|

કાર્ડીગન, કલકત્તા અને કડકડતો શિયાળો ~ તરુ મેઘાણી કજારિયા

પોતાના આંગણાંમાં પ્રવેશતાં આપોઆપ ખૂલી જાય છે સંભારણાંનો પટારો, અને મનરાજાને ત્યાં મચી જાય છે ધાંધલ ને ધમાચકડી. રાધાની મટકીમાં નીર ના સમાય એવો ઘાટ. ક્યાં-ક્યાંની ને કેટકેટલી સ્મૃતિઓ ડોક લંબાવી `મને’ `મને’ કરતી આસપાસનીને ધકેલવા માંડી છે…

યાદ આવે છે વહાલનીતરતી ને સંવેદનાથી છલકાતી માને મળવા દોડી ગયેલી દીકરીનો માની અલિપ્ત અવસ્થા જોઇને મોડા પડ્યાનો વસવસો… હોસ્પિટલને બિછાને પડેલા બાપુ પર સર્જરી (જે જીવલેણ પૂરવાર થયેલી )કરવાના પરવાના પર હસ્તાક્ષર કર્યાનો અકથ્ય અફસોસ… પરદેશની ભૂમિ પર એકલા ફરતાં ફરતાં તન-મનમાં સળવળી ઊઠેલાં મુક્તિનાં અસીમ આંદોલનો… ત્રણ દાયકાના સંઘર્ષ પછી જીંદગીને પોરો ખાવાની તક્ મળી ત્યારે અનુભવેલી હળવાશ…

ન….ન….ના……આ બધી તો બહુ નજીક્ની વાતો.

આ મનજી પણ ખરા છે, જરાય મહેનત નથી કરવી. પણ એની દગડાઈ ચલાવે એ બીજા. આજે તો એને કહી જ દીધું કે `જા દૂર-દૂર ને શોધી કાઢ ઢબુરાઈને પડેલું  કોઈક વરસો પહેલાંનુ સંભારણું.’

મનજી તો ઊપડ્યાં.

ટગુ-મગુ ચાલતાં ચાલતાં કેટલાંય સંભારણાંની હડપચી પકડીને આંખોમાં આંખ પરોવી પોંખ્યાં ને પારખ્યાં. પણ આજે તો હાજર કરવું છે દૂર….દૂરનું સંભારણું. અને ચાલતાં ચાલતાં આખરે મળી ગયું.

વરસોથી દરવાજે “do not disturb’નું પાટિયું લટકાવીને પોઢી ગયેલું એક ઊંઘરેટું સંભારણું લઈ મનજી હાજર મારી સામે.

એ વખતે હું છ-સાત વર્ષની હતી. શિયાળાના દિવસો હતા. કલકત્તાનો શિયાળો દાંત કડકડાવી દે તેવો. પણ હું ગરમ કપડાં ન પહેરું.

મારી બા કેટલું સમજાવે- ફોસલાવે તોય ગરમ ફ્રોક કે સ્વેટર પહેરવાની  મારી ના, ના ને ના જ રહેતી. એવું નહોતું કે મને ઠંડી નહોતી લાગતી. કાતિલ ઠંડીમાં થરથર ધ્રુજ્યા કરતી પણ ગરમ કપડું અંગ પર ન ચડાવતી. કારણ એ હતું કે અમારી પાસે જે સ્વેટર ને અન્ય ગરમ કપડાં હતાં એ જૂની ફેશન અને ડિઝાઈનનાં હતાં.

પૂરી બાંયનું ગ્રે રંગનું એક ગરમ ફ્રોક તો મને જરાય ન ગમતું. શિયાળામાં બા મને એ પહેરાવવા આવે કે હું દોડી જતી.  સ્કૂલમાં મારી ખાસ બહેનપણી દર બીજે શિયાળે નવું કાર્ડીગન  પહેરતી. એની સામે તો હું શેખી મારતી `મને તો ઠંડી જ નથી લાગતી ‘ અને તડકો શોધીને ઊભી રહેતી.

એનું સરસ મજાનું નવી ડિઝાઈનનું કાર્ડીગન મને પોતાના તરફ ખેંચ્યા કરતું. પણ આંખોને હું સમજાવી શકતી. ઘરે બા પાસે એવું કાર્ડીગન માગવાની હિંમત ન થતી. એ ખર્ચ આપણને ન પોસાય એવી સમજણ કોઈએ કહ્યા વગર જ આવી ગઈ હતી.

એવામાં એક સાપ્તાહિકમાં ટૂંકી વાર્તાની સ્પર્ધાની જાહેરાત જોઈ. તેમાં પહેલું ઇનામ રૂપિયા ૧૫૧નું હતું. એ રકમ વાંચતાં જ મારી નજ્રર સામે જુદા જુદા રંગ અને ડિઝાઈનનાં સ્વેટર ને  કાર્ડીગન નાચવા લાગ્યાં હતાં.

હું દોડીને બાને કહેવા ગઈ હતી: `બા, જુઓ, આ હરિફાઈમાં તમે વાર્તા મોકલજો. પહેલું ઇનામ રૂ. ૧૫૧ છે.’  ૧૯૬૦માં એ રકમ ખાસ્સી મોટી ગણાતી. કમ સે કમ મારા બાળમનમાં તો એ મોટી હતી જ.

બા બહુ સરસ પત્રો લખતાં, એમની વાર્તાઓ ને કવિતાઓ પણ કલકત્તાથી પ્રગટ થતાં મૅગેઝિન્સમાં છપાતી. એટલે પેલું ૧૫૧ રૂપિયાનું ઈનામ બાને જ મળવાનું છે એવી ખાતરી હતી.

બીજા ત્રણેક અઠવાડિયાં સુધી હરિફાઈની જાહેરાત આવતી રહી. મારી નજર ૧૫૧ ઉપર ઘુંટાતી રહી.

કેટલીયે  વાર મને સપનાં પણ આવી ગયાં- બાને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, મની ઓર્ડર આવ્યો ને અમારા  માટે બે નવાં નક્કોર કાર્ડીગન્સ પણ આવી ગયાં! કોઈ વાર એનો રંગ આસમાની હોય તો કોઇ વાર આછો ગુલાબી!

હવે એ મૅગેઝિનની હું તીવ્ર આતુરતાથી રાહ જોતી. વાર્તા સ્પર્ધાના પરિણામવાળો અંક સૌથી પહેલાં ખોલીને વાંચ્યો. પહેલું નામ  તો  બીજા કોઈનું હતું!

થયું, કંઈ નહીં, સો રૂપિયાનું બીજું ઈનામ આવે તો પણ ચાલશે – એક કાર્ડીગન તો આવશે. અમે બેય બહેનો વારાફરથી પહેરશું. પણ આ શું? બાનું નામ તો ત્યાંય નહોતું!  હું રોઈ પડી. પણ બા આ જાણશે તો એમને દુ:ખ થશે, એમ વિચારી ચૂપ થઈ ગયેલી.

એ દિવસે સ્કૂલમાં પણ કયાંય ગમતું નહોતું. રહી રહીને સપનામાં જોયેલું કાર્ડીગન આંખ સામે આવ્યા કરતું હતું.

સાંજે ઘરે ગઈ ત્યારે પણ મારા પગમાં રોજ જેવો થનગનાટ નહોતો. બાએ તે નોંધ્યું, `કેમ આજે સ્કૂલમાં કંઈ થયું છે?` એણે પૂછેલું. અને મારી આંખો વરસી પડી હતી.

બા ગભરાઈને મારા કપાળે  હાથ મૂકી જોવા લાગ્યાં. તાવ તો  નહોતો. વહાલથી મને પાસે લઈ, બાએ માથે હાથ ફેરવી પૂછ્યું હતું, `બેટા, શું થયું?’ ને મેં રડતાં રડતાં કહેલું, `બા, તમારી વાર્તાને પ્રાઈઝ ન મળ્યું

બાએ એના સુંવાળા સાડલાથી મારો આંસુથી ખરડાયેલો ચહેરો સાફ કરતાં કરતાં કહ્યું હતું, `અરે, મારી ગાંડી  દીકરી, એમાં તો હું વાર્તા મોકલી જ નહોતી શકી.’ અને હસતાં હસતાં મારે માટે ગરમ વડાં  ઉતારવા રસોડામાં દોડી ગયાં હતાં.

મને બા પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. ‘મને ગાંડી કહે છે! પોતે જ મૂરખ છે  કેટલો મોટો ચાન્સ જવા દીધો!’

વાર્તા સ્પર્ધામાં મને આટલો બધો રસ કેમ પડ્યો તેનું આશ્ચર્ય તો  બાને જરૂર થયું જ હશે, પણ બાએ એ વિશે કંઈ પૂછ્યું નહોતું. ન તો મેં બાને કાર્ડીગનવાળું સપનું જણાવા દીધું.

મને બહુ ભાવતા ખાટા વડા પણ એ સાંજે ભાવ્યા નહોતા. પણ એ રાત્રે બા બાજુમાં સુતી હતી ત્યારે  એના ઊંઘતા ચહેરાને જોતાં મારો ગુસ્સો ઓગળી ગયેલો.

આખો દિવસ ઘરનું કામ કરતી, અમારા બધાંની – છ ભાઇ બહેનો, બાપુજી અને દાદીમાની –  બધી જરૂરિયાતોનું  ધ્યાન રાખતી, સ્વાસ્થ્ય અને સફાઈનો તો ખાસ ખ્યાલ રાખતી. બા આ બધું કરતાં કરતાં કેવા સરસ ગીતો ગાતી, પત્રો લખતી, બાપુજીને દુકાનમાં વેચવાના દિવાળી કાર્ડ માટે સુંદર લખાણ લખી આપતી ને રાત્રે અમને બધાંને પ્રાર્થના કરાવતી-`આવ્યા અમે શરણ તમારે , બીક પછી કોની અમારે?’

બાએ વાર્તા મોક્લી હોત તો જરૂર એને જ પ્રાઈઝ મળત. રાતની ઠંડીમાં ફરી પેલી બહેનપણીનું કાર્ડીગન યાદ આવ્યું, પણ ત્યારે બાનો ચહેરો  જોતાં એક વિચારે  તેને દૂર દૂર હડસેલી દીધું હતું – એની પાસે મારા જેવી બા ક્યાં છે?

વર્ષો પછી બાને એ વાત કરી. અમે બન્ને ખૂબ હસ્યાં હતાં. પણ બાની આંખમાં આંસુનાં ટીપાં બાઝેલાં મેં જોયાં. એ અફ્સોસ કરતી હતી- મારાં  ડાહ્યાં સંતાનોનાં એવાં  કેટલાંય સપનાં અમે પૂરા નહી કરી શક્યા હોઈએ…!

મેં  વર્ષો પહેલાંનો બાનો લહેકો યાદ કરી એને  કહેલું – `અરે, મારી ગાંડી મા, તેં અમને જે આપ્યું છે એની સામે એવા સપનાં તો કોઈ વિસાતમાં નથી.’

ખરેખર, હિમાલયની હાડ ઓગાળે એવી ઠંડીમાંય હૂંફ આપે અને રાજસ્થાનના રણમાં વૈશાખી બપોરે પણ શીતળતાનો  અહેસાસ કરાવે એવો અદભુત ઈલમ હતો બાના શબ્દોમાં, એની પરવરિશમાં, એની અહર્નિશ વહેતી સંવેદનામાં અને પોતાના વહાલાંઓના વિશ્વમાં પારકાંઓને પણ આપ્તજનો જેવા જ પ્રેમથી શામેલ કરતી તેની ઉદારતામાં.

હ્રદયની બાનીને હૂબહૂ વ્યક્ત કરવાની તાકાત હતી એ શબ્દોમાં અને એ શબ્દોનો એક અમૂલ્ય ખજાનો એના પત્રો સ્વરૂપે મારી પાસે અક્બંધ પડ્યો છે. એ સંપત્તિથી જિંદગી સભર સભર છે.

એ પત્રો વાંચનાર દરેકે એ સભરતાનો અનુભવ કર્યો છે અને  એ અનુભવ આપ સૌ સાથે વહેંચવાનું પ્રેમભર્યું સૂચન પણ કર્યું  છે. પરંતુ આજ સુધી એ બની શક્યું નથી.. ક્યારે ઊપડશે એ સંભારણાંની સફર! ઊપડે ત્યારે….

તરુ મેઘાણી કજારિયા
+91 99870 74946

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. હ્રદય સ્પર્શી રજૂઆત… મારું મન પણ સંભારણાની સફરે જઇ ચડયું…

  2. અદભૂત આલેખન, બીજુ વધારે કંઈ કહેવું નથી. વારંવાર વાંચશું અને માણશું.