અનિલ ચાવડાની પાંચ ગઝલો

અનિલ ચાવડા વર્તમાન ગુજરાતી કવિતાનું મોખરાનું નામ છે. તેમની કવિતા આધુનિક સમયની પીડા અને પ્રશ્નોને બખૂબી રજૂ કરે છે. તેમનાં સર્જનને વાચકો અને વિવેચકોએ ખોબલે ખોબલે વધાવ્યું છે. તેમના લેખન વિશે વિદ્વાનોના મંતવ્યોઃ

હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે.
– મોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)

ઉર્દૂના, હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ મોટા નક્કાદ અર્થાત્ વિવેચક પ્રો. વારિસ હુસૈન અલ્વીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. – ડો. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ, લેખક)

મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. – રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખક)

એક કવિને છાજે એવો સંયમ એને સહજ છે. – રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. – ચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)

અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. – ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)

અનિલ ચાવડાના સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે, ગઝલના ભવિષ્યને કોઈ આંચ નહીં આવે તેમ સ્પષ્ટ લાગે છે. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)

ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. – હર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)

અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. – સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)

ગઝલ-1

મૂંગાં છે હૃદય સૌના શું સાદ કરે કોઈ;
પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ!

ના પૂછ પ્રણયનું તું, ધોખોય નથી પામ્યો,
એવું ય નસીબે ક્યાં, બરબાદ કરે કોઈ!

તેં કેદ કર્યાં સૌને આઘાતમાં જીવનભર!
આ રીતે ભલા ખુદને આઝાદ કરે કોઈ?

દીઠું ય નથી ગમતું બુઝુર્ગ આ ડાળીને
જો વૃક્ષ ઉપર પર્ણો ઉન્માદ કરે કોઈ!

તરણું ય બિચારું ત્યાં ઊગી ન શકે સ્હેજે
ના એવી કૃપાનો પણ વરસાદ કરે કોઈ

ગઝલ-2

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી,
પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી!

આજ કોઈ ‘ના’ કહે તો અર્થ એનો ‘ના’ જ થાય.
એ સમય નોખો હતો ‘ના’માંય જ્યારે ‘હા’ હતી.

પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ?
પામવું‘તું કૈંક મતલબ કે હજી માયા હતી!

કામ પૂરું થઈ ગયું તો એ કતલખાને ગયા,
આપ્યું ગાયે દૂધ જ્યાં લગ ત્યાં સુધી માતા હતી.

આજ જો કંઈ નહિ કરો તો કાલ પૂછશે બાળકો,
“શું અહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી?”

– અનિલ ચાવડા

ગઝલ-3

અમે આ જિંદગી કેવી કરી બેઠા,
શું બનવાનું હતું ને શું બની બેઠા.

સિતારો થઈ દિવસના ઝગમગ્યા થોડુંક,
બની બેઠેલ સૂર્યો તમતમી બેઠા.

પછી એ જીવવાનું તો અમારે ને,
વિધાતાને શું, એ તો બસ લખી બેઠા.

તમે શું બાંકડો સમજ્યા બગીચાનો?
આ મારું હૈયું છે, બેઠા પછી બેઠા.

અમે ક્યાંથી અમારું રાખીએ પાસે?
સ્વયમના છાંયડે વૃક્ષો કદી બેઠા?

વ્યથા જે થઈ શકી નહિ વ્યક્ત હોઠેથી,
અમે એ સર્વનાં કાવ્યો રચી બેઠા.

~ અનિલ ચાવડા

ગઝલ-4

બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જઉં?
સિતારો તો છું નહિ કે નભથી ખરી જઉં!

હવે મારી પાસે આ અંતિમ તક છે,
હવે હું મરણિયો ન થઉં તો મરી જઉં!

અનુભવ વિતેલા જીવનના છે એવા,
મળે કોઈ જો પ્રેમથી તો ડરી જઉં!

તમે ઢાંકણીના જે પાણીનું કહો છો,
હું એમાં જો ડૂબી શકું તો તરી જઉં!

ઘણાં વર્ષે એ ચ્હેરો જોવા મળ્યો છે,
ફરી જઉં હું એના તરફ કે ફરી જઉં?

~ અનિલ ચાવડા

ગઝલ-5

તાકી તાકીને બધા જોઈ રહ્યા છે ચણ તરફ,
ધ્યાન કોઈનું નથી સંજોગની ગોફણ તરફ!

એ મળ્યાં, હૈયું ગયું દોડીને નિવારણ તરફ;
મન ગયું, ‘છૂટાં પડ્યાં ’તા કેમ?’ એ કારણ તરફ

આપણે મન છે કદાચિત સૂર્ય મોટો તેજપૂંજ,
શક્ય છે બ્રહ્માંડ જોતું પણ ન હો રજકણ તરફ!

એ જ નિર્ણય જિંદગી બદલી શકે એવા હતા,
મેં નજર સુધ્ધાં નહોતી નાખી જે બે-ત્રણ તરફ.

મૃત્યુ ટાણે હાથમાં સૈનિકના એક કપડું હતું,
આંખ થઈ ગઈ ’તી સ્થગિત એમાં રહ્યા ગૂંથણ તરફ.

એક રસ્તો એક ઘરને કૈંક કહેવા માગે છે,
ક્યારનો ફેંક્યા કરે છે કાંકરી આંગણ તરફ.

– અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.