“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ ~ સંપાદકઃ રેખા સિંઘલ
( આ પોસ્ટમાં અહીં “સ્મૃતિસંપદા”ની અને સંપાદકની પ્રાથમિક ઓળખ આપી છે. પહેલા સર્જકની કહાનીની પોસ્ટ જુદી મૂકવામાં આવી છે, એની નોંધ લેવી.)
દર રવિવારે, “આપણું આંગણું”માં “સ્મૃતિસંપદા”માં સંકલિત થયેલી ડાયસ્પોરા સર્જેકોના જીવનકવનની વાતોને પ્રકાશિત કરવાનો મારો આનંદ આપ સૌ સુજ્ઞ વાચકો સાથે વહેંચતાં હું ખૂબ રોમાંચિત છું. ફિલાડેલ્ફિયાથી પ્રકાશિત થતું ત્રૈમાસિક “ગુર્જરી ડાયજેસ્ટ”ના સ્થાપક અને સંપાદક, શ્રી કિશોરભાઈ દેસાઈની પ્રેરણાથી રેખાબહેન સિંઘલે “સ્મૃતિસંપદા” જેવું માતબર પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તકના લેખો “આપણું આંગણું”માં મૂકવામાં આવશે કે જેથી સૌ વાચકોન આ સક્ષમ સર્જકોની વતનથી દૂર રહીને પરદેશમાં સહકુટુંબ સ્થાયી વસવાટ કરવા માટેની મૂંઝવણ અને મુસીબતોને એમનાં શબ્દોમાં માણી શકે. એટલું જ નહીં, પણ કેવી રીતે આ સૌ સમય અને સંજોગોની સામે સામા પ્રવાહે તર્યા અને તનતોડ મહેનત કરીને જે રીતે પરદેશની ભૂમિમાં મૂળિયાં નાખ્યાં, એમાંથી પ્રરેણા પામી શકે.
આજે રેખાબહેન સિંઘલનો વિગતવાર પરિચય નીચે આપતાં એમનું અને સૌ સર્જકોનું “આપણું આંગણું”માં સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું.
“સ્મૃતિસંપદા”ના સંપાદક શ્રીમતિ રેખાબહેન સિંધલનો પરિચયઃ એક સફર વિજ્ઞાન, સાહિત્ય અને શિક્ષણનીઃ
રેખાબેન સિંઘલ મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ નજીક આવેલા વેરાવળના રળિયામણા દરિયાકાંઠાની વતની છે. શિક્ષણ, વિજ્ઞાન અને સાહિત્ય એમના વ્યક્તિત્વના અભિન્ન અંગો રહ્યા છે. ૧૯૮૯માં અમેરિકા સ્થાયી થયા બાદ, એમણે સંઘર્ષ સાથે જીવનને ભરપૂર રીતે માણ્યું છે. એમને એમની જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા, બંને દેશોની ભાષા તથા સંસ્કૃતિ પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ છે. એમણે વિજ્ઞાન અને સાહિત્ય બંને ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે: બી.એસસી. (Microbiology – 1976), બી.એડ. (Mathematics and Science – 1981), એમ.એ. (Gujarati – 2011)
ભારતમાં હતાં ત્યારે એમણે હાઈસ્કૂલમાં ગણિતના શિક્ષિકા તરીકે સેવાઓ આપી હતી. અમેરિકા આવ્યા બાદ એમણે મેડિકલ ટેકનોલોજીસ્ટ તરીકે બાળકોના હ્રદયરોગ પરની રિસર્ચ લેબોરેટરીમાં પ્રશંસનીય કાર્ય કર્યું. આ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા બાદ, શિક્ષણ પ્રત્યેના એમના લગાવને કારણે તેઓ ફરીથી શિક્ષણક્ષેત્રે જોડાયા છે. હાલમાં તેઓ ટેનેસી રાજ્યના મરફ્રીસબરો (Murfreesboro) શહેરમાં ગણિતના વર્ગો ઓનલાઈન તેમજ સ્વયંના ઘરે ચલાવી રહ્યાં છે.
રેખાબેનના પોતાના શબ્દોમાં કહીએ તો, “વિજ્ઞાનની સાથે સાહિત્ય પણ હંમેશા મારા હૃદયની નજીક રહ્યું છે.” ગુજરાતી ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ના સંપાદક શ્રી કિશોરભાઈ દેસાઈના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી એમણે ‘સ્મૃતિસંપદા’ નામના અમૂલ્ય પુસ્તકનું સંપાદન કર્યું છે. એમની કલમ અવારનવાર સુંદર કૃતિઓનું સર્જન કરતી રહે છે. તેઓ એમનાં અંગત બ્લોગ axaypatra.wordpress.com પર એમની કૃતિઓ અને રસપ્રદ પ્રવાસવર્ણનો અવારનવાર વાચકો માટે મૂકતાં રહે છે.
અમેરિકામાં વસીને પણ તેઓ આપણી ભારતીય પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને ક્યારેય ભૂલ્યાં નથી. અહીંની ગુજરાતી અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પ્રમુખ, ટ્રસ્ટી કે કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે વર્ષો સુધી સ્વૈચ્છિક સેવાઓ આપતાં રહ્યાં છે. નવી પેઢીમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવા માટે તેઓ કાયમ પ્રયત્નશીલ રહે છે.
ગણિત, વિજ્ઞાન, સાહિત્ય, પ્રવાસ અને સમાજસેવામાં જીવનનો ઉત્તરાર્ધ રેખાબેન અર્થપૂર્ણ રીતે અને આનંદથી વ્યતીત કરે છે. પોતાના પરિવારના સાથ-સહકાર અને મિત્રો-સ્નેહીઓની સંગતમાં જીવનને આકંઠ માણનારાં રેખાબેન સિંઘલે અત્યંત શ્રમ લઈને ડાયસ્પોરાના લેખકોના જીવનકથનીનું સંપાદન “સ્મૃતિસંપદા”ના માતબર સર્જનોને “આપણું આંગણું” માટે પ્રગટ કરવાની સંમતિ આપીને સૌ વાચકો માટે એક અદભૂત ખજાનો ખુલ્લો મૂક્યો છે. “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી હું એમનો અને “સ્મૃતિસંપદા”ના સર્વ સર્જકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
Click on link below for my articles and stories: 1) https://gujaratisahityasangam.wordpress.com/2009/01/25/axaypatrani-lekhika-rekha-sindhal/ 2) https://journals.physiology.org/doi/full/10.1152/ajpheart.00811.2005/
3) https://www.sbs.com.au/language/gujarati/audio/story-east-meets-west/ 4) https://gujarati.pratilipi.com/search?q=Rekha%20Sindhal/