“મારા ગમતા મિત્રોની ઓળખાણ” (૭) ~ ગીની માલવિયા

યાદ છે તમને? થુપ્પીસ કરેલીને મેં? હા, તો સમય પૂરો મારો અને ફરી દોસ્તીનો દાવ શરૂ અબઘડી.

આજે નવા મિત્રનો હાથ ઝાલી હું ઊભી છું આપણા સહિયારા આંગણામાં.

આજનું મિત્ર પુસ્તક છે, ‘ઈમોશન્સ’. જાંબલી રંગનાં કવરપેજથી શોભતું,  શબ્દોના સીમાડા ઓળંગી ગયેલા બારાખડીની બહારના કવિરાજ રમેશચંદ્ર મોહનલાલ પારેખનું પુસ્તક.

પુસ્તકના સંપાદક સંજય વૈદ્યના શબ્દોમાં રમેશ પારેખ એટલે સાડા પાંચ માળવાનો ધણી. એ રઈસી મિજાજ ધરાવતા કવિ વિશેનું આ પુસ્તક પણ એટલું જ ‘રઈસી’ છે.

ચાર બાય ચારનાં સોળ ખાનાંમાં દસ ખાનાંમાં કવિનાં વિવિધ મૂડના  રંગીન ક્લોઝ-અપ્સ છે. ઈમોશન્સની ટેગલાઈન છે: “હોંકારો આપો, તો કહું…!”

ડાબે ખૂણે સોનેરી ઝીણકા  અક્ષરમાં લખેલું છે: કલેક્ટર્સ એડિશન. સંજયભાઈએ તેમના આ પુસ્તકરૂપી ઈમોશન્સ દીકરા તથાગત અને આર. જે. દેવકીને અર્પણ કર્યા છે. પુસ્તક ઉઘાડતાં સંજયભાઈની પ્રસ્તાવના છે.

સંજયભાઈ જેટલા નીવડેલા તસવીરકાર છે એટલા શબ્દોના  પણ કસબી છે એ તમે ભૂલી ગયા હો તો ફરી યાદ કરાવી દઉં. ‘ઈમોશન્સ’નાં પાને પાને  ર. પા.ની કવિતા વાચક પર ‘ખુલ્લી તલવાર’ની જેમ જનોઈવઢ ઘા કરશે. એવું કહેતા સંજયભાઈએ કેટલા  જનોઈવઢ ઘા ઝીલ્યાં હશે? કારણકે તેમની સમગ્ર કવિતામાંથી પસાર થતાં કેટલાંય ઘા ઝીલી ઝીલીને અહીં પ્રગટ થયેલી કવિતાઓની પસંદગી થઈ હશે ને!

સંજયભાઈ માટેનો અહોભાવ ઝીલવા મેં બંને હથેળીઓ ભેગી કરી દીધી છે મેં આ ઘડીએ. ત્રણ પાનાંની પ્રસ્તાવનામાં શબ્દોનો જાદુ જ છે ઠાંસોઠાંસ.

સંજયભાઈનાં શબ્દોની જાદુઈ લાકડીના વશીકરણમાંથી બહાર નીકળો એટલે આગલા  પાના  પર એક બાજુ  હમણાં તસવીરમાંથી શબ્દો વહી આવશે એવી બોલકી તસવીર અને સામેના પાને તેમના  જ હસ્તાક્ષરમાં કવિતા, જેનું શીર્ષક છે ‘હસ્તાક્ષર’.


આ મોહિનીની બહાર નીકળો એટલે ‘ર. પા. વિશે રમેશ પારેખ ‘

પોતાની સહજ અને સરળ શૈલીમાં કવિએ પોતાની વાત માંડી છે. ડાબા પાને કોબલસ્ટોન જમીન પર કવિના અડધા કદની નીચે પૂર્ણ પડછાયાની તસવીર. કવિની ગતિ તમારી તરફ જ તકાયેલી છે, જે તમને દોરી જશે, વાવાઝોડું પી ગયેલા સર્જકતામાં ફાટ, ફાટ થતા મનના હરિયાળા પ્રદેશમાં

પછીનાં પાનાંનાં  પ્રવાસ અને પ્રવાહમાં અઢળક કવિતાઓ અને કવિની લાક્ષણિક તસવીરોનું સાયુજ્ય છે.

કવિતા વાંચતાં જ મનોમન જે તે સ્વરકારોની સંગીતરચના તમારાં મનોમષ્તિકમાં ગુંજી ઊઠે તો નવાઈ નહીં લાગે તમને કે મને કોઈને પણ.

હું શરત મારું કે કવિતાનાં મુખડાં વાંચતી વખતે તમને અંતરા યાદ હશે જ.

પચાસમા  પાનાં પર હરિગીતોનો સંપુટ છે. સામા પાને જ હરિવરને શોધતી કે પામી ગયેલી અતલ ઊંડાણવાળી પાણીદાર આંખો.અધખૂલેલા  હોઠમાંથી કોઈ હરિગીત અબઘડી પ્રગટે એવો વિચાર કે મનોકામના આવીને જ રહે આપણાં મનમાં.

હરિગીતોના  ભાવાવેશમાં તણાયા  હો તો બીજા  પાને જતાં જ નજર અટવાશે આલા ખાચર પર.


-અને એ સાથે જ મનમાં આલા ખાચરનું ચિત્ર રચાઈ જશે.તળપદી લઢણમાં લખાયેલી કવિતામાં ક્યાંય સૃષ્ઠુ શબ્દોની બારાખડી નથી.છે તો જીભની જરી કડવાશ અને મનમાં ગોટવાયેલો સંતાપ.

‘ ને આબરુની  માને પૈણે કૂતરાં’ સંભળાય છે. અહીં કંઈ જ અશિષ્ટ નથી લાગતું.ફક્ત સંભળાય છે, આલા ખાચરનો ઉકળાટ. કવિતાને અંતમાં આવતું ચોટદાર સત્ય  તમને એવો ભાવપલટો કરાવશે કે તમે ચકડોળની જેમ પળવારમાં નીચે પટકાશો.

આલો ખાચર, તેમની સોનલ અને કવિનો બીજો પ્રિય વિષય કયો?

મીરાં?

હા, એ જ.

‘ તારો મેવાડ મીરાં છોડશે’ રાણાજીને સંબોધીને લખાયેલી આ કવિતામાં કવિએ રાણાજીને ભવિષ્યની પીડાનો સહેજસાજ અંગુલિનિર્દેશ નહીં પણ ગોફણની જેમ બેરહેમીથી વીંઝ્યો છે.
‘સુખ’ નામની કવિતાનો અછાંદસ લય અને નર્યો નાવીન્યતમ વિષય એ જ તો છે કવિવરની ઓળખ.


પુસ્તક પ્રવાસ અને પ્રવાહમાં વહેતા આવે અનિલ જોશી સાથેની સંયુક્ત રચનાય અને, આવે મુંબઈનો દરિયો.અને અમરેલી તો આવે જ, કારણ કે એતો એમના આત્માનો અવાજ.

કોઈ સવાલ છે તમારા મનમાં?

વર્ષોથી સૌ વાચકો કે કવિતા રસિકડાની  જીભના ટેરવેથી બાણ બનીને આવતો એ સવાલ કે સોનલ કોણ છે?

એનો જવાબ અહીં છે કવિના  શબ્દોમાં.

હવે તો તમને જાણવું હશે ને કે આ પાંપણોમાં છુપાયેલી કવિતામાં કલબલતી સોનલ કોણ છે?

તો વાંચો આ પુસ્તક.

સંજયભાઈ પાસે સંજયદષ્ટિ  છે એનો એક વધુ પુરાવો એટલે આ પુસ્તકમાં છપાયેલી રમેશ પારેખની વાર્તા.

બહુ જૂજ લોકો જાણે છે કે ૧૯૮૩માં રમેશ પારેખનો એક વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હતો, જેનું નામ હતું ‘સ્તનપૂર્વક’. જેના થકી તમને કવિની ગદ્ય કારીગરી વાંચવા મળશે.

વાર્તા પછી આવે છે રમેશ પારેખની વહાલસોઈ દીકરી નેહાનો, દરેક પુત્રીને પિતા માટે હોય એવા અત્યંત પ્રેમભાવ અને આદરભાવથી ભર્યો ભર્યો એક લેખ: “મારા પિતા લાગણીનું વટવૃક્ષ.” કવિ તરીકે નીવડેલા આ જણ પિતા તરીકે કેટલા મહાન હતા એની દીકરીના શબ્દોમાં જ સાબિતી.

રમેશ પારેખના જિગરી મિત્ર અનિલ જોશીના લેખ વગર તો ઈમોશનલ યાત્રા અધૂરી જ રહે. પાંચ પાનાંમાં અનિલ જોશીએ મિત્ર માટે હૈયું નીચોવીને લખ્યું છે.આ લેખ તેમની મૈત્રીની અંગત ક્ષણોને ઉજાગર કરે છ

એ પછી છે સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો દસ પાનાંમાં વિસ્તૃત લેખ. જેમાં તેમના અંગત પત્રવ્યવહારનાં ફોટા પણ રસપ્રદ લેખ સાથે રજૂ થયાં છે.

આ સિવાય  અખબારોમાં પ્રસિદ્ધ થતી એમની કોલમના  કેટલાક લેખો પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ થયા છે. છેલ્લા પાને છે રમેશ પારેખના શબ્દોમાં આ પુસ્તકની વાત.

વાત તો કેમ કહું? નકરી કવિતા જ છે એમની વાતમાં. એમની  ગૂઢ અને નમ્ર વાણીમાં જિંદગીનો મર્મ સમજાવી દીધો છે. ૧૩૬ પાનાંની આ સફરના અંતે તમને સમજાશે કે રમેશ પારેખના શબ્દોમાં આ આંખોનો ઉત્સવ છે.

તો, કવિ જેને આંખોનો ઉત્સવ કહે છે એ ઉત્સવનો ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગ ઝીલવો હોય તો હમણાં જ ઝેન ઓપસ પર જઈને આ પુસ્તકનો ઓર્ડર આપી દો.

બીજાં મિત્રની ઓળખાણ માટે તૈયાર રહેજો હં કે! હું ઘડીક વારમાં જ પાછી આવીશ.

**********

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.