કાવ્યત્રયી ~ પ્રાર્થના જહા

૧.   “……ડૂમો ગળે ચોંટી ગયો….!”

ગુપ્ત  વાતોને  ગળી,  ડૂમો ગળે ચોંટી ગયો,
કોઈને પણ ના નડી, ડૂમો ગળે ચોંટી ગયો.

ના ખસ્યો તે ના ખસ્યો, એ જિંદગીની હઠ ઉપર,
સાવ વચ્ચોવચ રહી, ડૂમો ગળે ચોંટી ગયો.

બ્હાર ના નીક્લી શક્યો, ના અંતરે જગ્યા મળી,
માનહાનિ બહુ સહી, ડૂમો ગળે ચોંટી ગયો.

ચાર દર્દો એમનાં એ સાંભળીને રહી ગયો,
સૌ દદ્ર્દને બુઠ્ઠાં કહી, ડૂમો ગળે ચોંટી ગયો.

ઝેર જેવો લાગતો, રોજે ગળામાં વાગતો,
શિવના સાહસમાં ભળી, ડૂમો ગળે ચોંટી ગયો.

આવડત એની જ, એની પાયમાલી થઈ ગઈ,
કોઈના દિલને કળી, ડૂમો ગળે ચોંટી ગયો.

ચોટ ચોવટથી કદી, એને કશે લાગી જ નહીં,
મૌન ચર્ચાયા પછી, ડૂમો ગળે ચોંટી ગયો,

રોજ ઉપર આવતો, આવીને ત્યાં અટકી જતો
દરિયા માફક એ વળી, ડૂમો ગળે ચોંટી ગયો.
  –    પ્રાર્થના જહા

૨.  “સળવળાટ જેવુંય કશું થાય નઈ…”

સળવળાટ જેવુય કશું થાય નઈ
આંખ પણ સ્તબ્ધ બનીને જોઈ રે’
એવી રીતેય માણસ કેટલું રોઈ લે!

જિંદગી કેવી મળે? કટકા થઈને
સંબંધ પણ જીવતા રહે, બટકા થઈને
ભેંકાર ભીંતોમાં કશું જોયા પછી, ખોયા પછી
બાકી રહે શું? ને બીજું કેટલું ખોઈ લે?
— એવી રીતેય…..

ખોટ તારી રોજ પરોવાય છે હવે,
સંબંધ મારા શ્વાસમાં ધોવાય છે હવે.
ઈશ્વર બને, તો મૂર્તિના અભિષેકમાં ઊતરું!!
મોકલે છે તું પગલાં ને પડછાયા, જોઈ લે!!
— એવી રીતેય…..
  –     પ્રાર્થના જહા

૩.  “અમે તો ખોટાં સિક્કા………!”

નખ શિખ નક્કામાં નામ
અમે તો ખોટા સિક્કા……
કોણે સોંપ્યા કામ?
અમે તો ખોટાં સિક્કા…..

સાચ ને આંચ ન આવે ગળથૂથીમાં પીધું
સાવ જુઠ્ઠા જગની સામે તો સાચે સાચું કીધું
અમે અમારી વાતે તો જાતે જઈ સલવાણાં
ક્યાં છે અમને ભાન!
અમે તો ખોટાં સિક્કા…

નખ શિખ નક્કામાં નામ
અમે તો ખોટા સિક્કા……
કોણે સોંપ્યા કામ?
અમે તો ખોટાં સિક્કા….
…….. નખ શિખ નક્કામાં નામ….
–      પ્રાર્થના જહા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.