સોનુ મળી! (વાર્તા) ~ નિમિષા મજમુંદાર, મહેસાણા
(શબ્દો: ૧૯૫૩)
સાંજે સાત વાગે લગભગ દોડતી દોડતી હું કાળુપુર સ્ટેશનમાં પ્રવેશી ત્યારે સામે જ એક નંબરના પ્લેટફોર્મ પર મારી ટ્રેન ઊભી હતી.
સ્વજનોને મૂકવા આવેલા માણસોના અવાજો અને લાલ કપડાંવાળા કૂલીઓની દોડાદોડથી વાતાવરણ જીવંત હતું. કમ્પાર્ટમેન્ટના બારણામાં જ ત્રણ ભારેખમ બેગો ખડકીને ઊભેલા એક ફેમિલીને માંડ-માંડ પસાર કરીને હું મારી સીટ પર પહોંચી.
મારી નાનકડી બેગ સીટ નીચે ગોઠવીને હું મારા નંબર પર ગોઠવાઈ. મારા સહપ્રવાસીઓ પહેલેથી જ ત્યાં ગોઠવાયેલા હતા. બહારથી અવાજોનાં મોજાં અંદર ધસી આવતાં હતાં.
“ઓ ભાનુભાઈ, આ બેગ ભૂલી ના જતા..!”
“દાદા, જલદી પાછા આવી જજો! મને તમારા વગર નહિ ગમે..!”
“વિભુ, અજાણ્યા લોકો સાથે ચપડચપડ વાતો કરવા મંડી ના પડતી. પહોંચીને તરત સુબોધને કહેજે મને ફોન કરી દે! અને હા, કોઈ આપે તો કંઈ ખાવાનું નહિ! સમજી?”
ટ્રેન પકડવાના આટલા ટેન્શનમાં પણ મને હસવું આવી ગયું, ‘બધી મમ્મીઓ સરખી!’ મને પણ થોકબંધ સલાહો આપ્યા પછી જ જવા દીધી હતી ને! પચીસ વર્ષની હું, પહેલી વખત જીદ કરીને એકલી મુંબઈ જતી હતી. દાદર સ્ટેશને દીદી લેવા આવશે એ શરત સાથે એકલા જવાની છૂટ મળી હતી.
મેં જ્યારથી વાર્તાઓ લખવાની ચાલુ કરી હતી ત્યારથી અનાયાસે એક બીજો શોખ પણ જાગ્યો હતો, જાણીતાં કે અજાણ્યાં બધાં માણસોને ધ્યાનથી જોવાનો, એમની વાતો સાંભળવાનો અને ડિટેક્ટીવની જેમ એમના સ્વભાવ અને બેકગ્રાઉન્ડ વિશે ખાંખાંખોળાં કરવાનો; શક્ય છે કે ક્યાંકથી મજબૂત વાર્તા જડી આવે!
સામેની સીટમાં મારાથી થોડી મોટી યુવતી અને એનો પતિ હતાં, એમની નાનકડી મીઠડી દીકરી કુતૂહલથી બારીની બહાર જોયા કરતી હતી. મારી બાજુમાં એક ખાસું ઉંમરલાયક કપલ હતું. કપલમાંના અંકલ બારીવાળી સીટ પર બેસીને બહાર જોતા હતા પણ બહારની ભાગદોડ કે અવાજો એમને જરા પણ સ્પર્શતા નહોતા એ સાફ દેખાતું હતું.
એમની આંખોમાં કરડાકી અને ચહેરાની એકેએક કરચલી પર ન સમજાય એવી ઘેરી ઉદાસીનો ભૂખરો રંગ ચઢેલો હતો. આન્ટી પ્રમાણમાં થોડાં વધારે દુનિયા સાથે જોડાયેલાં લાગ્યાં.
મારી સામે જોતાં એમની પારદર્શક આંખોમાંથી એક વાત્સલ્યભર્યું સ્મિત છલકાયું, “મુંબઈ?”
મેં હકારમાં ડોકું હલાવ્યું.
“અમે બોરીવલી!” કહીને એ પેલી સામેવાળી યુવતી તરફ પ્રશ્ન ભરી જોઈ રહ્યાં.
“અમે પણ મુંબઈ” કહીને એણે સ્મિત કર્યું.
ત્યાં તો બધા અવાજોની ઉપર થઈને આખા સ્ટેશનને ભરી દેતા વ્હીસલના કર્કશ અવાજ સાથે ટ્રેન સરકવા લાગી. ધીમે ધીમે સ્ટેશન પરનું “આવજો.. આવજો..” પણ શમી ગયું. પેસેજની બે સીટ ખાલી જ રહી!
યુવતીએ દીકરીને પોતાની પાસે ખેંચતાં વાતનું અનુસંધાન સાધ્યું, “હું સુરભી, આ મારી મીની અને આ મારા પતિ નિલેશ. અમે મુંબઈમાં એક દિવસ કાકાને ઘેર રોકાઈને પછી મહાબળેશ્વર જવાનાં છીએ.” બોલતાં એના ચહેરા પર હિલ સ્ટેશનની તાજગીભરી હવાની લહેરખી ફરી વળી!
અંકલની સામે બેઠેલી મીનીએ એમની સામે એક મોટું સ્માઈલ કરીને પૂછ્યું, ”દાદા, તમે મહાબળેશ્વર જોયું છે?”
અંકલ તદ્દન ઉપેક્ષાભરી રીતે, એની સામે પણ જોયા વગર, બહાર જોતા-જોતા બોલ્યા, ”ના, નથી જોયું. એમાં શું જોવાનું! ગામ જેવું ગામ!”
મને ખરેખર ગુસ્સો ચઢ્યો, ‘બાળક સાથે પણ આટલી રુક્ષતા!’
આન્ટીએ વાત સંભાળી લેતાં કહ્યું, ”ના બેટા, અમે નથી ગયાં. તું અમને તારી સાથે લઈ જઈશ?”
મીનીએ હવે બાળસહજ નિર્દોષતાથી નિલેશને પૂછ્યું, ”પપ્પા, આપણે દાદા-દાદીને સાથે લઈ જઈએ?”
મને એનો સચ્ચાઈભર્યો લહેકો સાંભળીને મજા પડી. નિલેશ આ બધી વાતોથી બિલકુલ નિર્લેપ જેવો મોબાઈલ મચડવામાં વ્યસ્ત હતો. એણે તો કદાચ કંઈ સાંભળ્યું પણ નહોતું! સાવ દૂબળા-પાતળા, માંદલા દેખાતા નિલેશની ત્વચા ઉપર બાઝેલી ઘેરી કાળાશ, ઊડીને આંખે વળગે એવી, કંઈક અલગ જ જણાતી હતી.
નાજુક નમણી પણ તરવરાટથી ઊભરાતી સુરભીથી સાવ વિપરિત એવો નિલેશ, યુવાન કલેવરમાં વૃદ્ધ જેવો થાકેલો જણાતો હતો.
“હું મનોરમા, અને આ તમારા અંકલ, રિટાયર્ડ ડી.સી.પી. જનાર્દન ત્રિવેદી.” કહીને આન્ટીએ સૂચક સ્મિત કર્યું.
‘ઓહ, અંકલના ચહેરાની કરડાકીનું કારણ હવે સમજાયું..!’
“હું તાપસી, એમ.એ. વીથ ઈંગ્લીશ લિટરેચર કર્યું છે અને હવે નોકરી શોધું છું. શોખથી લેખિકા છું.”
“અરે વાહ, મારી સોનુ પણ..!” અંકલની કરડી આંખ આન્ટી તરફ ફરી અને એમણે વાત બદલી નાખી, ”તું ઈંગ્લીશમાં લખે છે? શું? કવિતા?”
“ના, મોટે ભાગે ગુજરાતી વાર્તાઓ લખું છું. કોલેજમાં ભણતી હતી ત્યારથી લખું છું. હવે તો કેટલીક વાર્તાઓ પ્રતિષ્ઠિત ગુજરાતી મેગેઝિન્સમાં છપાય પણ છે. ‘તપસ’ ઉપનામથી લખું છું.”’
આન્ટીની આંખમાં ચમક આવી, ”અરે! હા..! તો.. પેલી.. ‘પ્રિયજન’ વાર્તા તારી હતી? મને વાંચવાનો બહુ શોખ છે. આમ તો મને લેખકનું નામ યાદ ન રહે પણ એ વાર્તા બહુ સરસ હતી એટલે ‘તપસ’ ઉપનામ યાદ રહી ગયું.”
“હા, મારી જ હતી. તમને ગમી ને?”
“હા, ખૂબ ગમી હતી. એમાં મા-દીકરીના સબંધનું ખૂબ સરસ નિરૂપણ હતું.”
અમારી વાતોથી કંટાળેલો નિલેશ બોલ્યો, “સુરભી, હવે થેપલાં કાઢ. પછી સૂઈ જઈએ.”
સુરભીએ તરત જ થેલામાંથી ડબા કાઢ્યા, થેપલાં, છૂંદો, સૂકી ભાજી, સુખડી અને થર્મોસમાં ચા. મને થયું, ‘ગુજરાતીઓને મુસાફરીમાં પણ જમવાનો કેટલો વૈભવ જોઈએ! આપણું ચાલે તો આખું રસોડું જોડે ફેરવીએ!’
મેં કહ્યું, ”હમણાં નડિયાદ સ્ટેશને મસ્ત ભજિયાં આવશે. મારે તો એ જ ખાવાં છે! તમે બધાં પણ ચાખજો, ટેસડો પડી જશે!”
“અં.. આમને બહારનું કંઈ પણ ખાવાની હજુ બંધી છેને, એટલે..! તમે લેશોને થોડું?” કહીને સુરભીએ અમારી સામે પેપર ડીશ ધરી. મેં અને આન્ટીએ ના પાડી. જમીને નિલેશ ઉપર ચઢીને સૂઈ ગયો, મીની સુરભીના ખોળામાં જ સૂઈ ગઈ અને અંકલ એક ઈંગ્લીશ બુકમાં ડૂબી ગયા. અમે ત્રણ સ્ત્રીઓ કંઈ ન સૂઝવાથી ધીમા અવાજે વાતે વળગી.
આન્ટીએ પૂછ્યું, “તેં કહ્યું કે નિલેશને બહારનું ખાવાની બંધી છે..?”
સુરભીએ એક નજર ઉપર નાખીને ધીમા અવાજમાં કહ્યું, “હા, એમને છ મહિના પહેલાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે..!”
“ઓહ, પણ લીવર ડેમેજ થવાનું કારણ શું હતું?”
“કારણ તો.. અમારો બિઝનેસ ખૂબ સરસ ચાલતો હતો, લક્ષ્મીજીની મહેરબાની હતી પણ ખરાબ મિત્રોની સોબતમાં એમણે પીવાનું ચાલુ કર્યું. હું, એમનાં મા-બાપ, બધાં સમજાવીએ પણ ઉલટું વધારે ને વધારે ઊંડા ઉતરતા ગયા.
મિની જન્મી પછી એના સોગંદ આપું, તો પણ પથ્થર ઉપર પાણી. છેવટે લીવર ખલાસ થઈ ગયું. જો કે ભગવાનની દયાથી ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણું સારું છે. એમને બહાર જવાની છૂટ આપી છે એટલે અમે બે દિવસ માટે જ જઈએ છીએ. રસોડા સાથેની રૂમ મળી છે એટલે વાંધો નહિ આવે!”
“ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરાવ્યું? કોઈ કુટુંબીએ લીવર આપ્યું?”
“અમદાવાદમાં જ એસ.જી. રોડ પરની ફેમસ કોર્પોરેટ હોસ્પિટલમાં થયું. ઘરનાં કોઈનું મેચ ના થયું, અં.. કેડેવર લીવર મળ્યું હતું..!”
અંકલ હવે બુકમાંથી માથું ઊંચું કરીને સુરભીના ચહેરા તરફ અપલક દ્રષ્ટિએ જોતા હતા. આન્ટીની અને એમની નજર એક ક્ષણ માટે મળી.
“ક્યારે કરાવ્યું?” અંકલની ડારો દેતી આંખને બિલકુલ અવગણીને આન્ટીએ પૂછવાનું ચાલુ રાખ્યું, “ડોનર કોણ હતું?”
“અં.., દસ ઓક્ટોબર, નવરાત્રી હતી. ડોનરનું નામ તો એ લોકો જણાવતા નથી, પણ મારે માટે તો એ જે કોઈ હોય એ ઈશ્વરનું રૂપ છે. એ ઉચ્ચ કોટિનો આત્મા જતાં જતાં મારી મીનીને, બાપની જિંદગીનું વરદાન દેતો ગયો. એક વખત મને એનાં ઘરનાં મળે તો એ ભગવાન જેવાં માણસોના પગમાં પડીને આભાર માનું, પણ કોઈ રીતે એમના વિશે કંઈ ખબર નથી પડતી.”
આન્ટી અચાનક ઊભાં થયાં, ”હું બાથરૂમ જઈને આવું.” કહીને બે ડગલાં ભરે ત્યાં તો લથડ્યાં. મેં એમને પકડી લીધાં. “હું સાથે આવું છું.” કહીને હું એમને પકડીને સાથે ચાલી. અંકલ આ બધાથી સાવ અજાણ હોય એમ બુક બંધ કરી, માથું પાછળ ટેકવીને બંધ આંખે બેસી રહ્યા.
મને ખૂબ દાઝ ચઢી, ‘ખરા છે! ઘરડી પત્નીની જરાય દરકાર નથી! આખી જિંદગી ઓફિસર રહ્યા એટલે આવું લાગણીશૂન્ય બની જવાનું!’
લથડતા પગલે આન્ટી બાથરૂમ સુધી પહોંચ્યાં અને અચાનક મને વળગીને છૂટા મોંએ રડી પડ્યાં. હું ડઘાયેલી કંઈ સમજ્યા વગર કમ્પાર્ટમેન્ટના બંધ દરવાજા પાસે ઊભી ઊભી એમને પસવારતી રહી. ત્યાં બીજું કોઈ હતું નહિ. એમના ધોધમાર આંસુ અને અવિરત ડૂસકાં થોડી વારે ઓછાં થયાં.
એ સ્વસ્થ થવાના વ્યર્થ પ્રયત્નો કરતાં બોલ્યાં, “અં.. મારી સોનુ.. એ જ દિવસ, એ જ હોસ્પિટલ! નવરાત્રીમાં. ગરબા રમવા ગઈ હતી! રાત્રે એક વાગ્યે ઘેર પાછી આવતાં સ્કુટર સ્લિપ થયું. રસ્તા પર બેભાન. એ પછી આંખ ખોલી જ નહિ. અમે.. લૂટાઈ ગયાં. મારી એકની એક લાડકી..! અમે જ એનાં અભાગિયાં મા-બાપ..!
વેન્ટિલેટર કાઢતાં પહેલાં ઓર્ગન ડોનેશન માટે સમજાવવા ટીમ આવી. મારી સખત અનિચ્છા હતી. મેં ખૂબ વિરોધ કર્યો, પણ..! જેને સોળ શણગાર સાથે ઘરમાંથી વિદાય કરવાનાં સપનાં જોયાં હતાં એના દેહને પણ આખેઆખો વિદાય ના કરી શકી. એનું હ્રદય, કિડની, આંખો અને લીવર! ઓ સોનુ! બેટા.. મને માફ કરી દેજે!” ફરીથી એ બેફામ રુદનના આવેગમાં તણાયાં.
“ઓહ, તમારી ઈચ્છા નહોતી તો આ શક્ય કેવી રીતે બન્યું?”
“અંકલની જીદ સામે હું લાચાર બની ગઈ. એમના કહેવા પ્રમાણે એનાં અંગો કોને આપે છે એ ભલે આપણને ખબર ના પડે પણ ક્યારેક જુદા દેહમાં વસતો એનો અંશ આપણી સામે આવીને ઊભો રહેશે, એની આંખ આપણને જોશે, એનું હ્રદય આપણી આસપાસ ધબકશે, એનું લીવર અને આપણે એક જ હવામાં શ્વાસ લેતા હોઈશું! આપણી દીકરી એ રીતે આ દુનિયામાં જીવતી રહેશે તો ક્યારેક આપણને મળી જશે!”
આટલા રુક્ષ દેખાતા અંકલના વ્યક્તિત્વની ભીતર છૂપાયેલું એક લાગણીથી લીલુંછમ બાપનું હ્રદય મને હવે દેખાયું. મૃત દીકરીને કોઈ પણ રીતે જીવતી રાખવાનાં બાપનાં હવાતિયાં સમજાયાં!
“આન્ટી, જુઓ, આજે અંકલ સાચા પડ્યા ને! તમારી સોનુનો અંશ તમને મળ્યો! એ હજુ જીવતી છે.! તમને તમારી સોનુ મળી!”
“તને કેવી રીતે સમજાવું? તેં અંકલનો ચહેરો જોયો? એ ખૂબ દુ:ખી છે! હું રડી શકું છું પણ એ આજે અવાજ વગર રડે છે. એમનો નિર્ણય સાવ ખોટો પડ્યો એનું એમને કેટલું દુ:ખ હશે એ મને એકલીને જ સમજ પડે! મારી સોનુને દારૂની સખત નફરત હતી. એ દારૂડિયાઓને ધિક્કારતી હતી.
એ કાયમ કહેતી ‘મારું ચાલે તો જગતમાંથી દારૂ અને દારૂડિયા બધાનો નાશ કરી દઉં!’ મારી બેનનો દીકરો, જેને એ રાખડી બાંધતી, સગા ભાઈથી પણ વિશેષ; એને એક વખત પીતાં જોઈ ગઈ તો એની સાથે વાત કરવાની કાયમ માટે બંધ કરી દીધી હતી!
આજે સોનુનું લીવર, એક દારૂડિયાના શરીરમાં? અમે ડોક્ટરને ખાસ કહ્યું હતું કે એનાં અંગો લાયક વ્યક્તિઓને જ આપવામાં આવે, પણ..! અમારી વાત કદાચ એ લોકોને સમજાઈ નહિ હોય અથવા.. એમને માટે આ બધા લાગણીવેડા કરતાં એક મરતા માણસનું જીવન બચાવવું વધારે અગત્યનું હશે! પણ મારી સોનુ અમને આ ભૂલ માટે ક્યારેય માફ નહિ કરે!
એના પપ્પાને આ વાત અંદર ને અંદર કોરી ખાશે. દીકરીના ગયા પછી એ પરાણે જિંદગીનો ભાર વેંઢારતા હતા, પણ હવે તો સાવ જ..! આજે આ રીતે સોનુ મળી, એના કરતાં તો..!” એમને સાંત્વન આપવા મારી પાસે શબ્દો નહોતા!
થોડી વારે અમે અમારી સીટ પર પાછા પહોંચ્યાં ત્યારે અંકલ સહિત બધાં સૂઈ ગયાં હતાં. આખું કમ્પાર્ટમેન્ટ શાંત હતું.
સવારે ચાર વાગે કોઈ ફેમિલી દહાણુ રોડ ઉતર્યું, એમણે એટલા અવાજો કર્યા કે ઊંઘ ઉડી ગઈ. ટ્રેન ઉપડી ને હું પાણી પીવા બેઠી થઈ ત્યારે અચાનક એક માણસને પેસેજવાળી ખાલી સીટ પર બેઠેલો જોયો. ફિલ્મોના વિલન જેવો પડછંદ દેહ, કધોયણું ખાખી પેન્ટ, રંગ બદલી ચૂકેલું મેલું શર્ટ, જીથરા જેવા વાળ, અઠવાડિયાની વધેલી દાઢી, અને લાલ સિંદૂરી આંખો; ટિકિટ લઈને મુસાફરી કરતો હોય એવો તો એ કોઈ એન્ગલથી જણાતો નહોતો!
એ કાતિલ આંખે મારી સામે તાકી રહ્યો હતો. મને સહેજ બીક લાગી. ઓઢવાનું ખેંચીને ફરી સૂવા પ્રયત્ન કર્યો પણ આંખો બંધ થતી જ નહોતી. એણે અચાનક હાથ લાંબા કરી કરીને મોટેથી રાગડા તાણવાનું ચાલુ કર્યું, “મેરે સામનેવાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ.”
હવે ધ્રુજારી છૂટી, ’આ દારૂડિયો અહીં ક્યાંથી આવી ગયો! મને ક્યાં કુબુદ્ધિ સૂઝી કે એકલી નીકળી! ચાલુ ટ્રેને આ કંઈ કરશે તો મને કોણ બચાવશે!’ કેટલાય વિચારો મનમાં ઉભરાયા. હવે તો બધાં જાગી ગયાં હતાં. આન્ટીએ અંકલને કહ્યું, “ટીસીને બોલાવી લાવો ને!”
અંકલ ઊભા થઈને જવા ગયા તો પેલાએ પકડીને જોરથી પાછા બેસાડી દીધા. હવે તો બધા ડરી ગયા. અચાનક ઉપરની બર્થ પરથી સુરભીનો નિલેશ કૂદકો મારીને નીચે આવ્યો. પગમાં ચંપલ પહેરવાની પરવા કર્યા વગર એણે પેલાનો હાથ પકડ્યો. એની પકડમાંથી છૂટવા પેલાએ ધમપછાડા માર્યા પણ સાવ વ્યર્થ. પેલો ઊભો થઈને નિલેશને મારવા ગયો તો નિલેશે એટલા જોરથી ધક્કો માર્યો, એ સીટ પર પછડાયો.
“મવાલી.., દારૂ પીને ધમાલ કરે છે? ટ્રેઈનમાં ચઢીને બહેન-દીકરીઓને હેરાન કરે છે? દારૂની મજા માણવી છે? તો લે, આ સજા પણ ભોગવ!” કહેતાં કચકચાવીને એક થપ્પડ મારી દીધી.
એ ક્ષણે નિલેશનું આખું વ્યક્તિત્વ જ ફરી ગયેલું હતું; શરીરમાં ભયાનક ઉશ્કેરાટ, ચહેરો ગુસ્સાથી લાલ, જડબાં ભીંસાયેલાં અને બે હાથે કોલર પકડીને પેલાને હચમચાવતો એ બૂમો પાડતો હતો, “દારૂ પીવો છે? ચલ પોલીસ સ્ટેશન! તને તો હું છોડીશ નહિ! સમજે છે શું તારા મનમાં!” સાવ નિર્માલ્ય દેખાતા શરીરમાં અચાનક આટલી તાકાત!
હવે એ પહાડ જેવો માણસ પણ નરમ ઘેંસ જેવો થઈ ગયો. એટલી વારમાં આ બધી ધમાલથી જાગેલા બે-ત્રણ બીજા ભાઈઓ પણ એમાં જોડાયા અને પેલાને ખેંચીને બારણા પાસે લઈ ગયા. ટીસીએ આવીને એનો હવાલો સંભાળી લીધો. આટલા સમયમાં ટ્રેન વ્હીસલ મારતી બોરીવલી સ્ટેશનમાં પ્રવેશી અને મને ‘હાશ..!’ થઈ.
અંકલે એમની બેગ સંભાળી. જતાં જતાં એક પણ શબ્દ બોલ્યા વગર એમણે નિલેશ તરફ એક ભરી-ભરી નજર નાખી અને ઝડપથી નીકળી ગયા. આન્ટી મારી સામે અટક્યાં. મેં એમનો હાથ પકડી લીધો. નિલેશ તરફ વહાલ વરસાવતી એ તરલ આંખોમાં, મારી વાતનો સ્વીકાર પડઘાતો હતો!
~ નિમિષા મજમુંદાર, મહેસાણા
nimisha.story100@gmail.com