નારીને શમણાં પણ મ્યાન કરવા પડે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
(નોંધ: આ લેખમાં છ + લેખને અંતે અન્ય છ કવયિત્રીઓની કૃતિ મુકવામાં આવી છે. કુલ ૧૨ કવયિત્રીઓની પંક્તિ/કાવ્ય અહીં સમાવિષ્ટ છે.)
વિશ્વ નારી દિવસ સૌ પ્રથમ વાર 2011માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં ઉજવાયેલો. મૂળ વિચાર 1908માં ન્યુ યોર્કમાં કપડાં ઉદ્યોગમાં કાર્યરત મહિલા કર્મચારીઓની હડતાળમાંથી ઉદ્ભવેલો.
1917માં આ દિવસ માટે 8 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી. આજે નારીવેદના અને નારીસંવેદનાની વાત કવયિત્રીઓના કવન દ્વારા કરીએ. ભારતી ગડાની પંક્તિમાં આજની સદીનું પ્રતિબિંબ પડઘાતું જોવા મળે છે…

સ્પષ્ટ સાચું બોલવા સધ્ધર થઈ છું છેવટે
હરઘડી હરપળ પછી નક્કર થઈ છું છેવટે
કેટલાં સંબંધ છે ખખડે ખરા, પણ તૂટે નહીં
પ્રેમ માટે બહાર ને અંદર થઈ છું છેવટે
સ્ત્રીની સમસ્યા અને લાગણીને વાચા આપવા અનેક પ્રયત્નો થતા રહ્યા છે. મનુભાઈ જોધાણીએ `સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરેલી. તેમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરજલાલ શાહ જેવા લેખકો વાર્તા અને લેખો લખતા. સુધા, ફેમિના, ગૃહલક્ષ્મી, ગૃહશોભા, કન્યકા, માનુષી, પ્રિયંવદા, સખી, સરસ સલિલ, શારદા, સ્ત્રીબોધ, લેખિની વગેરે અનેક સામિયિકોએ સ્ત્રી-સંવેદનાને વાચા આપી છે.


ઘરમાં શોભિત, પોષિત છતાં શોષિત સ્ત્રીની વેદના મિતા ગોર મેવાડા વ્યક્ત કરે છે…
તમે દીધા હતા જે જખ્મો એ સંતાડવા માટે
જરીવાળું તમે અચકન દીધું તમને ઘણી ખમ્મા
તમારું ઘર નથી કઈ જેલ એ સાબિત કરવા ને
રહે જ્યાં બેડી ત્યાં કંગન દીધું તમને ઘણી ખમ્મા
કન્યા ન જોઈતી હોય અને જન્મે તો એને દૂધપીતી કરવાનો આપણે ત્યાં રિવાજ હતો. સતીપ્રથામાં ચિતા પર બેઠેલી સ્ત્રીનું ચિત્ર જોઈએ તોપણ એની ઝાળ આપણને લાગી જાય.
ઘૂંઘટમાં ગૂંગળાયેલી અભિવ્યક્તિ સદીઓ સુધી હિજરાતી રહી છે. હિજાબને ધર્મના રૂપાળા ઓઠા હેઠળ પહેરાવવામાં આવ્યો છે.
ભારતી વોરા ‘સ્વરા’ આ ઘૂટન વ્યક્ત કરે છે…
કેટલાયે સમાધાન કરવા પડે
નારીને શમણાં પણ મ્યાન કરવા પડે
જો કરે કોઈ તો ઠીક છે; અન્યથા
નારીને ખુદના સન્માન કરવા પડે
સન્માનની તો વાત જવા દો અપમાન કોને કહેવાય એ જાણવું હોય તો અફઘાનિસ્તાનનો અભ્યાસ કરવો જોઈએ. તાલિબાની શાસનમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવી છે. દસ લાખથી વધુ બાલિકાઓને શાળામાંથી અને એક લાખથી વધુ યુવતીઓને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકાઈ છે.
સ્ત્રી વકીલ અને જજને ન્યાયપ્રણાલીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વર્ષ 2023ના આંકડા મુજબ 28.7 ટકા અફઘાન છોકરીઓને અઢાર વર્ષની ઉંમર થાય પહેલા જ પરણાવી દેવામાં આવી. આમાંથી ઘણી છોકરીઓ પંદર વર્ષની નીચે પણ હતી.
જુદા જુદા સિત્તેર જેટલા ફરમાન-ફતવા બહાર પાડીને સ્ત્રીના જીવનમાં પાનખર રોપવામાં આવી છે. ગીતા પંડ્યા લખે છે…

ખુશીની લહેર પણ આંગણ મહીં પળપળ નથી મળતી
ઉદાસી આંખમાં ઝાંખી રહે, ઝળહળ નથી મળતી
જમાનાએ મર્યાદા નામથી એનાં ચરણ બાંધ્યા
પ્રયાસો લક્ષ છતાં, હરણી પછી ચંચળ નથી મળતી
વિશ્વ નારી દિવસ બળાપો કાઢવા માટે નથી, પણ નારીત્વના સન્માન માટે છે એ ખ્યાલ છે છતાં વાસ્તવિકતા જ એવી વિદારક છે કે કલમમાં શાહીને બદલે લોહી ધસી આવે. સ્ત્રી પર અત્યાચારના મામલા એકવીસમી સદીને લજવે છે.
પીડિતા અને ગુનેગારના નામ બદલાતા રહે છે, ગુનો યથાવત રહે છે. ઘરેલુ હિંસાના અનેક કિસ્સા વોશ-બેસિનમાં જ ધોવાઈને વહી જાય છે. પલ્લવી ચૌધરી લખે છે એવું નસીબ સૌને મુબારક હો…
રાતનાં કાળા ફલક પર હું ફરું છું
હું જ મારી આંખમાં સપના ભરું છું
ભાત નોખી રોજ આકાશે બિછાવી
મન ભરીને સાંજમાં રંગો કરું છું
સ્વામી આનંદે એક પુસ્તકમાં લખ્યું હતું:
`પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો હક્ક છે, એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી. અને ગડદાપાટુ મારી એને જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી એમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ એમને મળે, તો હિંદુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે.’
લાસ્ટ લાઈન
છે ઘણીયે હામ એના માંહ્યલામાં એ છતાં
જિંદગી જીવી રહી છે દાયરામાં એ છતાં
ટૂકડો આકાશ ને, અવકાશ પણ હો બે ઘડી
નામ ખુદનું એ લખે છે વાયરામાં એ છતાં
ઝાંઝવા ચારે તરફ ઘેરી વળે સુખ-ચેનનાં
જળ સપાટી સાચવી છે ઘારણામાં એ છતાં
હોય છે વિકલ્પ ક્યાં! પણ આવડતનાં જોરથી
રંગ પૂરે છે મજાનાં આયખામાં એ છતાં
જાત આખી એ ઘસી નાખે છે પૂરી હોંશથી
ના કશુંયે હોય એના ફાયદામાં એ છતાં
~ ભાવના “પ્રિયજન’, જામનગર
****
(નારી દિવસને અનુલક્ષીને અન્ય કાવ્યો)
1.
નિશાના ગાઢ અંધારાનો ડર લાગે નહીં મનમાં
કે માતા નામનો દીવો હો ઝળહળ જેના જીવનમાં
કહે તારાં અને મારાંય સુખમાં ભેદ શું ઈશ્વર?
ભલે તું સ્વર્ગનો માલિક; છે મારે મન તો નંદન, મા!
~ અંકિતા રાજેશ મારુ ‘જીનલ‘
2.
મસ્તીમાં હું મારી રાચું
મનની વાતો દિલથી વાંચું
શક્તિ-સિદ્ધા થઈ ઉભરું હું
જીવન ભાથું આ છે સાચું
~ આરતી રાજપોપટ
3.
પડે હંકારવી જીવનની ગાડી એકલા હાથે
બની ચાલક કરું નિર્વાહ ઘર એવી સવારી છું
તમે હારી જશો ચોપાટમાં જો દાવ પર મૂકી
વગર દાવે બધી જીવનની બાજી જીતનારી છું
~ નિરાલી રશ્મિન શાહ ‘ સ્વસા ‘
4.
બહુ વિચારી શબ્દનું હું, આકલન કરતી રહું છું.
હોઠ પર લાવું તે પહેલાં, હું ચયન કરતી રહું છું.
સ્નેહ છે હૈયે ભરેલો, આંખમાં રાખી કરુણા,
લાગણી – બુદ્ધિની પાંખે ઉડ્ડયન કરતી રહું છું.
શબ્દની બારી થશે કે થઈ જશે સજ્જડ દિવાલો?
વાતની એ વ્યંજનાનું આચમન કરતી રહું છું.
આ જીવનમાં જે મળ્યું, જેવું મળ્યું, તેને સ્વીકારી,
“શીખવાનું શું છે ત્યાંથી?” તે મનન કરતી રહું છું.
નારી છું ને! “વ્હાલનો દરિયો” છતાં, પીઉં છું અશ્રુ!
શાંતિ રાખી, જીવવા કાજે નમન કરતી રહું છું.
જોઈ પીડાઓ અવરની, આંસુને ભીતર છુપાવી,
આ વરસતા વાદળો ભેગી રુદન કરતી રહું છું.
લાગણીના આ ઉછાળા, કે બધા ક્ષુલ્લક વિચારો,
“આ કશુંયે હું નથી”, તેનું સ્તવન કરતી રહું છું.
~ ડૉ.ભૂમા વશી
5.
અનૂઠા સ્વરૂપો, ધરી હું શકું છું
કિનારો અલગ ચીતરી હું શકું છું
કરુણા, દયાની કહેવાતી મૂરત
મળે લાગણી, નીતરી હું શકું છું
પરોવાને મોતી, બનું પાનબાઈ
ન ચમકાર વીજે ડરી હું શકું છું
હું નારાયણી પણ, સમય દુષ્ટ આવ્યે
રૂડો વાન ભીનો કરી હું શકું છું
જનમ દેનારી વીર યોદ્ધાઓને હું
રૂપો નોખ નોખા ધરી હું શકું છું
અડીખમ ઇમારત સરીખી હું વામા
યુગોયુગ લગી ના ખરી હું શકું છું
પત્ની, દીકરી, મા, ભગિની, હું વનિતા
અલગ એમ પાત્રે સરી હું શકું છું
~ નિશિ
6.
ખુદ ઓગળી તારા થવું
માટી થઈ ફૂલ ખીલવવું
પાણી બની સઘળે વહું
ને પાત્ર મુજબ થઈ રહું
પણ
એક દિ’ કૌતુક થયું
રાખથી મન સળવળ્યું
રજ ખેરવીને પરહર્યું
સહુથી સરી મુજમાં ઠર્યું
કૈં ગેબમાંથી સંચર્યું
સંપર્કથીયે પર થયું
એક સત્ય એવું સાંપડ્યું
હું સ્ત્રી છતાં વ્યક્તિ રહું

***
સુંદર કવિતાઓ….છે ઘણી એ હામ…અદ્ભુત રહી! ખુબ ખુબ અભિનંદન!
ખૂબ સરસ કાવ્ય રચનાઓ સૌને અભિનંદન
બહું સરસ.. સૌને અભિનંદન
બહુ જ સરસ આલેખન… સૌ કવયિત્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ… 💐 💐 💐 😘