ગુજરાતી સર્જકની ફરિયાદ ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય
એક લેખિકા બહેન એક સંપાદકને ફરિયાદ કરે છે કે “તમારા મેગેઝિનમાં મારી વાર્તા ‘માનસી, ઓ માનસી’ની મારી જાણબહાર, બેફામ અને અયોગ્ય રીતે કાપકૂપ થઈ છે. જેથી વાર્તાનો તંતુ સંધાતો નથી. મારી વાર્તામાં તો હવે કશું થઈ નહીં શકે. પણ ભવિષ્યમાં અન્ય સર્જક સાથે આવું ન થાય એ માટે આપને તકલીફ આપી રહી છું. મારી વાર્તા સાથે કેટલી અયોગ્ય કાપકૂપ થઈ છે એ જણાવવા આ સાથે મારી મૂળ વાર્તાની વર્ડફાઇલ જોડી રહી છું. આપના તરફથી પ્રતિભાવની આશાસહ––“
આવું રોજ બને છે, કોઈની વાર્તાનાં પાનાં ઊલટસુલટ છપાઈ જાય, કોઈની વાર્તાનો અમુક ચાવીરૂપ પેરા ઊડી જાય, કોઈની વાર્તા બીજાના નામે પ્રકટ થઈ જાય. કોઈવાર અનાયાસ થઈ જાય, કોઈવાર સંજોગવશાત થાય, કોઈવાર નાછૂટકે કરવું પડે નાપાક એડિટરે!
ગુજરાતીના એક ફેમસ સર્જકના પ્રકાશકોની ગફલતથી તેની એક નવલકથાનું છેલ્લું પ્રકરણ પુસ્તકમાં ન છપાયું. પુસ્તક બજારમાં આવી ગયું, વંચાયું ને તેની ઉપર સમીક્ષાઓ લખાઈ. હકીકત જ્યારે બહાર આવી કે છેલ્લું પ્રકરણ છપાયું નથી ત્યારે સર્જકને તેના વાચકોએ પૂછ્યું કે તમને કાંઈ થયું નહીં, ક્રોધ ન ચડ્યો? વગેરે. એ સર્જકે હસીને કહ્યું કે વિવેચકોએ કથાના અધૂરા અંતમાંથી મારીમચડીને પ્રતીકો શોધ્યાં ને એ અંત કેવો બલિષ્ઠ કહેવાય તેવાં બયાનો આપ્યાં. મજા આવી તે કસરત જોવાની! સર્જક ગુસ્સે ન થયા, તેમને મન એ નવો ખેલ થયો. તે સર્જક હતા, ગુજરાતી સાહિત્યના ચિરહરિત ગુંડાધિપતિ ચંદ્રકાંત બક્ષી.
બક્ષી ગુજરાતી સાહિત્યના વેવલાવેડાના મહાકઠોર વિરોધી હતા. કોઈના લખાણમાં ‘ણ’ અને ‘ળ’ આવે તો તેને હસી કાઢતા, કેમકે ણ અને ળ–વાળા શબ્દો મર્દાના નથી હોતા. લખાણમાં ઉર્દૂ અલફાઝ આવે તો તેને કપાળે ચાર કરચલી પાડી બક્ષી વધાવતા, કેમકે તે આખી ઉર્દૂ જબાનને જ મર્દાના માનતા. ભાઈ બક્ષીને ભાઈ ભક્ષી કહેનારા એક સર્જક એકાદ યુનિવર્સિટીના છે તે કુલાધિપતિ પણ થયા હતા. તે કુલાધિપતિ પણ પોતાને ‘સર્જક’ કહેનારાંની ખિલ્લી ઉડાવતા, ગુજરાતીઓ પોતાનાં સર્જનોને પોતાનાં સંતાનો કહે ને તેમના વિશે કોઈ ઊણું લખે કે બોલે તો સર્જક સર્ન્ટીમેન્ટલ થઈ જાય ને એમનો આત્મો કકળી ઊઠે. ફરગેટ્ટ ઇટ, સિસ્ટર, લખી લીધા પછી તમારું ધનુષ ટેકવો અન્ય કોઈ માછલીની આંખ તરફ.
આ કોલમના સર્જક ગગનવાલા માને છે કે સાહિત્યકારને સર્જક કહેવાનો રિવાજ ગુજરાતીમાં જ છે, રવીન્દ્રનાથ કે ખાંડેકરનાથ કે હેમિન્ગવેનાથ પોતાને સર્જક નહોતા માનતા. ગુજરાતી લેખકો જાતે જ પોતાને સર્જક ડિકલેર કરે છે, જેનાં લખાણમાંથી કોઈ આર્થિક બરકત ન હોય તે સાહિત્યકાર, મીન્સ કે સર્જક. બક્ષીનો પાર્ટટાઇમ કોમ્યુનિસ્ટ આત્મા પોકારતો કે લેખક કરે તે સર્જન અને કડિયા, સુથાર, લુહાર કે પીંજારા બધા જખ મારનારા એમ?
કથાસાર તે, સર્જિકા બહેન, કે દરેક એડિટરનો એજન્ડો હોય છે, કાપકૂપ! વાર્તામાં જોડણીની ભૂલ કે ગ્રામરની ગરબડ હોય તો તે સ્વચ્છ કરે. ડબલ ડબલ વિશેષણો ને ક્રિયાવિશેષણ એડિટ કરીને વાર્તાને ચુસ્ત કરે. પાત્રના હૈયામાં શો ઉત્પાત છે તેનાં પાંચ પાંચ લીટીનાં આંસુભીનાં બયાન હોય તો તે કટ કરે કેમકે એ બધું તમે ચાવી ચાવીને વાચકને કોળિયા ભરાવો તેમાં વાચકને મજા ન આવે. તે કાપકૂપમાં કોઈ અંગત ખાર ન હોય, કે દુર્ભાવના ન હોય.
તમે વાર્તાની મૂળ પ્રત મોકલાવી ‘સર્જક’ તરીકે ન્યાય માગ્યો. મોટીબેન, ક્ષમા કરશો, તમને થયેલ ગ્લાનિ હું સમજું છું. પણ આ વાર્તા તે જ તમારું શ્રેષ્ઠ સર્જન નથી; આ વાર્તા તે જ તમારું શેષ સર્જન છે એવું પણ નથી. તમે તમારી ભાષા સુધારો, જોડણી ને વ્યાકરણ તરફ લક્ષ આપો, કેમકે હજી તમારે સેંકડો વાર્તાઓ લખવાનો રિયાઝ કરવાનો છે, અને સેંકડો વાર એડિટરોના સ્કાલપેલની નીચે સેંકડો વાર્તાઓ મૂકવાની છે. પોતાની કૃતિ પ્રત્યે આટલી બધી પ્રીતિ ન બાંધો, સર્જિકાબહેન, વાર્તા લખીને તમે જ તેનું નિર્મમ એડિટ કરો! અને તેના પછીની વાર્તા તેનાથી બેટર બનાવો! જય કુલાધિપતિ!