મહિલા દિવસ (વાર્તા) ~ માના વ્યાસ

સવારનાં 6:30 વાગ્યા હતા. મુંબઈના સમૃદ્ધ લોખંડવાલામાં આવેલું ચંદ્રદર્શન બિલ્ડીંગ હજુ શાંતિમાં પોઢ્યું હતું.

જીયા હંમેશની જેમ ત્રીજા માળેથી દાદર ઉતરીને‌ નીચે આવી. જીયા એર ઇંડિયામાં એરહોસ્ટેસ હતી એટલે ફીટ રહેવા સીડીનો ઉપયોગ કરતી.

એરહોસ્ટેસના યુનિફોર્મમાં એ સ્માર્ટ લાગી રહી હતી. કમ્પાઉન્ડમાં આવી એને છીંક આવી ગઈ. પર્સમાંથી રૂમાલ કાઢીને મોઢું ઢાંકી દીધું.

“ચંપાબેન શું કરો છો? કેમ આજે આટલાં વહેલાં કામ પર આવી ગયાં? એણે નવાઈ પામતાં પૂછ્યું.

“જય શ્રીકૃષ્ણ મેડમ, સોરી, જરા તમારાં પર ધૂળ ઉડી ગઈ.”

ચંપા એના સાત મહિનાના વધેલા પેટ સાથે હાલકડોલક ચાલતી પાસે આવી ઊભી રહી ગઈ.

“મેડમ ડિલિવરીમાં પૈસા જોઈસેને! એક કામ વધુ કરવા જાઉં છું, એટલે અહીંયા વહેલી આવી જાઉં છું. જ્યાં સુધી કામ થસે ત્યાં લગી કરીસ.”

જીયાએ પર્સમાંથી બે કુપન આપતા કહ્યું, ”લે આ બે સુપર માર્કેટની કુપન છે. તને કામ લાગશે.”

“થેન્ક્યુ મેડમ. મેડમ તમે મને સાંજે ચાલતા કમ્પ્યુટર ક્લાસ કરવા ફી માટે પૈસા આપ્યા હતા તે મેં રાજ કમ્પ્યુટર ક્લાસમાં  ભરી દીધા છે. આવતા અઠવાડિયાથી જઈશ, થેન્ક્યુ હો.” ચંપાએ આભારવશ થતાં કહ્યું.”

“હા અને હવે વધારે બાળકો નહીં સમજી? જીયા કહ્યા વિના ન રહી શકી.

“હા મેડમ એક બાબો છે, બસ એક બેબી આવી જાય એટલે ઓપરેશન કરાવી દઈશ.

અચાનક બંનેના માથા પર ધૂળ અને કાંકરા પડ્યાં.

“અરે ,આ શું? કહેતા બંને ઉપર જોવાં લાગ્યાં. આછા ઉજાસમાં ચહેરો ઓળખાતો નહોતો પણ કોઈ છોકરી હતી એ નક્કી.

12 માળની  બિલ્ડીંગની  ટેરેસની પાળી પર કોઈ ચડવાની કોશિશ કરી રહ્યું હતું. બંને ગભરાઈને એકબીજા સામે જોઈ રહ્યાં. પણ કોઈ પાળી ઉપર શા માટે ચડે? કંઈ કળાતું નહોતું. દૂર

ખસીને જોતા ચંપાએ ચીસ પાડી. “આ તો સોનુછે, આઠમા માળવાળી, અમીતાભાભીની દીકરી…”

 “મેડમ એ કૂદવાની લાગે છે કોઈ બચાવો. હે રામ ..!”

“ચંપા હું ઉપર જાઉં છું, તું જલ્દી વોચમેનને બોલાવી લાવ અને એનાં ચાદર ચારસા લેતી આવી, ઝટ કર. જીયા એરહોસ્ટેસ હતી એટલે એને સંકટ સમયે ગભરાઈ ન જતાં તેનો ઉકેલ શોધવાની ટ્રેનિંગ મળી હતી.

વોચમેન અને ચંપા પાળી પર ઊભેલી સોનુંને નીચેથી હાથ હલાવી કૂદવાની ના પાડી રહ્યાં હતાં. સોનુ એ બંનેને જોઈને અચકાઈ ગઈ. આત્મહત્યા કરવા આવી હતી પણ હવે પગ ડગમગવા લાગ્યા હતા.

પાળી પર ઊભા રહી નીચે જોતાં ચક્કર આવવાં લાગ્યાં. પાછળ ઉતરવા પણ ડર લાગવા માંડ્યો હતો.

હવે આ બધા પપ્પા મમ્મીને જણાવશે. આખી સોસાયટી જાણશે.  ના ના મારે મરવું જ છે. આવાં જીવનનો શું અર્થ છે ?

આંખ બંધ કરી ફરીથી છલાંગ લગાવવા તૈયાર થઈ ત્યાં જ કોઈએ પાછળથી પકડી લીધી. સમયસર આવી ગયેલી જીયાએ સોનુને ખેંચીને નીચે ઉતારી લીધી .

બંને ટેરેસની ફર્શ પર પડી ગયાં. ગુસ્સામાં જીયા એ સોનુંને એક તમાચો મારી દીધો. “શું કરે છે? ગાંડી છે સોનુ?”

સોનુ જોરથી જીયાને વળગી પડી. કદાચ હવે એને સમજાઈ રહ્યું હતું કે એ શું કરવા જઈ રહી હતી. એટલામાં વોચમેન અને ચંપા પણ આવી પહોંચ્યાં.

“સોનુ પાગલ છે કે બોલ કેમ આવું કરતી હતી? જીયાએ સોનુને ઝંઝોડી નાંખતા પૂછ્યું.

રડતાં રડતાં સોનુંએ કહ્યું, “જીયાદી, મારા બોયફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થઈ ગયું છે.  એણે મને છોડી દીધી છે. કોલેજમાં બધાને શું મોઢું બતાવીશ? હું મરીને એને બતાવી દઈશ પછી એ પસ્તાશે.” સોનું ગુસ્સામાં બોલી ગઈ.

‘સોનુ, સોનુ નાદાની ન કર. એક નાલાયક બોયફ્રેન્ડ માટે તું જીવ આપવા તૈયાર થઈ ગઈ? શું જીવન ફેંકી દેવા માટે છે?

“તું તો મરે પાછળથી માબાપ જીવતા મરી જાય..અરે, તારું પોતાનું વ્યક્તિત્વ ઘડ. એક સફળ કારકિર્દી બનાવ. એમ કંઈ હારી જવાય?”

“આઈ એમ સોરી દીદી. મને ખબર નહીં કેમ આવું સૂઝ્યું !

“ચંપાબેન, વોચમેન થેન્ક્યુ..”સોનું ગળગળી થઈ ગઈ.

“હા, હવે ક્યારેય આવું નહીં કરવાનું. પ્રભુએ આપણને જીવન જીવવા માટે આપ્યું છે. એને સરસ રીતે જીવવાનું. અમે તારાં મમ્મી પપ્પાને કંઈ પણ જણાવીશું નહીં. ઠીક છે?” ચંપા આંખ લૂછતાં બોલી.

‘જો આજે 8th‌ માર્ચ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે અમારી ઓલ વિમેન્સ ક્રૂ મેમ્બર ફ્લાઇટ પહેલી વાર સૌથી લાંબી ઉડાન કરવાની છે, તો આ એનર્જી બાર ખાઈને મને બેસ્ટ લક વિશ કરો.” જીયાએ સૌને મીઠું મોઢું કરાવ્યું.

“ઓલ ધ બેસ્ટ ટુ યુ.”

~ માના વ્યાસ ( સ્પંદના)
મુંબઈ

આપનો પ્રતિભાવ આપો..

One Comment