૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ હતી પણ હવે રોજ વૉટ્સએપ પર એમનું ખૂન થાય છે ~ યોગેશ શાહ
મારાથી ઉંમરમાં ઘણા મોટા પણ વૈચારિક સામ્યતાને કારણે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ કહી શકાય એવા એક જ્ઞાતિબંધુ કહેતાં, “તમારા સુખે દુઃખી તમારા તો ઘણાં હશે, તમારા દુઃખે દુઃખી થનારાંય મળી આવશે પણ તમારા સુખે સુખી થનારાં તો કો’ક જ મળશે.” કેવી અનુભવસિદ્ધ વાણી!
નરસિંહ મહેતાએ આવી વ્યક્તિને જ વૈષ્ણવજન કહી છે. ગાંધીજીનું એ અતિશય પ્રિય ભજન.
વળી કવિ દયારામ તો કહે છે “તુજ સંગ કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો”.
નારદે વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો માટે નારદ સાચા વૈષ્ણવ. જેની હાજરીમાં મનની મલિનતા દૂર થઈ જાય તે વૈષ્ણવ સાચો. ગાંધીજીની હાજરી આવી હતી. તમે ખોટું કરતાં અટકી જાવ.
દયારામ તો ચેતવે છે કે “જો એવું ન થાય ત્યાં સુધી હરિજન નથી થયો તું રે.” જેનું મન પાવન છે એને બીજાની માન્યતાની જરૂર નથી. પ્રભુમાં એ જ મન લીન થાય જે મલિન ન હોય.
આ મલિનતાને સાચા હૃદયથી દૂર કરવાનાં ગાંધીજીના સત્યના પ્રયોગો એટલે જ મૂઠી ઊંચેરા સાબિત થયાં છે.
ગુણવંત શાહે લખ્યું હતું કે, “ગાંધીજી જન્મ્યા જ ન હોત તોય વહેલુંમોડું સ્વરાજ મળે એ શક્ય હતું. પરંતુ ઝીણા જન્મ્યા જ ન હોત તો પાકિસ્તાન પેદા થાય એ વાતમાં માલ નથી.”
ભારતના ભાગલાનો આખરી નિર્ણય લેવાનો બાકી હતો ત્યારે પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું હતું કે,
“મુસલમાનો તલવારના બળથી પાકિસ્તાન લેવા માંગતા હશે તો હું કહીશ કે એક ઇંચ જમીનનો ટુકડો પણ નહીં મળે.”(૨૮/૦૫/૪૭)
આજે ભાગલા માટે ગાંધીજીને મુસલમાન તરફી ઠેરવતાં મેસેજીઝ તથ્ય જાણ્યા વગર ફરી રહ્યાં છે અને અબુધ લોકો એને સાચા માની ફોરવર્ડ કરે જાય છે.
૧૯૪૬ની ૧૬મી ઓગસ્ટે મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શનનો કૉલ આપેલો. હિંસાનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું.
પંડિત નેહરુએ કબૂલ કરેલું કે “નિર્દોષ નાગરિકો મરે અને સિવિલ વૉરની આપત્તિ ટાળવા ભાગલા સ્વીકારવા પડ્યા હતાં.”
૧૯૪૮, ૨૫ નવેમ્બરે સરદાર પટેલે બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રવચનમાં કહેલું, “મને એવું લાગ્યું હતું કે જો ભાગલા ન સ્વીકાર્યાં હોત તો ભારત ઘણા ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત. પછી એક નહીં અનેક પાકિસ્તાન ઊભાં થયાં હોત.” આ બતાવે છે કે ઝીણાએ નેહરુ અને સરદારને ભાગલા સ્વીકારવા મજબૂર કર્યાં હતાં.
૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ પણ આજે તો રોજેરોજ વૉટ્સએપ પર એમનું ખૂન થાય છે.
મેન ઑફ યર, ડેકેડ કે સેન્ચ્યુરી નહીં પણ મેન ઑફ મિલેનિયમ એવા આ વિરાટની ઉપેક્ષા કરનારી પ્રજા સ્વયં વામણી પૂરવાર થઈ રહી છે.
(મિડ ડે: ૩૦/૦૧/૨૦૨૫ : ગાંધી નિર્વાણ દિન)