શું લેશો? (હાસ્યલેખ) ~ માના વ્યાસ, મુંબઈ 

અમારાં ગામમાં લગ્ન પછી દીકરી જ્યારે જ્યારે માવતરને ઘરે વારતહેવારે આવે તો શરુઆતનાં થોડાં સમય સુધી ફળિયામાં અને ઓળખીતાઓ દ્વારા ઘરે ચાપાણી માટે નોતરવાનો રિવાજ છે.

એ રીતે નવા જમાઈ સાથે બરાબર પરિચય થાય. જોડી બરાબરની મળી છે કે નહીં. કાગડો દહીંથરું લઇ ગયો છે કે કાગડીને કોટે રત્ન બંધાયું છે, એ મપાઈ જાય. ઘણાંને વળી જમાઈના કુંવારા ભાઈબહેનોમાં રસ હોય એટલે ઓળખાણ થાય.

પડોશીઓ આમેય ઉત્સાહી. સોગન આપીને ઘરે ચાપાણી માટેનું નિમંત્રણ આપી જાય.

નવપરિણીત યુગલ આવે એટલે હરખભેર સ્વાગત થાય. જે ફ્રોક પહેરેલી છોકરી પહેલાં “ચાંપલી કલ્પુડી” હતી તેને હવે બેન કલ્પના તરીકે સંબોધવામાં આવે. જેની સાથે સંસાર માંડવાનો રસ હતો એ છોકરીનાં વરને જીજાજી કહેવું પડે, એ અસહ્ય તાવણી વેઠતા ફળિયાનાં બેચાર યુવાનો પણ ડોકાય.

ચાપાણીનાં નિમંત્રણની જોશભેર જાહેરાત થઈ હોય તેથી બેત્રણ પડોસી તો ત્યાં જ મળવા આવી જાય. ભાથામાંથી તીરની જેમ આવતાં પ્રશ્નોનાં જવાબ આપતા જમાઈને થાય કે આનાં કરતા નોકરીનો ઈન્ટરવ્યુ સારો હતો.

નવા જમાઈને પગથી માથા લગી માપ્યા પછી દીકરીનાં સાચાંખોટાં વખાણ ચાલુ થાય. જેને માટે ભૂતકાળમાં “જબરી” કે “માથાભારે” વિશેષણો વાપર્યાં હોય તે હવે સુશીલ, કામઢી અને મીતભાષી છે એવી રજૂઆત થાય.

છેલ્લે જમાઈને ખાતરી થાય કે આ છોકરી ન મળી હોત તો એનું જીવન બરબાદ થવાનું હતું. સાક્ષાત લક્ષ્મીનો અવતાર પામી એ સંતોષનો ઓડકાર ખાય ત્યાં યજમાન દ્વારા પૂછાય,

`શું લેશો?’

`ચા પીશો? મસાલા કે આદુવાળી? અમારે ત્યાં છેને ચા સ્પેશિયલ બને. મસાલો પણ તાજો નાની ખાંડણીમાં જ વાટવાનો. મિક્સર ગ્રાઇન્ડરમાં નહીં. લીલી ચા, ફૂદીનો પણ વાડામાં ઊગાડેલો, હોં.

કોઈ કાચી પળે નવસવા, શરમાતા જમાઇથી એમ બોલાઈ જાય કે ના ના.. રહેવા દોને ચા નથી પીવી.

તો બસ.. હવે એ ભૂલ ન સ્વીકારે ત્યાં સુધી ભોગવવી પડે.

“અરે, ચાની ના પાડો છો? ચા તો રાષ્ટ્રીય પીણું. ચા વગર તે કેમ જીવાય?”

“સારું તો કૉફી બનાવું?”

હવે કૉફી એટલે તમારાં મનમાં કા તો કડક સુગંધવાળી, સરસ કૉફીના મૂળભૂત રંગવાળી, ફિલ્ટર, સ્ટારબક્સ  જેવી હોય તો થોભો. અહીં કૉફી એટલે મેલા રંગનું દૂધ. વધુ દૂધ અને થોડા પાણીને ગરમ કરી મોટી ચમચી ખાંડ અને ચમચીની આગલી ધારે ચોંટેલી કૉફી ઉમેરો એટલે બસ. એ પણ ખાસ વપરાતી ન હોય એટલે બરણીમાં જામી ગયેલી કોફીનો નાનો ટુકડો માત્ર અડધોપડધો ઓગાળેલો હોય.

હજુ બિચારા જમાઈ ન સમજે અને કહે ના ના કૉફી નથી પીતા.

“અચ્છા તો મસાલો પીઓ.” યજમાન કહેશે.

અહીં મસાલો એટલે ચાનું મિશ્રણ પણ ચાની ભૂકી વિનાનું. ફક્ત નાખવાના મસાલાનું પ્રમાણ વધારી બનાવાય. હેડકીએ ન ચડવું હોય તો મનાઈ કરી દેવામાં શાણપણ છે.

“ઓહો.. એમ કંઈ થોડું ચાલે દૂધ કોલ્ડ્રીંક પીઓ.” યજમાન આગ્રહ કરશે.

હવે અહીં વધુ દૂધ અને ઓછા પાણીનાં મિશ્રણમાં રોઝનું લાલ શરબત ઉમેરી આપવામાં આવે. કાં તો એ અતિશય ગળ્યું હોય અથવા ફિક્કું. એ યજમાનનાં ભાવ પર નિર્ભર કરતું હોય. એ પીધાં પછી એનાં સતત  ગુલાબવાળા ઓડકાર આવવા સામાન્ય બાબત છે.

આમાં ફક્ત પાણીમાં શરબતનો ઓપ્શન પણ આપવામાં આવતો હોય છે. એ પછી તમારા હોઠ “યે લાલ રંગ કબ મુઝે છોડેગા?” ગાવા માંડે તો નવાઈ નહીં.

પણ મહેમાનની મતિ મારી ગઈ હોય એટલે એ એની પણ ના પાડી દે. યજમાન આમ પાછાં નિખાલસ એટલે કહે, “આમ તો લીંબુ શરબત બનાવત પણ કાલે જરા પડોસી જોડે બોલાચાલી થઇ ગઈ છે.”

“એમ, શું થયું?” એમને સમજાતું નથી.

“એ તો લીંબુડી પડોસીની છે ને! થોડી ડાળી અમારાં વાડા પર ઝૂકે છે તે અમે લીંબુ તોડી લઈએ એટલે!  કેટલું બોલ્યા! આજે નથી તોડ્યાં, ઝગડો શું કરવાનો એ પણ લીંબુ માટે?

હજુ યજમાનનું મન ઠરતું નથી.

“જીરુંનો પાવડર નાખેલી સોડા?”

“રસના બનાવું?”

“કઈ ફ્લેવર છે?”

“અરે, ફ્લેવર?? નહીં રસના જ વળી. પેલું તૈયાર પેકેટ આવે છેને.”

“ના ના કંઈ નહીં.”

“કેસર ખલાસ થઈ ગયું છે બાકી કેસરબદામ નાંખી દૂધ બનાવત. અહીં નાના ગામમાં કેસર ક્યાં સારું મળે છે? હવે અમેરિકાથી કોઈ આવે ત્યારે.”

“ના ના રહેવા દોને.”  વિવેક કરવો જ રહ્યો.

“બાટલી મગાવું?”

“શેની?” મુંબઈના જમાઈ ચોંકીને પૂછે!

“પેપ્સી, માઝા, કોકાકોલ. પણ  બજારમાં લેવા કોણ જશે? એ કનુડા આઆઆ.. જા તો જરા.”

આખરે નવા જમાઈ શરણાગતિ સ્વીકારી લે અને ભૂલ કબૂલ કરી લે. એનાં કરતાં ચા પીધી હોત તો સારું હતું. જમાઇને ગળા સુધીની ખાતરી થઈ જાય કે ભવિષ્યમાં આ વાતાવરણમાં ઉછરેલી એની પત્નીએ કહેલી વાત એક જ વારમાં કબૂલ કરી લેવામાં શાણપણ છે.

~ માના વ્યાસ, મુંબઈ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.