ત્રણ કાવ્ય ~ પરબતકુમાર નાયી

૧. ગીત: સઈ

હું તો સરાબોર ભીંજાણી સઈ,
અણજાણ્યા છોગલાના અમથા એક છાંટાથી
આખીયે પૂરમાં તણઈ!

બેડલું ચડાવવા આલ્યું ઈજન
તો રોયો આંખ્યુંથી ઈશારા આપતો,
બેડલું ચઢાવવામાં અંગૂઠો દાબીને
ભૂંડી-ભખ નજરુંથી તાકતો!
માથેથી પાની-લગ પાણી પાણી,
હવે સંતાઉં કેણી કોર જઈ?

કૂવાનો મારગ તો આખોય વિજન,
વળી વેળામાં બળતી બપ્પોર,
હાંફળી ને ફાંફળી હું ચાલું ઉતાવળી,
કમખામાં પેસી ગ્યો ચોર!
હૈયાની હાંફનું કારણ કોઈ પૂછશે તો,
અખશર એક ઉકલશે નઈ!

૨.  ગીત 

વહ્યા કરું છું કેવળ

નથી ઉતાવળ, નથી ઊભરો,
નથી ઝંખના ખાસ,
ચરણ ચાલતાં મોજ મળે જે,
એજ ખરો અજવાસ
ધોધ બનીને કદી ધસમસું,
કદી નિરાંતે ખળખળ

મહામૂલા મોતી મુઠ્ઠીમાં,
મનમાં માન-સરોવર,
અમરત કુંપા ભરી આંખમાં
ઠારું સૌનાં અંતર
ટીંપે ટીંપે આભથી વરસું
થઈ સ્વાતિનું જળ!

૩. ગઝલ

પોથીઓ દળદાર લઈને ક્યાં સુધી ફરશો તમે?
પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે?

કૈંક યુદ્ધો પ્રેમથી જીતી શકાતાં હોય છે,
હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે?

અંતમાં તો ઓગળી વાયુ થવાનું હોય છે
અવનવા આકાર લઈને ક્યાં સુધી ફરશો તમે?

કો’ક દી’ તો અર્થના ઊંડાણને તાગી જુઓ,
શબ્દનો શણગાર લઈને ક્યાં સુધી ફરશો તમે?

વસ્ત્ર છાંદસ કે અછાંદસનાં નવાં પહેરો કવિ,
રોજ ગઝલો ચાર લઈને ક્યાં સુધી ફરશો તમે?

~ પરબતકુમાર નાયી

આપનો પ્રતિભાવ આપો..