ઈરાની કવિ સાબિર હાકાની હૃદયસ્પર્શી કવિતાઓ ~ અનિલ ચાવડા
સાબિર હાકા ઈરાની કવિ છે. તેમનો જન્મ 1986માં ઈરાનના કેરમાનશાહ શહેરમાં થયો હતો. હાલમાં તેઓ બાંધકામ મજૂર તરીકે કામ કરે છે અને તહેરાનમાં રહે છે. તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. વર્ષ 2013માં તેમને ઈરાની મજૂર કવિતાસ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો.

સાબિર હાકાની કવિતાઓએ તેમને આર્થિક સ્થિરતા નથી અપાવી, પરંતુ વૈશ્વિક ક્ષેત્રે નામના ચોક્કસ અપાવી છે. સામાજિક અને આર્થિક સલામતી ન હોવાને કારણે ગરીબી એટલે શું, તે ખૂબ સારી રીતે જાણે છે.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહેલું, “હું થાકી ગયો છું, ખૂબ થાકી ગયો છું. મારો થાક મારા જન્મ પહેલાનો છે. જ્યારે મારી મા ગર્ભવતી હતી, ત્યારે પણ તે મજૂરી કરતી હતી. તેના ગર્ભમાં રહીને મેં થાક અનુભવ્યો હતો. એ થાક આજે પણ મારા શરીરમાં છે.”
મજદૂરી પર લખેલી તેમની કવિતાઓ માત્ર ઈરાનમાં જ નહીં, વિશ્વભરમાં ખ્યાતિ પામી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાથી લઈને અનેક વર્તમાનપત્રોમાં તેમના વિશે લખાઈ ચૂક્યું છે. પ્રસ્તુત છે તેમની કેટલીક હૃદયસ્પર્શી કવિતાઓ.
કવિઃ સાબિર હાકા
ભાવાનુવાદઃ અનિલ ચાવડા
શેતુર
શું તમે ક્યારેય શેતૂર જોયું છે?
એ જ્યાં પડે, એટલી જમીન પર
તેના રસથી લાલ રંગનો ધબ્બો પડી જાય છે
પડવાથી વધારે પીડાદાયક બીજુંં કંઈ નથી
મેં અનેક મજૂરોને ઇમારતોથી પડતા જોયા છે
પડીને શેતુર બની જાય છે
૧. ઈશ્વર
ઈશ્વર પણ એક મજૂર છે.
જરૂર એ વેલ્ડરોનો પણ વેલ્ડર હશે
ઢળતી સાંંજના તેની આંખ
તગતગે છે લાલ અંગારા જેમ
રાત્રે એનું પહેરણ કાણેકાણા થઈ ચૂક્યું હોય છે.
૨. કારકિર્દીની પસંદગી
હું ક્યારેય એક બેન્ક કર્મચારી નહીં બની શકું
ન તો ખાણીપીણીનો સામાન વેચતો સેલ્સમેન
કોઈ પાર્ટીનો નેતા તો ક્યારેય નહીં
ન ટેક્સી ટ્રાઇવર
ન જાહેરાત કરતો માર્કેટિંગવાળો…
હું માત્ર એટલું જ ઇચ્છતો હતો કે
શહેરના સૌથી ઊંચા સ્થાને ઊભા રહીને
નીચે ઠસોઠસ ઇમારતોમાં રહેલું એ યુવતીનું ઘર જોઉંં
જેને હું પ્રેમ કરું છું
એટલે હું બાંધકામ મજૂર બન્યો
૩. આસ્થા
મારા પિતા મજૂર હતા
આસ્થામાં ગળાડૂબ માણસ
જ્યારે પણ એ નમાજ પઢતા
અલ્લાહ તેમના હાથ જોઈને લજ્જિત થઈ જતા
૪. ઘર
હું આખી દુનિયા માટે આ શબ્દ વાપરી શકું
દુનિયાના પ્રત્યેક દેશ માટે કહી શકું
હું આકાશને પણ કહી શકું
ને કહી શકું આ બ્રહ્માંડની દરેક ચીજને
પણ તહેરાનના આ બારી વગરના
ભાડાના મકાનને ઘર નથી કહી શકતો
૫. એક માત્ર ભય
જ્યારે હું મરીશ
મારી સાથે હુંં મારાં તમામ પુસ્તકો લઈ જઈશ
મારી કબર એવા લોકોની તસવીરોથી ભરી દઈશ
જેમને મેં ખૂબ પ્રેમ કર્યો
મારા નવા ઘરમાં ભવિષ્ય પ્રત્યેના ભય માટે
એકેય સ્થાન ખાલી નહીં રહે
હું સૂતો રહીશ
સિગારેટ સળગાવીશ
અને રડીશ એ તમામ યુવતીઓને યાદ કરીને
જેમને હું ગળે લગાવવા ઇચ્છતો હતો
આ તમામ પ્રસન્નતાઓ વચ્ચે પણ
એક ભય નિરંતર મારી અંદર રહ્યા કરે છે કે-
એક દિવસ વહેલી પરોઢે
કોઈ મારો ખભો ઢંઢોળીને મને ધુત્કારપૂર્વક જગાડશે કે
“ઊઠ ઓય સબીરિયા, કામે જવાનું છે!”
૬. બંદૂક
જો તેમણે બંદૂકની શોધ ન કરી હોત
તો કેટલાય લોકોને દૂરથી જ મારી નાખવામાં આવે છે,
તે બચી જાત
ઘણી ચીજો સરળ થઈ જાત
તેમને મજૂરોની તાકાતનો પરચો આપવો પણ ઘણો સરળ થઈ જાત.
***