તમે સદાબહાર છો અનિલ જોશી, તમે ક્યાંય ગયા નથી… ~ સોનલ પરીખ ~ સાભાર: જન્મભૂમિ પ્રવાસી

‘મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી  વરસતું હોય, ટહુકાના શિખર પરથી મોરલાઓ કેદીની માફક ગબડી પડતાં હોય, મારી છાતીમાં ખીલાની માફક ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય, મારાં વિચારોની અસ્તવ્યસ્ત કેડી ઉપર રખડુ ભરવાડની જેમ પસાર થતા અવાજ જેવું મારું હોવું સાવ વજનરહિત લાગતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું…’

16 ડિસેમ્બર 1924ના દિવસે કવિ અનિલ જોશીએ તેમની ફેસબુક પોસ્ટમાં આ શબ્દો લખ્યા હતા.

6 જાન્યુઆરી 2025માં એક ગીતની એક જ પંક્તિ સાથે હાથ હલાવતા અનિલભાઈની નાનકડી વિડીયો ક્લિપ છે. એ પંક્તિ છે, ‘જાઈએ આપ કહાં જાયેંગે.’

મૃત્યુ ઉંબરે આવીને ઊભું હતું ત્યારે હોસ્પિટલના આઈસીયુમાંથી તેમણે રુમિને ટાંકતો સંદેશો આપ્યો હતો કે…

‘આપણે બધા ગેસ્ટ-હાઉસ જેવા છીએ. રોજ કઈં નવું અરાઇવલ હોય છે. જિંદગીમાં પણ – ક્યારેક બીમારી, ક્યારેક સંતાપ, યાતના, શરીરપીડા, ઓપરેશન બધું આવે છે પણ યાદ રાખજો કે અરાઇવલ છે તેનું ડિપાર્ચર પણ હોવાનું જ છે.’

એમની આંખોમાં આ દરેક વખતે એ જ ચિરપરિચિત, જિંદગીને સમજી લઈને એનાથી પાર અને પર થઈ ગયેલી બેપરવાઈની ચમક હતી.

એક ગીતમાં અનિલ જોશીએ કહ્યું છે, ‘કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહીં, મરવા દિયે કોઈ તો મરીએ’ પણ મૃત્યુનો અણસાર અને જીવનની ખુમારી બંને આ પંક્તિઓમાં આબાદ ઝીલાઈ છે, ‘અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યાં, લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઊઘાડે ડિલે, ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે, ખરતા પીંછાંએ પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યાં.’

… અને ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો.’

May be an image of 1 person, skyscraper and Victoria Peak
FB Post dt. 22.2.2025 | “લગભગ બે અઠવાડિયા ICU માં રહ્યા પછી, હવે ખુલ્લા આકાશ નીચે ઊભો છું.”

સર્જનપ્રક્રિયાની સહજતા અને ગૂઢતા બંનેને અનિલ જોશી વારંવાર વ્યક્ત કરે છે, ‘તું કવિ છે, તારે તો દીવો ઠરી ન જાય એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની છે.’ ‘ચકલીબાઈથી “ચીં” થઈ જાય તો આભ કહે “ઈર્શાદ”, ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે?’

એક પોસ્ટમાં તેમણે બશીર બદ્રને ટાંક્યા છે: ‘હજારો શેર મેરે સો ગયે કાગઝકી કબ્રો મેં, અજબ માં હૂં કોઈ બચ્ચા મેરા ઝિંદા નહીં રહતા.’

વળી કહે છે, ‘હજી ય કાળી કોતર વચ્ચે આંખ ફફડતી રાતી જી, સાંઢણીઓના વેગે ધબકે પવન ભરેલી છાતી જી, ચણોઠીઓને ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તા જી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતા જી.’

ઉમેરે છે, ‘ફળિયામાં નાનકડી ચકલી મરી જાય, એનો હૈયે અવસાદ હોવો જોઈએ; શબ્દો તો ખાલી પડિયા કહેવાય, એમાં થોડો પ્રસાદ હોવો જોઈએ.’

જિંદગીની તીવ્રતાઓની વાત લઇ આવેલા બે કાવ્યો જુઓ: ‘ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં, કાયા લોટ થઇને ઊડી, માયા તોય હજી ના છૂટી, ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…’

આગળની પંક્તિઓ પણ માણવા જેવી છે: સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતા, પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા… છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો, કાયાની પૂણીમાંથી નીકળે જે તાર, ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

નારીજીવનની વિટંબણા વ્યક્ત કરતું ‘ત્યાગ’ કાવ્ય અદભુત છે:

પે’લે પગથ્યે મારી ઓળખ મેલી,
ને પછ બીજા પગથ્યે મેલ્યું ગામ.

ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં
ને ચોથા પગથ્યે મેલ્યાં કામ.

પાંચમાં પગથ્યે આખો દર્યો મેલ્યો
ને પછ છઠ્ઠા પગથ્યે મેલી હોડી,

સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં
ને આઠમા પગથ્યે મેલી કોડી.

નવમા પગથ્યે મેલી વીતકની પોટલી
ઈને દસમે પગથ્યે જોઈ,

ઈગ્યાર્મે પગથ્યે મેલ્યું વાચાનું ડોળિયું
ને બારમે પગથ્યે હું રોઈ…’

આવી વિટંબણા ‘સત્તર દા’ડાની મુને લાંઘણ હતી’માં પણ બહુ અસરકારક રીતે વ્યક્ત થઈ છે.

ગ્રામીણ વહુવારુ સત્તર દા’ડાની લાંઘણ પછી પારણું કરવા બેસે છે, હજી કોળિયો ભરે ત્યાં સાસુનો હુકમ છૂટે છે, ‘પહેલા ઠાકોરજી જમાડો.’ સસરા કહે છે, ‘ડેલી ખખડી, ભેંસને અંદર લઇ લો’. મેડીથી છાણાં પડે છે ને છાશની ઢોચકી ફૂટે છે એટલે નણંદ છાતી કૂટે છે.

આ બધું સગર્ભા વહુ ખમી જાય છે, પણ જ્યારે પતિ પણ ટોકે છે ત્યારે? – ‘હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા: ‘કાંસાની થાળી નથી જડતી?” બે જીવસોતી બેય આંખ્યુંની માટલીમાં નાની અમથીક તૈડ પડતી.’

અનિલભાઈએ રોમેન્ટિક કાવ્યો ઓછાં લખ્યાં છે, પણ એમનો જિંદગી સાથેનો, માણસો સાથેનો રોમાન્સ અખૂટ છે.

પત્ની, દીકરા અને દીકરી સાથે  

‘હું તો ઊડતી ટિટોડીનો
બીકણ અવાજ,
મારાં પીંછાં ખોવાઈ ગયા ભીડમાં,

જંગલની ટેવ સમો મારો અવતાર
છતાં, ઓળખે ન કોઈ અડાબીડમાં’

‘પિયુજી છાપરાને બદલે જો આભ હોત, બંધાતી હોત હું ય વાદળી રે, માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી તો છાંટો વાગ્યો કે જાત ઓગળી’, ‘પેલ્લા વરસાદનો છાંટો મુને વાગ્યો હું પાટો બંધાવાને હાલી રે, વેંત વેંત લોહી કાઈં ઊંચું થયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે’

કન્યાવિદાયના સંવેદનને કોણ ભૂલે શકે? – ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

અને ‘દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શું ચીજ છે ફળતા આંબામાં જે પાંદડાં ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે.’

https://tahuko.com/?p=6442
(સ્વરાંકન-સ્વર:
પુરુષોત્તમ ઉપાધ્યાય)

અનિલ જોશીની કવિતામાં ભાષાની બળકટતા, મજબૂત લય અને સંવેદનોની ગહેરાઈનો ત્રિવેણીસંગમ છે.

સુરેશ દલાલે કહ્યું હતું તેમ અનિલની કવિતા શબ્દલય અને ભાવલયના બે કાંઠાની વચ્ચે નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે.

‘કેડીને ધોરીએ જંગલ ડૂબ્યાં ને અમે કાંઠે ઊભા રહીને ગાતા, રાતા ગુલમ્હોરની યાદમાં ને યાદમાં આંસું ચણોઠી થઈ જાતા’

ગુલમ્હોરનો બીજો સંદર્ભ પણ જુઓ – ‘ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મંન ભરી ગાતો, કઈં એવું તો વંન ભરી ગાતો, જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર ક્યાંક કાગડો જ થઈ જાય રાતો.’

રંગની વાત નિકળી છે તો રંગભેદ ગીત યાદ આવે, ‘કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં, આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં.’

અનિલ જોશી અને રમેશ પારેખની દોસ્તીની વાત ન કરીએ ત્યાં સુધી લેખ અધૂરો. સુરેશ દલાલ આ બંનેને ‘સારસ્વત સહોદરો’ કહેતા.

એક આડવાત, સારસ્વતો માટે એમણે ‘ગુણવંતી ગુજરાતે ઊતર્યાં સારસ્વતોના ટોળાં રે, એકબીજાને વાહો કરતાં માથે આવ્યા ધોળા રે’ એવી મજેદાર પંક્તિ લખી છે.

રમેશ પારેખ સાથે એમણે ‘ડેલીથી પાછા મ વળજો હો શ્યામ’ જેવું સુંદર ગીત રચ્યું હતું એ તો આપણે જાણીએ છીએ, પણ એ બંનેએ મળીને મણિલાલ દેસાઇ માટે એક ગીત લખેલું અને સાથે સ્ટેજ પર ગાયું પણ હતું તેની કદાચ ઓછા લોકોને ખબર હશે.

(ભાઈદાસ, જુલાઈ ૨૦૦૨)

આ ગીતમાં એક પંક્તિ છે, ‘દખ્ખણની કોર હવે ઊડતું રે મન જેમ ખેતર મેલીને ઊડે પોલ.’ મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભને કવિએ કેવી માર્મિક રીતે વ્યક્ત કર્યો છે!

કવિ ચાલ્યા ગયા છે એવું કહેવાની કોની હિંમત છે, પણ એમની પાછળ રહેલો સન્નાટો આપણને વાગ્યા તો કરશે…

બૉક્સ

મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી  વરસતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું… ~ અનિલ જોશી

May be an image of ‎text that says "‎सत्यमंद जयते प्रधान मंत्री Prime Minister નવી નવીદિલ્હી દિલ્હી ن٥ ફાલ્ગુન, શરક સંવત עגף ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સ્નેહી સકેતિભાઈ, અનિલભાઈના અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું. કવિતા, નિબંધ, વાર્તા, સંપાદન અને કટાર લેખન જેવા વિવિઘ માધ્યમો દૃવારા તેમાને ગુજરાતી ભાષાને સમૃદૃલ બનાવી. તેમની રચનાઓ નવતર અને રોજબરોજના જીવન સંદર્ભો તેમજ તળપદા ભાવ- સંવેદનાથી છલોછલ છે. તેમનું સમગ્ર સર્જન ગુજરાતી સાહિત્ય માટે મૂડી સમાન બની રહેશે. તેમની વિદાયથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તેમના પરિવાર અને ચાહકવર્ગને દિલસોજી. Shri Sanket ShriSanketA.Joshi A. Joshi متا (નરેન્દ્ર (નરેન્દ્રમોદી) મોદી)‎"‎

~ લેખ: સોનલ પરીખ

આપનો પ્રતિભાવ આપો..