દ્રૌપદી અને સત્યવતીઃ નસીબ સાથે હોડ ~ ભાગ ૧ ~ સંશોધન લેખ ~ જયશ્રી વિનુ મરચંટ

સત્યવતીનો જન્મ અને લગ્ન

મહાભારતમાં પાંડવોની પરદાદી સત્યવતીનો જન્મ કેવી રીતે થયો હતો? સત્યવતી અપૂર્વ રૂપવતી હતી. તેના જન્મની કહાણી ખૂબ જ અજીબોગરીબ છે.

મહાભારતની કથા જેની સાથે શરૂ થાય છે તે સ્ત્રી છે સત્યવતી, મહાભારતમાં વ્યાસજી સત્યવતીની કથા આ પ્રમાણે કહે છે.

પુરુવંશનો ઉપરિચર વસુ  તે સમયે ચેદી નામના પ્રદેશનો રાજા હતો. ( ઉપરિચર ઈન્દ્રના બહુ નિકટનો મિત્ર હતો. તેમના વિમાનથી જ તે આકાશમાં ભ્રમણ કરતો હતો, આ કારણે તેનું નામ ઉપરિચર પડી ગયું. )

ઉપરિચરની રાજધાની પાસે શુક્તિમત નામની નદી હતી. એક દિવસ રાજા શિકાર કરવા ગયો. ત્યાં તે પોતાની રૂપવતી પત્ની ગિરિકાનું સ્મરણ કરવા લાગ્યો. તેનાથી તે કામાસક્ત થયો.

કથા કહે છે કે, તેનું વીર્ય સ્ખલિત થઈ ગયું, તેણે તે વીર્ય એક ગરૂડ પક્ષીને આપ્યું અને કહ્યું કે, તેને તેની પત્ની સુધી પહોંચાડી દેવામાં આવે. (કઈ રીતે કલેક્ટ કરીને શેમાં ભરીને મોકલ્યું એ વિશે મહાભારતની મૂળ કે સંસ્કરણ પામેલી આવૃત્તિમાં કોઈ સ્પષ્ટતા કરી નથી પણ “મહાભારતની નીતિકથાઓ” નામના એક પ્રાચીન ગ્રંથમાં એનો ઉલ્લેખ એ રીતે આવે છે કે કેળ અને પીપળાના પાનમાં સંઘરીને એને ગરુડ સાથે મોકલવાની વ્યવસ્થા કરી હતી.)

જ્યારે ગરુડ તેને લઈને ત્યાંથી ઊડે છે તો રસ્તામાં તેના પર અન્ય પક્ષીઓ દ્વારા આક્રમણ કરવામાં આવે છે. જેનાથી આ વીર્ય નદીમાં પડી જાય છે.

તે સમયે નદીમાં અદ્રિકા નામની એક બ્રહ્મશાપિત અપ્સરા માછલીરૂપે રહેતી હતી અને એના શાપની અવધિ નદીમાં પસાર કરી રહી હતી. તેણે તે વીર્ય ગ્રહણ કર્યું અને તે ગર્ભવતી થઈ ગઈ.

દસમા મહિનામાં માછીમારના મુખિયા દસરાજે તેની જાળ ફેંકી. આ મોટી માછલી તેની જાળમાં ફસાઈ ગઈ.

માછીમારને તે માછલીના પેટમાં એક નવજાત છોકરો અને છોકરી મળી, અને તે તેમને રાજા પાસે લઈ ગયો. અપ્સરા તો શ્રાપમાંથી મુક્ત થઈને આકાશમાં ગઈ.


રાજા ઉપરિચારે માછીમારને કહ્યું, આ છોકરી હવે તારી જ રહેશે. તેણે છોકરાને તેના પુત્ર તરીકે દત્તક લઈ લીધો, જે પાછળથી મત્સ્ય નામનો ધાર્મિક રાજા બન્યો અને તે છોકરી હતી સત્યવતી એટલે કે મત્સ્યગંધા.

હવે તમે વિચારતા હશો કે એ છોકરી સાથે શું થયું. જેમ જેમ અદ્રિકાની એ છોકરી મોટી થઈ, તે ખૂબ જ સુંદર બની ગઈ. પરંતુ તે માછીમારો સાથે તેમની વસાહતમાં રહેતી હોવાથી તેનું નામ મત્સ્યગંધા પડ્યું. તેના શરીરમાંથી માછલીની સુગંધ આવતી હતી કે દૂર-દૂરથી તેની જાણ થઈ જતી.

રાજા શાંતનુ કોણ હતા?

ભરતવંશમાં, પ્રતિશ્રવાના પુત્ર પ્રતીપ જે શિબિરાજની કન્યા સુનંદાને પરણ્યો હતો. તેને દેવાપિ, શાન્તનુ અને બાહલિક એમ ત્રણ પુત્રો થયા.

દેવાપિ બાળપણ્માં જ અરણ્યવાસી થયો હતો, તેથી શાંતનુ રાજા થયો. રાજા શાંતનુ ભગીરથપુત્રી ગંગાને પરણ્યા હતા. તેમને દેવવ્રત નામે પુત્ર થયો, જે આજીવન બ્રહ્મચારી રહ્યા અને એમની પ્રતિજ્ઞાને કારણે “ભીષ્મ” કહેવાયા.

પ્રકારે રાજા શાંતનુ અને સત્યવતીના લગ્ન થયાં

એક દિવસ જ્યારે રાજા શાંતનુ યમુના કિનારે જંગલમાં હતા ત્યારે તેમને એક મનમોહક સુગંધનો અનુભવ થયો. જ્યારે તેણે સુગંધનો પીછો કર્યો તો તે એક રૂપવતી કન્યા પાસે જઈને ખતમ થઈ. તે સત્યવતી હતી.

રાજાએ પૂછતાં તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, હું ધીવર જાતિની કન્યા છું અને મુસાફરો માટે નાવડી ચલાવું છું.

શાંતનુ આ કન્યા પર એટલો મોહિત થઈ ગયાં કે તેઓ પોતાનો હાથ માંગવા એ કન્યાના પિતા, માછીમારના મુખિયા દસરાજ પાસે પહોંચ્યા.


ત્યારે દસરાજે શરત રાખી કે જો તમે મારી દીકરીનાં ગર્ભથી પેદા થતાં પુત્રને ગાદી સોંપશો, તો હું તેના લગ્ન તમારી સાથે કરાવી શકું છું.

શાંતનુ વચન નથી આપતા અને રાજધાની પરત ફરી જાય છે. જોકે, ત્યારબાદ તે ઉદાસ રહેવા લાગે છે. જ્યારે તેમના પુત્ર દેવવ્રતને જાણ થઈ કે, તે ખુદ માછીમારના ઘરે ગયાં અને વચન આપ્યું કે ન તો તે આજીવન વિવાહ કરશે અને ન તો મારો કોઈ પુત્ર પણ થશે. આ રીતે સત્યવતીનું સંતાન જ રાજા થશે. આ કારણે દેવવ્રત ભીષ્મ પિતામહ કહેવાયા.

હવે સત્યવતી શાંતનુ સાથે લગ્ન કરીને બે પુત્રોની માતા બની, મોટો ચિત્રાંગદ અને નાનો વિચિત્રવર્ય.

રાજા ચિત્રાંગદ પિતા શાંતનુના અવસાન પછી હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા. તેઓ અત્યંત પરાક્રમી અને યુદ્ધપ્રિય હતા. પોતાની શક્તિ અને પ્રતિષ્ઠા દર્શાવવા તેમણે દેવલોકના ગંધર્વોને પણ પડકાર્યા.

આ જ અહંકારભર્યા પડકાર દરમિયાન ચિત્રાંગદનું એક શક્તિશાળી ગંધર્વ સાથે ભીષણ યુદ્ધ થયું, અને તે યુદ્ધમાં ચિત્રાંગદ પરાજિત થઈ વીરગતિ પામ્યા.

અપરિણિત અને નિઃસંતાન ચિત્રાંગદના અકાળ મૃત્યુથી હસ્તિનાપુર ઉત્તરાધિકારીના સંકટમાં પડ્યું. વિચિત્રવીર્ય રાજરોગથી પીડાતો હતો પરંતુ ભીષ્મ અને સત્યવતીએ એ વાતને બહાર આવવા ન દીધી.

વિચિત્રવીર્યના લગ્ન અને વંશવૃદ્ધિ માટે ભીષ્મ સ્વયં અતુલ પરાક્રમ કરીને, કાશીરાજની ત્રણ પુત્રીઓ- અંબા, અંબિકા અને અંબાલિકાને એમના સ્વયંવરમાંથી હરી લાવે છે.

એમાંની મોટી પુત્રી અંબાએ કહ્યું કે એ અને સૌભલ દેશના રાજા શાલ્વ એકમેકને પ્રેમ કરે છે અને મનથી વરી ચૂક્યા છે. જો ભીષ્મ ત્રણેયને પરાક્રમથી જીતીને સ્વયંવરમાંથી હરી ન લાવત તો અંબા શાલ્વને જ સ્વયંવરમાં પસંદ કરવાની હતી.

ક્ષત્રિય ધર્મ પ્રમાણે ભીષ્મ અંબાને પાછી મોકલે છે, પણ શાલ્વ એનો સ્વીકાર કરતા નથી. અંબા આવતા જન્મે ભીષ્મ પર બદલો લેવાની પ્રતિજ્ઞા કરીને અગ્નિસ્નાન કરે છે અને એ જ શિખંડી બનીને બીજા જન્મમાં અવતરે છે. મહાભરતના યુદ્ધમાં એ ભીષ્મના મૃત્યુનું કારણ બને છે.

આ બાજુ, વિચિત્રવીર્યના અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન  થાય છે. પણ ટૂંકા સમયમાં જ વિચિત્રવીર્ય નિઃસંતાન જ મૃત્યુ પામે છે. પછી બંને બહેનોનો નિયોગ મહર્ષિ વ્યાસ સાથે કરાવવામાં આવ્યો, જેનાથી પાંડુ અને ધૃતરાષ્ટ્ર જન્મ્યા.

શું છે નિયોગ અને મહર્ષિ વ્યાસે કેમ કર્યો?

નિયોગ શું હોય છે અને નિયોગ મહર્ષિ વ્યાસે જ કેમ કર્યો? પ્રાચીન સમયમાં પતિ દ્વારા સંતાન ઉત્પન્ન ન થતાં અથવા પતિના અકાળ મૃત્યુથી ઉત્પન્ન થતી પરિસ્થિતિમાં નિયોગ દ્વારા સંતતિ ઉત્પન્ન કરવાનો ઉપાય હતો, જેના અનુસાર સ્ત્રી પોતાના દિયર કે જેઠ અથવા ‘સમ્ ગોત્રી”થી ગર્ભધારણ કરી શકતી હતી.

હવે નિયોગ સત્યવતીએ મહર્ષિ વ્યાસ સાથે કેમ કરાવ્યો? ચાલો જાણીએ.

સત્યવતીના શરીરમાંથી પહેલાં માછલી જેવી ગંધ આવતી હતી. મત્સ્યગંધા નાવડીથી લોકોને યમુના પાર કરાવતી હતી અને આમ પિતાને કામકાજમાં મદદરુપ થતી.

એક દિવસ ઋષિ પારાશર ત્યાં પહોંચ્યા. ઋષિને યમુના પાર જવાનું હતું. તે મત્સ્યગંધાની નાવડીમાં બેઠા. તે સમયે તેઓએ સત્યવતીને કહ્યું કે તે તેના જન્મથી પરિચિત છે અને તેનાથી એક પુત્રની કામના કરે છે. કારણ કે આ જે મુહૂર્તમાં જો સત્યવતી એમની સાથે સમાગમ કરે તો યુગપ્રવર્તક નૈષ્ઠિક યોગાભ્યાસી પુત્ર પેદા થશે.

સત્યવતી કહ્યું; “હે મહામુનિ, અત્યારના તો સૂર્ય મધ્યાહ્ને છે. અને હું તો કુંવારી છું. આમ પુત્ર મારા ગર્ભમાં રહે તો પછી એને જન્મ આપીને, સમાજમાં આ જવાબદારી સાથે કેવી રીતે જીવી શકું? અમે તો રોજેરોજનું કમાઈને ખાવાવાળા છીએ.”


પરાશર મુનિએ ત્યારે કહ્યું કેઃ

“હે સુંદરી, હું મારા યોગબળથી સમાગમના સમયે સૂર્યને ઢાંકી દઈશ અને તને ગર્ભ રહેશે કે તરત જ પુત્ર જન્મતાં, સોળ વરસનો પળેકવારમાં થઈ જાય, એ પણ હું મંત્રવિદ્યાથી કરીશ. મારા યોગબળથી તને તારું કૌમાર્ય પણ પાછું આપીશ. એટલું જ નહીં, પણ તારા શરીરમાંથી જે માછલીની વાસ આવે છે એને હું મંદારપુષ્પોની સુવાસમાં પરિવર્તિત કરી આપીશ. ગમે તે થાય પણ આ મુહૂર્ત ટળવું ન જોઈએ.” 

સત્યવતીએ સ્વીકૃતિ આપી તો થોડા સમય બાદ સત્યવતીએ પરાશર ઋષિના પુત્રને જન્મ આપ્યો. પરાશર મુનિએ વરદાનરૂપે મત્સ્યગંધાને એનું કૌમાર્ય પાછું આપ્યું અને એના શરીરમાંથી આવતી માછલીની દુર્ગંધને મંદારપુષ્પોની સુગંધમાં પરિવર્તિત કરી.

હવે પરાશર અને સત્યવતીનો તે પુત્ર જન્મ થતાં જ તે મોટો થઈ ગયો અને પરાશર મુનિ સાથે તે પુત્ર દ્વૈપાયન નામના દ્વીપ પર તપ કરવા જતો રહ્યો.

દ્વીપ પર તપ કરતાં તેનો રંગ કાળો થવા લાગ્યો, જેના કારણે તે કૃષ્ણદ્વૈપાયનના નામે પ્રસિદ્ધ થયા. (તેમણે જ ચાર વેદોનું સંપાદન કર્યું અને વ્યાસપીઠ પરથી એ વેદોનું અધ્યયન કરાવ્યું. આથી તેઓ વેદવ્યાસ પણ કહેવાયા. તેમણે જ મહાભારત ગ્રંથની રચના કરી, જેને પંડિતો પાંચમો વેદ પણ કહે છે. શ્રીમદ્ ભાગવત પુરાણ પણ એમણે જ રચ્યું છે.)

નિયોગ વખતે વ્યાસજીનું રૂપ જોઈને અંબિકાએ આંખો બંધ કરી દીધી એટલે ધૃતરાષ્ટ્ર જન્મ્યા.

અંબાલિકાએ અંબિકા પાસેથી વેદવ્યાસ વિષે સાંભળ્યું હતું એથી ડરીને એણે એની દાસીને વ્યાસજી પાસે મોકલી. દાસીએ મનથી વેદવ્યાસજીની સેવા કરી અને એ નિયોગથી વિદુરજી જન્મ્યા.

સત્યવતીએ પછી અંબાલિકાને વેદવ્યાસ સાથે નિયોગ માટે આજ્ઞા કરી. અંબાલિકા નિયોગ વખતે એકદમ ફિક્કી પડી ગઈ અને પાંડુ રોગ સાથે પાંડુનો જન્મ થયો.

પાંડુના પાંચ દીકરા હતા, જે પાંડવ કહેવાયા અને ધૃતરાષ્ટ્રના સો પુત્ર થયાં જે કૌરવ કહેવાયા. પરંતુ પાંડવ અને કૌરવોમાં ક્યારેય સારા સંબંધ ન્હોતા. આમ સત્યવતીના જન્મથી લઈને મહાભારતની ગાથાની શરૂઆત થઈ ચૂકી હતી.

દ્રૌપદીનો જન્મ અને લગ્ન

સૌને એ કથા ખબર છે કે દ્રૌણ અને દ્રુપદ બેઉ ગુરુબંધુઓ હતા. દ્રોણ વતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા, જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો.

દ્રોણ ઉપરનું વેર વાળવા માટે તેઓએ (દ્રુપદ) અગ્નિ-ભોગ (યજ્ઞ) કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે. યજ્ઞબલિની આ આગમાંથી સુંદર શ્યામવર્ણી યુવાન દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સાથે ઉદભવે છે.

તેના શ્યામવર્ણ માટે તેનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું. તે દ્રુપદની પુત્રી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઊછરેલી હોવાથી પાંચાલી પણ કહેવાઈ.

દ્રૌપદીનું સૌંદર્ય અનુપમ હતું. વેદવ્યાસે એના લાલિત્યમય સુંદરતાની પ્રશંસામાં ૧૩ શ્લોકો કહ્યા છે.

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કિચકની શી વિસાત!

તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’  “સુવર્ણમયી શ્યામલા”.

પાંડવોના એક વરસના અજ્ઞાતવાસમાં દ્રૌપદી સૈરેન્ધ્રી બનીને વિરાટદેશની મહારાણી સુદેષ્ણાની દાસી બનીને રહે છે. એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે.

એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને મહારાણીને પણ એના પર મોહ ઉપજે છે. આથી જ રાણી સુદેષ્ણા એને એના પતિની નજરે પડવા દેતી નથી. અહીં સ્ત્રી સુલભ ઈર્ષ્યા જીતે છે. નીચેના સમશ્લોકી ગુજરાતીમાં આ સૌંદર્યનું વર્ણન જુઓઃ

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. વેદ વ્યાસ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

યજ્ઞની વેદીમાંથી જન્મી હોવાથી એને યાજ્ઞસેની પણ કહેવામાં આવી છે. દ્રૌપદી અને તેનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન બેઉ, યજ્ઞકુંડમાંથી દૈવી ગુણો સાથે જન્મ્યા હતાં.

શાસ્ત્રીય વર્ણન મુજબ, તેઓ સામાન્ય બાળજન્મ જેવા નહીં, પરંતુ સચેત, ઉદ્દેશ્યપૂર્ણ અને વિશિષ્ટ લક્ષણો સાથે પ્રગટ્યા. ધૃષ્ટદ્યુમન જન્મતા જ એવું કહેવાયું કે “આ દ્રોણાચાર્યનો વધ કરશે.”

દ્રૌપદી જન્મતા જ અલૌકિક સૌંદર્ય, તેજ અને વાણીનો ગૌરવ ધરાવતી હતી. આથી એવું માનવામાં આવ્યું કે એનામાં વીરતા, શૌર્ય, ધ્યેય અને આધ્યાત્મિક બળ એમના સ્વભાવમાં જન્મથી જ સમાયેલાં હતાં. પરંતુ, શસ્ત્ર, શાસ્ત્રો અને રાજ કૌશલ્ય પામવા ધૃષ્ટદ્યુમ્નને યોગ્ય ગુરુઓ પાસેથી શસ્ત્રવિદ્યા અપાઈ હતી. કારણ, શસ્ત્રવિદ્યા, યુદ્ધની કળા, રાજધર્મ, નીતિશાસ્ત્રનું જ્ઞાન યોગ્ય ગુરુ પાસે અભ્યાસ કર્યા વિના મળતું નથી

દ્રૌપદીને રાજકન્યા તરીકે શાસ્ત્રજ્ઞાન, સંસ્કાર, રાજસભાની મર્યાદા અને નારીસૌજન્યની તાલિમ મળી હતી. અર્થાત્ તેઓ દૈવી ક્ષમતા લઈને જન્મ્યા હતા, પરંતુ એને ઘસીને તેજસ્વી બનાવવા શિક્ષણ જરૂરી હતું.

સરખામણીથી સમજીએ

બાબત જન્મથી      શિક્ષણથી
ધ્યેય, તેજ, વીરભાવ ✔️         —
શસ્ત્રવિદ્યા       ✔️
રાજનીતિ, નીતિ        ✔️
સંયમ, સંસ્કાર અંશતઃ        ✔️

 

દાર્શનિક અર્થ અહીં ખૂબ મહત્વનો છેઃ મહાભારત અહીં કહી રહ્યું છે કે: ઈશ્વર ગુણ આપે છે, પરંતુ માનવ એને સાધે છે. જન્મ શક્તિ અને સંજોગો ઊભા કરી આપે છે પણ ઉચિત શિક્ષણ દિશા આપે છે.

દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમન નિયતિના સાધન હતા, છતાં પણ સંસ્કાર, શિક્ષણ અને પુરુષાર્થ વિના એમનું અસ્તિત્ત્વ એળે જાત.

દ્રૌપદીના લગ્ન કઈ રીતે થયા?

વાર્ણાવતના મહાદેવના મેળામાં જવા માતા કુંતી અને પાંચેય પાંડવો નીકળવાના હતા ત્યારે દુર્યોધનને આની પહેલેથી ખબર પડી. આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું.

યોજના અનુસાર પાંડવો ત્યાં લાક્ષાગૃહમાં રહેવા લાગ્યા. ઘરનું નિરીક્ષણ કરતાં, તેમજ વિદુરે આપેલા કેટલાક સંકેતોને લઈને પાંડવોને ઘરનું રહસ્ય સમજાઈ ગયું.

વિદુરના વિશ્વાસુએ ઘરમાંથી નીકળવા માટે ગુપ્ત સુરંગ બનાવી જેના દ્વારા આગ લાગવાની સ્થિતિમાં તેમાંથી નીકળી શકાય. પુરોચને જે દિવસે આગ લગાડવાની યોજના વિચારેલી તે દિવસે પાંડવોએ નગરના બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રિત કર્યા હતા. તેમની સાથે કેટલાક ગરીબ લોકો પણ ભોજન કરવા આવેલા.

બધા લોકો ભોજન કરીને ચાલ્યા ગયા પરંતુ એક ભીલ-સ્ત્રી પોતાના પાંચ પુત્રો સાથે ત્યાં રોકાઈ રહી.

રાત્રે પુરોચનના સૂઈ ગયા પછી ભીમે તેના ઓરડાને આગ લગાડી. ધીરે ધીરે આગ પ્રસરી. ભીમ માતા અને ભાઈઓ સાથે સુરંગને રસ્તે બહાર નીકળી ગયા. સવારે ભીલણી અને એના પાંચ પુત્રોને બળી મર્યાનું જોઈ લોકોને પાંડવો અને કુંતી બળી મર્યાનો ભ્રમ થયો.

આ ઘટના જાણીને દુર્યોધનને ખૂબ પ્રસન્નતા થઈ પરંતુ પાછળથી યથાર્થતાની જાણ થતાં તે બહુ દુઃખી થયો.

(લાક્ષાગૃહ અલાહાબાદ (પ્રયાગરાજ)ની પૂર્વમાં ગંગાના 1922 સુધી અવશેષ રૂપે વિદ્યમાન હતું, પરંતુ પછી ગંગાના વહેણમાં એ આવાસના અવશેષો તણાઈ ગયા છે. એ વિસ્તારની માટી લાખ જેવી વરતાય છે.)

કેવી રીતે બચ્યા પાંડવ લાક્ષાગૃહથી?

અહીં પાંડવોની મુસાફરી, કૃષ્ણ સાથેની મુલાકાત અને દ્રુપદના સ્વયંવર માટેની યોજના સમયરેખા સાથે ટેબલ ફોર્મમાં રજૂ કરી છે:

ક્રમ ઘટના સ્થળ/પરિસ્થિતિ નોંધ/મહત્વ
1 વારણાવતના મેળામાં જવાની ઘટના વરણાવત દુર્યોધન પુરોચનને મોકલીને લાક્ષાગૃહ બનાવડાવે છે અને વાર્ણાવતનો મેળો પૂરો થવાનો હોય ત્યારે છેલ્લા દિવસે ત્યાં જ પાંડવો અને કુંતીને ઘરમાં બાળીને મારી નાખવાની યોજના હોય છે. વિદુરજી યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં ચેતવે છે. અને પછી લાક્ષાગૃહમાંથી બહાર નીકળવા ગુપ્ત રીતે સુરંગ ખોદાવવામાં વિદુરજી મદદ કરે છે અને પાંડવોને બચાવી લેવાય છે. બધાને લાગે છે કે લાક્ષાગૃહ બળી જતાં કુંતી અને પાંડવો પણ બળી ગયાં.
2 અજ્ઞાતવાસ શરૂ વન/અજ્ઞાત સ્થળ સુરંગમાંથી નીકળીને પાંડવો અને કુંતી છુપાઈને રહેતાં હતાં. આગળ શું કરવું એ નક્કી કરાય ત્યાં સુધી થોડો સમય અજ્ઞાતવાસમાં રહે છે અને પાછા હસ્તિનાપુર જવું હોય તો સાથે વધુ બળવાન બનીને જવું પડે. તો એ કઈ રીતે કરવું? એટલામાં  જ દ્રુપદ દ્રૌપદીના સ્વયંવરની ઘોષણા કરે છે.
3 પ્રથમ મુલાકાત કૃષ્ણ સાથે મથુરા પાંડવોને દ્રુપદના સ્વયંવર માટે માર્ગદર્શન અને સહાય મેળવવાની જરૂર હતી. તેઓ મથુરા કૃષ્ણ પાસે જાય છે. કુંતી કૃષ્ણની ફોઈ થતી હતી.  કૃષ્ણે સલાહ આપી કે કેવી રીતે દ્રુપદના રાજ્યમાં જઈને અન્યોને ઓળખાણ આપ્યા વિના ત્યાં હાજર રહી શકે.
4 દ્રુપદના રાજ્યની તૈયારી મથુરા થી પાંચાલ કૃષ્ણની સલાહ પ્રમાણે પાંડવોએ દ્રુપદને ત્યાં સ્વયંવરમાં અન્ય ઓળખ સાથે જવાનું નક્કી કર્યું
5 સ્વયંવર માટે યોજના દ્રુપદની રાજસભા / સ્વયંવર દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચ તીર સાધવાનાં હતાં. બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે, જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા. દ્રૌપદી સાથે ત્યાંથી પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે, “જુઓ માતા, હું  ભિક્ષામાં શું (દાન) લાવ્યો છું!” પાંડવો અન્ય ઓળખ-પાંચ બ્રાહ્મણ કુમારો તરીકે પહોંચ્યા. યજમાન પાંડવોએ તીરંદાજીમાં દ્રૌપદી જીતીને તેણી સાથે જોડાઈ. એના પછી પાંડવો પોતાની ઓળખ આપી છતા થયા.


દ્રૌપદી અર્જુનને વરમાળા પહેરાવે છે. પાંડવો હવે છતા થઈ ગયા હતા. દ્રૌપદીને લઈને તેઓ માતા કુંતી પાસે વનમાં જાય છે.

અર્જુન ઉત્સાહથી કહે છે કે; “મા, જુઓ, હું શું ભિક્ષામાં લાવ્યો છું.” અર્જુન શેની વાત કરી રહ્યો છે એવી કોઈ જ દરકાર લીધા વિના કુંતી પુત્રને અહોભાવ સાથે જે પણ છે તેને ભાઈઓ સાથે વહેંચવા કહે છે.

માતાની આજ્ઞાનું પાલન કરવા તમામ ભાઈઓ દ્રૌપદીની સંમતિ લીધા વિના જ તેને પત્ની તરીકે સ્વીકારે છે. હવે અહીં કૃષ્ણનો પ્રવેશ થાય છે.

મૂળ વૈશંપાયને કહેલા મહાભારતમાં કૃષ્ણ પાંચાલથી જ એમની સાથે આવે છે જ્યારે ઉત્તરકાશીની મહાભારતની આવૃત્તિમાં એવું લખેલું છે કે કૃષ્ણ પાછળથી પાંડવો જ્યાં અજ્ઞાતવાસમાં રહેતાં હતાં, ત્યાં આવે છે.

પાંચ લાક્ષણિકતા ધરાવતો પતિ મુશ્કેલ છે!

હવે કુંતીએ બધાને કહ્યું અને ભાઈઓએ સ્વીકારી લીધું. દ્રૌપદી અસમંજસમાં પડે છે. ત્યારે કૃષ્ણ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની એક ઘટનાનું પરિણામ છે.

  • તેણે પાછલા જન્મમાં જીવનભર ભગવાન શિવની આરાધના કરી પાંચ ઈચ્છીત ગુણોવાળો પતિ મળે તેવું વરદાન માગ્યું હતું. શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી પાંચ લાક્ષણિકતા ધરાવતો પતિ મુશ્કેલ છે. પરંતુ તેણી તેની વાતને વળગી રહી અને ફરી તે જ માગણી ઉચ્ચારી. ત્યારબાદ ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને આ મળશે. જોકે, પૂર્વમાં સંસ્કરણ પામેલી મહાભારતની આવૃત્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે એણે આ વરદાન ધીરજ ન રાખતાં, નીચે પ્રમાણે પાંચ વાર માગ્યું હતું.
  • તેના પાછલા જન્મમાં તે નળ અને દંપતીની પુત્રી હતી. નળ વિ દર્ભના રાજા હતો અને, લોક વાયકા અનુસાર પૃથ્વી પરનો સૌથી કાબેલ રસોઈયો. નળ અને દમયંતીની પ્રેમકથા સુપ્રસિદ્ધ છે. તે જીવનકાળમાં, જ્યારે તે યુવાન હતી, તેણે શિવની પૂજા કરી હતી.
  • તેની તપસ્યાના પ્રતિભાવમાં શિવે દર્શન આપ્યા, થોડા ઉદાર હાથે વરદાન આપવાનાં મિજાજમાં. દ્રૌપદીએ કહ્યું, “ઓહ! મહાદેવ, મને એક ન્યાય સંગત હોય તેવો પતિ આપો; મને એક બળવાન પતિ આપો; મને એક બહાદૂર પતિ આપો; એક શાણો  પતિ આપો અને મને એક ખૂબ રૂપાળો પતિ આપો.” શિવે કહ્યું, “તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ.” પાંચ વખત. જ્યારે દ્રૌપદીએ તેના પાછલા જન્મની ઝાંખી જોઈ ત્યારે તેને સમજાયું કે આ તો તેની જ ઈચ્છાની પૂર્તિ થઈ છે, જેમાં તેને પાંચ પતિ મળે. જો કે તેની ઈચ્છા એક પતિની હતી જેનામાં આ બધા ગુણો હોય. તેણે અજાણતા પાંચ પતિ માંગ્યા હતા. મહાદેવે તેની ઈચ્છા પૂરી કરી અને તેણે પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા.
  • કૃષ્ણએ દ્રૌપદીને તેના પાંચ પતિ સાથેની લગ્ન વ્યવસ્થા ગોઠવી આપી. તેમણે કહ્યું, “પ્રત્યેક પાંડવ સાથે એક વર્ષ રહેજે. તે સમય દરમ્યાન કોઈ બીજો ભાઈ, અજાણતા પણ તારા શયનકક્ષમાં આવી ચડે, તો તેણે એક વર્ષ જંગલમાં જઈને તપસ્યા કરવાની.”
  • આ વ્યવસ્થા ઉપરાંત બીજી પત્ની કરવાની છૂટ આપવામાં આવી પરંતુ તેઓ બીજી પત્નીઓને મહેલમાં ન રાખી શકે તેમ નક્કી થયું.
  • દ્રૌપદી, પાંચ પાંડવોની પત્ની તરીકે તેમને એકસુત્રે બાંધવા માટે નિર્ણાયક પરિબળ રહી. તેનાથી તેમનું ભવિષ્ય અને વિધિના લેખ પરિપૂર્ણ કરવા ઘણી શકિત મળી. પાછળથી તેમણે ભારત વર્ષ પર શાસન કર્યું. તદુપરાંત દ્રુપદ સાથેનાં જોડાણને કારણે પણ તેમની તાકાતમાં વધારો થયો અને તેઓ હસ્તિનાપુર પરત ફર્યા.

આમ, પાંચે ભાઈઓ સાથે તેનાં લગ્ન થાય છે, દરેક એક ખાસ ગુણ ધરાવે છે: યુધિષ્ઠિર તેમનાં ધર્મનાં જ્ઞાન માટે; હજાર હાથીઓનું બળ ધરાવતો શક્તિશાળી ભીમ તાકાત માટે; પરાક્રમી અર્જુન પોતાની હિંમત અને રણભૂમિનાં જ્ઞાન માટે; અતિશય દેખાવડા નકુલ અને સહદેવ, જેમના પ્રેમથી પ્રણયના દેવ કામ પણ શરમમાં મુકાઈ જાય છે.

દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્ર હતા: પ્રતિવિંધ્ય, સુતસોમા, શ્રુતકીર્તિ, શતનિકા અને શૂરસેન.

જો કે મહાકાવ્યની અંત સુધીમાં દ્રૌપદીનાં કોઈ બાળકો જીવિત રહેતાં નથી. અર્જુન અને સુભદ્રાના પૌત્ર પરીક્ષિત એકલો પાંડવ છે કે જે મહાભારતના અંત સુધી જીવિત રહે છે.

(મત્સ્યદેશના રાજા વિરાટ અને મહારાણી સુદેષ્ણાના પુત્ર ઉત્તરની પુત્રી ઉત્તરાના લગ્ન અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુ સાથે થયા હોય છે.)

પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જ આલેખાઈ છે પણ જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની મહારાણી બને છે.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment