જોષીજીની જ્યોતિષવિદ્યા (વાર્તા) ~ લીના કાપડિયા
જ્યોતિષ જોવામાં જોષીજીનું નામ જાણીતું હતું. જ્યોતિષવિદ્યા માટે શંકા હોય જ નહીં પણ જોનાર વિદ્વાન હોવા જોઈએ અને જોષીજીની વિદ્વતા વિશે બે મત નહીં.
ઘણા વર્ષોથી તેઓ જ્યોતિષ જાણતા હતાં પણ પોતાના ઓળખીતાઓના ખુબ આગ્રહને વશ થઇ તેઓ એમને જ માત્ર જોઈ આપતા. બે વર્ષથી તેઓ નિવૃત થયા હતા. હાથમાં સમય હતો એટલે સવાર સાંજ બહારની રૂમમાં અડ્ડો જમાવીને બેસતાં. ઓટલા પર બેચાર જણાની લાઈન પણ લાગેલી રહેવા માંડી હતી.
એક દિવસ કાનજી એની પત્ની અને પુત્રી સાથે આવ્યો હતો. આ પુત્રી કાનજીનું પહેલું સંતાન હતી. ધીમે ધીમે ખબર પડવા માંડી હતી કે એનામાં ઘણું બધું બરાબર ન હતું. ડૉક્ટરે કહ્યું હતું કે બેબી માનસિક રીતે પછાત છે. મોટી થશે તો પણ એનું મગજ બાળકનું જ રહેશે.
કાનજીના માથા પર આભ તૂટી પડ્યું હતું. એક તો કન્યા અને એ પણ વિકલાંગ. એણે બાજુના ગામમાં એક સંસ્થામાં એને મૂકી આવવાનો વિચાર કરી જ લીધો હતો ત્યાં કોને ખબર ક્યાંથી એની બુદ્ધિ એને જોષીજી પાસે લઈ આવી હતી.
જોષીજીએ કાનજીની, એની પત્નીની અને કન્યાની કુંડળી હાથમાં લીધી. ગણિત માંડ્યું.
કાનજીએ કહ્યું, “શું કરું પંડિત. શું કહે છે આની કુંડળી?”
જોષીજીએ ઉદ્દગાર કાઢ્યો, “ઓહોહોહોહો..”
જોષીજીનો આટલો લાંબો ઉદ્દગાર સાંભળીને કાનજી ગૂંઠણ પર બેઠો થઇ ગયો.
“શું થયું?” કાનજીએ ઉત્સુકતાથી પૂછ્યું.
“આ છોકરીના ભાગ્યમાં લક્ષ્મીજીની કૃપા વરસે છે. તું આની ચિંતા મેલી દે. એ જ્યાં જશે, લક્ષ્મીજી એની સાથે જશે. છોકરી ભાગ્યશાળી છે.”
“શું કયો છો? એટલો પૈસો!!” કાનજી ખુશીમાં ઊભો થઇ ગયો.
“મારા શબ્દો લખી રાખ. એમાં મીનમેખ નહીં,” જોષીજીએ કહ્યું.
કાનજીએ તો જોષીજીને સારી દક્ષિણા આપી અને ખુશી ખુશી છોકરીને ઘરે લઇ ગયો. એ રાતે જ્યારે સૌ સૂઈ ગયા હતા ત્યારે કાનજી વિચારે ચઢ્યો. બાપાની આપેલી એક દુકાન એની પાસે હતી જ્યાં એ બાપાની જેમ જ દરજી કામ કરી રહ્યો હતો. લોકો કહેતા કે કાનજી જેવી શેરવાની કોઈ ન સીવી શકે. એક વાર માપ લઈને સિવાઈને આવી એટલે બરાબર જ હોય. બીજી વાર ફિટિંગ માટે મોકલવી જ ન પડે.
કાનજીને થયું કે આ અમરાપુરમાં તો દીકરીના ગમે એટલા ભાગ્ય હોય તો પણ પૈસાદાર ન થવાય. એના માટે અમદાવાદ જવું પડે. ત્યાં કેટકેટલી મોટી દુકાનો હોય છે અને મોંઘા મોંઘા લગન માટે કપડાં લોકો ખરીદે. મહેનત કરવી તો અમદાવાદમાં કરવી.
કાનજીએ બીજા દિવસે પત્નીને પોતાનો મનસૂબો કહ્યો. પત્ની તો પોતાની પુત્રી પોતાની પાસે રહેશે અને ક્યાંય મોકલી નહીં દેવાય એ વાતે જ એટલી ખુશ હતી કે એ કાનજીની બધી વાત માનવા તૈયાર હતી. આમ પણ એના માબાપ તો અહીં અમરાવતીમાં જ રહેતા હતાં એટલે એને સહારો હતો જ. એણે કાનજીને જવાની સંમતિ આપી. કાનજીએ થોડા વખત પછી પોતે ઠેકાણે પડે એટલે પત્ની પુત્રીને લઈ જવાનું વચન આપ્યું અને અમદાવાદ ચાલતી પકડી.
જોષીજીએ કહ્યું હતું એ પ્રમાણે પુત્રીનું નસીબ જોર કરતું હતું ને કાનજીની દુકાન સારી રીતે ચાલવા માંડી. થોડા વખતમાં તો એણે કુટુંબને અમદાવાદ બોલાવી લીધું ને દુકાન ખરીદી લીધી.
આ તો અમદાવાદ હતું. નવરાત્રી આવે, દિવાળી આવે કે લગ્નના અવસર આવે, લોકો નવા કપડાં તો ખરીદે જ. કાનજી પૈસાદાર થઇ ગયો. પુત્રીના નસીબનું ખાતો હતો એટલે પુત્રીને તો રાણીની જેમ રાખતો. બીજા ખોળે દીકરો અવતર્યો એની કુંડળી બતાવવા એ જોષીજી પાસે જ ગયો. જોષીજીએ કહ્યું, “તારી પુત્રીને તું સારી રીતે રાખે છે ને, જા. તારા નસીબમાં સુખ જ સુખ છે.”
અમરાપુરના ઘરેઘરે કાનજીએ વાત પહોંચાડી કે જ્યોતિષ તો જોષીજીનું. આપણું નસીબ ફેરવી દે.
કાનજીની વાત સાંભળીને એક વાર પોતાની છવ્વીસ વર્ષના પુત્રની કુંડળી લઈને ગરોડિયા દંપતિ આવ્યું. ગરોડિયા પત્ની તો રડવા જ માંડ્યા. જોષીજીએ બાજુમાં મૂકેલા માટલામાંથી પાણી આપ્યું. માંડ શાંત પડ્યા પછી પત્ની ઉવાચ્યા, “મારા દીકરાની કુંડળી જોઈ આપો, મહારાજ. એની પત્ની લગ્નના છ મહિનામાં તો એને મૂકીને એના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ.”
જોષીજીએ કહ્યું, “પુત્રને લઈને આવો તો કુંડળી જોઉં.”
પુત્ર આવવા તૈયાર ન હતો એમ ગરોડિયાએ જણાવ્યું.
“તો કાંઈ ન થઇ શકે,” જોષીજીએ હાથ ઊંચા કરી દીધા. કુંડળીને હાથ પણ ન લગાવ્યો.
ચાર દિવસ પછી ગરોડિયા દંપતિ પુત્રસહ પધાર્યું. પુત્ર તો જાણે સસલાનું બચ્ચું. સહમી ગયો હતો. યુવાની કરમાઈ ગઈ હતી. જોષીજીએ યુવાનની કુંડળી હાથમાં લીધી, ગણિત માંડ્યું. રાહુ અને કેતુનું સ્થાન યુવાનને સમજાવ્યું. સૂર્ય કેટલો ચઢિયાતો છે એ બતાવ્યું અને કહ્યું,
“જો દીકરા, જે ગઈ એ પાછી નહીં આવે. ગયા જન્મમાં તું નગરશેઠનો પુત્ર હતો અને તારી પત્ની એ જનમમાં ધોબણ હતી. એક સવારે નદીકિનારે એ કપડાં ધોતી હતી. કપડાં ધોઈ ધોઈને એના બાહુ કસાયેલા હતાં એના પર તારી નજર ગઈ. ક્ષણ માટે તને એનો મોહ થયો. પછી તું તારા રસ્તે પડ્યો.
હવે એ મોહના કારણે આ જન્મમાં તારો એની સાથે મેળાપ થયો. એ ક્ષણિક મોહ હતો એટલે આ જન્મમાં થોડો સમય સંબંધ રહ્યો. એનું તો તારા તરફ ત્યારે પણ ધ્યાન ન હતું, આ જન્મમાં પણ ન હતું. તો તારે કેટલા મોહપાશમાં રહેવું છે એ તું નક્કી કર. એની પાછળ જીવન બગાડ અથવા….”
અહીં જોષીજીએ લાંબો સમય કુંડળીમાં નજર રાખવામાં અને હાથના આંગળાના ટેરવા પર ગણત્રી કરવામાં લીધો અને વાક્ય પૂરું કર્યું, ‘હવે જે આવવાની છે એ તારી જન્મજન્મની સાથી છે. એને દિલથી અપનાવ.”
જોષીજીએ જોયું કે પુત્રનો નમેલો ચહેરો થોડો ઉપર થયો હતો.
ગરોડિયાની પત્નીએ ખુશીના ઉદ્દગાર કાઢ્યાં. “બીજા લગ્ન છેને એના નસીબમાં.”
જોષીજીએ ઉમેર્યું, “સરસ પત્ની મળવાની છે. આવનારીને સુખી કર અને તું સુખી થા.”
પુત્રના લગ્નમાં ગરોડિયા કુટુંબે જોષીજીને કંકોત્રી સાથે ચાંદીનો સિક્કો મોકલીને સહકુટુંબ આમંત્રણ આપ્યું. પુત્ર ટટ્ટાર ચાલે ફેરા ફરી રહ્યો હતો. જોષીજીને લગ્ન પછી પુત્ર પત્ની સહ પગે લાગ્યો.
“સુખી થા,” જોષીજીએ આશીર્વાદ આપ્યાં.
લગ્નથી પાછા ફરવા જોષીજી પત્ની સહિત મંડપમાંથી બહાર નીકળતા હતા ત્યારે વનરાજભાઈએ એમને બાજુ પર બોલાવીને વિનંતી કરીકે જોષીજી એમની પત્નીના મનનું સમાધાન કરે.
જોષીજીએ બીજે દિવસે સાંજે ઘરે બોલાવ્યા તો વનરાજભાઈએ કહ્યું કે એમના પત્ની તો પુત્રના મૃત્યુના ગમમાં એવા પીડાઈ રહ્યા હતા કે ઘરની બહાર જ નીકળતા ન હતાં. તેઓ તો જોષીજીને ઘરે નહીં જાય, પણ એમનું પોતાનું ઘર તો આ મંડપની બહાર જ હતું. તો જો જોષીજી પાસે સમય હોય તો તેઓ એમના ઘરે અત્યારે જ જાય.
આમ તો જોષીજી કોઈના ઘરે જતા નહીં પણ કોઈ પણ નિયમ જડ ન હોવો જોઈએ એવી એમની માન્યતા હતી તેથી તેઓ તરત જ વનરાજભાઈને ઘરે જવા તૈયાર થઇ ગયાં.
વનરાજભાઈએ સ્કૂટર ચાલુ કર્યું. જોષીજીએ પણ એમનું સ્કૂટર વનરાજભાઈની પાછળ લીધું. વનરાજભાઈએ કહ્યું હતું એટલું નજીક ઘર ન હતું પરંતુ જોષીજી મૌન રહ્યા અને પત્નીને પણ ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
ઘરે પહોંચ્યા તો વનરાજભાઈએ ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર એમના પત્ની પલંગ પર સૂતા હતાં. તેઓ ઘરની અંદર હોવા છતાં વનરાજભાઈએ બહારથી તાળું મારવું પડ્યું હતું એ જોઈને જ જોષીજી વાતની ગંભીરતા સમજી ગયાં.
મહેમાન આવ્યા છે જોઈને પણ આવકાર આપવા વનરાજભાઈના પત્ની ઊભા ન થયા. વનરાજભાઈએ જ પાણી આપ્યું અને પત્નીને જોષીજીની ઓળખાણ આપી.
વનરાજભાઈએ જોષીજીને કહ્યું, “મારો વીસ વરસનો પુત્ર એક ન કળાય એવા રોગમાં મૃત્યુ પામ્યો ત્યારથી આ આવી રીતે પડી છે. છ મહિના થઈ ગયાં.”
જોશીજીએ પુત્રની કુંડળી માંગી.
“હવે એ વાંચીને શું કરવું છે ?” એવું બબડતા બબડતા પત્નીએ કુંડળી ગોતીને જોષીજીના હાથમાં મૂકી.
જોષીજીએ મોઢાના હાવભાવ વારંવાર બદલ્યાં. થોડી વારે ઉચ્ચાર્યા, “તમારો પુત્ર ઘણો જ્ઞાની અને હોંશિયાર હતો.”
જોષીજીને ખબર હતી કે માણસના મૃત્યુ પછી એના તરફનો જીવતા માણસોનો અભિગમ બદલાઈ જતો હોય છે. પુત્ર જીવતો હતો ત્યારે તું ભણ, નહીં ભણે તો શું થશે – એવી ચીસો પાડતા વનરાજભાઈને પણ અચાનક એમનો પુત્ર હોંશિયાર હતો એમ લાગવા માંડ્યું.
“તમને ખબર છે વિવેકાનંદ કેટલા વરસો આ પૃથ્વી પર હતાં? માત્ર 39 વર્ષનું એમનું આયુ હતું. અને શંકરાચાર્યજી 32 વરસે મૃત્યુ પામ્યા હતાં. આવા તો કેટલાય દાખલા આપી શકું. મહાન માણસો અહીં એમનું કામ કરવા આવે છે અને પછી ઉપરથી એમનો બુલાવો આવી જાય છે.”
જોષીજીએ ગંભીરતાથી કહ્યું. ત્રાંસી આંખે એમણે વનરાજભાઈના પત્ની તરફ નજર કરી. તેઓ બેઠા થયાં અને આશાભરી આંખે જોષીજી સામે જોવા માંડ્યાં.
“એ ઘણો ડાહ્યો હતો,” પત્નીએ કહ્યું.
“તમને માતૃસુખ આપવા એ આવ્યો હતો. પોતાના આત્માની આગળ પ્રગતિ કરવા એ સિધાવ્યો. હવે તમે પણ ખુશ રહો તો એ એની યાત્રામાં આગળ વધે, બહેન. એને મુક્ત કરો.” જોષીજીએ કહ્યું.
વનરાજભાઈ અને એમના પત્ની રડી પડ્યાં. પત્ની ઘણી વાર રડ્યા પછી તેઓ શાંત પડ્યાં.
“તમારી વાત સાચી છે. એની ખુશીમાં જ મારી ખુશી છે. હવે હું પણ સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ,” વનરાજભાઈની પત્નીએ જવાબ આપ્યો.
વનરાજભાઈ ખુશ થયાં. જોષીજીને આંગણા સુધી મૂકવા ગયા ત્યારે એમણે કહ્યું, “તમે સાચું બોલ્યા કે નહીં મને ખબર નથી. જાણવું પણ નથી પણ તમે મારી પત્નીના મનનું સમાધાન કર્યું એટલે આભાર.”
જોષીજીએ મનમાં જ્યોતિષ વિશે તેઓ જેટલું જાણતાં હતાં અને જેટલું ન’તા જાણતા એ સમગ્ર જ્ઞાન અને અજ્ઞાનને વંદન કર્યા અને ઘરે જવા સ્કૂટર ચાલુ કર્યું.
~ લીના કાપડિયા
+91 9833191560