જિંદગીનો દાખલો અઘરો હતો ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
જિંદગી અનેક સવાલો ટાણે-કટાણે પૂછતી હોય છે. હજુ તો પહેલો કોળિયો જ હાથમાં લીધો હોય ત્યાં એવા મોકાણના સમાચાર આવે કે ભાણામાં મૂકેલી ખીરનું ખમીરહરણ થઈ જાય. કોઈ મિત્રની ટીપને અનુસરીને જે શૅરમાં રોકાણ કરીએ એ બીજા જ દિવસથી લથડવાનું શરૂ કરે. વર્ષે માંડ એકાદ વાર ફ્લાઈટમાં જવાનું હોય એય અભાગણી આપણા વખતે કૅન્સલ થઈ જાય.

જિંદગીના ઘણા દાખલા આપણી જાણ બહાર ગણાતા હોય છે. વાંધો નહીં, આપણે દોષનો ટોપલો ઢોળી દેવાનો. કોના ઉપર? મહેશ મકવાણા કહે છે એની ઉપર…
હું તો પહેલેથી હતો, પણ
તું બની ગઈ કેમ લગભગ?
હું ને ઈશ્વર સરખેસરખા
હુંય લગભગ, એય લગભગ
ઈરાન અને અમેરિકા વચ્ચે લગભગ લગભગ સમાધાન સુધી પહોંચવાની શક્યતા આવે ત્યાં જ વાટાઘાટો પાછી વિવાદમાં પલટાઈ જાય. આપણી જેમ અનેક દેશો કારણ વગર સલવાઈ ગયા છે. બળતણે એવી બળતરા કરી મૂકી છે કે દેશના વાર્ષિક સરવૈયામાં મોટું ગાબડું દેખાશે.

એક તો રેવડી કલ્ચરને કારણે તિજોરી ઉપર બોજો વધતો જાય છે એમાં યુદ્ધની વિપરિત અસર વધારો કરશે. આવા માહોલમાં યુદ્ધના મસીહાઓને લક્ષ્મી ડોબરિયાની વાત કોઈક સમજાવે તો સારું…
અજવાસનો ઉપાય તો આ હાથમાં હતો
છોડયો જરી અહં તો, સમજ વિસ્તરી ગઈ
ઊંચા થવાની રીત આ સૌથી સવાયી છે
ફળ આવતાં જ ડાળખી સહેજે નમી ગઈ
યુદ્ધ પાછળ જેટલી રકમ ખર્ચાય છે એના દસ ટકા પણ જો જનકલ્યાણના કાર્યમાં વપરાય તો માવનતા દીપી ઊઠે. કમનસીબે આવું થતું નથી. `તેલ લેવા જાય’ એવું પણ કહી શકાતું નથી કારણ કે આખરે તો `તેલ લેવા’ માટેના જ બધા કારસા છે.

દર બેએક દાયકે એવું કોઈ યુદ્ધ આવે જે વિશ્વને બે ડગલાં પાછળ લઈ જાય. હરીશ ધોબીનો વ્યક્તિગત રંજ વૈશ્વિક બને ત્યારે એના ઘાવ બહુ ઊંડે ઉતરતા હોય છે…
જિંદગી આજેય ત્યાં ને ત્યાં જ ઊભી છે હજી
એ હથેળીમાં બતાવી ચાંદ, ને છટકી ગઈ
એક પડછાયાની પાછળ ભાન હું ભૂલ્યો હતો
મંજિલો આવા જ કોઈ કારણે ભટકી ગઈ
જિંદગીના અમૂલા વર્ષો એ નક્કી કરવામાં જાય કે આપણે ક્યાં જવું છે. માર્ગ નક્કી થાય પછી એમાં અંતરાયો તો આવવાના. આ અંતરાય નાના હોય તો પસાર થઈ જવાય પણ મોટા હોય તો આપણી મંજિલને દૂર ધકેલી દે. લક્ષ્ય હોય એનાથી વધારે આગળ ઠેલાય.
ટૂંકમાં આપણે હતા ત્યાંના ત્યાં જ થઈ જઈએ. મયંક ઓઝા આવી જ અઘરી સફરની વાત કરે છે…
હતી આમ તો ભિન્ન સૌની વ્યથા
દિલાસા છતાં એકસરખા હતા
ફકત અંત કપરો હતો એમ નહિ
કથાના વળાંકોય વસમા હતા
બંગાળની ચૂંટણીના પરિણામો 4 મેએ ઘોષિત થયા. આ વખતે મમતાનું મમત્વ તૂટશે એવું ઘણાને લાગતું હતું તે સાચું પડ્યું. ભારે મતદાન સાથે યોજાયેલી ચૂંટણીના પરિણામો પણ આશ્ચર્યજનક આવ્યા.

ટીવી ચેનલના પત્રકારો ઉજાગરો કરીને કવરેજ કરી રહ્યા છે ત્યારે સાહિત્યકાર ઉપરાંત સજ્જ પત્રકાર તરીકે પણ કૌવત બતાવનાર ભગવતીકુમાર શર્માની પંક્તિઓ ટાંકવી ગમશે…
જેને ગણી લીધા’તો મેં નાહક ઉજાગરો
સ્મરણોમાં જીવવાનો હતો એ મહાવરો
હોઠો બિચારા બંધ, બની આંખો બોલકી
ઓ લાગણી, તેં પણ કેવો કર્યો ધજાગરો
ભારતમાં તો જાતજાતની ચૂંટણીના બૅન્ડવાજાં નિયમિત વાગતા જ રહે છે. વિવિધ રાજ્યોની એક પછી એક ચાલતી ચૂંટણી પાછળ દેશનાં સંસાધનો અને માનવશક્તિ ખર્ચાય છે.

આ ચહલપહલમાં માનવીય સંબંધોની ગરિમા હણાય એ કોઈને દેખાતું નથી. સત્તાની બધી ગાજવીજ ઓસરી જાય પછી સંબંધનું સત્ય સામે આવે તો કદાચ સુરેશ પરમાર `સૂર’ની વેદના સમજી શકાય…
સંતાડવા મોઢું ખૂણો-ખાંચો મળ્યો નહીં
માથું મૂકી રડવા કોઈ કાંધો મળ્યો નહીં
કોરા જ શબ્દો પર મદાર `સૂર’નો હતો
જ્યાં વાત અનુભવની ઊઠી સાંધો મળ્યો નહીં
લાસ્ટ લાઈન
નાવ, નાવિક, સાંજ ને દરિયો હતો
આપને મળવા સરસ મોકો હતો
આપ ખુદ બેસી રહ્યાં નક્શો લઈ
ચાલવા માટે નવો રસ્તો હતો
એ મને છોડી ગયા વરસો થયાં
પર્સમાં મારો છતાં ફોટો હતો
મેળ બેસાડયો છે મેં બહુ મહેનતે
જિંદગીનો દાખલો અઘરો હતો
બસ, ન સોક્રેટિસ થવાયું એટલું જ
ઝેરનો પ્યાલો અમે પીધો હતો
જેને સૌ દરિયો ગણી જીવતાં રહ્યાં
જિંદગી, બસ એક પરપોટો હતો
ઊગશે સૂરજ ફરી આકાશમાં
રાત પાસે એ જ સધિયારો હતો
~ ઈન્તેખાબ અનસારી