લેખમાળા: ગઝલગુર્જરી ~ સૈફ પાલનપુરી : લેખ ૧૦ ~ રઈશ મનીઆર

ઘણાં લાંબા સમય પહેલાની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલ્સતા
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે

કાળા વાદળના જિગરમાં ય સુજનતા આપી
અને પથ્થર જેવા પથ્થરમાં ય ગંગા આપી
આવા દિલવાળા બધા દૃશયોને મૂંગા રાખ્યાં
અને માનવને પ્રભુ હાય! તેં વાચા આપી..

આવા સુંદર મુકતકોના સર્જક સૈફ પાલનપુરી વિશે આજે આપણે વાત કરીશું એમનાં મુક્તકો, એમની ગઝલો અને એમની નઝમોના ખજાનામાંથી યથાયોગ્ય આચમન કરીશું
30 ઓગસ્ટ 1923ના દિવસે જન્મ. નામ સૈફુદ્દીન ગુલામ હુસેન ખારાવાલા. દાઉદી વોહરા જ્ઞાતિના સજ્જન. મૂળ પાલનપુરના. એમના બાપદાદા ખારા નામના ગામથી ગધેડા પર મીઠું લાદીને લાવતા અને પાલનપુર વેચતા એના પરથી ખારાવાલા અટક પડેલી.

સૈફભાઈ લખે છે કે ”શયદાભાઈએ મારી આંગળી પકડી, શૂન્યભાઈએ તખલ્લૂસ આપ્યું, બેકાર સાહેબે પરિચય કરાવ્યો અને અમીરીએ મારામાં શાયર તરીકેનું આત્મજ્ઞાન પ્રગટાવ્યું.”
”અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે.
રૂદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.”

સૈફ પાલનપુરી આમ શયદા સાહેબના શિષ્ય. એમના પિતાની ટોપી વેચવાની દુકાન હતી ત્યાં શયદાસાહેબ એમની ઠસ્સાદાર ટોપી ખરીદવા આવતા અને થોડી ગઝલો સંભળાવી જતા. સૈફ પાલનપુરીને આ ગઝલની વિધામાં રસ પડ્યો અને શયદા સાહેબને કંપની આપવા માટે એમણે મુશાયરામાં જવાનું શરૂ કર્યું.
સૈફ પાલનપુરી પહેલા માત્ર ગઝલના ચાહક હતા. અસંખ્ય ઉર્દૂ શેરો એમને મોઢે હતા. શાયરોની ખાનગી બેઠકમાં એમની બોલબાલા રહેતી. પણ ત્યારે એ પોતે શાયર નહોતા.

એકવાર સુરતમાં મહાગુજરાત મંડળનો મુશાયરો હતો. શયદા સાહેબ સૈફ સાહેબને સાથે લઈ ગયા. સૈફ પાલનપુરીએ ત્યાં સુધી એકે ગુજરાતી ગઝલ લખી નહોતી. એક વણનોતર્યા મહેમાન માટે જમવા વગેરેનું કષ્ટ આયોજકને લેવું પડ્યું, એ સૈફ પાલનપુરીને સારું ન લાગ્યું. બીજીવાર ત્રણ મહિના પછી શયદા સાહેબે ફરી સૈફને કંપની આપવા માટે સાથે આવવા કહ્યું..  સૈફ પાલનપુરી કહેવા લાગ્યા, ઉતારા વગેરે વ્યવસ્થા માત્ર શાયરો માટે હોય, મારા જેવા ભાવક માટે રહેવાની વ્યવસ્થા આયોજકો કરે એ ઠીક ન લાગે.
શયદા સાહેબે કહ્યું; “ઉકેલ સરળ છે, તારું નામ શાયરોમાં લખાવી દઈએ.”
સૈફ કહેવા લાગ્યા; “પણ મેં તો એક પણ ગુજરાતી ગઝલ લખી નથી.”
શયદા બોલ્યા, “તો લખી નાખ.” અને આમ એક ગુજરાતી શાયરનો જન્મ ઉતારાની સમસ્યા દૂર કરવા માટે થયો.

એ લગભગ 1947નું વર્ષ હશે. મુશાયરામાં અતિથિ વિશેષ તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણી હતા. પ્રમુખ તરીકે શ્રી પંડિત ઓમકારનાથ હતા. સંચાલન ‘બેકાર’ સાહેબનું હતું.ગઝલ લખવા માટે પંક્તિ આપવામાં આવી હતી
તને શું? મને જે ગમે તે કરું છું.”

શયદા સાહેબ લગભગ એવું જ કર્યું હતું, પોતાના ગમતા મિત્રને શાયર બનાવી દીધો.

ગઝલ રજૂ કરવાનો જ્યારે સૈફ પાલનપુરીનો વારો આવ્યો ત્યારે એમના પગ, હાથ અને હૈયું ધુજી રહ્યાં હતાં. ” ‘બેકાર’ સાહેબે એમનો પરિચય આપતાં કહ્યું, એમનું ઉપનામ ‘સૈફ’ છે.  સૈફ એટલે તલવાર – પણ હું તમને ખાતરી આપું છું કે એમની તલવાર અહિંસક છે.” આવા જરા વિચિત્ર પણ લાગણીભર્યા પરિચયની કારણે, સૈફ સાહેબ ગઝલ બોલે એ પહેલાં શ્રોતાઓએ એમને તાળીઓથી વધાવી લીધા અને એમનો ડર ગાયબ થઈ ગયો. એમણે એ દિવસે આ ગઝલ રજૂ કરેલી
“અમોલા વિચારોનાં પુષ્પો ધરું છું
ગઝલ-પ્રેમ મારો પ્રદર્શિત કરું છું.”
એ ગઝલનો એક શેર આજે ય આપણને યાદ છે
“મને દોસ્તોના અનુભવ ન પૂછો
 હવે દુશ્મનો પર ભરોસો કરું છું.”

દોસ્તો અને દુશ્મનો વિશે એમનું બીજું ય મુક્તક છે
“ચમકારા ગેરવલ્લે ગયા, વિસ્તરી ગયા
ખોટી જગાએ જઈને સિતારા ખરી ગયા
મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને
બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા !”

“દોસ્તોની મહેર કે સંખ્યા વધી ગઈ જખ્મની
દુશમનોનું એ પછી વર્તુળ નાનું થઈ ગયું
ખૂબસૂરત ગાલ પર આ શ્યામ તલ! શી વાત છે!
યોગ્ય શીર્ષક જાણે સુંદર વાર્તાનું થઈ ગયું..!”

અને એ જ કલમમાંથી આગળ જતા કેવી કેવી રચના નીપજી…!
“ખુશ્બૂમાં ખિલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલા જામ હતાં
શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુના પણ નામ હતાં

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી
એ મોત જરા રોકાઇ જતે બે ચાર મને પણ કામ હતાં

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંઝિલ પણ મશહૂર હતી કંઇ રસ્તા પણ બદનામ હતા

જીવનની સમી સાંજે મારે ઝખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં

જો પેલા ખૂણે બેઠો છે એ સૈફ છે મિત્રો જાણો છો
એ કેવા ચંચલ જીવ હતા ને કેવા રમતારામ હતા..!”

એમની બીજી.. આવી જ મજાની ગઝલ યાદ આવે છે
“સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું

એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
આ એની અસર છે કે કરમાઇ રહ્યો છું

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચેહરો
ચૂપ રહું છું તો લાગે છે કે કસમ ખાઇ રહ્યો છું

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો ને વંચાઇ રહ્યો છું

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઇ રહ્યો છું

સૈફ પાલનપુરી સાહેબની એક ઓછી જાણીતી નઝમ જુઓ. નઝમનું શીર્ષક છે “યાદશક્તિ”

લોક કે’ છે નયનમાં નૂર હતું
ઊર્મિઓનું ઊછળતું પૂર હતું
લોક કે’ છે બુલંદ નિશાન હતાં
મારા દિવસો કદી જવાન હતાં
લોક સાચા મને વિવાદ નથી
કિંતુ મુજને તો કઈંએ યાદ નથી

આપ કો’ છો કે હું રસિક હતો
પ્રેમ મંઝિલનો એક પથિક હતો
આપ કો’ છો સાથ ફરતા’તા
તારલાઓ ગગનથી ખરતા’તા
આપ સાચા મને વિવાદ નથી
કિંતુ મુજને તો કઈંએ યાદ નથી

ખૂબ ઊર્મિલ હતો વિચિત્ર હતો
મિત્રો કે’ છે કે હુંય મિત્ર હતો
સુખમાં સ્મિતોનાં ફૂલ ઝરતા’તા
દુ:ખમાં આંખોથી અશ્રુ સરતા’તા
મિત્ર સાચા મને વિવાદ નથી
કિંતુ મુજને તો કઈંએ યાદ નથી,

સ્મિત અશ્રુ દબાવી બેઠો છું
હું જવાની લુંટાવી બેઠો છું
કોણ દોષિત છે નામ કોનું લઉં?
યાદશક્તિ ગુમાવી બેઠો છું
યાદ ઝાંખી છે કંઇ સહારા હતા
લૂંટનારા બહુ જ પ્યારા હતા

તો ગુજરાતી ગઝલવિશ્વમાં નઝમ અને મુક્તકો લખવામાં સૈફ સાહેબની પ્રવીણતા હતી. સૈફ ભાઈએ એક પ્રસંગ નોંધ્યો છે. અમદાવાદમાં એક મુશાયરો હતો. પ્રેક્ષકો કવોંટીટીમા ઘણા હતા કવોલિટીમાં જરા સમસ્યા હતી.

આમ તો કાલિદાસ ઘણી સદીઓ પહેલા કહીને ગયા છે કે અરસિકેષુ કાવ્યનિવેદનમ શિરસિ મા લિખ મા લિખ મા લિખ

પણ આ વાત આયોજકના ધ્યાન બહાર રહી હશે તેથી રસિકોની મહેફિલ જામવાને બદલે અરસિકોનું એક મોટું ટોળું જમા થયું હતું, વાતાવરણ કવિસંમેલનના બદલે પિકનિક જેવું હતું.. એવું લાગતું હતું કે લોકો શાયરીની મજા લેવાને બદલે શાયરોની મજા લેવા આવ્યા હતા.,

‘શૂન્ય’ ભાઇએ તરન્નમમાં શરુઆત કરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે, આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી.

શૂન્યભાઈ આગળ બોલે એ પહેલા અમુક તોફાની શ્રોતાઓ બાળકની જેમ રડવાનું શરૂ કરી દીધું. ફુગ્ગાઓ ફોડવા માંડ્યા. સિસોટીઓ શરૂ થઇ ગઇ.

સ્વમાની શૂન્યભાઈ પોતાની ગઝલ પૂરી કરવા વગર બેસી ગયા

એક પછી એક શાયરો નિષ્ફળ જવા લાગ્યા. એક તરફ શાયરો ગઝલ બોલે અને સામેથી શ્રોતાઓ સામેથી ફિલ્મી ગીતો શરૂ કરે.

આવા વાતાવરણમાં સૈફ પાલનપુરીનો વારો આવ્યો. એ માઈક હાથમાં લે એ પહેલા આયોજકોમાંના એક ભાઇ આવ્યા અને સૈફભાઈને બોલતા અટકાવી ભાઇએ જાહેરાત કરી કે “હેલો હેલો હેલો પ્રદર્શનમાં એક નાનો છોકરો ખોવાઇ ગયો છે … પીળા કલરની ચડ્ડી પહેરી છે જે કોઇ ભાઇ કે બહેનનો હોય એ ઑફિસમાં આવીને લઇ જાવ.”

આ જાહેરાત કરીને પેલાભાઈ ખસ્યા અને સૈફભાઈને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે ગઝલ રજૂ કરવાને બદલે એક મુક્તક રજૂ કર્યું.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે,

લોકોને લાગ્યું કે આ તો શીઘ્ર શાયર છે, અવાજો ઓછા થઈ ગયા, સૈફ ભાઈ મુક્તક પૂરું કર્યું
વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે,
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઈ ગયો.
જાણે ફાડે કોઇ તારીખનાં બબ્બે પાનાં,
તારા હૈયાથી હું એ રીતથી વિસરાઇ ગયો.

એ વખતે સૈફભાઈ નવોદિત હતા, માંડ પચીસથી ત્રીસ કૃતિઓ એમણે લખી હતી.  શ્રોતાઓના પ્રેમ અને આગ્રહથી એ બધી જ કૃતિઓ એમણે એ દિવસે સંભળાવવી પડી. એટલું જ નહીં પછી શ્રોતાઓએ બાકીના બધા શાયરોને ફરીથી માનપૂર્વક સાંભળ્યા.

મંચકલાના આવા કસબી શાયરની બીજી એક ગઝલ પણ જાણીતી છે

નિસ્બત છે અમારે ધરતીથી તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે
ઘર દીપ બુઝાવી નાખીને નભ દીપને રોશન કોણ કરે

વીખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે

આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ
એક રાત નિભાવે લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે

એમની એક અન્ય ગઝલના ત્રણ શેર જુઓ

શું થશે જો ઝેર પણ સાકી સુરામાં નાખશે?
પી જનારા પી જશે ને ચાખનારા ચાખશે

જઇ રહ્યાં છે ક્યાંક ને પૂછી રહ્યાં છે એ મને
કાળી કાળી ઝુલ્ફ પર આ ફૂલ કેવું લાગશે?

સૈફ કઇ સમજો અને રડવું  હવે તો બંધ કરો
ઘેર આવેલી આ બરબાદીને કેવું લાગશે?

અને એમનો આ વિખ્યાત શેર જુઓ

પહેલા સમું તરસનું એ ધોરણ નથી રહ્યું
પાણી મળે છે તો ય  હવે પી જવાય છે

મરીઝ સાહેબ કહે છે

બીજી છે એની શોભા કે ખાલી પડી રહે
ફૂલો ન હો તો કંઈ ન ભરો ફૂલ છાબમાં

તો ફૂલ ને પાણીના પ્રતિકથી બન્ને શાયર વાત કરે છે જીવનના ઉચ્ચ ધોરણોની, પસંદગીમાં સમાધાન ન કરવાના વલણની. જગતના કોઈ પણ ક્ષેત્રમાં યોગ્ય સ્તર ન જળવાય ત્યારે નબળા વિકલ્પોથી ન ચલાવી લેવાય ગાડું ગબડાવી ન લેવાય એવો અભિગમ આ બન્ને શેરોમાં વ્યક્ત થાય છે

મુગ્ધ પ્રેમની નિષ્ફળતા વિષય સૈફ પાલનપુરીએ પણ મરીઝની માફક જ કલમ ચલાવી છે, એમની આ ગઝલ સાંભળો

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછાં હશે જે પ્રેમમાં ફાવી ગયા

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો
યાદ કંઈ આવ્યું નહીં , પણ આંસુઓ આવી ગયા

મેં લખેલા દઈ ગયા પોતે લખેલા લઈ ગયા
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા

સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા

સૈફભાઈએ પોતાની કેટલીક રચનાઓમાં આપણી કહેવતો કે માન્યતાઓને ખૂબ જ સુંદર રીતે સાંકળી લીધી છે. આપણે ત્યાં ‘કોઈના ઘર ઉપર બેસીને કાગડો બોલતો હોય તો મહેમાન આવશે’ એવી માન્યતા છે. સૈફ સાહેબ પરંપરાથી ચાલી આવતી આ માન્યતાને આપણી સમક્ષ જરા જુદી રીતે પ્રસ્તુત કરે છે.. એમનો શેર છે,

”ઘણાં દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી,”

જ્યારે શયદા સાહેબની ગઝલમાં ઢલકતી ઢેલ આવે, સૈફ સાહેબની ગઝલમાં ગઝલમાં બારીએ કાગડો આવે, ગનીચાચાની ગઝલમાં બુલબુલ આવે ત્યારે ગઝલની 100 ટકા ગુજરાતીતા સિદ્ધ થાય છે

સૈફ સાહેબની યાદશક્તિ ભલભલાને નવાઈ પમાડે તેવી હતી. વિવિધ પ્રસંગોને અનુરૂપ અનેક ઉર્દૂ તથા ગુજરાતી ગઝલકારોના શેરો તેઓ ગમે ત્યારે અસ્ખલિત બોલી શકતા, મુશાયરાના સમયે એમની રજૂઆતની શૈલી પણ એટલી વિશેષ હતી કે, શ્રોતાઓ ઉપર અનેરૂં કામણ કરી જતા. અને એટલે જ તે સમયના મોટાભાગના મુશાયરાઓમાં સંચાલન તો સૈફ સાહેબ પાસે જ રહેતું.

સૈફ પાલનપુરીની એક ગઝલથી સમાપન કરીએ

ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.

હું તો વિચારતો રહ્યો –ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.

ભૂંસી શકાય એટલી ફૂરસત મળી જ કયાં
રેખાઓ હાથની તો બહુ પાતળી હતી.

બેચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.

**********૮

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.