જિંદગીનો ક્યાં ભરોસો, ક્યાં ભરોસો મોતનો? (લેખ) ~ શ્વેતા ત્રિવેદી તલાટી
જિંદગીનો ક્યાં ભરોસો, ક્યાં ભરોસો મોતનો?
બેઉ છે નોખા ઘણાં પણ આ રીતે સંપેલ છે.
Air India Flight AI 171 તારીખ – ૧૨/૬/૨૦૨૫ ના રોજ બપોરે ૧.૩૮ વાગ્યે ઉડાનની ફક્ત થોડી જ ક્ષણોમાં તૂટી પડી. આ ભયંકર પ્લેન ક્રેશમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા, જેમાંથી ફક્ત એક જ જણ બચી શક્યો. અને જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ ખુલ્લું મેદાન નહીં પરંતુ બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ હતી. એટલે જાનહાનિની સંખ્યા ઘણી વધી ગઈ.
ઘણાં વિદ્યાર્થીઓ/ વિધાર્થિનીઓ ત્યાંની મેસમાં ભોજન લઈ રહ્યાં હતાં. અને અચાનક આ રીતે યમરાજનું ખાબકવું અને મોતના તાંડવમાં સામૂહિક આટલા બધાંનો એકસાથે, આટલી ખરાબ રીતે જીવ જવો એ સહુ માટે ખૂબ જ આઘાતજનક ઘટના હતી. હજી કોઈ કંઈ સમજે એ પહેલાં જ…..
વિદ્યાર્થી લગભગ આઠમા ધોરણમાં આવે ત્યારથી આગળ તે હવે કઈ શાખામાં જશે અને આગળ શું બનશે તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોવાનું ભણેલા ગણેલા કુટુંબોમાં શરૂ થઈ જાય છે. દસમા ધોરણ પછી તો તે અંગેના ટ્યુશન ક્લાસ અને તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય.
વિદ્યાર્થીઓની ખૂબ જ મહેનત સાથે સામાન્ય પરિવારના માતા-પિતાનો પણ અથાગ પરિશ્રમ ખરો જ કારણ કે મેડિકલ કોલેજની ફી પણ હવે સામાન્ય અને બધાંને પોસાય તેવી નથી અને એના માટે પણ ઘણા પરિવારોને એજ્યુકેશન લોન લેવી પડતી હોય છે.
મેડિકલ કોલેજમાં પહેલા, બીજા કે ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આ રીતે અચાનક કાળનો કોળિયો બની ગયા. આગળ ઉજ્જવળ ભવિષ્ય એમની વાટે ઊભું હતું ત્યારે અણધાર્યું મૃત્યુ? ત્યારે તેમના માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો માટે આ વાતને માનવી, સ્વીકારવી ને જીરવવી કેટલી કપરી સાબિત થઈ હશે?
ખબર નહીં છેલ્લે ક્યારે પરિવારજનોને મળ્યા હશે? બધાં અલગ અલગ રાજ્યોથી અહીં એડમિશન લઈને આવ્યા હતા. આ સમય કાયમ ખાતે દર્દ અને પીડા સાથે એમના હ્રદયમાં અંકિત થઈ ગયો.
પ્લેનમાં જે મુસાફરો લંડન જતા હતા તે દરેક અવનવા સપનાંની પાંખો અને પાંખો પર રંગબેરંગી અમી છાંટણાના સુંદર સુશોભિત ટપકાંઓ સાથે ઉડ્યા હતાં. કોઈની આંખમાં નવાં ઘર, કોઈની આંખમાં નવી રાહ ને કોઈની આંખમાં આગામી સફરના સમણાં હતાં.
૨૩ વર્ષનો એક દીકરો એના પિતાના મૃત્યુ પછી માતા અને બેનને મળવા આવેલો અને લંડનમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં કમાતો પણ હતો. પણ અત્યંત ટૂંકા ગાળામાં એક માએ પોતાના પતિ અને પુત્ર બંનેને ખોયા. એક કારમો વજ્રાઘાત.
એક પિતાની યુવાન દીકરી પિતા સાથે સેલ્ફી ખેંચાવી આવજો કહીને પ્લેનમાં બેઠી. અને પોતાના પતિ પાસે જઈ રહી હતી. પરંતુ બંનેમાંથી કોઈને ખબર નહોતી કે આ એમની છેલ્લી સેલ્ફી હતી.
એવી જ રીતે બીજી યુવાન દીકરી પણ લગ્ન બાદ વિઝા મળ્યા પછી તેના પતિ પાસે જઈ રહી હતી. એક માતા-પિતા અને નાનો દીકરો મોટા દીકરાના ડિગ્રીના સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં. એક ડોક્ટર દંપતી અને તેમના ત્રણ સંતાનો કાયમ ખાતે ત્યાં સ્થાયી થવા જઈ રહ્યાં હતાં.
કેન્સરમાં મૃત્યુ પામેલી પોતાના પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના અસ્થિ નર્મદા નદીમાં પધરાવવા, પોતાની કુમળી વયની બે દીકરીઓને લંડનસ્થિત નાના ભાઈને ત્યાં મૂકી ટૂંકા ગાળા માટે આવેલ યુવાન આ પ્લેન ક્રેશનો ભોગ બન્યો. બંને દીકરીઓ અનાથ થઈ ગઈ. કેવું દુર્ભાગ્ય?
કેરાલાની એક મહિલા જે લંડનમાં નર્સ હતી તે ત્યાંથી બધું સમેટીને અહીં સ્થાયી થવા ઇચ્છતી હતી અને તે માટે પાછી જઈ રહી હતી.

એક માતા-પિતા પોતાની દીકરીએ લંડનમાં ઘર લીધેલું તેના વાસ્તુમાં જઈ રહ્યા હતા. એક સાસુ-સસરા વહુનું સીમંત કરવા જઈ રહ્યાં હતાં. કોઈની પત્ની પહેલી વખત લંડન આવી રહી હતી ત્યારે એની સાથે સહજીવન શરૂ કરવાના મનમાં કેટલા ઉમળકા હશે. થોડા મહિના પહેલાં પરણેલી બે પત્ની પોતપોતાના પતિને મળવા ચહેરા પર આતુર હતી.
પણ….
મારી એક ગઝલનો આ શેર છે.
આજે છે કાલે નહીં હોય;
જિંદગી મહેમાન છે ભાઈ.
દરેક મુસાફરની જિંદગીમાં નાની મોટી ઘણી વાર્તાઓ હતી પણ એક મુખ્ય વાર્તા અધૂરી રહી ગઈ કારણ કે એ પ્લેનની મંઝિલ લંડન હતી, મોત નહીં.
જિંદગી એમ તો લાગણીની સફર છે. તેથી નહીં બચી શકાય એ વાતનો અંદાજ આવી જતા કેપ્ટન પાયલોટ સુમિત સબરવાલે તેની દીકરી માટે છેલ્લો સંદેશો કહ્યો.
આપણાંથી સાવ અજાણ્યા છતાં સમાચાર વાંચીને – જોઈને આવી અરેરાટી ઉપજે, તો એમના અંગત સગાંઓની શું દશા થઈ હશે? લંડનમાં રાહ જોતી આતુર નજરો કેવી ચોધાર થઈ હશે? સૂઝી ગયેલાં પોપચાં અને ભારેખમ પાંપણો, રડી-રડીને દુખી ગયેલા ગાલ છતાં અશ્રુ ખાળી ન શકતા હૃદયની વ્યથા કેવી હશે?
પ્રત્યેક આત્મા સંસ્મરણો મૂકીને અનંત યાત્રાએ નીકળી ગયો.
ભયંકર ધડાકા સાથે બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડેલા એ પ્લેન અને આ જીવલેણ અકસ્માતમાં લાગેલી આગમાં ભસ્મીભૂત થઈ ગયેલા કોલેજના ઘણાં વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ અને પ્લેનના મુસાફરોની ડી.એન.એ. દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. એક પત્નીની ઓળખ તેના પતિએ મંગળસૂત્રથી કરી.
દબાયેલા કાટમાળની વચ્ચેથી ઘણું બધું શોધાઈ રહ્યું છે, તપાસાઈ રહ્યું છે.
ક્યાંક શોધાઈ રહ્યા છે વેરવિખેર થઈ ગયેલા અધૂરા સપનાંઓ, અધૂરી ઈચ્છાઓ, અંત સમયે એમના મનમાં રહી ગયેલો અજંપો, ઉદાસી અને આંખોમાં છપાયેલી અંગત સગાઓની છબીઓ, અંતિમ ક્ષણના એમના ભાવ.
જિંદગી ક્યારે અને કેવા વળાંકો લે કશું કહેવાય નહિ;
ફેંસલો ક્યારે એ એકદમ મારવાનો લે કશું કહેવાય નહિ.
~ શ્વેતા ત્રિવેદી તલાટી
shwetatalati16@gmail.com