(વન્યજીવન દિવસ) મારું જંગલ ખોવાયું છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
(આ લેખમાં સમાવિષ્ટ કેટલીક તસ્વીરો મોકલવા બદલ ગઝલ શિબિરના શિબિરાર્થીઓનો આભાર)
વર્ષ 2014થી ત્રીજી માર્ચે વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પ્રાણીઓ અને વૃક્ષોને સમર્પિત આ દિવસ માત્ર એમના માટે જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્ત્વનો છે.

કુદરતે એક સાંકળી બનાવી છે જેમાં બધા જ જીવ એક હિસ્સો છે.

વનમાં રહેતા પ્રાણીઓ પર છેલ્લા થોડા દાયકાથી ખતરો મંડરાઈ રહ્યો છે. જંગલોની આડેધડ વાઢકાપ કુદરતી સંતુલનને ખોરવી રહી છે. સુધીર પટેલ વાસ્તવિકતા બયાં કરે છે…
જંગલ હતાં જ્યાં કાલ, આજે ત્યાં નગર ઊભા
વિકાસની બસ આટલી કાપી સફર ઊભા
સૂરજ તૂટે શતખંડ કે વરસાદ હો મૂશળ
વૃક્ષો જુઓ કાયમ અહીં છત્રી વગર ઊભા

છેલ્લા બે દાયકામાં ગિરનારની આસપાસના જંગલોમાં 11 ટકા ઘટાડો નોંધાયો છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં જંગલ વિસ્તાર ઓછો થયો છે. રાષ્ટ્રીય નીતિ પ્રમાણે કુલ ક્ષેત્રફળના 33 ટકા વિસ્તાર હરિયાળો હોવો જોઈએ.

ગુજરાતમાં અત્યારે આ ટકાવારી 9.05 ટકા છે. આ સમસ્યા ઉકેલવી સહેલી નથી. રાજેન્દ્ર શુક્લ પ્રેમના સંદર્ભે એને ઉકેલવા પ્રયાસ કરે છે…
ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં

અત્યારે સંજોગો એવા છે કે છેલ્લી પંક્તિ બદલીને આમ લખવું પડેઃ જંગલ રહ્યાં જ ક્યાં છે હવે આસપાસમાં. જંગલ પર આત્યંતિક અતિક્રમણ થવાને કારણે પ્રાણીઓ બહાર આવવા મજબૂર થાય છે.

ગીરમાં જંગલની બહાર નીકળી આવતા સિંહોને ખુલ્લા કૂવા, વીજ કરંટ, રેલવે ટ્રેક, રોડ અકસ્માત, રોગચાળો, પજવણી વગેરે અનેક જોખમોનો સામનો કરવો પડે છે. લલિત ત્રિવેદી કડવી વાસ્તવિકતા ઉજાગર કરે છે…
પાણી પણ વેચાય છે તે આ સડક
જે સડક નીચે પૂર્યો કૂવો તમે
જંગલોની ડાળને પિંજર ઊગ્યાં
કઇ જગાએ બાંધશો માળો તમે?
`ભૂતળ’ ભક્તિ પદારથ મોટું એ નરસિંહ મહેતાએ ભલે ભક્તિના સંદર્ભમાં લખ્યું, પણ ખરેખર તળના ‘ભૂ’ એટલે કે પાણીની દ્રષ્ટીએ પણ મોટી વાત છે.

બેંગલોરની વાત લઈએ તો હજારોની સંખ્યામાં બોરવેલ સુકાઈ ગયા છે. જળાશયોમાં 79 ટકા અને ગ્રીન કવરમાં 88 ટકા ઘટાડો થયો છે જેની સામે ક્રોંકિટ વિસ્તાર 11 ગણો વધી ગયો છે. ગાર્ડન સિટી ગણાતું બેંગલોર હાંફી રહ્યું છે.
જંગલને જો વાચા ફૂટે તો વેણીભાઈ પુરોહિતની ભાષામાં આપણને બેખોફ સંભળાવી દે…
ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી
દિલ ન‘તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી
જંગલવિસ્તાર ઘટવાનું એક મહત્ત્વનું કારણ દાવાનળ પણ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં દર વર્ષે જૂન-જુલાઈમાં સુકા વાતાવરણને કારણે આગ ફાટી નીકળે છે.
2018થી રીતસરની પનોતી બેઠી છે. 60 ટકા જંગલવિસ્તાર ભસ્મીભૂત થઈ ગયો છે. આ ખરેખર ટાઈટેનિક આંકડો છે. જાન્યુઆરીમાં લોસ એન્જલસના જંગલો ઓમ સ્વાહા થઈ ગયા.
હજારો ઘરો રાખ બની ગયા. દોઢ લાખથી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા. વન્યસૃષ્ટિનું શું થયું હશે એ તો ભગવાન જાણે. નરેશ સોલંકીની પંક્તિમાં આ પીડા વર્તાશે…
જંગલ જઇને જોઉં છું, જંગલ થાતું ગુમ
આંખોમાં અટવાઇ ગઇ, ધુમ્ર સરીખી બૂમ
કરવત થઇને કાપતું, વ્હેતું ધમધોકાર
થરથર ધ્રૂજે આંગળા, તૂટી ગ્યો ટંકાર
મુંબઈગરો નેશનલ પાર્કમાં છેક ઊંડે સુધી ફરવા જાય ત્યારે એને જંગલપણાનો થોડો અણસાર આવે. મ્હાલતી વખતે એમ થાય કે ઓહોહો કેવડું મોટું જંગલ મુંબઈમાં છે.
પણ વસતીની દૃષ્ટિએ જોઈએ તો આ વાહ અંતે આહમાં પલટાઈ જાય. પ્રદુષણને કારણે દિલ્હીની દયનીય હાલત આપણે જોઈએ છીએ. પંકજ વખારિયા દાઝયા પર ડામ લગાડે તો એ દર્દ સહન કરવું પડશે…
જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે
રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે
લાસ્ટ લાઈન
ખુલ્લા ખેતર જેવું જીવન
આખેઆખી વાડ પડી છે
મારું જંગલ ખોવાયું છે
એથી તો આ ત્રાડ પડી છે
~ હરદ્વાર ગોસ્વામી
જ્યાં જવા જલ્દી હતી ત્યાં જાવ
ત્યારે સહેજ મન લાગે નહીં
શહેર જંગલ થઈ ગયા,
જંગલ જરા અમથાય વન લાગે નહીં
~ દીપક ઝાલા `અદ્વૈત’
ચોમેર ઝાડી ઝાંખરાં, ભેંકાર વનવગડો, ઝરણ
સાવજ ડણક ને વાઘની ત્રાડે છુપાતા હો હરણ
પીળક, તુઈ, પોપટ, ઘુવડ, સુડો પંખી અધધ
આજે હજી અકબંધ છે યાદોમાં એ પર્યાવરણ
~ અતુલ દવે, વડોદરા
કેટલીક તસ્વીરો:








***
વન્યજીવન દિવસ ઉપક્રમે સંવેદનશીલ લેખ…