|

“ગંગોતરી” ~ વાર્તા ~ મૂળ લેખકઃ વેદ રાહી ~ આસ્વાદઃ ઉદયન ઠક્કર

દરેક ગુરખો પોતાનું નામ ‘બહાદુર’ જ બતાવે છે

વેદ રાહી હિન્દી ફિલ્મોના લેખક અને દિગ્દર્શક છે. તેઓ ડોગરી ભાષાના વાર્તાકાર અને કવિ પણ છે. તેમની વાર્તા ગંગોતરીનું આચમન કરીએઃ

વાર્તાનાયક હોટલમાં રૂમ ભાડે રાખીને ફિલ્મની કથા લખી રહ્યા હતા. હોટલના રિસેપ્શનમાં એક આરબ આવ્યો, પાછળ નેપાલી છોકરી: નાનું નાક, નાની આંખો,સુંદર દેખાવ, પંજાબી સૂટ. નગ્ન ખભા જોઈ લાગતું હતું કે દુપટ્ટો ક્યાંક ભૂલીને આવી હોય.

આરબના હાથમાં નોટોની થોકડી હતી, જે તેનાથી ખૂલતી નહોતી. વાર્તાનાયકે મરોડ દઈને બંડલ ખોલી આપ્યું. આરબે બક્ષિસમાં એક નોટ ધરી, વાર્તાનાયકે ન સ્વીકારી.

આરબ ગયા પછી હોટલનો માલિક બોલ્યો, ‘આ લોકોનું કામ છે એશ કરવાનું અને આપણું કામ તેમનો ખ્યાલ રાખવાનું.’

વાર્તાનાયકને યાદ આવ્યું કે તેમની સોસાયટીનો નેપાલી વોચમેન બહાદુર (‘દરેક ગુરખો પોતાનું નામ “બહાદુર” જ બતાવે છે.’) પોતાની દીકરી ગંગોતરીની તલાશમાં મુંબઈ આવ્યો હતો.

થોડા દિવસ પછી પેલી નેપાલી છોકરી તેમને મળવા આવી. ‘તમે ફિલ્મો બનાવો છો? મને હિરોઇન બનાવી શકશો?’ વાર્તાનાયકે નામ પૂછ્યું. જવાબ મળ્યો, ‘ગંગોતરી.’

‘મારી સોસાયટીમાં એક ગુરખો બહાદુર કામ કરે છે. તે પોતાની દીકરી ગંગોતરીને શોધવા નેપાલથી મુંબઈ આવ્યો છે. હું જાણવા માગું છું કે…’ ‘મેં નેપાલ છોડ્યું ત્યારે મારો બાપ મરી ચૂક્યો હતો’ કહીને ગંગોતરી જતી રહી.

વાર્તાનાયકને ખાત્રી થઈ ગઈ કે બહાદુરની દીકરી તે આ જ, અન્યથા આટલી ઝડપથી જતી ન રહે. દરમિયાનમાં તેમની સોસાયટીમાં ફરિયાદ આવી કે ગુરખા બહાદુરે સફાઈ કામદારની દીકરી મંજુને દસની નોટ આપી હતી, જેથી લોકો તેની પર વહેમાયા હતા. બહાદુરે ખુલાસો કર્યો કે હું મંજુને દીકરી સમજીને કંઈ ને કંઈ આપતો રહું છું.

એક દિવસ વાર્તાનાયકના હોટલના રૂમમાં ગંગોતરી ધસી આવી, માત્ર ચાદર વિંટાળીને. બહાર પેલો આરબ ઊભો હતો, હાથમાં નોટોનું બંડલ. ગંગોતરીના કહેવાથી વાર્તાનાયકે કોચવાતા મને આરબ પાસેથી બંડલ લઈને તેને આપ્યું. ગંગોતરીએ સલાહ માગી: ‘આરબ મને પોતાને દેશ લઈ જવા માગે છે. ત્રણ વરસ પછી દસ લાખ આપશે. જાઉં?’ વાર્તાનાયકે સલાહ આપવાનો ઇન્કાર કર્યો.

દસેક વરસ વીતી ગયાં. ગંગોતરીએ એક દિવસ દેખા દીધી. ‘દસ વરસના અરસામાં તે કૈંક પચ્ચીસેક વરસ કુદાવી ગઈ હતી… તેના ચહેરાનો રંગ સુકાઈ ચૂક્યો હતો. ગાલ પર કાળા દાગ દેખાઈ રહ્યા હતા.’

તે બોલી, ‘હું શારજાહ ગઈ હતી. પાછી ફરી ત્યારે હાથમાં દસ લાખ રૂપિયા, પરંતુ શરીર બીમારીઓનું ઘર બની ચૂક્યું હતું… જેટલું જીવવું હતું તેટલું જીવી લીધું.’

વાર્તાનાયકને ગુસ્સો આવ્યો, ‘પૈસાની લાલચમાં તારા આ હાલ થયા… મેં તને કહ્યું હતું કે તારા બાપને મળી લે અને તેની સલાહ લે! તેણે શરાબ પી પીને પોતાનું સત્યાનાશ કાઢ્યું… થોડા દિવસ પહેલાં તડપી તડપીને મર્યો.’ ગંગોતરીની આંખે આંસુ આવ્યાં.

‘તું તો કહેતી હતી કે તે તારો બાપ નથી. તો કેમ રુએ છે?’ ગંગોતરી બોલી, ‘તે કોઈ એવી છોકરીનો બાપ જરૂર હતો જે મારી જેમ બરબાદ થઈ ગઈ હોય!’ આંસુ લૂછીને તેણે કહ્યું, ‘સાંભળ્યું છે કે આપ કોઈ નવી છોકરીને હિરોઇન બનાવવા માગો છો. નેપાળથી નવી છોકરી આવી છે. ફોટા બતાવું?’

તેણે પર્સમાંથી બે ત્રણ ફોટા કાઢ્યાં. બહુ સુંદર છોકરી! પોતે દસ વરસ પૂર્વે દેખાતી હતી, તેવી જ. ‘દરેક ફોટાની પાછળ આ નેપાળણે પોતાનું નામ લખ્યું હતું- ગંગોતરી!’

વેદ રાહીની આ વાર્તાનો ગુજરાતી અનુવાદ પ્રફુલ્લ પંડ્યાએ કર્યો છે. આ બહાદુર અને ગંગોતરી નામનાં વ્યક્તિવિશેષની વાર્તા નથી પણ પેટિયું રળવા માટે સંઘર્ષ કરતી આવી સૌ લાચાર યુવતીઓની કથા છે.

લેખકે આરંભે જ ઇશારો કરી દીધો છે, કે સૌ ગુરખા પોતાનું નામ ‘બહાદુર’ જણાવે છે. તેની દીકરીનું નામ ગંગોતરી, આ વાર્તાની નાયિકાનું નામ ગંગોતરી અને જેના ફોટા દેખાડ્યા તે પણ વળી ગંગોતરી. અર્થાત્ પાત્રો જુદાં પણ આપવીતી એની એ.

આ વાર્તાનો કલાપક્ષ જોકે સબળ નથી. વાસ્તવના નર્યા આલેખનથી વૃત્તાંત બને, વાર્તા નહિ. અહીં કલ્પનો, પ્રતીક ઇત્યાદિનો વિનિયોગ થયો નથી. પાત્રો એકપરિમાણી- જાણે કે પૂઠાંનાં- લાગે છે.

ગંગોતરી કેવળ દેહવિક્રય કરે, બહાદુર માત્ર શરાબ પીને ઝૂરતો રહે, આરબ માત્ર રૂપિયા ઉછાળે. શૈલીને સાહિત્યિક તો નહિ કહી શકાય, કશે શબ્દાલંકાર કે અર્થાલંકાર દેખાતા નથી. આનાથી વિપરીત, વેદ રાહીની જ ‘રસભંગ’ વાર્તામાં જુઓ એક અશ્વનું વર્ણન કેવા મનમોહક ગદ્યમાં કરાયું છે:

‘…એવી રીતે દોડતો જાણે કે હવાના દરિયામાં આગબોટ ઝડપભેર સરકતી જતી હોય, અથવા સંતૂરમાંથી દ્રુત લયની સરગમ પ્રસ્ફુરિત થતી હોય, અથવા કોઈનો ખ્યાલ મનમાં જતો-આવતો હોય.. હવાના સંગીત પર તેના ડાબલા તાલ દઈ રહ્યા હતા.’

~ ઉદયન ઠક્કર

 

આપનો પ્રતિભાવ આપો..