કુંતી – ગાંધારી (એક કાલ્પનિક સંવાદ) ~ જયશ્રી વિનુ મરચંટ
(પાંડુ અને માદ્રીના અવસાન પછી કુંતી પાંડવોને લઈને ફરી મહેલમાં આવે છે ત્યારે…! – એક કાલ્પનિક સંવાદ)

ધૃતરાષ્ટ્રની જેમ ગાંધારીને એનો પુત્ર દુર્યોધન પણ સમ્રાટ થાય એવી પ્રબળ ઈચ્છા હોય છે પણ ફરક એટલો છે કે ધર્મજ્ઞાત્રી ગાંધારી ઈચ્છે છે કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદીને લાયક બનીને સમ્રાટ થાય.
આ બાજુ પાંડુ અને માદ્રીના અવસાન પછી કુંતી પાંચેય સગીર રાજકુમારોને લઈને હસ્તિનાપુર પાછી ફરે છે. વડસાસુ સત્યવતી, અને બેઉ સાસુમા, અંબિકા અને અંબાલિકાને પ્રણામ કર્યા પછી કુંતી પાંચ પાંડવો અને એમની સંભાળ લેનાર દાસી સાથે ગાંધારીના નિવાસમાં પ્રવેશે છે. બધા રાજકુમારો ગાંધારીને પ્રણામ કરે છે. કુંતી અને ગાંધારી બેઉનું માતૃત્વ આ સંવાદ કરી રહ્યું છે.
ગાંધારીઃ (વારાફરતી સહુને ભેટીને આશીર્વાદ આપતાં) આયુષ્યમાન ભવઃ!
(અને દાસીને હાથનો ઈશારો કરે છે. દાસી રત્નો અને સોનામહોરો ભરેલો થાળ લઈને આવે છે. ગાંધારી દરેક પાંડુને મૂઠ્ઠી ભરીને એમાંથી આપે છે અને માથું સૂંઘીને વહાલ કરે છે. કુમારો વિનયપૂર્વક પૂજ્યભાવથી ગાંધારીને પ્રણામ કરી (પગે લાગીને) દાસી સાથે માતા ગાંધારીના નિવાસની બહાર જતા રહે છે.
ત્યારબાદ, કુંતી, જેઠાણી ગાંધારીને પગે લાગે છે. ગાંધારી કુંતીને ખભેથી પકડીને કુંતીના મસ્તક પર મમતાથી હાથ ફેરવે છે.)
ગાંધારીઃ કુંતી, કેટલાં બધાં વર્ષો વનમાં રહી? મને તારું સ્મરણ થાય ત્યારે હું શિવજીની માળા ફેરવી લેતી. હવે એ કહે કે તું પિતામહ, તારા જેઠશ્રી, વિદુરજી, મોટા મા અને બેઉ માને મળી?
કુંતીઃ હા, ભાભીશ્રી, હું એમનાં આશીર્વાદ લઈને આવી છું. પણ મને એવું લાગ્યું કે મહારાજ પાંડુના જવા પછી મારું અહીં આવવું જેઠશ્રીને અને તમારા ભાઈશ્રીને બહુ ગમ્યું નથી. ક્ષમા કરજો, વડીલ. આમ આપને હું માઠું લગાડવા નથી કહેતી, પણ એમના શબ્દો પરથી જે મને લાગ્યું, એ જ મેં આપને કહ્યું છે.
ગાંધારીઃ (કુંતીની આ વાતનો જવાબ ઊડાડી દેતાં) હું તને એક સત્ય કહું? હું તારી કે પાંડવોની વિરુદ્ધ નથી, પણ ઘણા સમય સુધી તમે પાછા ન ફર્યાં. ત્યારે તારા જેઠશ્રીને એક આશાનું કિરણ દેખાયું હતું કે, ‘હવે મારો દુર્યોધન રાજા બનશે જ.”
તું કુમારોને લઈને આવી તો એમને થાય છે કે દુર્યોધનને હવે એના પિતાના જન્માંધ હોવાની કિમત ચૂકવવી પડશે! શું કહું કુંતી, પણ આ વાત એમને અંતરમાં સતત કોર્યા કરે છે.
કુંતી કશું જ નથી બોલતી. ગાંધારી હાથ ફંફોસીને બાજુમાં બેઠેલી કુંતીનો હાથ પોતાના હાથમાં લે છે.
ગાંધારીઃ કેમ કશું બોલતી નથી. મારું આમ સ્પષ્ટ કહેવું તને ન ગમ્યું, ખરુંને?
કુંતીઃ એવું નથી ભાભીશ્રી. ઉલટાનું મને ગમ્યું. આપે આપના અંતરની વાત કેટલી સહજતાથી રજુ કરી? મને એવું કેમ લાગે છે કે કાળ હવે આપણાં બેઉનાં માતૃત્વને સમભાવ, સમર્પણ, અને સામર્થ્યની એરણ પર ઘસીને કસોટી કરવા માટે ઉદ્યત છે?
ગાંધારીઃ તું કદાચ સાચું કહી રહી છે. આજ સુધી આપણે બેઉ કદી પ્રતિસ્પર્ધી નહોતાં પણ આપણાં સ્વામીઓએ તો માતૃત્વને જ, આજે હવે આમ… (ગાંધારી એક દીર્ઘ નિશ્વાસ નાખે છે)
…તો, પૃથા, અંતે સમસ્યા આપણી વચ્ચે ઊભી થઈ જ ગઈ! (ફરી એક લાંબા નિશ્વાસ સાથે) ચાલો, હરિને જે ગમ્યું તે ખરું..!
કુંતીઃ કદાચ, હું અને આપ, રાજકુમારોની માતા ન હોત અને સામાન્ય મા હોત, તો આ અપવાદ હરિ પર બિલકુલ મૂકી શકાત! પણ આપણું માતૃત્વ રાજધર્મથી પણ બંધાયેલું છે અને સમસ્યાઓનું નિરાકરણ ન્યાયપૂર્વક થાય એ માટે મથવું એ રાજધર્મ હવે આપણું કર્મબંધન પણ બની ગયું છે.
ગાંધારીઃ હા, કુંતી. કર્મબંધનની માળામાં ગંઠાયેલો રાજધર્મ તો નિભાવવો જ રહ્યો! પણ સાથે સાથે ન્યાયનું સમીકરણ માંડવું બહુ અઘરૂં છે, જ્યારે એક જ પરિવારના સભ્યો બેઉ બાજુ હોય! કદાચ, સમસ્યાનું મૂળ પહેલાં શોધીને, સ્વીકારીને નિવારણ લાવી શકાય.
આપણી સમસ્યાનું મૂળ જો આપણે જ છીએ તો આપણે અંતરાત્માને આધીન રહીને, નિરાકરણ સ્વયંની અંદર જ શોધવું રહ્યું, સાચું છે ને?
કુંતીઃ જી. સત્યવચન, પરંતુ, ભાભીશ્રી, ક્યાંક એવું તો નથીને કે ન્યાયની દૃષ્ટિથી કોઈ સમસ્યા છે જ નહીં, ત્યાં આપણે ધારી લીધેલાં નિરાકરણ માટેની સમસ્યા શોધી રહ્યાં છીએ? સ્વયં મતિદેવીના વરદ હસ્ત આપના પર છે, તો ન્યાયશાસ્ત્ર આપનાથી વિશેષ બીજું કોણ જાણે છે? બસ, આપણે એટલું સ્પષ્ટ રાખીએ કે કોઈને દગો ન થાય..
(થોડી ક્ષણો એમ જ મૌનમાં વીતે છે.)
કુંતીઃ (પછી ચૂપકી તોડતાં) શું ગહન વિચારમાં ખોવાઈ ગયા, પુણ્યસ્વરૂપા?
ગાંધારીઃ (નિઃશ્વાસ નાખતાં) સમસ્યા અને નિરાકરણોની અટવીમાં ભૂલાં પડીને, ક્યાંક સમસ્ત કુળ વિલુપ્ત ન થઈ જાય, એ ભય ખંખેરવાના પ્રયાસો કરું છું. બંધ આંખો બીજું જુએ પણ શું? નારાયણ કરે ને કદાચ, એવુંય થાય કે આ સપનાં, જીવનમાં સાચેસાચ મેઘધનુષના રંગો ભરી જાય તો શું થશે, એની કલ્પના પણ કરું છું.
કુંતીઃ ભાભીશ્રી, મને નહિ કહો? મેઘધનુષી રંગો જેમાં પૂરાય એવાં શેનાં સપનાં જુઓ છો, અંતરની ખોલેલી અને બહારથી બંધ આંખે?
ગાંધારીઃ દરેક જણનાં અમુક પૂરાં ન થયેલાં સપનાંઓ હોય છે કે જેને સાથે લઈને એણે પોતાના અંતરના અનંત આકાશમાં એકલાં જ ઊડવાનું હોય છે!
(હસીને) મેં જાતે વહોરી લીધેલા આ અંધાપાએ કાયમ માટે વિહંગિની બનીને મારા શમણાંઓ સાથે વિહરવા મને આજન્મ મુક્ત કરી દીધી છે. ન અહીં દુઃખ છે કે ન અહીં સુખ છે, બસ, હું છું અને મારો કાલ્પનિક સ્વૈરવિહાર છે અને સપનાંઓ છે, જેમાં હું મરજીના રંગો પૂરી શકું છું. આનાથી મોટી બીજી આત્મતૃપ્તિ શું હોઈ શકે?
(એક ઊંડો શ્વાસ લઈને) તું દેખતી આંખોવાળી આ નહિ સમજી શકે!
કુંતીઃ બિલકુલ સમજું છું, ભાભીશ્રી. કારણ, જ્યાંથી આપ આપનાં સપનાંઓનો વિહાર શરૂ કરો છો, ત્યાંથી જ મારો જિંદગી સાથેનો સંઘર્ષ શરૂ થાય છે. અને હવે આ જ સંઘર્ષ અને એની અનિશ્વિતિતા પર વિજય પામવા મારે મારા કર્તવ્યના પ્રાણવાયુનું સતત શ્વસન કરવાનું છે.
ગાંધારીઃ (સહેજ અણગમાથી ભ્રૂકુટિ ચઢાવી) એટલે તું કહેવા શું માગે છે, શૂરસેની?
કુંતીઃ (સ્વસ્થતાથી) હું શું કહેવા માગું છું એ તમે ન સમજો, ધર્મજ્ઞાત્રી, એવું તો બને જ નહીં.
ગાંધારીઃ (દૂર આકાશમાં જોતી હોય એમ ઉપર ગ્રીવા કરીને) સપનાંઓ, મહત્વાકાંક્ષાઓ, એને આંબી જવાની દોડનો, આ બેઉ બાજુનો સંઘર્ષ….! ઈશ્વર જાણે, ક્યાં લઈ જશે, સમસ્ત કુરુકુળને!
કુંતીઃ ક્ષમા કરજો, પણ આપની જેમ, હું ધર્મજ્ઞાતા નથી, પરંતુ ભાભીશ્રી, એટલું અવશ્ય જાણું છું કે કુટુંબમાં પ્રેમનાં બીજને ઉછેરવામાં અને પાંગરવામાં ધીરજનું જળ અને માવજતનું ખાદ્ય આવશ્યક છે. જ્યારે ઉપેક્ષા કે અવહેલના તો ઝાડઝાંખરની જેમ, ગમે ત્યાં ઊગી જાય છે, કોઈ પણ માવજત વિના કે જળ વિના.
ગાંધારીઃ સમજું છું, (નિશ્વાસ નાખીને) બધું જ સમજું છું.
(પછી વાતને ફેરવી નાંખતાં) ક્યારેક થાય છે કે, કુરુકુળની સ્ત્રીઓને અભિશાપ છે કે, પતિનું સુખ સંપૂર્ણ રહેતું જ નથી. પત્નીધર્મનું પાલન કરવા મેં જાતે અંધાપો વ્હોર્યો એવું બધાંને લાગે છે પણ મારા મનની વ્યથા ….!
જવા દે, એ વાત ફરી કદી. આપણા બેઉની સાસુ, વડસાસુ અને હવે તને આમ વૈધવ્યમાં …આટલા દુઃખ સહેવાનાં આવ્યાં અને તારી સાથે આ કુમળા કુમારોને પણ…
કુંતીઃ (ગાંધારીને અટકાવતાં કહે છે) ભાભીશ્રી, જીવનમાં સફળતા કે વિજય મેળવવા સ્થિતિસ્થાપકતા હોવી આવશ્યક છે. આ સ્થિતિસ્થાપકતા પામવા વિષમતા અને દુઃખના રસ્તા પરથી ગુજરવું પડે છે અને પછી જ, એ રસ્તો (પૂરો થાય) પહોંચે છે, સંપૂર્ણ સામર્થ્યની તળેટીમાં..!
ગાંધારીઃ (સહેજ હસીને) અરે આ પાંચેય કુમારો હજુ તો બહુ નાના છે, તું આ સામર્થ્ય, દુઃખ, વિષમતા – કેવી વાતો કરે છે?
કુંતીઃ (દૃઢતાથી) નાના હોય તો શું થયું, જીવનની સચ્ચાઈથી એમને અવગત તો થવું જ પડશે કે ઘણીવાર જીવનના અંત સુધી, અનેક સમર્થો આ સીધાં ચઢાણ ચઢતાં જ રહ્યાં છે. ક્યારેક એવુંયે બન્યું છે કે એમનાં શ્વાસ પૂરા થઈ જાય છે પણ એમની સફર પૂરી નથી થતી. સફળતાથી થયેલી સફરની સમાપ્તિનું મહત્વ નથી પણ એક (અજાણી કેડી) અજાણ્યા માર્ગ પર પોતાનાં પગલાં હિંમતથી પાડી ગયા, એની મહત્તા છે.
ગાંધારીઃ (મોઢા પર અચરજના ભાવ આવે છે) એટલે કે આટલાં નાનાં રાજકુમારોને પિતા વિના પડતી એ અગવડો કે તકલીફોની ચિંતાથી તારું મન ઉદ્વિગ્ન નથી થતું? તને તારી પોતાની અસહાયતા પર દુઃખ નથી થતું? તારું મન એકલું પડે ત્યારે ઈશ્વરને ફરિયાદ નથી કરતું?
કુંતીઃ (દૃઢતાથી) ભાભીશ્રી, ઉદ્વેગ કે ફરિયાદો કરવાનો કે પોતા પર દયા ખાઈને, અસહાય બેસી રહેવાનો સમય જતો રહ્યો છે. મારા જીવન આખું હવે એક જ ધ્યેયમાં સમાવિષ્ટ થઈ ગયું છે. મને, મારું કે મારા મનનું વિચારવાનો અવકાશ જ ક્યાં છે, ભાભીશ્રી?
ગાંધારીઃ (કુંતીના અવાજમાં રહેલી દૃઢતાથી સહેજ વિચલિત થતાં કહે છે) કુંતી, તને થયું છે શું? તારી અંદરની એ મૃદુતાસભર સ્ત્રી ક્યાં જતી રહી? મને તારી ચિંતા થાય છે,
તારી માનસિક સ્થિતિની હું કલ્પના પણ નથી કરી શકતી, કુંતી. તું હજી આઘાતમાંથી ઉગરી શકી નથી. કંઈ વાંધો નહીં. તું અહીં હવે રાજમહેલમાં થોડો વખત રહે, અને કળ વળતાં જ તને આગળનો રસ્તો સમજાશે.
કુંતીઃ (હસીને, ગરિમાથી) અરે ભાભીશ્રી, તમે નાહક મારી ફિકર ન કરો. થોડો વખત શું, હું તો અહીં, મારા મહેલમાં જ રહેવાની છું. મેં મારી હયાતી પર રાજમાતા હોવાનો સુવર્ણ વરખ ચઢાવી લીધો છે.
મારું જીવન સમસ્ત કુમારોમાં ભવિષ્યના સપનાંઓ, આશાઓ અને અપેક્ષાઓના બીજ રોપવા(નો) માટે છે અને એમને શીખ આપવાની છે કે ન્યાય અને ધર્મને અનુસરીને હમેશાં રાજ્ય કરવું…
ગાંધારીઃ (હાથ ઊંચો કરીને કુંતીને રોકતાં, સહેજ ઉપહાસભર્યા અવાજે) જરા થોભી જા, કુંતી! એવું જો ન થયું તો? કૌરવો સમ્રાટ બન્યા તો શું થશે? પાંડવો સમ્રાટ ન બન્યા ત્યારે શું થશે?
મને લાગે છે કે આટલું વિશાળ કુરુકુળ, એમાં ભાઈભાઈઓના મતભેદથી તડ ન પડે અને બધાં જ સંબંધો યથાવત રહે અને તે પણ યાવદ્ ચંદ્રો દિવાકરો… જેમ… એની જવાબદેહી આવનારો કાળ આપણી પાસે અત્યારે માંગી રહ્યો છે.
કુંતીઃ (સમજી જતાં કે ઉપહાસ થયો છે) અરે, ભાભીશ્રી, ‘આમ બન્યું કે તેમ ન બન્યું અને આવનારો કાળ શું માગી રહ્યો છે’ એના પર થોડું જ એક મા એની કર્તવ્યપરાયણતાનો આધાર રાખી શકે?
માના અંતરનો અવાજ જ એની કર્તવ્યપરાયણતાની આધારશીલા છે. સાચું કહું તો જ્યાં સુધી પરિવારના સંસ્કારો પર અરસપરસ વિશ્વાસ રહેશે, ત્યાં સુધી જ પારિવારિક ઐક્ય ટકશે.
ગાંધારીઃ (સત્તાસભર અવાજમાં) તું શું એમ કહેવા માગે છે કે કુટુંબમાં સહુ એકબીજા પર શંકાકુશંકાઓ કરશે અને ભાઈ-ભાઈ વચ્ચેની એકતા તૂટી જશે?
કુંતીઃ આપ તો વડીલ છો, ધર્મના જ્ઞાતા છે. હું, નાના મોઢે મોટી વાત શું કહેવાની? ક્યારેક જીવનનાં સંબંધોમાં એવો સમય પણ આવે કે જ્યારે સૌહ્રાર્દ, સ્નેહ, સૌમ્યતા બધું જ સમાપ્ત થઈ જાય છે. છતાં એ સંબંધ, વિશ્વાસની કાચી દોરીના તાંતણે શાશ્વત ટકી રહે છે. પણ જો વિશ્વાસની એ દોરી તૂટી, તો પછી સ્નેહ, સૌહ્રાર્દ અને સૌમ્યતા – બધું યથાવત્ હોવા છતાં સંબંધ તૂટી જાય છે અને ફરી કદી સાંધી શકાતો નથી. હવે વાત એમ છે કે વિશ્વાસનો તંતુ કઈ બાજુથી ક્યારે ને કોણ તોડશે એ તો કેમ કહેવાય, ખરું ને, ભાભીશ્રી?
ગાંધારીઃ (વધુ ન બોલવામાં જ સાર છે એવા ભાવ સાથે, એક હળવો નિશ્વાસ નાખતાં) વસુદેવભગિની, તને એવું નથી લાગતું કે ભાવિના એંધાણ જે પણ હોય, આપણે બેઉ તો ઓછામાં ઓછું, સત્ય અને ધર્મના પંથ પર સદા રહીશું? મને તો એની ખાતરી છે.
કુંતીઃ (ઊઠીને ગાંધારીને પગે લાગતાં) હા, ભાભીશ્રી. ભાવિ આપણને ન ભૂલાવે, બસ, એવા જ આશિષ, દેવી મતિદુહિતા આપ આપો. હું પણ એવી જ પ્રાર્થના નારાયણને કરું છું. આજે મહેલમાં પહેલો દિવસ છે. કુમારો યથોચિત વ્યવહારથી સહુ નાનાંમોટાંને આદર આપી રહ્યા છે કે નહીં એ તો જોવું પડશેને? આપની અનુમતિ અને આજ્ઞા માંગું છું. પ્રણામ, ભાભીશ્રી.
(કુંતી ગાંધારીને પગે લાગીને એનાં આવાસમાંથી વિદાય થતી હોય છે અને મુખ પર સહેજ ચિંતાના ભાવ સાથે ગાંધારી બંધ આંખે એની પીઠને તાકતી રહે છે. )
~ જયશ્રી વિનુ મરચંટ