આસન વાળી ભીતરમાં હું ધ્યાન ધરું છું ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

નૂતન વર્ષ આરંભ થયાને ત્રણ અઠવાડિયા માંડ થયા છે ત્યાં દિલ્હીમાં કારમાં થયેલા કારમા વિસ્ફોટે સૌને હચમચાવી દીધા છે.

https://www.bhaskar.com/national/video/delhi-blast-live-cctv-video-photo-update-red-fort-metro-station-car-explosion-pm-modi-amit-shah-136403750.html?type=video

પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી શાંત લાગતા સરોવરમાં પાકિસ્તાને પ્રૉક્સી-ચાળો કર્યો છે. બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકી શકમંદોને પકડવામાં આવ્યા તેમાંનો એક ડૉક્ટર છે. વ્હાઈટ કૉલર આતંક ધીરે ધીરે વિસ્તરે એ ચિંતાનો વિષય છે.

સરહદની બહાર તો દુશ્મન છે જ પણ સરહદની અંદરનો દુશ્મન વધારે ખતરનાક સિદ્ધ થાય છે. કિશોર જિકાદરા લખે છે…

સાદ કરું તો કામ બધાં છોડીને આવે
પડઘો મારા સરનામે દોડીને આવે
પ્હેલી નજરે પોપટ પરદેશી લાગે
બચકારો તો સરહદ તોડીને આવે

સત્તા ઉથલાવવા પરદેશી તાકાતનો ઉપયોગ સતત થતો આવ્યો છે. પરદેશી તાકાત સાથે દેશી દ્રોહ ભળે એટલે પલીતો ચંપાતા વાર ન લાગે. દુનિયાના ઘણા દેશમાં સત્તા ઉથલાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

Nepal Live Updates: Former PM Wife Dies After Being Set Ablaze By Gen-Z Protsters | TheHealthSite.com

આ સંઘર્ષમાં દેશનું યુવાધન આડે પાટે ચડી જાય અને જાહેર સંપત્તિને પારાવાર નુકસાન થાય. વ્હાલની જગ્યાએ વેર ઘર કરવા લાગે. ગૌરાંગ ઠાકર કહે છે એવો માનવીય અભિગમ દીવો લઈને ગોતવા જવું પડે…

હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું
મેં ભીતરનો આનંદ માણી લીધો છે
હવે વહાલની રોજ લહાણી કરું છું

ભીતરનો આનંદ એવી અનુભૂતિ છે જેને પામી શકાય પણ માપી નથી શકાતી. એ કોઈ સ્થિતિ કે પરિસ્થિતિ નથી, એ એક અવસ્થા છે. તમે કાર્યરત લાગો છતાં તમે કાર્યમાં નથી એવો અનુભવ થાય.

Why Solitude Is An Asset

આ અવસ્થા સુધી પહોંચવા અનેક સોપાનો સર કરવા પડે. દુનિયા જેને સફળતા ગણે છે, ફકીરી એને ઉપલબ્ધિ ગણતું નથી. જોકે દુનિયાને બંનેની જરૂર છે; સાધનની પણ અને સાધનાની પણ. સવાલ સંતુલનનો છે. દિનેશ કાનાણી નાની વાતમાં સુખ શોધી લે છે…

એક કપ કોફી અને તાજી હવા દે
કાં મને રાજીખુશીથી તું જવા દે
જો તને ગમતું નથી તો શું કરું હું?
સૂર્યના કિરણ મને તો વાંચવા દે

જિંદગીમાં કેટલાક ઉત્તમ સુખોની વાત કરીએ તો સવારના ઊઠીને ચા પીતાં-પીતાં નિરાંતે છાપું વાંચવા મળે એનો આઠ કોલમના મથાળા જેવો ઉલ્લેખ થવો જોઈએ. એમાં પણ છાપું ગુજરાતી હોય તો ચાની ચુસ્કીમાં ગૌરવ ઉમેરાય. મુંબઈમાં લૉકલ સ્ટેશનના પ્લેટફોર્મ પર એ. એચ. વ્હીલર્સના સ્ટોલ ચાલતા.

Burning Bright: Tracks of Time: The Wheeler story

આજે પણ ચાલે છે. ફરક એટલો કે પહેલાં તેમાં અખબાર અને સામયિકો મળતાં, હવે ત્યાં ખાનપાનની સામગ્રી મળે છે.

AH Wheeler अंग्रेजों के रेलवे स्टाल के बहुरे दिन, वाराणसी में 144 साल पुरानी संस्था को रेलवे ने प्रदान किया पुनर्जीवन - On day of British railway stall railways revived ...

વાંચનની તરસ પર પેટની ભૂખ હાવી થઈ ગઈ છે. એક સમય હતો કે સ્ટેશન પર મિત્રને મળવાનું હોય તો મિટિંગ પૉઈન્ટ વ્હીલર્સનો સ્ટોલ રહેતું, મિત્રને દસ-પંદર મિનિટ મોડું થાય તોય વિવિધ સામયિકોના મુખપૃષ્ઠ પર આંખ ફેરવવામાં જ એટલો સમય નીકળી જતો. મેગેઝિનના વિશેષાંકોથી ટ્રેનની સફર રળિયાત થતી. ખેર, સર્વાઈવલ માટે બધાએ સમાધાન શોધવા જ પડે છે. અમૃત ઘાયલ આ ભીંસને આલેખે છે…

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું
અધવચે અટકું નહીં તો શું કરું
ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું

આપણે અનેક સ્થિતિમાંથી છટકવા માગીએ છીએ પણ છટકી નથી શકતા. અનેક સ્થિતિ બદલવા માગીએ છીએ પણ બદલી નથી શકતા. ઘણી વાર દુન્વયી બાબતોમાં આપણો જીવ સોરવાયા કરે.

One Size Does Not Fit All

ખોટું થતું આપણાથી જોવાય નહીં અને ખોટું થતું આપણાથી રોકાય નહીં. સુધીર પટેલ આવા અફસોસને આવરે છે…

ભૂલવાની કરું છું જેમ કોશિશ
હર કદમ પર કથા એની મળી છે
સત્ય બોલ્યો હતો એક વખત હું
જિંદગીભર સજા એની મળી છે

સત્ય પીડા સાથે આવતું હોય છે. સત્ય અંગત સંબંધોને કસોટીએ ચડાવે. જાણતા હોવા છતાં સત્ય ન કહી શકાય એ સ્થિતિ અસ્થમાના દરદી જેવી અકળામણ વધારે.

The Hidden Truth | Headfone 🎧

તથાગત પટેલ આ મથામણ બયાં કરે છે…

ખરેખર નથી થવાને મથું છું
સભર ગગન ખોલવાને મથું છું
કરું શું? અહીંનું સળગતું રહેને
જઈ બાજુમાં ઓલવાને મથું છું

લાસ્ટ લાઈન

ભીતર વહેતી ગંગામાં હું સ્નાન કરું છું
રસ્તે મળતાં આઘાતોને મ્યાન કરું છું

ના પાડું હું બૂમ તને કોઈ પર્વત પર
આસન વાળી ભીતરમાં હું ધ્યાન ધરું છું

ને ક્યાંક વિસામે બેઠેલાં એ ખેતરમજૂરનાં
આંસુ આડે સપનાને દરવાન કરું છું

મેલીઘેલી ઝોળીમાં પણ ઊંઘમાં હસતાં
બાળકને જોઈ ચિંતાઓને મ્લાન કરું છું

કોઈ નથી રસ્તો ફંટાયો રાહ ન ભૂલ્યાં
મંદિર-મસ્જિદ સઘળે હું મુસ્કાન ધરું છું

~ ઉષા ઉપાધ્યાય

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.