસ અંગે પણ નહીં. જાણે દેવો જ સ્થાનોનું સ્મરણ મારા મનમાં પ્રેરે છે ! પણ લ્હાસામાં આવેલા, દલાઈ લામાના એક હજાર કક્ષોના બનેલા વારસાગત પ્રાસાદ-સંપુટને જોવાની ઈચ્છા મારા મનમાં એક સપનું બની બેઠી હતી. તિબેટી લોકોને માટે જે દેવનો અવતાર છે, તે પોતે જીવ બચાવવા ૧૯૫૯માં તિબેટથી ભાગી છૂટેલા, ને હજી ક્યારેય ઘેર પાછા જઈ શક્યા નથી. આ હકીકત મારા જીવને પીડતી રહે છે. “પોટાલા પૅલેસ” કહેવાતું એમનું નિવાસ-સ્થાન હવે તો ચીની સૈનિકોનું ઘર બનાવી દેવાયું છે. મુસાફરે પણ ત્યાં બહુ સાવધાન રહેવું પડે છે. એ દિવસે મેં એમને યાદ કરીને ખાસ, એ પહેરતા હોય છે તેવા ચંપાઈ રંગનાં કપડાં પહેરેલાં.

દક્ષિણ આફ્રીકા દેશના પહેલા ચાર કે પાંચ પ્રવાસો પરનું પુસ્તક તે “ સૂતર સ્નેહનાં.” ગાંધીજીના ઘણા સંદર્ભોએ એને પણ મારું પ્રિય પુસ્તક બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ચોથી વાર ગઈ પછી એના પર બીજું પુસ્તક લખ્યું. એનું નામ “આટલી બધી ભૂમિ” છે, કારણકે એ વખતે મેં પિસ્તાલિસ કલાકની ટ્રેન-સફર કરેલી, કેવળ ભૂમિને જોવા. એ સૂકા રણ જેવો, વનસ્પતિ વગરનો, ‘કશું નહીં’ જેવો પ્રદેશ છે. વળી, ઓસ્ટ્રેલિયાનું “રક્તિમ કેન્દ્ર” કહેવાતા વિસ્તારમાં ફરીથી ગઈ, અને ‘ઉલૂરુ’ કહેવાતા અજાયબ મહા-પાષાણને બીજી વાર જોવા ભાગ્યશાળી થઈ. કાવ્ય-સંગ્રહોનાં તો બધાં નામ મને પસંદ છે : “જૂઈનું ઝૂમખું”, “ઓ જુલિયેટ”, “ખંડિત આકાશ”, “બેતરફી પ્રેમ”. વળી, “સાત ખંડ, સાતસો ઇચ્છા”માં સાતેય, બલ્કે મારા મતે સાડા સાત, ખંડ પરનાં પ્રવાસ-કાવ્યો છે, ને “અકારણ હર્ષે” (આ શબ્દો રવીન્દ્રનાથના એક ગીતમાં છે) નામના સંગ્રહમાં ચાર ભાષાઓનાં – ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી – મૌલિક કાવ્યો છે.

ખેર, અત્યારે કુલ પચાસ પુસ્તકો થયાં. ઈનામો પણ મળતાં રહ્યાં- ગુજરાત સાહિત્ય પરિષદ અને અકાદમીમાંથી દસેક મળ્યાં હશે. એની નોંધ કરતાં જવાનું મને સૂઝ્યું જ નથી. બીજાં પણ ખૂબ સરસ પારિતોષિક પ્રાપ્ત થયાં- વિશ્વ ગુર્જરી, સમર્પણ સન્‍માન, નર્મદ ચંદ્રક, ગુજરાતનું ગૌરવ, ગુર્જર ગિરા, મહેતા પારિતોષિક, કવિ ડાહ્યાભાઈ ચંદ્રક, ગાર્ડિ ડાયસ્પોરા પારિતોષિક વગેરે. આમાંનાં કેટલાંક પહેલી વાર દરિયા-પાર આવ્યાં. “કુમાર સુવર્ણચંદ્રક” તો અસંખ્ય વર્ષોના એના ઈતિહાસમાં, એ વર્ષે, પહેલી વાર કોઈ લેખિકાને મળ્યો હતો !

ખરેખર, હજીયે આ બધું મને જાદુ જેવું જ લાગે છે. પણ કૃપાવંત છું તે તો કબુલ કરવું જ પડે. સ્થાન-પ્રેમી એકલ સ્ત્રી-પ્રવાસી તરીકે કોઈ દેવી તત્ત્વ મારું ધ્યાન રાખતું ગયું, મને આંચ ના આવવા દીધી. શબ્દ-ભક્ત સર્જક તરીકે કોઈ દૈવી તત્ત્વ મને સતત પ્રેરણા બક્ષતું રહ્યું. મારા લલાટે સૃષ્ટિ અને શબ્દ, ભ્રમણ અને ભાષા લખાયાં હશે.

મારાં મમ્મી ક્યારેક કહેતાં, “ ફરવામાં આટલા પૈસા ખર્ચે છે તે ઘરેણાં કરાવતી હોય તો.” ને એમણે જ મને ઘણી વાર કહેલું, “ બહેન, તું બહુ સંતોષી.” એમને ખ્યાલ આવી ગયેલો, કે આ છોકરી કોઈ સ્વીકાર્ય જીવન-રીતિમાં બંધાઈને નહીં રહી શકે. પહેલાં એ ચિંતા કરતાં, ને પછી જોયું કે હું સુખ-આનંદમાં છું એટલે એ નિશ્ચિંત થયાં હતાં. લેખન-ક્ષેત્રે મારી પ્રગતિ એમણે જોઈ નહીં, નહીં તો એ ઘણો હર્ષ પામ્યાં હોત.

   **************

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.