ચિત્રાંગદા (એકોક્તિ) ~ મિતા ગોર મેવાડા (Editor’s Choice)
(Editor’s Choice)
હું છું ચિત્રાંગદા. મણીપુરના રાજા ચિત્રવાહનની પુત્રી. મારા પિતૃવંશને ઉમાપતિ મહાદેવનું વરદાન હતું કે મારા વંશમાં કદી પુત્રી જન્મશે નહીં. પરંતુ મેં એ આશીર્વાદને વ્યર્થ કર્યો. હું માતૃગર્ભે વસી ત્યારે મને દુર્બલને શિવનું તેજ પુરુષમાં પલટી શકયું નહીં અને હું એક પૌરૂષી નારી તરીકે જન્મી.
માતા-પિતા પણ પુત્રની ઈચ્છા ધરાવતાં હતાં. એટલે મારો ઉછેર એમણે પુત્રની માફક જ કર્યો. હું ઘોડેસવારી શીખી. તિરંદાજી શીખી. હું યુદ્ધના દાવપેચ લડતી અને પુરુષો જેવા કપડાં પહેરતી. હું સ્નેહે નારી અને વીર્યે પુરુષ હતી. ડાબે હાથે અશ્વરશ્મિ ધરી, જમણામાં ધનુશર રાખી, નગરની વિજયલક્ષ્મી થઈને હું ફરતી. આર્ત પ્રજાને મેં અભય વરદાન આપ્યું હતું.
જ્યાં રાજાનો મહિમા પ્રવેશી શકતો નહીં તેવા નીચા દ્વારે માતૃરૂપ ધરીને હું કરુણાનું વિતરણ કરતી. મારા ભયથી કોઈ શત્રુ નગરમાં પ્રવેશી શકતો નહીં. હું મુક્તલજ્જા હતી. ભયહિના હતી. પ્રસન્નહાસિની અને દયાની જગદ્દાત્રી હતી.
સ્ત્રીસહજ સંવેદનાઓ, મનોભાવોથી હું સાવ અજાણ હતી. સાજ-શણગાર કરવા મને ગમતા નહીં અને મને શોભતા પણ નહીં. મને એનો રંજ પણ નહોતો.
પણ એક દિવસ…
મને એ દિવસ યાદ છે જ્યારે હું ત્રિભુવને પરિચિત, સર્વશ્રેષ્ઠ નરપતિકૂળમાં જન્મ લેનાર ભુવન વિજયી, ગાંડીવધાનુ, કુરુવંશધર પાર્થને મળી. સ્પર્શી.
પ્રથમ વખત કોઈ પુરુષનો સ્પર્શ પામી હું રોમાંચિત થઈ ઉઠી. “હું નારી છું” એ સભાનતા પ્રથમ વખત મારી અંદર પ્રગટી. જેને મેં ધનુર્વિદ્યામાં પરાજિત કરવાના સપના જોયા હતાં એ પાર્થના સ્પર્શથી મારું અંગ તપવા લાગ્યું. મારી ભીતર સુપ્ત રહેલી સંવેદનાઓના સરવરમાં જાણે કોઈએ કાંકરીચાળો કર્યો. સ્પંદનોના વમળ ઉઠ્યા. કશુંક ભીતર સળવળ સળવળ થવા લાગ્યું.
મને ધનુર્વિદ્યાની ખબર હતી. તલવાર કેમ ચલાવવી એ ખબર હતી, પણ લજ્જા શું છે એ ખબર નહોતી. હું ઘોડેસવારી જાણતી હતી, પણ વિલાસચાતુરી નહોતી જાણતી. હું અર્જુનને કઈ રીતે આકર્ષી શકું? મારું મન કોમળ અને સંવેદનશીલ હતું. હું પ્રજામાં પ્રિય પણ હતી. પણ નહોતી હું લાવણ્યવતી કે નહોતી સૌંદર્યની મૂર્તિ. અર્જુન મારો સ્વીકાર કઈ રીતે કરે?
અર્જુનને પામવા માટે તો મૃગયાના તીર છોડી નજરના તીર ચલાવતા શીખવું પડે. કુત્સિત, કુરૂપ શરીરને મોહક અને આકર્ષક બનાવવું પડે. કારણ, સૌંદર્ય જ જગતનું સત્ય છે. પુરુષ સ્ત્રીના મનને કે આત્માને નહીં પણ તનને જ ઈચ્છે છે. મેં પણ સૌંદર્ય મેળવવા શિવ આરાધના કરી.
સૌંદર્ય એ જ સત્ય અને સત્ય એ જ શિવ. સૃષ્ટિ તાંડવ રચયિતા શિવશંકરે મારી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને મને વરદાન માગવાનું કહ્યું. મેં દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરી કે હું સ્વૈરપણે ફરનારી, રાજકાજ કરનારી, રૂપવંચિત અને તેથી પ્રેમવંચિત નારી છું. મને રૂપ આપો. લાવણ્ય આપો. બીજી અબળા નારીઓની જેમ મને પણ પ્રેમાધિકારી બનાવો.
અને મહાદેવે મને એક વર્ષ માટે રૂપનું વરદાન આપ્યું. મને એક વર્ષ માટે અપૂર્વ સુંદરી બનાવી. શિવવરદાન મળતાં જ હું અર્જુન માટે પ્રાપ્યયોગ્ય થઈ.
સૂર્યના પ્રથમ કિરણથી ખીલી ઉઠતા, શ્વેત શતદલ સમી હું રૂપયૌવના, સારાએ આકાશની ચાંદની જેનામાં સમેટાઈ ગઈ હોય એવી હું શુભ્રાંગના, વીરત્વની નિત્ય કીર્તિતૃષા જ્યાં શાંત બને, જગતનું સર્વ ઐશ્વર્ય તૃષાતુર થઈને જેને ભેટી પડે એવી વારાંગના, હું પાર્થને આકર્ષી રહી.
અક્ષયયશ, વીરેન્દ્રકેસરી અર્જુનને એની સામે પોતાની ખ્યાતિ, વીર્ય, મિથ્યા લાગવા લાગ્યા. સપ્તલોક સ્વપ્નસમું આભાસી લાગવા લાગ્યું. વિશ્વનું ઐશ્વર્ય, પૂર્ણત્વ, સર્વસ્વ, સકલ દૈન્યની વિશ્રામરૂપિણી સુંદરતા સામે કીર્તિક્લિષ્ટ જીવનના પૂર્ણ નિર્વાપન સમ ભાસી રહ્યું. મારા બે નીલોતપલ્લ નયનને માટે સવ્યસાચી અર્જુન સત્યનું બંધન તોડી મારા બાહુપાશના બંધનમાં બંધાઈ ગયો.
મારા આ ક્ષણભંગુર સૌંદર્યના તેજથી અંજાઈને પરપ્રકાશિત થયેલ પાર્થ ચાંદનીમાં ઝાંખા પડી ગયેલા કોઈ તારાની જેમ જાણે અનંત આભમાં ખોવાઈ ગયો. મિથ્યા સૌંદર્યની ઉપાસના કાજે અર્જુને એનું શૌર્ય, વીર, મહત્ત સમર્પી દીધું. અર્જુન અનર્જુન બની ગયો.
પરંતુ હું અપરાધભાવની લાગણીથી પીડાતી રહી. અંદરને અંદર પીસાતી રહી. હાય!! હું સત્ય નથી અર્જુન. હું તો મિથ્યા છું. અરણ્યનું ફૂલ કરમાય ત્યારે પાષાણ તળે કચડાઈ જાય. કોઈ એને પોતાના ઘરમાં કે હૃદયમાં સ્થાન ન આપે. પલ્લવ પડી જાય, કેસર ઝરી જાય અને પુષ્પ ખરી જાય, એમ જ જીવન પણ ક્ષણમાં ફૂટે અને ક્ષણમાં તૂટે. દિનાંતે આ મારી રમત પૂરી થાય અને હું પણ શમી જાઉં.
અને મેં અર્જુનને મારું સત્ય જણાવી દીધું. “હે કૌંતેય… હું છું ચિત્રાંગદા. રાજેન્દ્રનંદિની.”
તમને યાદ છે? અડાબીડ જંગલમાં, વૃક્ષ નીચે તમે મૃગયા કરતો રૂપહિન દેહ જોયો હતો, અને એની અવગણના કરી હતી? હું છું એ જ નારી અને છતાં હું એ નારી નથી. આ છે મારો હિન છદ્મવેશ. દેવોના દેવ શિવના વરદાને હું પામી હતી એક વર્ષ માટે આ અપરૂપ રૂપ. તમારું હૃદય મેં જે છલનાના આધારે શ્રાંત કર્યું હતું, એ હું નથી. હું તો છું ચિત્રાંગદા.
હે અર્જુન, આ લાલિત્ય, કોમલભીરુતા, સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ જ્યારે હું ઘૃણા કરી, છિન્ન કરીને ફેંકી દઈશ ત્યારે હું કોઈ પર્વતના તેજસ્વી અને તરુણ તરુ જેવી નહીં પણ કોઈક લૂંઠિત લતિકા જેવી લાગીશ.
જે ફૂલથી તમે પૂજા કરી, હું નથી એ ફુલ જેવી સુમધુર અને સુકોમલ એવી સંપૂર્ણ સુંદરી. પરંતુ અક્ષય, અમર એક રમણીનું હૃદય છે મારી પાસે. તમારા લક્ષ્ય સાથે સમરસતા કેળવવાની ક્ષમતા છે મારી પાસે. હું દેવી નથી. નથી હું સાવ સામાન્ય રમણી. પણ સંકટના સમયે તમારી દુરુહ ચિંતાનો અંશ બનીને રહેનારી સહચરી થાઉં એવી ક્ષમતા છે મારામાં.
અવહેલના સહીને પાછળને પાછળ રહ્યા કરુ એવી નારી હું નથી. પણ સુખદુઃખમાં સંકટના પંથે પડખે ઊભી રહીને સાથ આપનારી સહપ્રવાસી થઈ શકું એવી છું. તમારી સંવેદનાઓને શમાવી શકનાર સાગરને ધરી શકું એવી વિશાળતા છે મારી ભીતર.
એક દિવસ તમારા સંતાનને આશૈશવ, વીરશિક્ષા ભણાવીને, દ્વિતીય અર્જુન બનાવીને તમને સોંપીશ પ્રિયતમ.
નારી માત્ર નારી રહે,
ધરિત્રીની શોભા રહે,
માત્ર તેજ, માત્ર પ્રેમ રહે,
સુમધુર છલથી, લાડે કોડે
જોડે તોડે, આંકે, બાંધે,
હસે, રડે,
સેવામાં અને સોહાગમાં સદાય તત્પર રહે,
ત્યારે જ એનો જન્મ સાર્થક થાય?
એને કર્મકીર્તિ, વીર્યબલ, દિક્ષા, શિક્ષાની આવશ્યકતા ના હોય? આંતરિક ક્ષમતાને વિસ્તારી, તેનો વ્યાપ વધારી, બાહ્ય જગત સુધી પ્રસરાવી, અવતરણની સાર્થકતાને પરિપૂર્ણ કરવાની આરત ન હોય?
આ બાહ્ય સૌદર્ય તો ક્ષણભંગુર છે. જો એનાથી જ જીવનની સાર્થકતા હોય તો નારી સદાય સાચા પ્રેમથી વંચિત જ રહે. નારી જીવનનું સાર્થકત્વ એ એનું સૌંદર્ય નથી, એનું હૃદય છે. એની સંવેદનશીલતા છે. સૌંદર્ય તો છળ છે, મિથ્યા છે.”
અને હું રૂપવંચિત છું એ જાણ્યા પછી પણ કુરુ વંશધર અર્જુને મારો સ્વીકાર કર્યો. એણે મારા આંતરિક સૌંદર્યને જાણ્યું હતું.
એણે કહ્યું, “હે ચિત્રાંગદા… તારા અંતરના ઉજાસે મારી ભીતર રહેલા સત્યને અજવાળ્યું છે. હવે ફક્ત હું તારા આ મિથ્યા, છળયુક્ત સૌંદર્યને નહીં, પણ તારા સમગ્ર સૌંદર્યને ચાહી રહ્યો છું. તારી અંદર વસી રહેલા સત્યને આપી તું મને અનુગ્રહિત કર. અને મારું જે સત્ય છે તે તું લઈ લે કારણ સત્ય એ જ સર્વોપરી તત્વ છે અને એનું પ્રતીક તું છે ચિત્રાંગદા.”
મારા હર્ષનો પાર ન રહ્યો. મેં ફક્ત અર્જુનને નહોતો મેળવ્યો, મારા અસ્તિત્વને પણ પામી લીધું હતું. હું જેવી હતી તેવી સ્વીકાર્ય થઈ હતી. મારા જીવનની સાર્થકતા ત્યારે પૂર્ણ થઈ. એ ક્ષણ જીવનની ધન્ય ક્ષણ બની રહી.
પણ હાય!!! ક્ષણોને ક્યાં પામી શકાય છે? સમયને ક્યાં બાંધી શકાય છે? એ તો સતત સરતો રહે છે જીવનની મુઠ્ઠીમાંથી.
થોડોક સમય મણીપુરમાં વિતાવી અર્જુન ચાલી ગયો એના સ્વજનો પાસે. પણ હા મેં મારું વચન પાળ્યું. મેં એને દ્વિતીય અર્જુન આપ્યો મારા પુત્ર બભૃવાહનના સ્વરૂપે. જે યુગના મહાયુદ્ધમાં અમરગતિને પામ્યો. અને હું ફરીથી મારા એકાંતના મહેલની સમ્રાજ્ઞી બનીને રહી ગઈ.
અર્જુનનો વનવાસ તો બાર વર્ષે પૂરો થયો પણ મારો વનવાસ તો હજી ચાલી રહ્યો છે અવિરત, નિરંતર… અર્જુને ઘરબાર છોડ્યા હતા. આપ્તજનોને છોડ્યા હતા. મહેલ છોડીને એણે વનમાં વસવાટ કર્યો હતો. પણ મેં મહેલમાં વસીને, લોકોની વચ્ચે રહીને, તેમને સંભાળીને, તેમની કાળજી કરતાં કરતાં મારી ભીતર એક અરણ્ય વસાવ્યું હતું. મારું સૌંદર્ય જેમ આંતરિક હતું તેમ મારો વનવાસ પણ આંતરિક હતો.
પણ આ વનવાસની નોંધ ક્યાં લેવાય છે ઇતિહાસમાં? ઊર્મિલા હોય, અંબા હોય, અહલ્યા હોય કે રુક્મિણી. તેમના વનવાસની, એકલતાની વ્યથાના વર્ણન ક્યાં જોવા મળે છે? અમારે તો બસ પતિની પ્રસિદ્ધિ માટે ત્યાગ જ કરવાનો ને? કારણ કે અમે બધી નારી છીએ… એટલે?
~ મિતા ગોર મેવાડા
(ભજવણી માટે લેખિકાની પરવાનગી લેવી અનિવાર્ય છે.)
mitamewada47@gmail.com
ટુંકુ અને ટચ. સરસ આલેખન ઊર્મિઓનું. આભાર, મિતાબેનનો.