મોટી છે અહમની કણી, પણ કેટલા ગણી? ~ અનિલ ચાવડા
નાસાના વૈજ્ઞાનિકોએ હમણા એક અલગ પ્રકારનો બ્લેકહોલ શોધી કાઢ્યો છે. તે પૃથ્વીથી બાર કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. અને એટલો મોટો છે કે આપણા વીસ કરોડ સૂર્યો ભેગા કરો તોય ઓછા પડે.
સૌથી નવાઈની વાત તો એ છે કે આટલા મોટો બ્લેક હોલની ફરતે ખુલ્લા અવકાશમાં પાણી ઘૂમરીઓ લઈ રહ્યું છે. આ ઘૂમરીઓ લેતા પાણીનો જથ્થો પૃથ્વી પરના તમામ પાણીના જથ્થા કરતા 140 ટ્રિયલન ગણો વધારે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આના આધારે બ્રહ્માંડમાં પાણીના અસ્તિત્વ વિશે મહત્ત્વની કડી મેળવી શકાય તેમ છે.
જોકે વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં શોધી કાઢેલો સૌથી મોટો બ્લેકહોલ તો TON 618 છે, જે સૂર્ય કરતા 66 અબજ ગણો મોટો છે અને તે પૃથ્વીથી લગભગ 18.2 અબજ પ્રકાશવર્ષ દૂર કેન્સ વેનાટીસી નામના નક્ષત્રમાં આવેલો છે.
આ તો માત્ર એક માત્ર બ્લેકહોલની વાત છે. આવા બીજી સેંકડો બ્લેકહોલ અને ગેલેક્સીઓ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે, જે હજી સુધી દેખાયા નથી.
સમગ્ર બ્રહ્માંડમાં આવા ગણ્યે ગણાય નહીં એવા સેકડો બ્લેકહોલ, નક્ષત્રો અને ગેલેક્સીઓ છે. દરેક ગેલેક્સીમાં પુષ્કળ તારાઓ છે. એ તારાઓની સામે આપણી પૃથ્વી સોયની અણીના ટોપચા કરતા ય કરોડો ગણી નાની છે, આ કણી કરતાય નાની પૃથ્વી પર આપણે વસીએ છીએ.
બ્રહ્માંડના અસ્તિત્વ સામે આપણી હયાતિ કીડીના પગના નખની અંદર રહેલ ફોતરી કરતાં ય અબજો ગણી નાની છે. પણ ઇગો તો આકાશને આંબે એવો હોય છે.
નાની નાની વાતે આપણે છંછેડાઈ જઈએ છીએ. ગામ આખાને આપણું પાણી બતાવવા પ્રયત્નો કરતા રહીએ છીએ.
અન્યની ભૂલો બ્લેકહોલ કરતાં ય મોટી દેખાય છે અને આપણી ક્ષતિઓ તરણા કરતાંય નાની લાગે છે. ઇગોની અણિયાળી ધારથી કપાઈ ગયા હોય એવા કેટકેટલા દાખલા આપણા પુરાણો, ગ્રંથો, કથાઓમાં પડેલા છે. અહમ તો રાજા રાવણનો ય નથી ટક્યો આવુંં કહેનાર આપણે પોતે અંદરથી ખૂબ ઇગોઇસ્ટિક હોઈએ છીએ.
રામ જ્યારે વનમાં હતા ત્યારે શુર્પણખા તેમને જુએ છે અને જોતાની સાથે તેમની પર મોહી પડે છે. તે કોઈ પણ ભોગે રામને પામવા માગે છે. પણ રામ ના પાડી દે છે અને પોતે માત્ર સીતાના છે, તેવું જણાવી દે છે. છતાં શુર્પણખા જીદ કરે છે તો લક્ષ્મણ તેનું નાક કાપી લે છે.
અહીં નાક કાપવાનો અર્થ શારીરિક રીતે લેવા કરતા આબરૂની રીતે લેવાની જરૂર છે. આનાથી શુર્પણખાનો અહમ ઘવાય છે, અને અહમ ના કેમ ઘવાય? મહાન સુવર્ણનગરી લંંકાના રાજા રાવણની બહેન હતી, આવી ધનાઢ્ય રાજકુમારીને કોઈ જંગલમાં વસતો માણસ સીતા માટે અસ્વીકાર કરે એ તો સહન જ ક્યાંથી થાય? વાત રાવણ સુધી પહોંંચી.
શુર્પણખાનો અહમ રાવણનો અહમ બની ગયો અને પછી જે થયુંં તે આપણે સૌ જાણીએ છીએ.
હિરણ્યકશ્યપને વરદાન હતું કે કોઈ તેને દિવસે કે રાતે ન મારી શકે, ઘરમાં કે બહાર ન મારી શકે, કોઈ માણસ કે પશુ ન મારી શકે.
આવું અજોડ વરદાન પામીને તેનો અહંકાર તો આકાશને આંબવા લાગ્યો, પણ તેને એવી શક્તિએ માર્યો કે જે નહોતો મનુષ્ય કે નહોતો પ્રાણી, તેને મરાયો ત્યારે નહોતો દિવસ કે નહોતી રાત, બિલકુલ સંધ્યાના સમયે, ન ઘરમાં મરાયો કે બહાર સાવ બારણાની વચોવચ.
જ્યારે શક્તિ પર અહમનો ભાર મુકાય ત્યારે ગમે તેવા બળવાન કે બુદ્ધિશાળી હોઈએ, પતનની શરૂઆત થઈ જાય છે. આપણો ઇગો તો એટલો સેન્સેટિવ હોય છે કે બસમાં કોઈકે બાજુમાં ખસવાનું કીધું હોય તો ઘવાઈ જાય. રસ્તામાં કોઈક આપણી ગાડીને ઓવરટેક કરી જાય તોય જ્યારે આપણી બધી સંપત્તિ પડાવીને જતો રહ્યો હોય એટલો પારો ચડી જાય આપણો.
સવારથી રાત સુધી ન દેખાય એવો એક અદૃશ્ય ઇગોનો ભારેખમ મુગટ આપણે પહેરીને ફરીએ છીએ. દરેકને એમ થતું હોય છે કે હું કંઈક છું, હું બધાથી અલગ છું. અને એક રીતે જોવા જઈએ તો બધા એકબીજાથી અલગ જ હોય છે. પણ હું બીજાથી વિશેષ છું, બીજાથી ચડિયાતો છું આ વિચાર અહમને જન્મ આપે છે.
આપણા હુંપણા ઉપરનું મીંડું મોટું થાય તેનો ભાર સૌથી પહેલાં તો આપણે જ ઉપાડવો પડે છે. હેમેન શાહનો શેર છે-
નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.
જ્યારે જ્યારે આપણા હું ઉપર અનુસ્વાર મોટું થવા લાગે ત્યારે આકાશ તરફ જોઈને, આપણા અસ્તિત્વ વિશે ગંભીરતાથી વિચારી જોવું. આપોઆપ અનુસ્વાર નાનું થઈ જશે.
~ અનિલ ચાવડા
અદભૂત ખૂબ સરસ 👌👌
સાવ સાચી વાત. ખૂબ સરસ રીતે વ્યક્ત કર્યું છે.