સફળતાના કિસ્સામાં રંગ લાવવાને ~ અનિલ ચાવડા
માણસ સિદ્ધિના શિખરે પહોંચી જાય પછી તેને નિષ્ફળતાના દિવસોને ગૌરવપૂર્વક યાદ કરવા ગમે છે. તક મળે કે તરત તે પોતાના કોથળામાંથી સંઘર્ષભર્યા દિવસોની વાતો કાઢે છે. આવું કરવાથી વર્તમાન વધારે ઊજળો બનતો હોય તેવું તેને લાગે છે.
ભૂતકાળના અંધકારને યાદ કરીને વર્તમાનનો સૂર્ય વધારે ઝળહળતો અનુભવાય છે. આ ગૌરવભરી વાતો સાંભળીને લોકોને પણ લાગે છે કે એક સમયે કેવી કપરી પરિસ્થિતિમાં હતો આ માણસ, અને આજે જુઓ… ક્યાંથી ક્યાંં પહોંચી ગયો!
આ ‘ક્યાંથી ક્યાં પહોંચી ગયો’ વાક્યરચના બેધારી છે. ટોચે પહોંચેલો માણસ પછડાય ત્યારે પણ આ જ શબ્દો વપરાય છે.
નિષ્ફળતાના દિવસોમાં ભૂતકાળની સફળતાની વાતો ભયાનક પીડા આપે છે, ગુમાવી દીધાનો ગમ અંદરથી કોરી ખાય છે. વારસો અને વૈભવ ગયા પછી બચેલા વસવસાના ભારને ઉપાડવો અઘરો થઈ પડે છે.
ભૂતકાળની સફળતા વર્તમાનના નિષ્ફળ દિવસોને વધારે કડવાશભર્યા બનાવે છે. પણ સફળતાના સમયમાં ભૂતકાળના યાતનાભર્યા દિવસોને યાદ કરીને મનમાં ખૂબ રાહત અનુભવાય છે.
જેનો ભૂતકાળ સંઘર્ષભર્યો ન હોય, તેમને પણ પોતાના વીતેલા સમયની કોઈ સાવ નાની સમસ્યાને મહાકાય બનાવીને રજૂ કરવાની ગમતી હોય છે.
આવુંં કરવાથી તેમનો વર્તમાન વધારે રસપ્રદ, રોચક અને પ્રેરક બને છે.
મરીઝ આ વાત ખૂબ સારી રીતે જાણે છે, એટલા માટે તેમણે લખ્યું છે-
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
જ્યાં સુધી ભૂતકાળની નિષ્ફળતાના દિવસોને ગૌરવપૂર્વક ન સંભારવામાં આવે ત્યાં સુધી સફળતાની ખરી મજા આવતી નથી. નિષ્ફળતા જ સફળતાને વધારે રંગીન બનાવે છે.
એક સજીવ મનુષ્ય તરીકે આપણો સૌથી મોટા બે જ ભય હોય છે એક છે મૃત્યુ અને બીજો ભય નિષ્ફળતાનો… નાલેશીનો…. પ્રાકૃત ભાષામાં એક દુહો છે-
ભલ્લા હુઆ જુ મારિયા બહિણી મારા કન્તુ,
લજ્જેજજં તુ વયસિઅહુ, જઈ ભગ્ગા ધરી એન્તુ.
દુહામાં એક નવપરણિત યુવતી પોતાની બહેનપણીને કહે છે, કે બહેન, સારું થયું કે કે મારા પતિ રણમાં મરી ગયા. તમને નવાઈ લાગશે કે કોઈ પાક્કી પતિવ્રતા નારી પોતાનો પતિ મરતા એમ કહે છે કે સારું થયું! પણ એમ કહેવા માટે તેની પાસે એક મોટું કારણ છે.
પતિ યુદ્ધમાં ગયો છે, પોતાની માભોમના રક્ષણ માટે, પોતાના દેશનો ઝંડો ગૌરવપૂર્વક ઊંચે ફરકતો રહે તે માટે. આવી સ્થિતિમાં યુદ્ધની ભયાનકતા જોઈને એ ડરી જાય અને ઘરે ભાગી આવે તો મરવા કરતા પણ વધારે બદતર ગણાય.
આ એ સમયની વાત છે જ્યારે ગૌરવ અને પ્રતિષ્ઠા માટે લોકો જીવ આપી દેતા હતા. આજની વાત નથી. આજે તો ઘણા લોકોને ખબર પડે કે છોકરો મિલિટ્રીમાં નોકરી કરે છે તો ઘણા લોકો ત્યાં જ સગું તોડી નાખે છે.
નારે ના, મારી દીકરી એટલા વર્ષો એકલી ના રહે. વળી એમાં તો જીવનું પણ જોખમ. છોકરાને કંઈ થઈ જાય તો મારી દીકરીનું શું? અને દીકરી પણ પણ ધડ દઈને કહી દે કે આવું આપણને નહીં ફાવે.
આ તો એ સમયની વાત છે જ્યારે લોકો પોતાના એક વચન માટે જિંદગી ખર્ચી નાખતા હતા. બોલેલો શબ્દ પાળવા માટે જીવ આપવામાં પણ પાછી પાની નહોતા કરતા.
એટલા માટે જ જ્યારે તે નવોઢા સ્ત્રીનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે ગૌરવથી તે પોતાની બહેનપણીને કહે છે કે સારું થયું, મારો પતિ યુદ્ધમાં લડીને વીરગતિ પામ્યો, એ કાયરની જેમ ભાગીને આવ્યો હોત તો તો હું જીવતેજીવત મરી જાત.
~ અનિલ ચાવડા