ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ તસ્બીહના બે પારા વચ્ચે ~ શબનમ ખોજા (કચ્છ)

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!
*
એને નગર જવાને, જ્યારે વિચાર દોડે
તરસી નજરથી ખોબે-ખોબે પિવાય રસ્તો
*
એવા ઘણા ગુરુ છે, કંઠી ઘણાને બાંધે
પણ ધ્યાન એવું રાખે આગળ ન જાય ચેલા!
*
ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં
*
અફસોસ એ નથી કે તને જાણી ના શકી
અફસોસ એ રહ્યો કે છું ખુદથી અજાણ હું
*
રાત-દિવસ જેને પૂજ્યો’તો
એ પથ્થરની ઠોકર વાગી
*
ના પાંખની કદર છે ના જાતમાં છે શ્રદ્ધા
મ્હેણું એ ભાંગવાને ઊડી રહ્યું છે પંખી
*
શબ્દો સ્વયં જો અવતરે, અવસર બની રહે
ઊભરો ફકત ચડે તો લખાતું નથી કશું
*
જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!
*
હસ્તરેખા ભૂંસી નાખી મેં પ્રથમ
એ પછી ચિતરી શકાયું છે મિલન
*
એક અસલ અણસાર માગે છે હવે
માંહ્યલો ગિરનાર માગે છે હવે
*
સ્વીકાર્ય થઈ શકે છે બધી તારી લીલા પણ
જો તું નિભાવી જાણે ખરું શામળાપણું
*
અકળાવી નાખે એવા ભેદી તમસની વચ્ચે
ભીતર દીવો બળેને ત્યારે ગઝલ બને છે
*
ડૂબું છું હું તો તું રહે શાને તણાવમાં?
હું ક્યાં કહું છું કે મને બેસાડ નાવમાં?
*
નમ્રતા, ઉદ્યમ, અનુકંપા, ખુમારી ને ધીરજ
આટલી જાયદાદથી જીવી જવાતું હોય છે
*
સૌની ભૂલો જોવા કરતાં
મેં મારી સમજણ વિસ્તારી
*
એના વિના કલમથી કશું ક્યાં ઝરી શકે?
સ્મરણો છે ધારદાર, જખમ જોરદાર છે
*
કીધું મેં સાહ્યબાને, તોડી દે કાયદાને
ભેગા મળીને આજે શ્વવસા છે વાયરાને
*
જોઈને હાલ મારા આવે તું પાસ કાયમ
તેથી જ તો ગમે છે રહેવું ઉદાસ કાયમ
*
હું રંગમંચ આખો સાથે લઈ ફરું છું
કારણ કે હર ઘડી જગ નવલું જ પાત્ર માંગે
*
તને ધારવામાં ઉતાવળ કરી છે
તું અર્થોથી ઉપર ને સત્યોથી પર છે
*
કેવા ભળી ગયા છે એ પ્રેમમાં જુઓ ને
શીરીં લખું તો સાથે ફરહાદ અવતરે છે
*
જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું
*
ફરી હું પીંજરમાં મોહી પડી છું
ફરી મારી ઊડવાની ઇચ્છા રઝળશે
*
બુઠ્ઠી થઈ છે જ્યારથી એની ખડગની ધાર
તે દિનથી રોજરોજ સજાવે છૈ મ્યાનને!
*
થોડા ગુનાનાં મૂળમાં મજબૂરીઓ હશે
બાકી બધાનું મૂળ તો ગોઝારી ઝંખના
*
ખુલ્લું હો પાંજરું પણ ઊડી ન જાય પંખી
આ ડર નથી પરંતુ આ તો છે ચણનો જાદુ
*
નડે ફૂલને જે રીતે એની ખુશબૂ
મને એમ મારી ભલાઈ નડી છે
*
જેટલું ભીતરથી ખાલી થાય છે
એટલું ઊંડાણ વધતું જાય છે

~ શબનમ ખોજા, (કચ્છ)
~ ગઝલસંગ્રહઃ તસ્બીહના બે પાર વચ્ચે
~ પ્રકાશકઃ ઝેન ઓપસ, અમદાવાદ
https://www.zenopus.in/book/ghazal-sangrah/tasbih-na-be-para-vacche

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. શબનમજીની ગઝલો ખૂબ સરસ હોય છે… શબ્દોનો સદુપયોગ કરી જાણે છે… સુંદર રદીફ કાફિયા સાથે ગઝલો રજૂ કરે છે…

    એક અસલ અણસાર માગે છે હવે
    માંહ્યલો ગિરનાર માગે છે હવે
    *
    સ્વીકાર્ય થઈ શકે છે બધી તારી લીલા પણ
    જો તું નિભાવી જાણે ખરું શામળાપણું
    *
    અકળાવી નાખે એવા ભેદી તમસની વચ્ચે
    ભીતર દીવો બળેને ત્યારે ગઝલ બને છે…
    ….
    ખૂબ સરસ

  2. સૌની ભૂલો જોવા કરતાં
    મેં મારી સમજણ વિસ્તારી
    વાહ…..