સ્ક્રૂ (લેખ) ~ માના વ્યાસ
અમારે ત્યાં ખૂબ જૂની લીલું નારિયેળ ખમણવાની ખમણી છે. વર્ષો પહેલાં સાસરિયાં શિવાજી પાર્ક (દાદર) બાજુ રહેતાં એટલે દાદી સાસુજીએ વસાવી હશે.
મરાઠી લોકોમાં એનો વપરાશ વધુ હોય છે. મરાઠીમાં ‘વીળી’ કે ‘નારિયેલ ખુરુચની‘ તરીકે ઓળખાય. એક પગ લાકડાનાં પાટિયા પર મુકી સામે જડેલા ગોળ ધારવાળા પાનાથી ખમણવાનું.
એમાં નારિયેળ ઝડપથી ઝીણું ખમણાય, નારિયેળનું દૂધ અકબંધ રહે અને કડક કથ્થઈ છાલ ભળે નહીં. ફ્ક્ત શ્વેત, રસાળ તાજાં પડેલાં બરફ જેવું ખમણ મળે.
આવાં ત્રેવડાં કામ પાર પાડતી અમારી ખમણી લગભગ એંશી વર્ષ પછી ટૂટી ગઇ. એનું ખમણવાનું પાનું અને લાકડાનાં પાટિયાને જોડતો સ્ક્રૂ કટાઇને નીકળી ગયો.
બાઇ આવીને બોલી, ”ભાભી હી ટૂટલી આણી આતા કામાચી નાહી.”
છાતી પર વર્ષોથી અનેક પગનાં આઘાત સહન કરી હવે એ જાણે ભાંગી પડી હતી.
મને થોડું દુઃખ તો થયું. કુટુંબનાં ત્રણ પેઢીના સભ્યોને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવા કામ આવી હતી એ. ઘણીવાર વીળી જોઇને દાદીજી અને સાસુજી યાદ આવી જતાં.
આમ પણ હવે કોપરા પાક કે ફરાળી પેટીસ કોણ ખાય છે? મેં એને હાથમાં લઈ કહ્યું, ઊંધિયું બનાવતી વખતે તું યાદ આવશે.
કોણ જાણે કેમ પણ એ દિવસે મેં એને ફેંકી ન દીધી અને ખૂણામાં રાખી મૂકી. અમારી મરાઠી બાઇએ સાફ શબ્દોમાં કહ્યું કે, ”આતા હે રીપેર હોણાર જ નાહી.”
‘હવે બહુ વાપરી જવા દે એને, નવી લઇ લે. ‘પતિએ તોડ કાઢ્યો.
‘હવે એ બધું આપણાથી થાય નહીં, ને બાઇને ખમણવાનું કહેવું પડે. છોડ હવે.’ સખીએ કહ્યું.
ઘણાં દિવસ પછી એક છેલ્લા પ્રયત્ન તરીકે પાર્લા ઈસ્ટમાં નાની દુકાન પર નજર પડી. સાવ વેરવિખેર સામાનવાળી એ દુકાનમાં ચાચા પણ આયુષ્યનાં ઘણાં દાયકા વિતાવેલા હશે એવું લાગ્યું. જાણે જૂની વસ્તુઓ પ્રત્યે મમત્વ રાખનાર કોઈ આવી ચડે એને રાજી કરવાનું કામ હશે એમનું? એમનાં નાનાં એવાં પ્રયત્નથી કેટલાંયે સ્મરણો સચવાઈ જતાં હશે!
મેં એમને વીળી બતાવી.
‘હો જાયેગા. એમણે એક જ નજર મારી કહી દીધું. દસ મિનિટ કે બાદ આના.’ એ એમની સાવ વળી ગયેલી કમર ઊંચકી બોલ્યાં.
હું ગઇ ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે વીળી તૈયાર હતી, છાતી પર નવાનક્કોર સ્ક્રૂ સાથે. ચાચા સાથે ભાવતાલ કરી મારે એમની માંડ ઉંચી થતી નજરમાં વિષાદ નહોતો જોવો.
એમણે આજે ત્રણ પેઢી વચ્ચે એક નાના સ્ક્રૂથી સંધાન કરી આપ્યું હતું.
~ માના વ્યાસ, મુંબઈ
ત્રણ પેઢીનું સંધાન એક નાના સ્ક્રુથી- હ્રદયસ્પર્શી સમાપન.
આભાર.
ખૂબ સરસ અભિવ્યક્તિ