‘તર્પણ’ (વાર્તા) ~ રાજુલ કૌશિક
“આજે તેર દિવસ પછી મેં સ્કૂલે જવાનું શરૂ કર્યું છે, આટલા દિવસ મેં ખૂણો પાળ્યો.”
આ વળી નવી વાત. નવી વાત એટલા માટે કે દસ, બાર વર્ષની ઉંમરે આ ખૂણો પાળવા જેવા શબ્દો સાવ પહેલી વાર સાંભળ્યાં. વાત કરતાં હતાં અમારી સોસાયટીમાં છેક અંદરના ખૂણાનાં ચૌદ નંબરના ઘરમાં રહેતાં સૂર્યાબહેન.
ચાલીસ બંગલાની સોસાયટીમાં સૌથી પહેલો અમારો બંગલો એટલે મેઇન રોડ પરથી સોસાયટીમાં જવા માટે અમારા બંગલા પાસેથી પસાર થવું પડે.
એ દિવસે સાંજની બસમાંથી ઉતરીને ચાલ્યાં આવતાં સૂર્યાબહેન ઘરના ઓટલા પર બેઠેલાં અમારાં દાદીબાને જોઈને ઝાંપા પાસે અટકયાં. આમ તો રોજે જ અમે એમને જોતાં.
પચાસેક વર્ષની ઉંમર, પાતળાં ઊંચા અને સહેજ ચીમળાયેલા ચહેરાવાળા સૂર્યાબહેન જાણે ફૂટપટ્ટી મૂકીને સીધી પાંથી પાડતાં હોય એમ લાગતું. એ વાળને બે સેરમાં બાંધતાં. એક સેર ખભાની આગળ અને બીજી ખભાની પાછળ. સુઘડ છતાં સાદી સુતરાઉ સાડીઓ એ પહેરતાં. અત્યંત મૃદુ ભાષી એવાં સૂર્યાબહેનનું વ્યક્તિત્વ પણ શાલીન.
રોજ સવારે સવા દસ વાગ્યાની બસમાં સ્કૂલે જતાં અને સાંજે સાડા પાંચની બસમાં પાછાં આવતાં. જો અમારાં દાદીબા બહાર ઓટલા પર બેઠાં હોય તો ઘડી બે ઘડી અટકે, વાતો કરે. વાતોમાં મોટાભાગે ખબરઅંતર પૂછે અથવા જે તે દિવસની ખાસ કોઈ ઘટના બની હોય તો એના અંગેની વાતો હોય.
બસ, એથી વિશેષ કશું જ નહીં અને દાદીબા બહાર ન હોય તો અમારી સામે જરા અમસ્તું સ્મિત આપીને, “કેમ છો દીકરા” કહીને સોસાયટીની અંદર વળી જતાં.
છેલ્લાં થોડા દિવસથી એમને જોયાં નહોતાં, પણ નથી જોયાં એવી કોઈ નોંધ પણ લેવાઈ નહોતી.
આજે અચાનક સાવ સફેદ સાડલામાં જોયાં. આજે પહેલી વાર એવું ધ્યાન પડ્યું કે ગળામાં, હાથમાં પણ કશું પહેર્યું નહોતું. અરે! કપાળ પર પેલી નાનકડી લાલ રંગની બિંદી પણ અદૃશ્ય. ત્યારે ખ્યાલ આવ્યો કે ખાલી ગળું, અડવા હાથ કે કોરું કપાળ કેવું લાગે! સૂર્યાબહેનેનો ચહેરો વધુ ચીમળાયેલો લાગ્યો.
આમ તો એ દસ-બાર વર્ષની ઉંમરે આવી બધી વાતોની તો ક્યાં સમજણ હતી? પણ સોસાયટીમાં સૌના માટે એ એક ન સમજાય એવાં વ્યક્તિ હતાં એવું અમને સમજાતું હતું. ધીમે ધીમે કેટલીક વાતો સમજાવા માંડી.
સહેજ સ્થૂળ શરીર, કાળી ફ્રેમના ચશ્માં, હાથમાં તે સમયે રાખતા એવી ચામડાની પોર્ટફોલિયા જેવી બેગ લઈને સાંજે છ વાગ્યાની બસમાંથી રોજે એક સજ્જન ઉતરતાં. એ પણ ખૂણાનાં ચૌદ નંબરના બંગલામાં જ જતા.
સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એ રોકાતા અને આવતા એવી જ રીતે સાંજ ઢળતાં આઠને દસની બસમાં ચાલ્યા જતાં. માત્ર રવિવારનો એક દિવસ છોડીને રોજ આવનાર એ સૂર્યાબહેનના મહેમાન માટે ધીમે ધીમે આસપાસના લોકોના મનમાં સવાલ ઊઠતા.
સૂર્યાબહેનનું જગત સ્કૂલ અને એ સજ્જન વચ્ચે સમાઈ જતું. સૂર્યાબહેન એકલાં જ છે અને એકલાં જ રહે છે એવી જ સૌને ખબર હતી. એમનો સોસાયટીમાં સૌની સાથે માત્ર ઔપચારિક સંબંધ જ હતો. હંમેશા અંતર રાખીને સૌની સાથે વાત કરતાં સૂર્યાબહેનની શાલીનતા અને સૌમ્યતાના લીધે એમના માટે કશું આડુંઅવળું વિચારતાં સૌ ખચકાતા. છતાં અંદરથી તો કદાચ સૌને એ અંગે સવાલો તો હતા જ.
એ સઘળા સવાલોના જવાબ એ દિવસે દાદીબા સાથેની વાતોમાંથી જડી આવ્યા.
સૂર્યાબહેનને ભાઈ કે બહેન તો હતાં જ નહીં. બી.એ અને બી.એડ સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં માતા-પિતાનું સમયાંતરે અવસાન થઈ ગયેલું. માતા-પિતાનાં આંતરજ્ઞાતિય લગ્નના લીધે બંનેના પરિવારે એમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. સૂર્યાબહેનના મા-બાપની જાતિ વચ્ચેનો ભેદ એટલો મોટો હતો કે સમાજે દોરેલી લક્ષ્મણરેખાના લીધે એ ખાઈ ક્યારેય પૂરાઈ નહીં. એવું એ કહેતાં કહેતાં એ ગળગળાં થઈ ગયાં.
“આ જાતિ ક્યાંય જાતી નથી. એ જન્મની સાથે જ જળોની જેમ ચોંટે છે અને મૃત્યુ પર્યંત ઉખડતી નથી. મારાં માબાપને જીવનભર એમનાં માબાપે બોલાવ્યાં તો નહીં પણ મારાં જન્મના સમાચાર મળ્યા પછીય મારું મ્હોં જોવાની એમને ઈચ્છા થઈ નહોતી. જનમથી હું એકલી હતી. આજે ફરી એકલી પડી ગઈ.” સૂર્યાબહેનની આંખ ઝળઝળિયાથી ભીની થઈ.
બંગલાનો ઝાંપો વળોટીને એ આજ સુધી ક્યારેય ઘરમાં આવ્યાં નહોતાં. પણ એ દિવસે દાદીબાની વાત માનીને ઘરમાં આવ્યાં. પાણીનો ગ્લાસ હાથમાં પકડીને થોડો સમય તો એ ચૂપચાપ બેઠાં રહ્યાં. દાદીબાએ થોડો સમય જવા દીધો. દાદીબા સમજતાં હતાં કે દિલની લાગણીઓને શબ્દો બનીને હોઠ સુધીની યાત્રા માટે થોડો સમય તો લાગશે જ.
“મન ઠલવાશે તો હળવાશ લાગશે, સૂર્યાબહેન.” દાદીબા માત્ર એટલું બોલીને ચૂપ થઈ ગયાં.
“બી.એડ. સુધી પહોંચી ત્યાં સુધીમાં આ જાતિ વિશેના અનેક સવાલો તીરની જેમ વાગે એમ પૂછાયા છે. કેટલીય વાર મનમાં આક્રોશ ઊઠતો કે જુદીજુદી જાતિના લોકોના લોહીનો રંગ પણ જુદો હશે? માબાપના ગયાં પછી શહેર જ બદલી નાખ્યું. અહીં આવીને સ્કૂલમાં નોકરી મળી ગઈ પણ બાવીસ વર્ષની ઉંમરે હું સાવ એકાકી બની ગઈ. સતત જાતિ અંગે પૂછાતા સવાલોને લીધે મને કોઈનીય સાથે ભળવાનું મન નહોતું થતું.
“જાતિ વગર વ્યક્તિની પોતાની ઓળખ હોઈ ન શકે? મારું ભણતર, મારું કામ મારી ઓળખ ન બની શકે? આજે પહેલી વાર માત્ર તમને કહું છું વિદ્યાબહેન કે, અહીં આવીને મેં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એફિડેવિટ કરાવીને મારી અટક બદલાવી નાખી. પણ, એ કરવામાંય નવ નેજાં પાણી ઉતર્યાં છે. કૉર્પોરેશનમાં પણ મને એકલી ભાળીને કેટલાય પુરુષોની નજરોનો, અર્થહીન માંગણીઓનો સામનો કરવો પડ્યો છે.
“કૉર્પોરેશનના ધક્કા દરમ્યાન ત્યાંની ઑફિસમાં એ મને મળ્યા. બસ, માત્ર એક એ મળ્યા જેમણે મને મારી આગળ પાછળની ઓળખમાંથી છૂટી પાડીને માત્ર સૂર્યા નામ આપ્યું. ભીડ વચ્ચે અટવાતી આ એકાકી સ્ત્રીને સધિયારો આપ્યો. પછી તો મન મળી ગયાં અમારાં. કોઈને કહું તો નહીં માને પણ સાચા અર્થમાં એ મારાં મિત્ર બની રહ્યાં. માત્ર મનથી મળ્યાં અને મનથી જ મળતાં રહ્યાં અમે.
હું જાણતી હતી કે એ પરણેલા છે. એમને બે સંતાનો છે. ક્યારેય મેં એમની પાસે કોઈ અપેક્ષા રાખી નથી. એમના પરિવારથી છૂટા પડે એવી ક્યારેય માંગણી કરી નથી. એક સ્રી તરીકે એમણે જે સન્માન આપ્યું એનો સ્વીકાર કરીને અમે લગ્ન નહોતાં કર્યાં છતાં એમના નામનું મંગળસૂત્ર મેં પહેર્યું.
“એમના પરિવારને પણ અમારા સંબંધની જાણ હતી. એમનાં પત્ની કુસુમબહેને ક્યારેય મારા માટે સવાલ નથી કર્યો કે નથી ઘરમાં કોઈ કંકાસ કર્યો. કે નથી કુસુમબહેને ક્યારેય મારો સંપર્ક કર્યો.
“મને હંમેશા કુસુમબહેનનો વિચાર આવતો અને હું એમને મારી પાસે ન આવવા વિનવતી. જોકે એમણે ક્યારેય મારી વાત કાને ધરી નહીં. હંમેશા આવવાનો ક્રમ જાળવી રાખ્યો.
એ કહેતા કે, ‘માણસનું હૃદય ભલે મુઠ્ઠી જેટલું હોય પણ સમસ્ત સંસારનો એમાં સમાવેશ થઈ જાય. મારા સંસારમાં બે સંતાનો, કુસુમ અને સૂર્યા તમે ચાર જણ જ છો. મારે તો એટલાને જ સમાવવાના છે ને?’ એટલાને તો હું સાચવી શકીશ.”
સૂર્યાબહેને ગ્લાસમાંથી પાણીનાં બે ઘૂંટ ભરીને આગળ વાત શરૂ કરી.
“છેવટે છેલ્લા પચીસ વર્ષે એમનો ક્રમ તૂટ્યો. ઘરમાં જ બેઠા હતા ને અમને ચાર જણને સમાવતું એમનું હૃદય જ બેસી ગયું. તમને જાણીને નવાઈ લાગશે કે, આ સમાચાર પણ મને કુસુમબહેને જ આપ્યા. એમનો ફોન આવ્યો કે, સૂર્યાબહેન આપણે નોંધારાં થઈ ગયાં. રખેને મારી હાજરીથી કુસુમબહેન સામે સવાલો ઊઠે એ વિચારે એમના અંતિમ દર્શન માટે પણ હું ગઈ નથી. મારાં ઘરમાં એમની છબી સામે દીવો કરીને તેર દિવસ ભાગવત ગીતા વાંચી. ગઈ કાલે તેર દિવસ પૂરા થયા.
“કાલથી સ્કૂલે જવાનું શરૂ કરીશ. સ્કૂલમાંય સત્યથી સૌને દૂર જ રાખ્યા છે. મારાં પતિનું અવસાન થયું છે એટલા સમાચાર આપીને રજા પર ઉતરી ગઈ હતી.
“મને ખબર છે કે એ રોજે આવતા ત્યારે એમને જોઈને પડોશીઓના મનમાં સવાલ થયા હશે. એ સવાલો મારા સુધી ન પહોંચે એટલે મેં મારી જાતને સૌથી અળગી જ રાખી. કોઈની સાથે ઝાઝું ભળતી નહોતી. બસ આ એક તમે છો જેમની પાસે હું પાંચેક મિનિટ ઊભી રહેતી. તમે આજ સુધી મને મારા અંગત જીવન અંગે ક્યારેય જાણવાનું કુતૂહલ બતાવ્યુ નથી. અને એટલે જ કદાચ આજે તમારી પાસે બે ઘડી બેસવાનું મન થયું.
“વકીલ પાસે જઈને વસિયતનામું કરી આવી છું. મારાં મરણ પછી મારી જે કંઈ સંપત્તિ છે એ એમના સંતાનોના નામે કરી છે. આટલું તર્પણ તો એમની પાછળ હું કરી જ શકું ને? મારાં ઘરની એક ચાવી મારી પાસે અને બીજી એમની પાસે રહેતી. એ ચાવી કુસુમબહેન પાસે રહે અને અંતે મારું આ ઘર કુસુમબહેનના નામે થાય એમ લખાવી દીધું છે.
“બસ હવે તો પ્રભુને એક જ પ્રાર્થના કે એમના આત્માને પરમ શાતામાં રાખે. એમના પરિવારને સુખ અને સલામતી આપે.”
એ સાંજે સૂર્યાબહેનનાં ગયાં પછી દાદીબાએ દીવો કરીને ભગવાન પાસે સૂર્યાબહેનનાં ‘એ’ના આત્માની સદ્ગતિ અને સૂર્યાબહેન સમેત એમના પરિવારના સુખ-સલામતી માટે પ્રાર્થના કરી.
~ રાજુલ કૌશિક
એક એકાકી સ્ત્રીની ભાવનાઓને સુંદર રીતે વ્યક્ત કરી.. સૂર્યાબહેનની આભા ,જાતિ તરફ સમાજનું જક્કી વલણ સરસ રીતે આલેખી વાર્તાને દિલ સુધી પહોંચાડી.હાર્દિક અભિનંદન
આંશિક સત્યઘટના પર આધારિત વાર્તા ‘તર્પણ’ ને આપણું આંગણું પર મૂકવા બદલ આભાર હિતેનભાઈ, જયશ્રીબહેન.
Heart warming story.