પાંચ ગઝલ ~ કિરણ જોગીદાસ ‘રોશન’, ભરૂચ
કિરણ જોગીદાસ વ્યવસાયે તેઓ સરકારી શાળામાં યોગશિક્ષક તરીકે કાર્યરત છે અને ‘રોશન’ તખલ્લુસ સાથે કાવ્યો લખે છે.
તેમણે આર્ટ ઑફ લિવિંગમાં હેપીનેસ તથા યોગમાં એમ.એ.નો અભ્યાસ કર્યો છે. યોગ સાથે તેમનો સંયોગ કવિતા સાથે પણ જોડાઈ ગયો અને તેમની કલમથી સુંદર ગઝલો સર્જાઈ.
તેમનો પ્રથમ ગઝલસંગ્રહ માર્ચ 2024માં પ્રગટ થયો – ‘ક્યાં ખબર હતી’.

તેમની કવિતાઓ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યિક સામયિકો નવનીત સમર્પણ, શબ્દ સૃષ્ટિ, પરબ, ગઝલવિશ્વ, ધબક, કવિલોક, શબ્દસર, વગેરેમાં પ્રકાશિત થતી રહે છે.
તો આજે તેમના ગઝલસંગ્રહમાંથી પાંચ ગઝલો માણીએ. ~ અનિલ ચાવડા
ગઝલ-1
ફૂલોની સાથે ખાર હશે, ક્યાં ખબર હતી!
બસ એ જ એનો પ્યાર હશે, ક્યાં ખબર હતી!
એણે દીધેલ ઘાવ રુઝાયા નથી હજી,
સંજોગ ધારદાર હશે, ક્યાં ખબર હતી!
હોવાપણું આ કેવું! કે ઉંચકી શકો નહીં!
ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી!
કાંટા તો રાહમાં હતાં; ઘાયલ થયું હૃદય,
મિત્રો જવાબદાર હશે, ક્યાં ખબર હતી!
લાગ્યું હૃદય ભીતર છે સલામત ઘણું બધું,
પણ ત્યાંય રાઝદાર હશે ક્યાં ખબર હતી!
જ્યાં રોગના ઈલાજની આશા હતી ઘણી,
એ વૈદ્ય ખુદ બીમાર હશે, ક્યાં ખબર હતી!
પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું,
એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી!
ગઝલ-2
મળ્યા છે એકલા ગુલાબ સાવ એવું પણ નથી,
ને ખારથી ભરી છે છાબ સાવ એવું પણ નથી.
ખુલાસા તો ઘણાય આપતી રહી છે જિંદગી,
મળી ગયા બધા જવાબ સાવ એવું પણ નથી.
હતી જો હૂંફ હુંપણાની તો જીવી શકાયું છે,
છતાંય સાચવ્યો રૂઆબ સાવ એવું પણ નથી.
યુગો યુગોથી માનવી રહસ્યો ખોલતો રહ્યો,
છતાં ઉઠી ગયો નકાબ સાવ એવું પણ નથી.
કર્યા છે કેટલાય ખેલ એમને હસાવવા,
છતાં ફીદા થયા જનાબ સાવ એવું પણ નથી.
ચમક જે દૂરથી દિશે છે એ તો આગ આગ છે,
છતાં મળ્યો છે આફતાબ સાવ એવું પણ નથી.
કર્યા છે ચૂકતે ઘણાય ખાતા યાદ રાખી તોય,
પૂરો થઈ ગયો હિસાબ સાવ એવું પણ નથી.
ગઝલ-3
મૂકી ચહેરાને બાજુ પર અરીસાને સજાવે છે,
બદલવા રંગ દુનિયાનો અલગ ચશ્મા ચઢાવે છે.
સવારે નીકળે ખુદને કડક ઈસ્ત્રી કરી માણસ,
પછી સાંજે વિખેલી જાત ખીંટી પર ચડાવે છે.
પનોતી થઈ નડે ખુદને; વગોવે છે હથેળીને,
ગ્રહોના નામ પર પોતે જ પોતાને મનાવે છે.
ગમે ના એક પળ એના વિના લાગી છે એવી લત,
મદિરા જેમ આ માણસ ઉદાસી ગટગટાવે છે.
વ્યથાના શેર પર મહેફિલ જુઓ ગુંજી દુબારાથી,
પરાયા દર્દ પર કાયમ જગતને મોજ આવે છે.
ગઝલ-4
પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!
મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.
એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.
એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.
તારાપણાંની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
ગઝલ-5
ઘર છોડીને ફળિયે બેઠાં,
સપનાં જઈ ઝળઝળિયે બેઠાં.
આભ સમેટી આખે આખું,
બે પારેવાં નળિયે બેઠાં.
થઈ દેકારો હાંફી ગ્યા જે,
શબ્દો એ આંગળીએ બેઠાં.
ઈશ્વરનાં આંસું પણ સુંદર,
ઝાકળ થઈને કળીએ બેઠાં.
મોજાં પરથી માપ મળે નાં,
ભેદ ઘણાંયે તળિયે બેઠાં.
મોર ઉડીને થાકી ગ્યા તો,
પીંછાં થઈ શામળિયે બેઠાં.
જોઈ શકો તો જોજો ‘રોશન’,
ઝાડ છુપાઈ ઠળીએ બેઠાં.
– કિરણ જોગીદાસ ‘રોશન’