તડકાની ઐસી કી તૈસી (નિબંધ) ~ માના વ્યાસ (સ્પંદના)
એપ્રિલ મહિનો આવે એટલે સૂરજ જાણે પલાંઠી વાળીને આસન જમાવે. રાગ તડકાનો આલાપ તાણે. શરુઆતમાં જરા તાલ બેસાડવા મંદ્ર સપ્તકનાં હળવા સૂર લાગે લગભગ રામનવમી સુધી, પછી ધીમે ધીમે તડકાનો સૂર ઊંચો થતો જાય. મે મહિનામાં તાર સપ્તક સુધી પહોંચી જાય.
કુદરત પણ મહેફિલ જમાવીને સાજિંદાઓ સાથે તૈયારી કરતી હોય એમ ઠૂંઠા વૃક્ષમાં સળવળાટ શરૂ થઈ જાય. આમ પણ વૃક્ષનો જીવ પરોપકારી એટલે ધોમ ધખે એ પહેલાં ઘટા તૈયાર કરવા માંડે. લીમડા, આંબા, ગુલમહોર પર નાની લીલી દીવડીઓની હરિત જ્યોત પ્રગટવા લાગે.
આંબો તો હરખઘેલો એટલો કે એપ્રિલ આવવાની રાહ જોઈ રહ્યો હોય. ચમકતી ઘેરી કૂંપળ અઠવાડિયામાં તો લાંબા લીલાંછમ પર્ણોમાં પરિવર્તિત થઈને ચોમેર લીલું વાતારણ ખડું કરી દે. અમારી બારી પાસેનો આંબો તો જાણે લીલી લાઇટ મારતું સિગ્નલ. સાથે મંજરીની મહેકનું પાર્સલ પણ મોકલતો રહે.
પીળો ગુલમહોર તો તડકાને ઝીલી-ઝીલીને એના પડીકાં વાળી દૂર ફેંકતો રહે. એની છાંયમાં ઊભેલાને સ્પર્શ પણ ન થવા દે. તડકાની એરણે ચઢેલાં ફૂલ સુવર્ણમય બની સવારે આખો રસ્તો સોને મઢી દે ત્યારે એમ વિચાર આવે કે આ રસ્તા પર નો એન્ટ્રીનું બોર્ડ મારી દેવું જોઈએ.
એપ્રિલ આવે કે આસોપાલવનાં ઝીણાં ઝીણાં સફેદ ફૂલ સવારે અમારાં ગાર્ડનમાં પથરાયેલાં હોય. મોર્નિંગ વોક લેતાં લોકોનાં પગ તળે કચરાઇ અનેરી સુગંધ ફેલાવતાં રહે. એ એટલી બધી સંખ્યામાં હોય કે એમને ચાલતી વખતે બચાવવાં મુશ્કેલ હોય. કદાચ એજ એમની નિયતિ હશે!
ક્રેપ માર્ટલનાં પર્પલ ફૂલોનો તો અદકો જ મિજાજ. કોઈ રૂપગર્વિતા જેવો. એક નજર નાંખી કે એનાં સંમોહનમાં જકડાઈ જઇએ.
બીજી નજરની સલામી આપવી જ પડે તો જ છુટકારો થાય. સુંદર પર્પલ કલરનાં ફૂલથી મંડિત વૃક્ષ હળવાશથી લહેરાતાં હોય. તડકો તો એની સામે ઘૂંટણિયે પડી જાય એવી એમની શોભા.
આંબો મ્હોરે એની ખબર કોયલને સૌથી પહેલી ખબર પડે. એનો તો વર્ણ જ શ્યામ એટલે તડકામાં વધુ શું કાળી પડશે? તડકાની ઐસી કી તૈસી કરી ટહૂકવા માંડે. એ તડકો એનાં પંચમ સૂરમાં ઝબોળાઇને ઢીલોઢસ, નિમાણો થઈ વિખેરાઈ જાય.
લાલ ગુલમહોરની છટા થોડી મોડી દેખાશે પણ શો સ્ટોપરની જેમ પછી કોઈની સામે જોવા નહીં દે. જેમ ગરમીનું જોર વધે એમ એનાં ફૂલફટાક થઈ નીકળતાં લાલચટ્ટક ફૂલડાં તડકાનાં વસ્ત્રને સાવ શીર્ણવિશીર્ણ કરી મુકશે.
સરગવાનાં ઝાડ પર ઝૂલતી, પીળો કોલર પહેરી આવેલી દેવચકલી સફેદ ફૂલ ખાતાં ખાતાં મારા એસી સામે જોઈ એની ભાષામાં ટ્વીટ કરે છે.. તડકાની ઐસી કી તૈસી..
~ માના વ્યાસ (સ્પંદના)
mana.vyas64@gmail.com
તડકા પર નિબંધ મના વ્યાસ જ લખી શકે.
અદભુત, ગુણવંત શાહ ની યાદ આવી ગઈ. ગુજરાતી સહિત્ય મા ઊંચું નામ બની રહે એવી શુભકામના.
અવિનાશ દેસાઈ
વાહ માના!!!ખૂબજ સુંદર અદ્દભૂત લખાણ….આંખો સામે દૃશ્યો રચાઈ ગયા ને તડકાની એસી તેસી થઈ ગઈ…
માનાબહેન ખૂબ સરસ નિબંધ છે, સરસ વર્ણન 👌
Sunder
સરસ વર્ણન