સમર્પણ (વાર્તા) ~ અજય વખારિયા
ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેણ અને વનાર એમ બેય ગામો અડોઅડ હતા. પટેલોની વધુ વસ્તી ધરાવતા આ બંને ગામોમાં લોકો આમ તો સુખી હતા પરંતુ, કોઈક કારણસર જૂની અંટસને લીધે બંને વચ્ચે વ્યવહાર ઓછો હતો. સમય જતાં લોકો એકમેકના ગામ જતાં આવતા તો થયા હતા, પરંતુ હજુ રોટી બેટીના વ્યવહાર ન હતા.
વેણમાં સવજી પટેલનું ખોરડું આમ તો ગણાતું મધ્યમ પણ શાખ મોટી. સવજી પોતે જોરૂકો અને કાંડા બળિયો. સ્વભાવે થોડો આકારો અને બોલવામાં પણ તીખો. પણ સાચું જ કહેવા જોઈએ. એકદા ગામના સરપંચની ચૂંટણીને લઈને થયેલી બબાલમાં તેણે એકલા હાથે ચાર-પાંચ જણને હોસ્પિટલ ભેગા કરી નાખેલા. તેને પણ વાગ્યું તો હતું, પણ તે જલ્દી ઊભો થઈ ગયો હતો.
વાંક સામેવાળાનો હતો, એટલે પોલીસ પટેલે સરપંચના કહેવાથી કેસ રોળી વાળેલો. પણ, તે પછી, સવજીને ગામમાં કોઈ વતાવતું નહીં. હા, ઘેર આવતા જતાં કોઈ પોટલું કે ભારો ઉપડાવવાનું કહે કે, ગામ તળાવમાં પડેલી ભેંસ ને ખેંચીને બહાર લાવવાનું કહે તો સવજી નિર્દોષતાપૂર્વક તે કામ કરી આપતો.
ઊભાવાસમાં રહેતા મનોર પટેલના છોકરાની વહુને ચોમાસાના દિવસોમાં સુયાણી થતાં જાતે એકલપંડે જઈને ઝડી વરસતા વરસાદમાં બાજુના શે’રમાંથી ડોક્ટરને તેડી લાવેલો. એમાં, બે કાંઠે થયેલ વહોળામાં તો ડોક્ટરને રીતસર તેડીને ઊભા તરતા તરતા આ કાંઠે લઈ આવેલો.
ગામના રામજી મંદિરમાં આરતી ટાણે નગારે તે બેસતો. સવજીના બાપા પણ નગારું વગાડતા. સવજી નવેક વરસનો હશે અને તેના બાપા ગુજારી ગયેલા. બાપાની ચેહ ઠારીને સવજી બીજા જ દિવસથી રામજી મંદિરમાં નગારું વગાડતો થઈ ગયેલો. તે ત્યાં સુધી, કે ક્યાંક બહાર ગામ ગયો હોય તો સાંજની આરતી પહેલા તો વળતો થઈ જતો.
સવજીની બા પણ હાડેતી અને કોઠા સૂઝવાળી હતી. બે ચોપડી ભણાવીને સવજીને ખેતરે વાળી દીધેલો. સવજી દિવસ રાત મહેનત કરતો. ઘરમાં બે ભેંસ, અને બે ગાય સાથે બે બળદ હતા. તેથી ઘી દૂધની કોઈ અછત ન હતી.
સવજીની બા છાણ વાસીદું જાતે કરતી. ખેતરમાં કામ કરતાં હાથી-ભાજીયાનું ભાત, હુંડલો ભરીને માથે ઉપાડીને જાતે આપી આવતી. આઠ વીઘા જમીનની ઉપજ મા-દીકરા માટે પૂરતી હતી. પણ.. સવજીનો આકારો સ્વભાવ અને ટૂંકી જમીન, એટલે કોઈ છોકરી ન’તુ દેતું.
સવજી મોટે ભાગે ખેતરે રહેતો અને કામકાજથી નવરો પડે એટ્લે માંચડે બેસી પાવો વગાડતો. જુવાની સવજીના શરીરે આંટા દઈ ગઈ હતી. ખેતરમાં કામ કરીને કસાયેલું શરીર જોનારને તેના બળની ખાતરી આપતું. સવજીના પાવાની મીઠાશ કઈં કેટલાયના મન ડોલવતી. પણ સવજીની બાને એક જ ચિંતા હતી, ‘મારા પછી સવજીનું કોણ?’
સવજી તેના આઠ વીઘા જમીનના વનારાના સીમાડાથી સહેજ અંદર તરફ માંચડે બેસતો. તે માંચડો તેના બાપાના વખતથી ત્યાં હતો. તેનો શેઢો પતે એટલે વનારના પશા પટેલનું એકી પટે બોંતેર વીઘા જમીનવાળું ખેતર શરૂ થતું.
પશા પટેલની પંથકમાં હાક અને શાખ હતી. તેના બે જુવાન દીકરા અને દીકરી સવિતા અવારનવાર ખેતરે આવતા. પણ બે ખેતર વચ્ચેની વાડ માથોડા ઊંચી હતી. કદીક સવિતા તેની તરફ વાડની પાસે આવીને બેસતી અને સવજીનો પાવો સાંભળી રહેતી.
ઓણ આષાઢ ઉતાર્યો હતો અને શ્રાવણના સરવરિયા શરૂ થયા હતા. સવજી માંચડે બેસી પાવો વગાડતો હતો. “એ સવજી, હોંભળ સ?” માંચડે બેસીને પાવો વગાડતા સવજીએ કોઈ સ્ત્રી અવાજ સાંભળ્યો. સવજી ચમક્યો. આજુબાજુ જોયું, તો કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું, ભ્રમ થયો હશે. એટલે ફરી પાવો વગાડવામાં ગુલતાન થઈ ગયો. “એણી મેર જો, હું સુ. સવિતા” હવે સવજીનું ધ્યાન ગયું. પશા પટેલની સવિતા, થૂવરિયાની માથોડા ઊંચી વાડની પેલી મેર ઊભી ઊભી બોલતી હતી.
એક કુદકે નીચે ઉતરી, હાથમાં કડિયાળી ડાંગ લઈ, સવજી દોડતો વાડ પાસે ગયો. “શું થયું?”
“કશું નહીં. આતો ખડનો ભારો કોઈ ઉપડાવે એવું નથ આટલામોં અને મોથ શ્રાવણ ગાજ સ. તે જરા ભારો ઉપડાય ન.” સવિતા સરપટ બોલી ગઈ. સવજી મુંઝાણો. જનમ ધરીને આ વાડની પેલી પા દુનિયા છે, એવી એને આજે ખબર પડી.
“હું, ચ્યોંથી આવું?” સવજીએ લાચાર અવાજે કહ્યું.
“અલ્યા, ખોડીબારું કર. સટ કર. મોડુ થાય સ.” સવિતા સવજીના મૂંઝારા પર હસી રહી. આજ્ઞાંકિતની જેમ સવજીએ ડાંગ વડે વાડમાં જગ્યા કરી, પેલી મેર જઈ ભારો ઉપડાવવા માંડ્યો. ભારો ઉપાડી સવિતા ચાલતા ચાલતા બોલી. “બારું બંધ ન કરતો. અડાણ રાખજે. મારી હેલ ઉતારવા કોમ લાગશે.”
સવજી ફરી પાછો આ બાજુ આવી સહેજ સાજ વાડ સરખી કરી માંચડે જઈ બેઠો. દૂર દૂર જતી સવિતાને જોઈ રહ્યો. એ શું કહી ગઈ? તે સમજવા પ્રયત્ન કરતો રહ્યો. રાતે વાળું કરી, ઘરની પરસાળમાં ખાટલો ઢાળી સૂતો સવજી, વિચારોના ગોટે ચઢી ગયો. સવિતા જે કહી ગઈ હતી, તે ન સમઝે એટલો નાદાન ન હતો. તે લેખાં જોખાં માંડી રહ્યો. ખેતરમાં કામ કરતી સવિતાને એણે આ પહેલા દૂરથી જ જોઈ હતી અને એ પણ આછી પાતળી. તેના ભાઈઓ અને બાપા તો ઓછા આવતા. પણ તેને ખબર હતી કે પંથક આખામાં પશા પટેલ ભારાડી તરીકે ઓળખાતા. “તે…શું કરી લેશે? હું ક્યાં સવિતાની પાસે ગયો હતો? અને..શી ખબર.. આ છોડી ગમ્મત ગમ્મતમાં બોલી ગઈ હોય!” વિચારોના પડિકા વાળતા વાળતા ક્યારે ઊંઘ આવી અને ક્યારે સવાર પડી, તેની સવજીને ખબર જ ના પડી.
બીજે દિવસે સવજી કાલની વાત કોરાણે મૂકી ખેતરમાં કામે વળગ્યો. બે ત્રણ દિવસ ગયા અને વળી નમતા પહોરે સવજી માંચડે સૂતો હતો અને સવિતાનો સાદ સંભળાયો. “ એ સવજી, હું કરો સો?” સવજીએ માંચડે બેઠા થઈ પૂછ્યું, “ હું કોમ સ?”
“ઓમથેડા આવો કને…નૈ ખઇ જઉ!” સવિતાએ રઘવાટમાં કહ્યું. સવજી આજ્ઞાંકિતની જેમ વાડ પાસે પહોંચ્યો. “લ્યો, આ લાડવા. તમાર ઓલે લાઇ’તી.” સવિતાએ સાડલાના છેડે બાંધેલ પડીકું છોડીને સવજીને આપ્યું. “ચમ મારા ઓલે?” સવજીએ પૂછી નાખ્યું. સાડીના છેડાથી મોં લૂછતા લૂછતા સવિતા કોઇ જવાબ આપ્યા સિવાય સવજી સામે જોઈ રહી. પછી કશું બોલ્યા સિવાય જતી રહી. મઘમઘતા ઘી થી લચપચતા ગોફણીયા લાડુ સવજી અન્યમનસ્ક ખાઈ રહ્યો. તેને ખાતરી થઈ ગઈ કે સવિતાનું મન….!
રાતે ઘરે જઈ સવજી બા ને કહેવું, ન કહેવું ની દુવિધામાં જ સૂઈ ગયો. સપનામાં તેને સવિતા દેખાઈ. મીંઢળ બાંધેલી, લગનનો શણગાર સજેલી, અરધો ઘૂમટો તાણેલી, તેનો હાથ પકડીને દોડતી. પાછળ પશા પટેલ અને તેના ભાઈઓ હાથમાં લાકડીઓ લઈને દોટ મૂકતાં જોયા. સવજી દાંત ભીંસીને પોતાની કડિયાળી લઈને આડો થયો. એકાએક બા વચ્ચે … સવજી હબક ખાઈ પથારીમાં બેઠો થઈ ગયો. ગામના ટાવરમાં ચાર નાં ડંકા પડ્યા.
***
સવજી અને સવિતાના લગ્ન જીવનને આજે 30 વર્ષ પુરા થયા. મોટો દીકરો ભરત 28નો થયો. તે બહુ ભણ્યો ન હતો. તેને પણ એક પુત્ર શશાંક હતો. ભરત સવજીના જોડે ખેતીમાં જોડાયો હતો. ભરતથી નાનો મહેન્દ્ર, ડીસા શિક્ષકમાં હતો. તેની પત્ની સુશિલા પણ શિક્ષિકા હતી. મહેન્દ્રથી નાનો વિજય બી.એસસી કરીને શે’રમાં નોકરી કરતો હતો. તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના સસરા ખૂબ જ સુખી હતા. તેમણે વિજયને પોતાની સાથે ધંધામાં લીધો હતો.
સવિતાએ સવજી સાથે પોતાના કુટુંબની ઈચ્છાની વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પશા પટેલે તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેના નામનું નાહી નાખ્યું હતું. બહુ ધખરા કર્યા હતા સવિતાને પાછી લાવવા માટે, પણ સવજીએ તેમની એક પણ કારી ફાવવા દીધી ન હતી. સવજીની બા દીકરાના ત્રણ દીકરા અને ભરતના પુત્ર શશાંકને જોઈને વૈકુંઠવાસી થયા હતા. ત્યાં સુધી એમણે સવિતાને પેટની દીકરીની જેમ સાચવી હતી. સામે સવિતાએ પણ એક વાર પણ પોતાના પિયરિયાનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો. પશા પટેલનો નાનો દીકરો શંભુ, સવજીને ક્યારેક મળીને સવિતાના ખબરઅંતર છાનેછપને પૂછી લેતો. પણ પશા પટેલના જીવતા તેમના કુટુંબ પરિવારનું કોઈ જણ સવિતાને ન તો મળવા આવતું, કે ન તેની ખબર પૂછતું. તો સવિતા પણ એંટ વાળી હતી. કુટુંબનું કોઈ પણ ક્યાંક ભેળું થતું, તો અજાણ્યાની જેમ વર્તતી. વનારનું કોઈક ક્યાંક મળી જાય અને વાત કાઢે તો કહી દેતી, મારુ તો પિયરે વેણ અને સાસરુએ વેણ. મારુ કોઈ સગું વનારમાં નથી.
ખેતીની, અને શિક્ષક દંપત્તિની આવક ભેળી થતી ગઈ અને સવજીના કુટુંબમાં સુખના દિવસ આવ્યા. મેડીબંધ નવું ઘર કરાવ્યુ. ઘરમાં અદ્યતન સગવડો મુકાવી. ફોન લીધો અને નવી નક્કોર ફિયાટ લીધી. પણ સવજી અને સવિતાની રહેણી કરણીમાં કોઈ ફરક ન આવ્યો. દિવસ ઊગતા પરવારી સવજી ખેતરે જતો. સવિતા ભાત લઈને આવતી. બપોરે માંચડે બેય ધણીધણિયાની બેસતા. સવિતા વનાર તરફ પુંઠ કરીને બેસતી. એકાદ વાર સવજીએ ટકોર કરેલી, “યાદ આવે છે?” ત્યારે સવિતાએ કહેલું, એમણે માથોડા ઊંચી થૂવરિયાની વાડની જગ્યાએ પાકી દીવાલ ચણી લીધી છે.
નાનો વિજય તેના સસરા ભેગા ધંધામાં બેઠો અને વડોદરા ઓફિસ સંભાળતો થયો. કોણ જાણે કેમ, પણ દિવસ ફર્યા અને વિજય ધંધામાં ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યો. તે એટલે સુધી કે એણે પોતાના મોટાભાઈઓને પરિવાર સાથે વડોદરા રહેવા બોલાવી, ધંધામાં જોડી દીધા. પારાવાર કાલાવાલા અને વિનંતી – આજીજી છતાં સવજી અને સવિતા વેણ મૂકીને આવવા તૈયાર ન થયા, તે ન જ થયા. છેવટે, બધા ભાઈઓએ વારા ફરતી, દર અઠવાડિયે વેણ આંટો મારી જવો, એમ નક્કી કર્યું. છેલ્લે મહેન્દ્ર આવ્યો ત્યારે તેણે બાજુના શહેરમાથી એક ડોક્ટરની સાથે નિયમિત વિઝિટનું નક્કી કર્યું. ડોક્ટર દર અઠવાડિયે વેણ આવી, સવજી અને સવિતાને જોઈ જતાં.
****
સવજીને લકવો પડ્યો અને તેને ડાબા હાથે સહેજ ખોડ રહી ગઈ, એ વાતને ય ત્રણ વરસ થઈ ગયા. ત્રણે દીકરાઓ મહિનો સળંગ ધંધો ધાપો કોરાણે મૂકી, બાપાની ચાકરી કરી રહ્યા. સવિતાને બહુ વિનંતી કરી, “બા, તમે ચાલો, તો બાપા આવશે.” પણ એક જ જવાબ, “એ આવે, તો હું આવું.” અને સવજીને મનાવવાની કોઈની તાકાત ન હતી. સવિતા સવજીનો ડાબો હાથ થઈ રહી. છોકરાઓ બા બાપાને નિયમિત ફોન કરતાં. રજાઓનો જોગ કરી, વેણ દોડી આવતા. વસ્તુઓ મોકલતા. સવજી રામજી મંદિરનુ નગારું નિયમિત વગાડતો. ડાબા હાથની કસર છતાં વેદના વેઠીને પણ વગાડતો. ગામ આખું સવજીની અને સવિતાની વાતો કરતું. પોતાના છોકરાઓને તેમનો દાખલો આપતું.
****
મહેન્દ્ર ઓફિસે જવા નીકળતો જ હતો અને ફોનની ઘંટડી વાગી. સવિતાબા નો ફોન હતો, “બાપાએ બધાને ભેળા થઈ તાત્કાલિક તેડાવ્યા છે.” એકાદ કલાકમાં ધંધાની વ્યવસ્થાઓ કરી ત્રણે દીકરાઓ પરિવાર સહિત વેણ પહોંચ્યા. ગાડીમાથી ઉતારી , શશાંક દોડતો દાદા પાસે પહોંચ્યો. દાદા સૂતા હતા. દાદાને વળગી પડ્યો. “ દાદા, શું થયું?” સવજી બેઠો થઈને પૌત્રને વહાલ કરી રહ્યો. છોકરાઓને કહ્યું, રામજી મંદિરના નગારે દાંડી નાખનારની વ્યવસ્થા કરો. તમારા ત્રણમાથી મારો એ વારસો કોણ સંભાળશે?” ઘરમાં રોકકળ મચી ગઈ. વિજય મારતી ગાડીએ ડોક્ટરને બોલાવી લાવ્યો. સવજી હસ્યો. “હવે એનું કાઇં નહીં ચાલે. એનું કામ પતી ગયું છે.” ડોક્ટરે કહ્યું, “એમની જિજીવિષા હવે પૂરી થઈ ગઈ છે. દવા નહીં પણ દુઆ કામ કરશે.” સવજીએ અનશન લીધું અને સાંજે ભરત રામજી મંદિરે આરતી ટાણે નગારે બેઠો.
બીજે દિવસે સવારે બધાને શિરામણ કરાવી, “શ્રી રામ જય રામ જય જય રામ” ના ઘોષ સાથે સવજીએ આંખો મીંચી દીધી.
નમતી બપોરે ડાઘુઓ શ્મશાનેથી પાછા આવ્યા. કોગળો કરતાં હતા અને સવિતા બા બોલ્યા. “ તૈયારી કરો, મારે છેટું પડે છે.” ઘરમાં ધમાલ ધમાલ મચી રહી. ફરી ડોક્ટર આવ્યા. તેમની આંખમાં આંસુ હતા. “વિજયભાઈ, બા ને આ છઠ્ઠો એટેક છે. મને તેમણે સમ દઈ, તમને કહેવાની ના પાડી હતી. કહેતા હતા, એ જીવે છે, ત્યાં સુધી મને મોત નહી આંબે” બાની અંતિમ ઈચ્છા મુજબ તેમની અંતિમ યાત્રા બીજે દિવસે સવારે કાઢી, સવજીની ચેહ હતી ત્યાં જ તેમના અગ્નિસંસ્કાર કર્યા.
રામજી મંદિરમાં નગારાની બાજુમાં આજે ય સવજી અને સવિતાની પ્રતિમાઓ મૂકેલી છે.
****************
(લેખક પરિચયઃ અજય વખારિયા. વતન વિજાપુર, ઉત્તર ગુજરાત. કર્મક્ષેત્ર ગુજરાત વિદ્યુત બોર્ડ, અત્યારે નિવૃત. વાંચનનો શોખ વારસાગત છે. ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગૌરીશંકર જોશી, અશ્વિની ભટ્ટ, પ્રિય લેખકો. શોખ ખાતર લખવાનું નિવૃત્તિ પછી, 2020 માં કોરોના સમયે શરૂ કર્યું.)
👌ખૂબ સરસ