અન્નપૂર્ણા (એકોક્તિ) ~ માના વ્યાસ, મુંબઈ
હાય હાય આજે તો જરા મોડું જ થૈ ગૈલું છે. જરા ઝપાટો બોલાવો પડહે… જોઉં કે મેડમે આજે સુ બનાવવાનું લખ્યું છે, ફ્રીજ પર ચોંટાડેલું હસે.
આ રહ્યું, ફણગાવેલા મગ, બ્રાઉન રાઈસ, દૂધી-ચણાની દાળ. અરે રે બેબી – બેબીબેનને તો દૂધી-ચણાની દાળ ભાવતી જ નથી. એને તો હું દાલ ફ્રાય બનાવું તે ભાવે છે. હવે એ બીચારી સુ ખાસે. આ અમારી મેડમ છેને તે સી.એ. છે. એટલે આવકજાવક સાથે આખો દિવસ કામ કરવાનું તે ખાવાની કેલરી હો ગણીગણીને ખાય. આખા દિવસમાં બારસો કેલરી ખાવાની. પછી બારસો કેલરી વાપરવાની. એટલે હિસાબ ચોખ્ખો, તો જ સ્લીમ એન્ડ ટ્રીમ રેવાય. ભાઇ મોટા લોકો ને મોટી વાતો.
અરે તે દિવસે સાહેબને ભરેલાં પરવળનું સાક બહુ ભાવ્યું ને તીજી રોટલી લેવા ગયા કે ટોકી દીધા, “અમીત બસ.” સાહેબ બિચારાએ હાથમાંથી રોટલી પાછી મુકી દીધી.
હવે બેબી.. બેબીબેન માટે સુ બનાવું? સ્કૂલથી આવે એટલે જ પૂછસે, “અન્નપૂર્ણા આંટી.. બહુ જ હંગ્રી છું. જલ્દી ખાવા આપો.”
આમ તો મારું નામ પૂર્ણા છે પણ મેડમ મૂડમાં હોય તો અન્નપૂર્ણા કરીને બોલાવે. એ તો એમની મોટાઇ છે બાકી રસોયણ કહેવાઉં. પણ બધાં કે હં, મારા હાથમાં જાદુ છે. સાદી ગુજરાતી રસોઈ હોય કે પંજાબી, સાઉથ ઈંડિયન કે ચાયનીઝ મેક્સિકન, દાલ બાટી, પાસ્તા,પીઝા, બિરયાની, ચાટ, ભેલપુરી ને બંગાળી મીઠાઈ – બધું એક વાર સીખી લઉં પછી પરફેક્ટ જ બનાઉં.
બસ તો આજે બેબી.. બેબીબેનને ભાખરીનો પીઝા બનાવી આપીસ. જો ભાઈ ઊગતાં છોકરાંવને સરખું ખાવા જોઈએ કે નઇ? આ તો ઉંમર છે એમની હાડકાં મજબૂત કરવાની. આપણી છોકરીઓ જ તંદુરસ્ત નહીં હોય તો આગળ નબળી પ્રજા પાકસે.
હેલ્ધી ફૂડ એમ તો તંદુરસ્તી માટે સારું જ છે પણ જીભને પણ થોડાં ચટાકા કરાવવાનાં ને. એમ તો આયાબાઇ આમતેમ હોય તો હું એને આલૂટીકી, ફ્રૂટચાટ, ફ્રૂટ પંચ, ચોકલેટ મૂસ એવું બનાવી આપું. એ અમારી વચ્ચેનું સિક્રેટ છે.
અમારી આ બેબી.. બેબીબેનને હારુ મારો બઉ જીવ બળે. છોકરી માંડ આઠ વરસની ને કામ કેટલું. સ્કૂલે જવાનું ને ઘેર આવીને તરત જાતજાતનાં ક્લાસ. આજે ચેસ ક્લાસ ને કાલે બેડમિંટન ને પરમદાડે સ્કેટિંગ, સ્વિમિંગ, ડાંસ. બાપ રે! એમ કંઈ છોકરાં બધામાં પાવરધા થઈ જવાનાં?
ઉં હોઉં ને તો દીકરી સાથે અલકમલકની વાત કરું. એને ખોળામાં બેસાડીને વાર્તામાં જ દુનિયા દેખાડી દઉં. આપણી કલ્પનાની દુનિયા.. મારી વાર્તામાં તો હાથી ઊડે ને માછલી બોલે, પરીને રાક્ષસ ઉપાડી જાય તો રાજકુમાર છોડાવે. છેલ્લે બધું સારું થાય, ખાધું પીધું ને રાજ કર્યું એમ આવે. એ તો વાર્તા એટલે છોકરાં માટે હેપ્પી એન્ડ આવે, બાકી જીવનમાં થોડું એવું થાય છે. આ તો વાર્તા કે’તા આપણે હો ઘડી બે ઘડી સુખ પામીએ.
વાર્તા સાથે યાદ આવ્યું. બેબી બેબીબેન, એક દિવસ સ્કૂલેથી જ તાવ લઇને આવેલી. આવી તેવી જ વળગી પડી ને ઢગલો થઇ ગઇ. તાવથી શરીર તો ધગધગે. આયાબાઈ અઠવાડિયાની રજા પર ગયેલી. મેડમ તો કોન્ફરન્સમાં દિલ્લી ગયેલા એટલે સાહેબે કહ્યું, “તમે આજે રોકાઇ જજો.”
ડૉક્ટર દવા તો આપી ગયા પણ મેં તો કપાળે પોતાં મૂક્યાં કર્યાં. બરાબર ત્રણ કલાકે તાવ ઉતર્યો. પછી એને જરા મોસંબીનો જ્યુસ પાયો. મારો હાથ તો સજ્જડ પકડી રાખેલો. આખી રાત પાસે બેસી રહી. એક પછી એક વાર્તા કે’તી જાઉં કે સૂઈ જાય. પણ બેબી બેબીબેન તો હજુ એક કહો એક કહો કરતી જાય ને મારા વાર્તાનાં ખજાનામાંથી એક પછી એક વાર્તા નીકળતી જાય.
પછી તો હાલરડું એ ગાયું. જેવું યાદ હતું એવું પેલા ગાતી’તી એવું… બેની બેન પોઢિયા ઢોલિયે, સવા મણની તળાઈ તારલિયા ટમટમે ને ચાંદની આવે ચળાઈ.
ભગવાનને જોડ નારિયેળ ને દસ દીવાની માનતા માની. સાહેબ પણ ચિંતામાં પડી ગયેલા. છેક સવારે બેબી.. બેબીબેનને ઠીક થયું પછી જીવ હેઠો બેઠો. થોડું ગરમ દૂધ પીવડાવ્યું ત્યારે કંઈ એનામાં શક્તિ આવી. મેડમ પણ જલ્દી આવી ગયા. મારો બહુ આભાર માન્યો ને થેંક્યું કહ્યું.
મેં કહ્યું એમાં સુ મારી દીકરી જેવી જ છે ને.. હવે બેબી.. બેબીબેનને વાર્તાનો ચસ્કો લાગી ગયો છે તે ઘણીવાર હું રસોઈ બનાવતી જાઉં ને વાર્તા કેતી જાઉં. હવે મેં પણ એક સરત મૂકી છે. મેં બેબીબેનને કહ્યું કે તમારે મને અંગ્રેજી બોલતા સીખવવાનું ને સામે હું વાર્તા કહીસ.
બેબી.. બેબી બેન.. આ તમને થસે કે વારેવારે બેબી પછી અટકી કેમ જાઉં છું? એ તો..
બેબીબેન બોલતા મને મારી બેબી યાદ આવી જાય છે. આવડી જ હસે બરાબર ચાર વરસની હતી ત્યારે જોયેલી. પછી.. પછી એને એનાં પપ્પા લઇ ગયા, મારી પાસેથી. અમેરિકા. બસ પછી જોઇ જ નથી. કેવી દેખાતી હસે? મમ્મી બોલતી હોય ત્યારે કેવી લાગતી હસે?
સુરત પાસે અમારું ગામ. અમારાં ગામમાં એક પણ ઘર એવું ની મળે કે જ્યાંથી કોઈ અમેરિકા ન ગયું હોય. જાણે નાવું, ધોવું, ખાવું પીવું, ભણવું, ગણવું એ જ રીતે કોઈ પણ પ્રકારે અમેરિકા જવું.
અઢાર વરસે મારાં લગન થયાં’તાં લગી બધું બરાબર હતું. એક વરસમાં જ મારી ઢીંગલી જેવી બેબી જન્મેલી. નામ હો મેં તો દેવાંગી પાડેલું. દેવની દીધેલી હતી. પહેલાં તો એ ના જ પાડતા’તા, પછી કોઈ દોસ્તારે મારા વરને પટ્ટી પઢાવી તે ત્રણ વરસ પછી એકદમ અમેરિકા જવા તૈયાર થઈ ગયા.
છ મહિના પછી આવ્યા ત્યારે તદ્દન બદલાઈને આવ્યા. વાતેવાતે અમેરિકા ને અમેરિકાની જાહોજલાલીનાં વર્ણન કર્યા કરે. હું તો એમને હવે ગમાર જ લાગવા માંડી.
એક તો હું બહુ ભણેલી નહીં ને અંગ્રેજી ની આવડે એટલે મને ટોક્યા જ કરે. આખો દિવસ દોસ્તાર સાથે અમેરિકા ફોન પર ચોંટેલા હોય. અહીં સારી ખેતી હતી તેનાં પર પણ ધ્યાન નહોતા આપતા. એક દિવસ તો જમીન જ વેચી નાખી. કહે કે આપણે બધાં અમેરિકા જ જતાં રહીએ. મેં કેટલું સમજાવ્યા પણ આંખે અમેરિકાનું આંજણ આંજેલું તે બીજું કંઈ દેખાય જ નહીં.
મારા ને બેબીનાં પાસપોર્ટ કઢાવ્યાં. મને કહે કે હમણાં હું અને બેબી બે જણ પહેલા જઇએ કારણકે એને સ્કૂલમાં મુકવી પડસે. ત્રણ જણાંનો ખાવાપીવાનો ખર્ચ ખૂબ થાય. હજી એમની નોકરી પણ નવી છેને.
મને પટાવીને કહ્યું કે છ મહિના પછી તને લેવા આવીશ. ત્યાં સુધી તું અહીં અંગ્રેજી સીખ, રસોઈનાં ક્લાસ કર. મારું તો મન માનતું જ નહોતું. મારી દીકરી વગર હું ને મારા વગર એ કઇ રીતે રહેસે. એનું ભણવાનું બગડે એટલે ચૂપ રહી.
એ લોકો ગયાં. શરુઆતમાં રોજ ફોન આવતા. દેવાંગી મારી સાથે વાત કરીને રડતી. પછી ધીરે ધીરે ફોન ઓછા થવા માંડ્યા. હું કરું તો ઉપાડે નહીં, બહાર ગયા છે એવાં કારણો બીજાં આપે.
છ મહિના પછી ગામમાંથી એક જણ અમેરિકાથી આવ્યું એણે કહ્યું કે મારા પતિએ બીજા લગન કરી લીધાં છે. એ જ દોસ્તારની બેન સાથે અને હવે એની જ મોટેલ સંભાળે છે. મારા પરતો દુઃખનો પહાડ તૂટી પડ્યો.
એકવાર મારી સાથે વાત કરવા મેં કેટલાં જાણીતા લોકોને કરગરીને કાલાવાલા કરીને કહ્યું, એકવાર મને મારી બેબી સાથે વાત કરવા દો, પણ કોઈ ફોન નહીં આવ્યો. નાતીલા સગાંઓએ કહ્યું, “લગન રજિસ્ટ્રેશન નથી કરાવ્યા. હવે છૂટાછેડાનો કેસ નઈ કરાય. તારી પાસે એટલા પૈસા નથી કે કેસ લડી સકે ને કોર્ટમાં એમ કેસે કે તું બરાબર કમાતી નથી કે તું એને સારી કેળવણી આપી સકે.”
હવે બેંકમાં પૈસા પણ ખૂટવા આવ્યા’તા. એક જણે એક એજંટનો ફોન નંબર આપ્યો. એણે અમેરિકા પહોંચાડવાનાં પંદર લાખ રૂપિયા માંગ્યા છે. એ સિવાય હોટલમાં રસોઈનો ત્રણ વરસનો અનુભવ જોઈએ. કામ કરવા ને કમાવા મુંબઈ આવી ગઇ. જ્યારે દુઃખ પડે ને ત્યારે હિંમત આવી જાય છે.
એક દૂરની માસી છે. ઉંમરવાળી ને એકલી છે. તેને ત્યાં રહું છું. બિચારીએ મને ખરે વખતે આસરો આપ્યો હતો.
સાંજે છ વાગે ત્રણ ઘેરની રસોઈ કરીને હોટલમાં જાઉં. ત્યાં કામ કરું. હોટલમાં પૈસા અને સીખવાનું બંને મળે છે. દુનિયામાં મારા પતિ જેવા કમીના લોકો છે તો સામે મેડમ, માસી અને હોટલવાળા ભાઇ જેવા સારા લોકો પણ છે. એટલે તો દુનિયા રે’વા જેવી છે હજુ.
શનિ-રવિ તો હોટલમાં ખૂબ કામ રહે, પણ દીકરીને યાદ કરી હિંમત ભેગી કરી લઉં છું. બસ એકવાર અમેરિકા જવું છે. ન્યૂ જર્સીમાં એડિસન પાસે આવેલી મોટેલ બ્રાઇટમાં જવું છે. ત્યાં મારી બેબી રહે છે. એને કઉં…
“આય એમ યોર મધર. મમ્મી. હાઉ આર યુ? આઇ લવ યુ સો મચ. વુડ યુ લાઈક ટુ કમ વીથ મી ટુ ઇંડિયા…?