માતા-પિતાની સંપત્તિ પર શું દીકરીએ હક કરવો જોઈએ? (લેખ) ~ અલ્પા શાહ
હિંદુ સક્સેશન એક્ટ ૨૦૦૫ પ્રમાણે પરણિત પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન હક મળે છે. આ પહેલાં પિતાની સંપત્તિ પર ફક્ત પુત્રનો જ હક લાગતો હતો.
કદાચ અરબોની સંપત્તિ ધરાવનાર માલેતુજાર લોકો માટે આ કાયદો બરાબર છે. પણ પિતા પાસે સંપત્તિ ઓછી હોય કે માપમાં હોય અને માતા-પિતાના મરણ બાદ દીકરી એ સંપત્તિ પર હક કરે, શું એ યોગ્ય છે?
આજનાં જગતની કડવી વાસ્તવિકતા છે કે બિમાર મા-બાપને રાખવા કોઈ તૈયાર નથી હોતું પણ એમની સંપત્તિ માટે ભાઈ-બહેન ઝગડા કરે છે.
એમનાં હોસ્પિટલનાં બીલો નથી ભરવા. હા એમનાં મૃત્યુ પછી સંપત્તિ પર હક કરવા સંતાનો દોડી જાય છે. મા-બાપ નિ:સ્વાર્થ ભાવે તમને પેટે પાટા બાંધીને મોટાં કરે, તમારામાં સંસ્કારોનું સિંચન કરે, તમને ભણાવવા પાછળ પોતાનાં મોજશોખ પર કાપ મૂકે.
છતાં અંતે તો સંતાનોને ફ્ક્ત એમની મિલકતમાં જ રસ હોય છે.
આજની દીકરીઓ આ હક માગવામાં શરમાતી નથી. ઘણી જગ્યાએ ભાઈ-ભાભીએ જ મા-બાપની સેવા કરી હોય, એમને જીવનપર્યંત સાચવ્યાં હોય છતાં મિલકતમાં દીકરી હક માગે? શું આ ઉચિત છે?
એક છોકરી પરણે એટલે એનાં સાસરે જે હોય એ બધું એનું ગણાય અને એનાં નસીબ પ્રમાણે ત્યાં મળે. તો પછી પિયરવાળા પાસે શું કામ માગવાનું? તમારાં નસીબનું તમને મળવાનું જ છે. તો પછી કાયદો બતાવી ભાઈ-ભાભી સાથે સંબંધો શું કામ બગાડવાના? સંબંધોમાં લાગણી હોવી જોઈએ, માંગણી નહીં.
મા-બાપ તમારી પાછળ ખર્ચા કરે એ કોઈ દિવસ પાછા વળતર રૂપે માગે છે? ના. એમનાં ઋણને તમે કોઈ દિવસ નહીં ચૂકવી શકો. એ લોકોએ તમને જન્મ આપ્યો એ જ મોટો ઉપકાર છે તમારી ઉપર.
મા-બાપ સ્વેચ્છાએ આપે એ લેવું. બાકી કાયદા બતાવી આ બધું લેવું યોગ્ય નથી જ. નિ:સ્વાર્થ ભાવે સેવા કરો, તમને એમનાં આશીર્વાદ મળે એ પણ ઘણું છે. ભાઈ-ભાભી હા પાડે અને તેઓ દીકરીને પોતાની હયાતીમાં આપે એ સ્વીકારી શકાય, પણ કોર્ટે ચડી એમાં હક માગવો ના જોઈએ.
પહેલાં મા-બાપની સેવા કરવા છોકરાંઓ તત્પર રહેતાં. બિમારીમાં પણ એમની સેવા કરતાં. પોષાણ નહોતું એટલે એમની અસૂચિ સાફ કરતાં પણ ખચકાતાં નહોતાં. ભાઈભાંડુઓ મા-બાપને રાખવાં ઝઘડાં કરતાં કે હું રાખીશ એમને.
બદલાતાં જમાના સાથે આજે આ વ્યવસ્થા બદલાઈ ગઈ છે. માતા-પિતાની સેવા કરવી તો દૂર, એકથી વધારે સંતાનો હોય તો પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.
એમની સંપત્તિ પોતાનાં નામ પર કરવા સંતાનો એમને દબાણ કરે છે. ઘણી વાર ખાવાનું ના આપવું, ગમે તેમ બોલવું વગેરે દુર્વ્યવહાર કરે છે.
દીકરી એ લાગણીનો દરિયો તરીકે ઓળખાય છે. દુનિયામાં કોઈને લાગણી ના હોય પણ પોતાનાં મા-બાપ પ્રત્યે દીકરીને અનેરો લગાવ હોય. કોઈ કરે કે ના કરે, દીકરી એમનાં ઘડપણમાં જરૂર એમને સાચવે.
પણ આજે આ બધું મહદઅંશે બદલાઈ ગયું છે. દીકરીઓ સંપત્તિ માટે જ હક બતાવે છે. ફરજ બજાવવાના ટાઈમે બધાં દૂર ભાગી જાય છે.
મા-બાપ તમારાં છે. કદાચ ભાઈ-ભાભી નથી સમજતાં તો શું તમે એક દીકરી તરીકે એમને સાચવી ના શકો? તમારી જાતને ખુશનસીબ માનો કે કુદરતે તમને આ મોકો આપ્યો છે. બાકી એક દીકરી ઈચ્છે તો પણ માતા-પિતાની પાસે રહી નથી શકતી. એમની સેવા નથી કરી શકતી.
સ્વેચ્છાએ તમે ભાઈને કહી દો કે તમારે સંપત્તિમાંથી કાંઈ નથી જોઈતું. તમારી માટે તમારાં ભાઈ-ભાભીને બહુમાન ભાવ વધી જશે. બાકી ઉપરવાળો બધું જુએ જ છે. એ તમને તમારાં પુણ્ય કર્મ પ્રમાણે આપશે જ.
એક દીકરી પિયરમાં ઉછરે ત્યાં સુધી એ પોતાની મરજી મુજબ જીવી શકે છે. પિતાની છત્રછાયામાં એ પરી જેમ ફીલ કરી શકે છે. બાકી લગ્ન બાદ જવાબદારીઓમાં એ ક્યાં પોતાનાં મનનું જીવી શકે છે.
માતા-પિતાનાં તમારી પર ઘણાં ઉપકારો હોય છે. એમની સેવા કરી થોડું ઋણ ઓછું કરી શકો. હકની આશા રાખ્યાં વગર ફરજ બજાવો. જીવનમાં સૂકુન મળશે.
~ અલ્પા શાહ
shahalpa952@gmail.com