(ભાગ-૨) ~ પુસ્તકો પણ પ્રિય છે, મનમિત છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

વિશ્વ પુસ્તક દિવસને અનુલક્ષીને (ભાગ-૨)

૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિન ઉજવાયો. યુનેસ્કોએ ૧૯૯૫થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. ડિજિટલ માધ્યમના પ્રખર આક્રમણ સામે પુસ્તકોનું આકર્ષણ ઓસરતું જાય છે. પુસ્તકોની  મહત્તા ઓછી નથી થઈ, પણ મમત જરૂર ઓછી થઈ છે.

How AH Wheeler bookstalls became an ...

ધાર્મિક, મેનેજમેન્ટ, સ્વ-વિકાસ વગેરે વિષયના પુસ્તકો હજી પણ વેચાય-વંચાય છે. એની સામે સાહિત્યિક પુસ્તકોના ચલણમાં મોટો ધબડકો થયો છે. આ વરવી વાસ્તવિકતા સ્વીકારીને પણ શિલ્પા શેઠ `શિલ્પ’ના મુક્તક સાથે પુસ્તકવંદનાનો આરંભ કરીએ…

પુસ્તકો છે શ્રેષ્ઠ મિત્ર આપણાં
ખોલી નાખે છે હ્રદયનાં બારણાં
અન્ન તો કેવળ કરે તનને પુષ્ટ
મનને માટે કરે વિચારણા

યુવાનીના સમયગાળામાં કવિ સુરેશ દલાલ થોડો સમય માટે ડિપ્રેશનમાં સરી પડેલા. એ સમયે એમના હાથમાં જે. કૃષ્ણમૂર્તિનું એક પુસ્તક આવ્યું અને કાળી હતાશામાંથી તેઓ બહાર આવ્યા.

Learn about the Teachings of Krishnamurti • The Krishnamurti Centre

ફિલ બોસ્મન્સના અંગ્રેજી પુસ્તકનો રમેશ પુરોહિતે `સુખને એક અવસર તો આપો’ નામે ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તકની હકારાત્મક અસર વાચકો પર પડી હતી.

Buy Sukh Ne Ek Avasar To Aapo Book Online at Low Prices in India | Sukh Ne Ek Avasar To Aapo Reviews & Ratings - Amazon.in

ડૉ. સેજલ દેસાઈ કહે છે એવું મન આપણને બધાને થવું જોઈએ…

પુસ્તકોના પાનાં સાથે ખુલવાનું મન થયું
આપવીતીને ફરી શણગારવાનું મન થયું
ડાયરીમાં કિસ્સો નોખો ટાંકવાનું મન થયું
જે દિવસથી જિંદગીમાં જીવવાનું મન થયું

ગાંધીજીની આત્મકથા `સત્યના પ્રયોગો’ જો પુસ્તક સ્વરૂપે પ્રગટ ન થઈ હોત તો આપણે ઘણું બધું ગુમાવ્યું હોત.

સત્યના પ્રયોગો - Ekatra Foundation

ઝવેરચંદ મેઘાણીએ ગામેગામ ફરી લોકસાહિત્યનું અમૃત એકઠું કર્યું ને આપણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા જેવાં ઉત્તમ પુસ્તકો મળ્યાં. પન્નાલાલ પટેલની `માનવીની ભવાઈ’ કે કનૈયાલાલ મુનશીની `પાટણની પ્રભુતા’ લઈએ ત્યારે થાય કે આ અને આવાં પુસ્તકો ન હોત તો આપણે ખરેખર કેટલા ગરીબ હોત.

SORATHI BAHARVATIYA by ZAVERCHAND MEGHANI : ZAVERCHAND MEGHANI: Amazon.in: Books

અશોક નિર્મલ એની મહત્તા આંકે છે…

ધર્મનો છે સાર સારાં પુસ્તકો
પ્રેમનો આધાર સારાં પુસ્તકો
હોળી, ધૂળેટી, દિવાળી વર્ષભર
રોજનો તહેવાર સારાં પુસ્તકો

સારાં પુસ્તકો સારી રીતે છપાઈને હાથમાં આવે તો વધારે ગમે. ગુજરાતીમાં છપાતાં પુસ્તકો  વૈશ્વિક દૃષ્ટિએ સ્પર્ધા કરી શકે એ રીતે છપાય છે છતાં ગુજરાતીઓના વસતીવધારા સામે વાચકવર્ગ વિકસ્યો નથી. એક સમય હતો જ્યારે એનઆરઆઈ વર્ગ ભારતની મુલાકાતે આવતો ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈ ગમતાં પુસ્તકો ખરીદતો.

Navbharat Sahitya Mandir in Princess Street,Mumbai - Best Wild Life Books near me in Mumbai - Justdial

એટલું જ નહીં લંડન અને અમેરિકાથી ઑર્ડર આપી પુસ્તકો મંગાવવામાં આવતા. બે દાયકા પહેલાની વાત આજે હવે દીવાસ્વપ્ન જેવી લાગે છે. મનીષા દુધાત વેદના વ્યક્ત કરે છે…

વાંચી શકો તો વાંચો હું ખુલ્લી કિતાબ છું
એનો બચેલો આખરી મોંઘો ખિતાબ છું
હર એક પાને છલકે છે આહતની લાગણી
સંભવ નથી સરભર કરો, અઘરો હિસાબ છું

સામાન્ય રીતે આપણને જે વિષયમાં રસ હોય એ પુસ્તક વાંચવાનું પસંદ કરીએ છીએ. કવિઓમાં નવલકથા વાંચવાની ધીરજ નથી હોતી તો નવલકથાકારોને કાવ્યસંગ્રહોમાં રસ નથી પડતો. જો કે કટારલેખન સાથે કે અખબારી જગત સાથે સંકળાયા હોય એમણે રાજકારણમાં પણ રસ રાખવો પડે અને સાહિત્યમાં પણ ચાંચ ડૂબાડવી જોઈએ.

Harindra Dave - Wikipedia

જિંદગીના તાણાવાણામાં બધું ઓછેવત્તે અંશે ગુંથાયેલું હોય છે. જેમાંથી કંઈક શીખવા મળે એનો સ્વીકાર આપણને ઉર્ધ્વગમનની તક આપે છે. ગુરુદત્ત ઠક્કર એને ઘડતર સાથે સાંકળે છે…

હું મળું છું જાતને એના વડે
પુસ્તકો વ્યક્તિત્વને કેવું ઘડે
નાત, જાતિ ધર્મ એને ના નડે
પુસ્તકાલય જેવું મંદિર ના જડે

મુંબઈ જેવા શહેરમાં તો ગ્રંથાલયોની હાલત જોવા જેવી છે. હજારો પુસ્તકો છે, પણ સામે વાચકો ગણ્યાગાંઠયા જ મળે. અલમારીમાં ગોઠવેલા પુસ્તકો વાચકની રાહ જોઈજોઈને થાકી જાય. `કિસી નજર કો તેરા ઈંતઝાર આજ ભી હૈ’ ગીત વર્ષોના વર્ષો ગાતા રહેવું પડે. મહિમ્ન પંચાલ એની વેદનાને શબ્દસ્થ કરે છે…

આપમેળે કોઈ પુસ્તકનું વજન તો ના વધે
ક્યાંક ખૂણે એકલામાં ધૂળ ચોક્કસ ખાય છે

લાસ્ટ લાઈન

પુસ્તકોની સાથ જેને પ્રીત છે
શબ્દનું સાંનિધ્ય પણ સંગીત છે

પાત્રમાં ખુદને જ પાઠક પામતાં
એ કથાઓ શું હજુ જીવિત છે?

ચાંપીને હૈયે કદીક ઊંઘ્યા હશું
પુસ્તકો પણ પ્રિય છે, મનમિત છે

લાગણીથી આપતાં લેતાં હતા
પુસ્તકોની ભેટ જૂની રીત છે

જ્યારથી દુનિયા સમાઈ મુઠ્ઠીમાં
પુસ્તકો શો-કેશમાં સીમિત છે

રૂપલ સંઘવી `ઋજુ‘  

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.