પ્લસ વન ~ કટાર: નીલે ગગન કે તલે ~ મધુ રાય 

ગગનવાલા કલકત્તા હતા ત્યારે શિવકુમાર અને ચંદ્રકાંત બક્ષીના જોડીદાર તરીકે સાહિત્યિક સમારંભોમાં ને પાર્ટીઓમાં નિમંત્રણ પામતા. “તમે પણ આવજો.” લાઇક ધેટ. “પણ?” તે “પણ”થી બચવા અમે ગુજરાત આવ્યા, ને ત્યાં પણ તે “પણ”ની ગોફણ લાગતી, “લાભશંકર, ચિનુ બિનુ બધાને બોલાવ્યા છે, તમે પણ આવો ને, ફાવે તો?”

એટલે? ફાવે તો આવો ને ન ફાવે તો કૂવામાં પડો? વળી અમારે ને લાભશંકર કે ચિનુને કાંઈ કોમન નહોતું. તેઓ કવિઓ હતા ને અમો નોટ–કવિ.

અમોને ઝંખના હતી કે કોઈ અમને કહે કે તમે આવો, ન ફાવે તો પણ તમે આવો ને આવો, તમારા વગર નહીં ચાલે, તમારે આવવાનું જ છે! ને અમે લાઠાને ને ચિમોને પણ બોલાવ્યા છે, એમને ફાવે તો.” પણ તે બનતું નહીં ને અમો સાત સાગર ઠેકીને છેક અમેરિકા ઊડી આવ્યા તો અહીં પણ અમારી ગણતરી થવા લાગી ‘પ્લસ વન”માં….!

આ ‘પ્લસ વન’ જુમલો, અમેરિકા ને ઇંગલેન્ડ વગેરેના સમાજમાં ફલાણા ને ફલાણીના શુભ વિવાહના વેડિંગ રિસેપ્શનમાં કોઈને નિમંત્રણ મોકલાય તેમાં નિમંત્રિતનું નામ હોય ને પછી પ્લસ વન! મિસ્ટર/મિસ ‘સો એન્ડ સો’ પ્લસ વન…..! મતલબ કે, અને વધુ એક વ્યક્તિ. તે “પ્લસ વન”માં અમારો નંબર લાગતો.

તે પછી સ્લોલી, સ્લોલી ભારતથી સાહિત્યના શાર્દૂલો અમેરિકાની જાત્રાએ આવતા ત્યારે એમને અપાતાં નિમંત્રણોની સાથે અમને “પણ” નોતરું મળતું, “તમારે તો કાર છે ને? બસ, સીવકુમારને લેતા આવજો. તમે પણ જમીને જજો.”

ઘણીવાર તે યજમાન પૂછતા, “હેં મધુરામભાઈ આ સીવસંકરભાઈ હૂં કોમેડી કરટા છે કે?” અને હાલ રા.રા. શ્રી સિતાંશુ પદમસી અમેરિકાનું દેશાટન કરટા છે ત્યારે “અમારી કાર સિક્સ સીટર છે, એટલે  એ બે જણ ને તમે પણ આવજો, તમને ફાવે તેમ હોય તો!”

ડિક્સનેરીઓ કહે છે કે વીસમી સદીની શરૂઆતથી વપરાતો આ ‘પ્લસ વન’ જુમલો અતિ ઔપચારિક વપરાશમાંથી હવે ઓનલાઇનની વાતચીતોમાં પ્રવેશી ગયો છે, બની ગયો છે. યાને “સિતાંશુભાઈ આવે છે તો તમે પણ આવો! તમને ફાવે તો જ હોં કે! તમને હું ફોર્સ નથી કરતો!”

અરે? અમો મનોમન સ્નાગૃહમાં હિબકાં ભરીએ કે અમે તો અહીં જ છીએ, કોઈવાર ફક્ત અમને જ બોલાવો ને? અમે કાયમના અણવર? કોઈવાર અમને તો વરરાજા થવા દો! ને પછી સિતાંશુને પણ બોલાવો, એને ફાવે એમ હોય તો! હેહેહેહ:!

એ પ્લસ વનની એક વધારાની ડાળખી છે, “બીયર્ડ” Beard. આજના સમયમાં કોઈને સમલિંગી “પ્લસ વન” હોય, પણ હજી તેને જાહેર ના કરી હોય ત્યારે કોઈ અવસરમાં દેખાવ ખાતર બીજી અપોઝિટ લિંગની વ્યક્તિને લઈ જાય તો તે દેખાવી વ્યક્તિને કહેવાય છે ‘બીયર્ડ!”

પરંતુ ‘પ્લસ વન’ વપરાતાં વપરાતાં હવે કેવળ રોમાન્સની લલના કે “તમારા ભાઈ”માંથી કોઈ બી સાથીદાર એવો અર્થ થઈ ગયો છે: તમારા ‘બીબીએફ’ હોય, કાકાનો દીકરો હોય, ભત્રીજો હોય કે ભલે તમારા સાઇકોથેરાપિસ્ટ હોય, નો પ્રોબલેમ! અને હવે તો નેટવર્કિંગ ઇવેન્ટ હોય, ફન્ડરેઇઝર ગાલા, કે વાઇન ટેસ્ટિંગ ટ્રિપ હોય, અરે કોઈ ફેન તમારા જાકિટનું બટન પકડીને તમારા કાન કરડતો હોય ત્યારે તેમાંથી ઉગારવાનું સાધન બની જતું હોય તે ‘પ્લસ વન!’ હવે “Bring a plus-one” કા મતલબ હૈ “don’t suffer alone.”

ગગનવાલા મોટાભાગે suffer aloneના ખાનામાં બેસે છે. કોઈ પ્રસંગે એકલા પ્રવેશ કરવાના ક્ષોભમાં મન મસોસીને મોઢું લાલ રાખે છે ને કોઈ નવી વ્યક્તિ ભુટકાઈ જાય તો તેના જાકીટનું બટન પકડીને તેની પાસે સાલ્વાદોર દાલીનાં ચિત્રોની ગેલેરીનો ઇતિહાસ કહેવા માંડે છે. અથવા એકલા એકલા હમામના નળ નીચે બેસીને સેલ્ફ શ્રિન્કિન્ગ કરે છે.

ઔપચારિક હોય કે ખાલીખાલી હોય, ‘પ્લસ વન’ શબ્દોમાં અમુક સંબંધનો ભાવ છે. કોઈ માટેનો ઝુરાપો, કોઈ પ્રત્યેની વફાદારી, આંખના ડોળા ઉપર કાચકાગળ ઘસાતો હોય તેવો કોઈની ગેરહાજરીનો અજંપો, આ બધું હોવું તે માણસ હોવાની નિશાની છે. હ્યુમનકાઇન્ડના મેમ્બર હોવાની નિશાની છે.

યસ, હશે તે બધી મગજની ખામીઓ કહેવાતી હશે, પણ તે બધી “વર્થ ઇટ” ખામીઓ છે. એકલા હોવું તેના કરતાં એવા ગાંડા હોવું વધુ ગમે કોઈ ગાંડાને! તમારી “વન પ્લસ” વ્યક્તિ ફક્ત તમારો/ તમારી જોડીદાર નથી.  કોઈની સાથે કોઈ અવસરના સ્થળે પ્રવેશો ત્યારે તમારા ડગલેડગલે ગુલાલ ઊડે છે કે તમે પણ કોઈ છો, તમે સાવ એકલા નથી. તમારી સાથે કોઈ છે, ભલે આજ સાંજ પૂરતી તે “વન પ્લસ વ્યક્તિ” તમારી “સાથે” છે,  યુ પ્લસ વન! અચકન સુરવાલમાં વિંટળાયેલી કે કાંજીવરમનાં વસ્રોમાં લપેટાયેલી એક કાયા!

ને, ન કરે નારાયણ ને માનો કે તે વ્યક્તિ પાર્ટીમાં બહેકી જાય ને તમને અવગણીને કોઈ ત્રાહિતની કમરે હાથ વીંટીને નૃત્ય કરવા લાગે ત્યારે કળીએ કળીએ કપાતો તમારો માંહ્લલો કહે છે કે તમે હજી જીવો છો!

ને, એવું કોઈ “પ્લસ વન” ન જડે તો? કોઈ બાત નહીં, તેથી તમે માઇનસ વન નથી બની જતા, ભલે એકલા છો, તો તમારા જીવનના અનન્ય મહાનાયક પણ છો!

~ મધુ રાય 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.