ધડામ (વાર્તા) ~ વર્ષા તન્ના
“ધડામ.. ધડામ.. ધડામ..” આકાશમાંથી પ્રકાશના ગોળા, વીજળી કરતાં તેજીલા વધુ વિકરાળ અને ભયંકર અવાજો… ચોમેર અફડાતફડી. પછી જાણે અંધારાની જીત થઈ હોય તેમ બધે કાળુંધબ.
રાખનાં ગોટા રસ્તા પર દોડતાં લોકોને અટકાવતા હોય તેમ ચારેબાજુ પથરાઈ ગયા હતા. રાવણના વધ સમયે ટપાટપ તેના દસ માથા ધરતી પર પડ્યા હતા. અત્યારે કોનો વધ થઈ રહ્યો હતો!
આગના ગોળા આકાશમાંથી ખરતા હતા. બાજુમાં પર્યાવરણના છડીદાર સમા વૃક્ષો એક વખત બરફની સફેદ ચાદર ઓઢી શાંતિનો મંત્ર ભણતાં હતા તે બધા અત્યારે આગ અને રાખની બળતરામાં ખાક થઈ ગયા હતા.
પેલા ધડામ અવાજ પછી જાણે સન્નાટો છવાઈ ગયો હતો. પણ ધીમે ધીમે આ સન્નાટા પર કણસાટ અને ધ્રૂજતા શબ્દોની લિપિ લખાવા લાગી હતી.
સીમાની પાંપણ રાખના ભારથી ઊંચી થતી ન હતી. અને રોમરોમમાં સોય ભોંકાઈ હોય તેવી પીડા થતી હતી. બધું જડ. અને પોતે? તેમાંનું એક સ્ટેચ્યુ?
સીમાએ પોતાનો હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો. હાથ હલ્યો નહી. પણ પીડાને લીધે મોંમાંથી ઉંહકારો નીકળી ગયો. ત્યારે તેને લાગ્યું કે તે જીવિત છે. તેણે આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો. રાખનાં ઢગલામાં માણસો છૂપાયેલા હતા.
નીરજ.. છોટુ.. તેણે ભગવાનનું નહીં પણ છોટુનું નામ લઈને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તે મહામહેનતે બેઠી થઈ.
જોયું તેના પગ પર કોઈ પડ્યું હતું. તેણે પોતાનો પગ તેની નીચેથી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. લોહીલુહાણ અને માંસનો લોચો થઈ ગયેલ પગ તેણે માંડ બહાર કાઢ્યો પણ ઊભું કેવી રીતે થવું?
સીમાએ આમતેમ માથું ફેરવ્યું. તૂટી ગયેલી ઢીંગલીની જેમ કિચૂડ અવાજ પોતાના શરીરમાંથી સંભળાયો. છતાં આ વેદના સાથે તેણે જોરથી બૂમ મારી “નીરજ.. છોટુ..” પણ અવાજ પડઘાઈ શકે તેમ પણ ન હતો. ધુમાડાના ગોટામાં તે ગૂંચવાઈ ગયો.
હવે સીમાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. આજુબાજુ જોયું ટેકો લીધા વગર ઊભી થઈ શકે તેમ ન હતી.
જોરથી અવાજ આવ્યો. ખબર ન પડી કે શું થાય છે. તેણે છોટુને તેડ્યો હતો. અવાજ સાથે તે ફૂટપાથ પર ફેંકાઈ ગઈ હતી. છોટુ તેના હાથમાંથી.. ક્યાં?
તેણે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો. પણ ફૂટપાથની કોર તેના બરડામાં એટલી જોરથી વાગી હતી કે શરીરમાં પીડાના નગારા વાગતા હતા.
છોટુ ક્યાંય દેખાતો ન હતો. નીરજ તેનાથી આગળ ચાલતો હતો અને જલદી ચાલ.. જલદી કરની માળા જપતો હતો. તે એકલો નહીં પણ આજુબાજુ બધાની આ જ દશા હતી. અહીંથી જલદી બહાર નીકળવાની રેસ લાગી હતી. અત્યારે આ રેસની રાખ ઢગલો થઈ આ ધરતી પર પથરાઈ ગઈ હતી.
આકાશમાંથી ફરી એક મિસાઈલથી હુમલો. લાશોના ઢગલા, લોહીના ખાબોચિયા અને ધુમાડાના ગોટા વચ્ચે માત્ર મૃત્યુ વિકરાળ હાસ્ય કરતું હતું.
છોટુ..! છોટુ તેને પૂછતો: “મમ્મી રાક્ષસ કેવો હોય?” સીમાએ આજુબાજુ નજર ફેરવી. ક્યાંય છોટુ દેખાતો ન હતો. માત્ર રાક્ષસ!
હવે ક્યાંક ક્યાંક પીડાના કણસાટનો અવાજ, તો એકાદ બે હીબકાં નહીં તો પછી સ્વજનો માટેનો પોકાર હવે સંભળાતા હતા. સીમાએ ઊભા થવાનો પ્રયત્ન કર્યો. પણ લોહીલુહાણ પગે તેને રજા ન આપી. તેણે જોયું કે પગ મૂકવાની જગ્યા ન હતી આ ઢગલાં પરથી. કોણ હશે? આમતેમ જોયું તો દેખાયો છોટુનો સ્પાઈડર મેન.
“છોટુ.. છોટુ..” સ્પાઈડર મેનને છાતીસરસો વળગાડી તે જોરથી રડતાં રડતાં બોલી. તેણે જોયું કે સ્પાઈડર મેન પણ આખો ન હતો.
“ક્યાં હશે મારો છોટુ! હજુ તો માંડ ત્રણ વરસનો થયો. ચાલતા મોડું શીખ્યો. નીરજ તો કાયમ કહેતો, “આપણે ઈન્ડિયા પહોંચીએ ત્યારે દાદાદાદીને દોડીને મળજે.” આ સાંભળી છોટુ દોડી નીરજના ખોળામાં બેસી જતો.
“સારું કર્યું છે છોટુ હુલામણું નામ છે. રાશિ પરથી તો ફઈ નામ પાડશે.” નીરજ એક વખત આવું બોલ્યો ત્યારે સીમાએ કહ્યું હતું,
“હવે તો માતાપિતા જ નામ પાડે છે. હવે આને સ્કૂલમાં દાખલ કરવો પડશે ત્યારે અહીં પારકા દેશમાં છોટુ નામ થોડું લખાવાશે?’
“હા, આપણાં કુટુંબમાં રીવાજ છે કે વાળ ઉતરાવ્યા પછી જ નામ પાડવું. મારું પણ હુલામણું નામ હતું જ. આપણે ઈન્ડિયા જઈને તેના વાળ પણ ઉતરાવી તેનું નામ પાડશું.” નીરજ વહાલથી છોટુના વાંકડિયા વાળમાં હાથ ફેરવાતો બોલ્યો હતો.“ ઈન્ડિયામાં તો મુહૂરત જોવડાવી કામ કરવાનું છે. મમ્મીનો ફોન આવે એટલે ટિકિટની વ્યવસ્થા કરું.’
હજુ ક્યારે જવું કેમ કરવું તેનો વિચાર કરીએ તે પહેલાં વગર મુહૂરતે યુદ્ધ આવી ગયું. આજે એક જગ્યાએ મિસાઈલ પડી તો કાલે બીજી જગ્યાએ. કેટલા લોકો માર્યા તેનો હિસાબ જ થઈ શકે તેમ ન હતું. રોજ નવા આંકડા આવતા હતા. બધાનો જીવ મૂઠીમાં બંધાઈ ગયો હતો. અને હવે સહુને પોતાના વતન જવું હતું. એરપોર્ટ પર ભીડ અને અંધાધૂંધીના ખબર લોકોને વધુ ગભરાવતા હતા.
કાલે બે સ્ત્રીઓ ભીડને કારણે બિચારી પ્લેનની ઉપર ચડી અને પોતાના ઘરે પહોંચવાને બદલે ભગવાનના ઘરે પહોંચી ગઈ.
“તું છોટુને લઈને આવ. હું ત્યાં જઈ લાઇનમાં ઊભો રહી સીટ ક્યારે મળે છે તે જોઉં છું.” નીરજ ઝડપ વધારી આગળ નીકળી ગયો હતો. સીમા છોટુને લઈને તેની પાછળ ચાલવાનો પ્રયત્ન કરવા લાગી હતી.
અત્યારે તો છોટુ અને નીરજ બન્નેમાંથી કોઈ દેખાતું ન હતું. માત્ર તૂટેલો સ્પાઇડર મેન. તે બે ત્રણ મૃતદેહનો ટેકો લઈ માંડ ઊભી થઈ. કોઈ ઓળખાતું ન હતું.. બધાના ચહેરા એકસરખા લાગતા હતા. કાળામશ. રાખ અને લોહીથી લથબથ.
તે છોટુને વાર્તા કરતી કે એક પરી આવી રાજકુમારને સજીવન કરી ગઈ. છોટુની આંખોમાં આશ્ચર્યનું વિશાળ આકાશ ઉઘડતું. પણ અત્યારે તો ક્યાં આકાશ ભૂરું રહ્યું હતું અને ક્યાં પરી? આકાશ અને ધરતી બધુ સળગી રહ્યુ હતું.
પરી..! ફરી આજુબાજુ જોયું. હવે ઉંહકારા સિસકારા અને રૂદન વધ્યા હતા. ત્યાં તેને એક સ્ત્રીની કારમી ચીસ સંભળાઈ. સામે એક સ્ત્રી સાવ નોખી જ વેદનાથી તડપતી હતી. ઘસડાતી ઘસડાતી સીમા તેની પાસે પહોંચી. અરે આ તો પ્રસૂતિની પીડા.
પેલી હલી શકતી ન હતી, પણ વેદનાથી કણસતી હતી. હવે શું કરવું? સીમા પોતે જ આખી લોહીલુહાણ. અને છોટુ અને નીરજ…! તે માંડ ઊભી થઈ. પણ ચાલી શકી નહી. પેલી સ્ત્રીના ડ્રેસમાં તેનો લોહીવાળો પગ ભરાયો.
આ તો લ્યુસી. નીરજ સાથે કામ કરતી હતી તે જ. નીરજ માટે તેના બોસ સામે કેટલું બધું જેમતેમ બોલી હતી. જો તે આમ ન બોલી હોત તો તેમના બોસે ઈન્ડિયા જવાની પરવાનગી જલદી આપી દીધી હોત.
“લ્યુસી પ્રેગનન્ટ છે. અને તેની તબિયત પણ સારી નથી. તેણે આમ જેમતેમ બોલવું જોઈએ નહીં. અત્યારે તે જે બોલશે અને વિચારશે તેની અસર તેના બાળક પર પડશે.” નીરજે ઘરે આવીને થોડી અકળામણ સાથે વાત કરી હતી.
આ ક્યાં જવાની હશે? લ્યુસી તો અહીંની જ છે. કદાચ. અત્યારે ઘરના હોય કે બહારના બધાને જલદી અહીંથી નીકળવું હતું.
સીમાએ તેની સામે જોયું. ગોરી લ્યુસીના આખા રાખવાળા ચહેરા પર બે તગતગતી આંખો ફફડતી હતી. હોઠ અને આખું શરીર જાણે સ્ટેચ્યુ બની શેકાઈ રહ્યું હતું.
અચાનક એક ચીસ આખા વાતાવરણમાં ફરી વળી. એક કોમળ રૂદનના મોરપીંછી સ્પર્શથી સઘળું વાતાવરણ વહાલસોયું બની ગયું. તેણે નવજાત બાળકને હાથમાં લીધું. ઊંચું કરીને લ્યુસીની સામે ધર્યું. પણ લ્યુસી આ જોવા માટે બચી નહીં.
બાળકનું રડવાનું બંધ થઈ ગયું અને હોઠ પર સ્મિતનું પતંગિયું આવીને બેસી ગયું. આ સ્મિતથી તેને જરા સારું લાગ્યું. તેની સામે જોયા કર્યું.
ગુલાબી ગાલ થોડી ઝીણી આંખો અને વાળ થોડા પણ સીધા સપાટ. છોટુના વાળ તો વાંકડિયા. નીરજ પર ગયો છે પાકો. અને આ? તેની માતાનો ચહેરો રાખનાં ઢગલામાં વાવેલું જાણે અગ્નિકુંડ. આ અગ્નિકુંડમાંથી જન્મેલું ફૂલ પણ આ કેટલો સમય જીવિત રહેશે?
સીમાના હાથમાં નવજાત બાળક. આ બાળકને છાતીએ વળગાડી તેણે જોરથી રાડ પાડી “છોટુ છોટુ..” આખું વાતાવરણ સીમાના આક્રંદથી ખળભળી ઉઠ્યું. મૃત્યુના ઢગલા વચ્ચે સીમાના હાથમાં એક નાનકડો હમણાં જ જન્મેલ જીવ.
ઈશ્વરે સીમાના હાથમાં બાળક મૂક્યું તો તેને થોડી શક્તિ અને હિંમત પણ આપી. તે માંડ ઊભી થઈ.. છોટુ અને નીરજને શોધતી. ત્યાં કેટલાક સૈનિકો તેની તરફ આવતા હોય તેવું લાગ્યું. “આ સૈનિકો આપણી સ્ત્રીઓને ખૂબ હેરાન કરે છે. તેઓને જીવવા જેવી નથી રહેવા દેતાં.”
‘તેઓ કોઈની ઉંમર પણ નથી જોતાં.. સાલા સાવ નરાધમ..’ આવું સીમા રોજરોજ સાંભળતી હતી. તેના શરીરમાં ધ્રુજારી આવી. એક બળી ગયેલા ઝાડના ઠૂંઠા અને મૃતદેહના ઢગલાં પાસે સૂઈ ગઈ. જાણે એક મૃતદેહ. પેલું નવજાત શિશુ પળ બે પળ તો શાંત રહ્યું પણ પછી ફરી રૂદન.
એક સૈનિકે આવી સીમાને જોરથી ગનનો પાછળનો ભાગ માર્યો. જીવતી છે કે તે જોવા માટે હશે. પણ સીમાએ પોતાના હોઠ દબાવી પેલી પીડાનો સિસકારો રોક્યો. શીશુ જોરથી રડવા લાગ્યું. પેલો સૈનિક તો મારીને ત્યાંથી નીકળી ગયો.
સીમાના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તેણે જોયું કે પેલો સૈનિક દૂર પહોંચી ગયો છે એટલે તે ઊભી થઈ. બાજુના મૃતદેહના લીરા થઈ ગયેલા ડ્રેસમાંથી એક લીરો લઈ પોતાના માથાનું લોહી સાફ કર્યું. માંડ ઊભી થઈ. ઘસડાતી ઘસડાતી ચાલવા લાગી.
છોટુ અને નીરજને ચારેબાજુ શોધવા લાગી. મૃતદેહોને જોઈ તેનો રઘવાટ વધવા લાગ્યો હતો. કોઈએ તેના પગને પકડ્યો હોય તેવું લાગ્યું. પાંચેક વરસની એક છોકરી તેને રોકવાનો પ્રયત્ન કરતી હતી. “મમ્મી..” તે માંડ બોલી.
સીમાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને એક હાથે તેને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. તે ઊભી થઈ શકી નહીં. પેલા નવજાત શિશુને થોડીવાર નીચે મૂકી પેલી છોકરીને ઊંચકી.
“મમ્મી મમ્મી…” બોલી તે જોરજોરથી રડવા લાગી. સીમાએ તેના પર હાથ ફેરવ્યા કર્યો. કારણકે તેને શું બોલવું તેની ખબર જ પડતી ન હતી. સીમા એક હાથમાં પેલા શિશુને અને પેલી છોકરીને લઈ ચાલવા લાગી. રસ્તો ખબર પડતો નહોતો. માત્ર જ્યાં જગ્યા હતી ત્યાં પગ મૂકતી જતી હતી.
નવજાત શિશુ રડતું હતું, “ભૂખ લાગી છે” બોલી પેલી છોકરી જોરથી રડવા લાગી. તેના પગ નીચે દબાયેલ બ્રેડનો અર્ધો બળેલ ટુકડો મળ્યો. તે ટુકડો પેલી છોકરીને આપ્યો.
સીમાની આંખથી આંસુ નીકળવા લાગ્યા. તેણે તૂટી ગયેલો સ્પાઈડર મેન છોકરીને આપ્યો. છોકરીએ તેની સામે જોયા કર્યું. ફરી રડવા લાગી. સીમાએ નવજાત બાળકને તેડ્યું અને છોકરીને ખેંચી પોતાના લોહીલુહાણ પગ ઉપાડી ચાલવા લાગી.
ત્યાં તેના પગ સાથે એક મૃતદેહ અથડાયો. તે બંને બાળકો સાથે પડી. ઊભી થવા ગઈ અને ચહેરો દેખાયો. નીરજ… તેણે જોરથી ચીસ પાડી. અને તેને કશું ભાન ન રહ્યું. તેણે ક્યાંય સુધી રડ્યા કર્યું તેની તેને ખબર ન રહી.
પેલી છોકરીએ આવી પાણીની બોટલ આપી. થોડું પાણી હતું. પણ આ પાણી આટલી અગ્નિમાં.. ક્યાંથી આવ્યું. સીમાએ પેલી છોકરી સામે જોયું. આ પરી… જેના રાખથી ખરડાયેલા કાળા ચહેરા પર આંસુ રેલાઈ ગયા છે. આ પાણી ક્યાંથી લાવી હશે? આ છોકરી નહીં પરી જ છે એટલે તે સંજીવની ઘૂંટી લઈ આવી.
પરી કેટલાને સજીવન કરશે? સીમાએ તે પાણીમાંથી થોડું પાણી નવજાત શિશુને અને પછી પેલી છોકરીને આપ્યું. સીમાને સફેદ કપડાં પહેરલા બે જણ દેખાયા. તે આગળ ચાલવા લાગી, પણ ક્યારે બેભાન થઈ ગઈ તેની ખબર ન પડી.
આંખો ખૂલી ત્યારે તે હોસ્પિટલમાં હતી. બાજુમાં મિલિટરી ડૉક્ટર ઊભા હતા. `“યુ આર એ બ્રેવ લેડી.”’ ડૉક્ટરે સીમાને હિંમત આપતા કહ્યું.
“તમે તમારી દીકરી અને એક બાળકને બચાવ્યા. વેલ ડન.” ડૉક્ટર બોલ્યા અને પછી કહ્યું. `“સોરી પણ અમારે તમારો પગ કાપી નાખવો પડ્યો છે.’”
સીમાની આંખમાં દર્દ ઉભરાયું. મારો છોટુ અને નીરજ જતાં રહ્યા તો પછી પગનો બિચારાનો શું દોષ?
પેલી છોકરી સીમા પાસે આવી. આ એ પરી. ગુલાબી ગાલ અને નાના નાના હોઠ. જાણે એક ઢીંગલી. તેણે બીજા હાથમાં તૂટેલો સ્પાઈડર મેન હજુ પણ પકડી રાખ્યો હતો.
તેને જોઈને સીમા હીબકાં ભરવા લાગી. છોકરીએ તેના કાપેલા પગના પાટા પર હાથ ફેરવ્યો અને બોલી, “બહુ દુખે છે? આ ડૉક્ટર અંકલ બહુ સારા છે. મને પણ ખૂબ વાગી ગયું હતું. તેમણે દવા આપી. હવે દુખતું નથી. તમને પણ સારું થઈ જશે.” સીમા તેને ભેટીને વધુ રડવા લાગી.
યુદ્ધ પૂરું થવાની જાહેરાત થઈ ગઈ. ડૉકટરના ચહેરા પર કળી ન શકાય તેવી વેદના હતી.
“ડૉક્ટર યુદ્ધ ભલે પૂરું થાય, પણ તેની વેદના વરસો કદાચ યુગો સુધી ચાલ્યા કરે છે.”` સીમા બોલી:
“તમે આ છોકરીને બચાવી અને પેલા બાળકને બચાવ્યું પણ હવે તેનું કોણ?”
ડૉક્ટરે ખિન્ન થઈને કહ્યું, “હવે આમને માટે અનાથાશ્રમ જ છે. આવા કેટલાય બાળકો… ” વેદના ગળી છતાં અવાજ ઘોઘરો થઈ ગયો. ડૉક્ટર તેના રૂમમાંથી બહાર નીકળતા હતા ત્યાં સીમાએ ડૉક્ટરને રોક્યા, “ડૉક્ટર, મને રજા ક્યારે મળશે?”
“સારું થતાં વાર લાગશે. અને પછી તમારે ઘોડી રાખવી પડશે.” ડૉક્ટરે કહ્યું.
ત્યાં એક સિસ્ટર પેલા બાળકને લઈને આવી.
“ડૉક્ટર તમે આ બાળકોને અનાથ ન કહેશો. આ તો મારો છોટુ છે, જેણે મૃત્યુને પરાસ્ત કર્યું છે.’ તેના કપાળને ચૂમીને સીમા બોલી. “આ મારી પરી છે. પથ્થરને સ્પર્શ કરે તો તે સજીવન થઈ જાય.” ડૉક્ટર તેની સામે જોઈ રહ્યા.
“આ બધા બાળકો સાથે પરીહૉમમાં રહીશું. જ્યાં કોઈ અનાથ નહીં હોય.” સીમા બોલી.
આ સાંભળી પેલી છોકરીના હાથમાં તૂટેલો સ્પાઇડર મેન સ્મિત કરવા લાગ્યો.
~ વર્ષા તન્ના
varsha.tanna@gmail.com