મા’ની વાડી ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ ક્ષિરોદ દાસ ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની
પશ્ચિમાકાશમાં ક્ષિતિજની પેલી પાર સૂરજદાદા ક્યારના છૂપાઈ ગયા છે. સૂરજદાદાને આસું ભરી આંખે વિદાય આપી હોવાથી આકાશની આંખો પણ લાલ હતી. અણસમજુ બાળકનું રુદન ધીમે ધીમે થંભી જાય એ રીતે આકાશનો રંગ પણ ધીમે ધીમે બદલાતો હતો. ધીમે ધીમે છવાઈ જતું અંધારું પોતાના કાળા પાલવમાં પૃથ્વીને એક રાત માટે છૂપાવી દેતું હતું.
મા વાડી પાસેના ઓટલા પર બેસી રહી હતી.
તાવ ભરેલા શરીરે બાપુજી એક બે વાર આવીને બોલાવી ગયા- “અંદર આવતી રહે. અંધારામાં કેમ એકલી બેસી રહી છે? જે થવાનું હતું તે થઈ ગયું, વિચારવાથી કંઈ બદલાવાનું નથી! તે સવારથી કંઈ ખાધું નથી. કંઈ મોઢામાં નાખ અને પછી સૂઈ જા…!”
મા પથ્થરની મૂર્તિની જેમ ઓટલા પર નિર્વાક બેસી રહી હતી. બાપુજીનાં શબ્દો તેના કાને પડતા ન હતાં. ક્યારેક વળી લાંબો નિસાસો નીકળી એના નબળા શરીરને થથરાવી જતો હતો.
અંધારુ ધીમે ધીમે ઘેરુ થતું જતું હતું. તે દિવસે કઈ તિથિ હતી કોણ જાણે. આકાશમાં તારાના ટોળે ટોળા હતાં, ચાંદાનું નામો નિશાન ન હતું. ઝાડ પાનના ખૂણે ખૂણે અંધારું છવાયુ હતું. એવાં ગાઢ અંધારામાં મા દુઃખી કાગડાની જેમ ટુંટીયું વાળીને બેસી રહી હતી અને આંસુ વગરની બે કોરી આંખે ઉજડી ગયેલી પોતાની વાડી તરફ તાકી રહી હતી.
બે વીઘા જમીનની વાડી. મા’ની વાડી. તેની ચારે બાજુ વાડ. વાડને જકડી રાખવા ચારે બાજુ વાંસ લગાડેલા. વાડની વચ્ચો વચ્ચ ઝાંપલી. વાડીમાં કાકડી, રીંગણ, કારેલા, ભીંડા, ટામેટાં, કંકોડા, પપૈંયા, તાંદળચો, પાલક, સરગવો વગેરે જાતજાતના શાકભાજી વાવેલાં. વાડી નહીં, જાણે નાનો સરખો બાગ જોઈ લો.
અમે ત્યારે નાનાં નાનાં હતા. દફતર લઈ બંધ ઉપર થઈને સ્કુલે દોડી જતા. અમારૂ મોટું કુંટુંબ. કાકા બાપા પાંચ ભાઈનો પરિવાર. બધાં સાથે રહે. દાદી, બધાં ભાઈ બહેન, ભત્રીજી ભત્રીજા એમ મળીને બત્રીશ જણાનો પરિવાર. મોટો પરિવાર હોવાથી કામ બધાં વચ્ચે વહેંચાઈ જાય.
બાપુજી બહાર રહેતાં. કલકત્તામાં કપડાંની એક મોટી મિલમાં સુપરવાઈઝર હતાં. બાકી ઘેર બે મોટા બાપુ અને બે કાકા, છ એકર જમીન, મોટાં બાપુ ઘડપણના કારણે ખેતરમાં કામ ન કરી શકે. એમનું કામ ઢોર ચરવા મૂકીને ધ્યાન રાખવાનું. એ પછીના બાપુ, બે કાકા અને મોટા બાપુનો દીકરો હરિભાઈ ખેતીનું કામ સંભાળે.
રસોઈ થાય ત્યારે અમારાં ચુલામાં મોટું તપેલું ચઢે. નાના કાકી,, હરીભાઈના પત્ની સુકાંતીભાભી, અને મોટા બાપુજીની દીકરી શાંતિબહેન આ ત્રણ જણા રસોડું સંભાળે. સવારે રીંગણનો ઓળો, ભાજી, લોલા મરચાં અને કાપેલી ડુંગળી અને પખાળ ભાત (પાણી નાખેલો વાસી ભાત). નાના કાકા નદીમાં જાળ નાખી ખુબજ માછલી પકડી લાવે.
વેંત લાંબી સેરણા, મુઠ્ઠી જેટલી દૂધ જેવી સફેદ, ફળી માછલી, માગુર, રતા, કોશળા, કઉ, શેઉળ, ક્યારેક વળી રોહી, ભાકુર, મીરીકાળી વગેરે ભાતભાતની માછલી પકડી લાવે. સવારે દશ વાગે અમે બધાં પખાળ ખાઈને સ્કુલે જઈએ. એ પછી બપોરની રસોઈનું કામ શરૂ થઈ જાય.
બરાબર દોઢ વાગે પંગત બેશે.
વચલા કાકી, કાકાની દીકરી માની બહેનનું કામ પીરસવાનું.. હરિભાઈ ભારે ગુસ્સા વાળો. ખુબ મહેનત કરે. એ ભલો અને તેનું ખાવાનું ભલું. એમાં જો કદાચ કોઈ કસર રહી ગઈ તો આવી બન્યું. સામે નાનું મોટું કોણ છે, ના જુવે. મણ મણની ગાળો બોલે. ક્યારેક તેનો હાથ પણ ઉપડી જાય. ક્યારેક શાક, સંભારો સારો ન થયો હોય ત્યારે વાડી તરફ થાળી વાડકાનો ઘા કરે. માટે ઘરનાં બધાં તેનાથી બીવે.
મોટાબાપુ પછીનાં બાપુ ઘરના વડીલ. ઘરનું આવક જાવક, નફો નુકસાન, વાર વ્યવહાર, ખરીદી ખર્ચ બધી જવાબદારી એમની. ભલે અભણ રહ્યાં પણ તેમનામાં રહેલી વિવેક બુદ્ધિ અને બધાંને પોતાના કરી લેવાની આવડતથી જ તેઓએ આવડા મોટા પરિવારને એક તાંતણે બાંધી રાખ્યા હતાં.
કોઈ સાજુ માંદુ થયું, કોને ત્યાં કેટલો વહેવાર કરવો, કયું ખેતર ક્યારે ખેડવું, કયા ખેતરમાં કયા બીજ નાખવા,, કયા ખેતરમાં ખાતર નાખવું… બધાં કામોનું તેઓ ધ્યાન રાખતાં. અમારા ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા ચ્મ્પૂઆ ગામમાં અઠવાડિયામાં બે વાર હાટ (બજાર) ભરાય. સોમવારે અને શુક્રવારે. તે દિવસે મોટાબાપુ ખેતરથી જલદી આવી જાય અને નહાઈ, ખાઈ બે થેલા લઈ, ચાલતા ચાલતા હાટમાં જવા નીકળી જાય.
બધાં તેમને હાટબાપા કહે. બાપુજી કલકતાથી દર મહીને પૈસા મોકલતા અને હાટબાપા તે પૈસામાંથી સરસ રીતે ઘર ચલાવતા.
બે મોટી બાનું કામ ગાયો અને બળદ સંભાળવાનું. ગમાણ સાફ કરવી અને ગાયો દોહવી. મા’ નું કામ વાસણ ઘસવા અને વાડીની દેખરેખ રાખવી.
મા વહેલી સવારે ઉઠી અડધો લોટો પાણી પી, ગલોફામાં પાન દબાવી રાતના એંઠા વાસણ ટોપલામાં લઈ વાડીમાં આવેલી પુકુર ( તળાવ ) પર જાય. રાખ અને નાળિયરના છોતાથી વાસણ સાફ કરી પાછી આવે ત્યારે આઠ વાગી ગયા હોય. પછી થોડું ઘણું પેટમાં પધરાવી મા વાડીએ જાય.
પહેલું કામ છોડનાં મૂળમાં ઉગી નીકળેલું નકામું ઘાસ સાફ કરે. પછી વાડીની બહાર આવેલા કૂવામાંથી ડોલે ડોલે પાણી ખેંચી લાવી વાડીમાં આવેલી ટાંકી ભરે અને તેમાંથી લઈ છોડને પાય. કયા છોડમાં જીવાત લાગી છે, કયા છોડમાં ખાતર નાખવું, કયા છોડવા સારા ફળ નથી આપતા, એ બધી મા’ ને ખબર.
રીંગણી પર તો કાળા ધોળા રીંગણ લચી પડતાં હોય, ટામેટાનાં છોડ પર તો ટામેટા ભરચક. ભીંડાના છોડ તો ભીંડાના ભારથી નમી ગયા હોય. લીલાછમ વેંત એક લાંબા કારેલા. લાંબી કાકડી. ભાજીની ક્યારી જુઓ તો લીલીછમ. મૃદુ વાયરાથી એવી રીતે ડોલતા હોય જાણે નાના નાના ભાજીના છોડ આનંદથી એક બીજા જોડે વાતો કરે છે.
ખુબ મનોરમ અને મનને લોભાવાનારું તે દૃશ્ય. જાણે મા’ના સ્પર્શથી છોડ બધાં શશીકલાની જેમ મોટાં થતાં ન હોય! મા એક વાર વાડીમાં જાય ને જાણે આખી દુનિયા ભૂલી જાય. છોડ જોડે તલ્લીન બની કામ કરે, તેના મોં પર જે દિવ્ય પ્રસન્ન ભાવ છવાઈ જાય તે જોવા જેવો હોય. દરેક છોડના દરેક ફળ ફૂલને ખુબ શ્રદ્ધાથી પંપાળે, એવું લાગે કે મા પોતાના બાળકને પ્રેમથી પસવારે છે.
છોડ પ્રત્યે મા’ નો કેટલો પ્રેમ છે તે જે નજરે જુએ તે જ અનુભવી શકે. અમારા આટલા મોટા પરિવારને શાકભાજી પૂરા પડવાની જવાબદારી મા’ની. પણ મા પોતાની વાડીમાં કોઈને પેસવા ન દે. કોઈ લઈ જશે કે ખાઈ જશે એટલા માટે નહીં, પણ કોઈ છોડ પાનને નુકસાન પહોંચાડે તો, તેની તેને બીક.
તે દિવસે સ્કુલેથી પાછા આવતા જોયું કે અમારી વાડીમાં લોકોનું ટોળું ભેગું થયું છે. મા મોટેમોટે થી રડે છે. અમે બધાં અવાક બની જોઈ રહ્યા.
પછી સમજાયું કે, તે દિવસે બાજુમાં રહેતા પુરીયા ભરવાડે પાળેલાં મરઘાંના ટોળાએ વાડીમાં ઘુસી તાંદળચાની ભાજીની ક્યારી ખેદાન મેદાન કરી નાખી છે.
મા’નું રડવું જોઈ પુરીઓ કરગરે છે. બીજા લોકો પણ મા’ ને સમજાવી સમજાવી થાક્યા. પણ મા’ નું રડવાનું બંધ થતું નથી. લાગે કે જાણે મોટી આફત આવી ન હોય !
બીજા એક દીવસે. હરિભાઈને પખાળ ખાઈને ખેતરે જવું હતું, તેમણે શાંતિબહેનને વાડીમાંથી બે રીંગણ તોડી લાવવાં કહ્યું. મા’ ત્યારે નદીએ ગઈ હતી.
શાંતિબહેન ઉતાવળમાં રીંગણ અને બે લીલા મરચાં તોડી લાવતી હતી ત્યારે તેનો પગ ભીંડાના છોડ પર પડ્યો. અડધો કલાક પછી મા પાછી આવી ત્યારે તે છોડ કરમાઈને નીચે પડયો હતો.
મા તો જાણે કોઈ મરી ગયું હોય એ રીતે પોકેપોકે રડે. શાંતિબહેન તો સ્તબ્ધ થઈ ગઈ. “કાકી સાચું કહું છું ઉતાવળમાં રીંગણ તોડવા ગઈ અને ભૂલથી પગ છોડ પર પડ્યો, જગન્નાથ ભગવાનના સોગન ખાઈને કહું છું મેં જાણી જોઈને નથી કર્યું…”
પણ માનું મન માનતું ન હતું, તે તૂટેલો છોડ લઈ વાડી માં બેસી રહી. આખો દિવસ કંઈ ખાધું પીધું નહીં. શાંતિબહેન, સુકાંતિભાભી, મોટી બા, કાકી, કાકા બધાંએ કેટલું સમજાવી ત્યારે છેક સાંજે જમવા બેઠી.
માની આવી હાલત જોઈ ગામના છોકરાં ચીઢવતા- “અરે, વાડી મા, પેલા રતના ભરવાડની ભેસ તારી વાડીમાં પેસી ને બધું ખાઈ ગઈ, તું અહીં શુ કરે છે?”
તો કોઈ વળી કહે “વાડી મા, તારી વાડીમાં બહારના બે માણસ પેસી કાકડી ચોરે છે. સમ ખાઈએ છે અમે હમણા જોઈને આવ્યા.”
મા બેઠી હોય ત્યાંથી ઉઠીને વાડી તરફ દોડે. છોકરાઓ મશ્કરી કરતાં તાળી પાડીને હસે
મા ગુસ્સે થઈ ગાળો ભાંડે, “રોયા મારી પાછળ પડી ગયા છે, તમને ખાધેલું પચતું નથી કે શું? તમારૂ નખોદ જાય.”
પણ મા’ની ગાળો બધાંને મીઠી લાગે.
વેળા કવેળા મા ભલે બધાંને લઢતી હોય, પણ દીન દુઃખીને મદદ કરવા હંમેશા તૈયાર. કોઈ આવીને કહે, “બહેન, દિકરાને પેટ સાફ નથી આવતું , વૈદકાકા કાચું પપૈયું ખાવાનું કહે છે. એના બાપા હાટમાં લેવા ગયા હતા, બાર રૂપિયે કિલો, લાવે શી રીતે? બહેન એક બે પપૈયા આપશો કે ?”
“શુ કહે છે તું સેબીની મા, તારા ને મારાં છોકરા કઈ જુદા છે? એક નહીં બે લઈ જા ! બીજા જોઈએ તો પણ વિના સંકોચે લઈ જજે !”
જે છોકરાઓને મા ગાળો દેતી હોય તેમને પાકા મોટા જામફળ પણ આપે. કોઈને રીંગણ વળી કોઈને કાકડી આપીને કહે, “જા લઈ જા.”
ગામના નાના મોટા સહુ માને, “વાડી મા” કહેતા. બધાંને મા માટે ખૂબ જ પ્રેમ અને આદર. અમારા ઘરના દરેક બાળકની પ્રિય હતી તેમની “વાડી મા.” કોઈ કહે હું વાડી મા જોડે ખાવા બેસીશ, તો કોઈ કહે હું વાડી મા જોડે સૂઈ જઈશ. છોકરાઓની દરેક માંગણી- જીદ પૂરી કરતી. ખાલી અમારા ઘરનાને નહિ આખા ગામના લોકોની મા એટલે કે વાડી મા પોતાની હતી.
દાદીમા ગુજરી ગઈ એ પછી બાપુજી અને પાંચ ભાઈઓ વચ્ચે મન દુઃખ થયું. દુનિયાની દરેક તૂટેલી વસ્તુને જોડી શકાય પણ એક વાર મન તૂટ્યું તે કદી ન સંધાય. છોકરાઓ મોટા થતાં જતા હતા. પરિવાર વધતો હતો. ખેતરમાં પાકેલું જે અનાજ બાર મહિના ચાલતું હતું તે એક મહિનામાં ઓછું પડવા લાગ્યું.
જરુરિયાત પૂરી ન થાય એટલે સબંધ બગડે, બધી સમસ્યાનું મૂળ અછત છે.
ધીમે ધીમે બધું બદલાતું જતું હતું. એકનું મોઢુ આ તરફ તો બીજાનું પેલી તરફ. પહેલાની જેમ સવાર પડે કે કામ ધંધે જવા કોઈ તત્પર ન હોય.
હરિભાઈ તો નાસ્તો કરી નવી થયેલી બજારમાં નીકળી જતો. ગાયો ગમાણમાં ગમે તેટલી ભાંભરે પણ તેમને ચરવા લઈ જવા મોટા બાપુ ઉઠતા નહીં. ઘરમાં બોખા મોએ પાન ચાવતા બેઠા હોય. હાટબાપુ, કાકા ખેતરે હળ લઈને કોણ જશે, ખેતર ખેડાશે કે નહીં, પાક લેવાશે કે નહીં તેની ચર્ચા કરતાં નહીં, જવાબદારી લેતા નહીં, સૌ સૌ ના કામે નીકળી જતાં. કોણ ક્યાં ગયું ક્યારે આવ્યું કઈ ખબર પડતી નહીં.
નાના કાકી, સુકાંતિભાભી, શાંતિબહેનને કોણ જાણે કેમ બનતું નહીં. પેલા રસોડામાં હોય ત્યારે આ જાય નહીં, એક બીજાથી કતરાતા રહે. હાટબાપુનો હુકમ કોઈ હવે માનતું નહિ, અને તેમને પણ હવે પરિવારની વાતમાં રસ ન હતો. દિવસો સુધી બજાર ખરીદી માટે જતા નહીં. પરિવારના લોકોને ખાવા પીવામાં મુશ્કેલી પડતી.
ઘર ધીમે ધીમે નહીં, પણ ખુબ ઝડપથી ઉજડતું હતું.
એવો વખત આવ્યો કે બૈરાઓમાં નાની અમથી વાતમાં ઝઘડો શરુ થઈ જતો. ‘આ તારું આ મારું … આ મારો છોકરો ખાશે, મારો છોકરો પેલું ખાશે,…’
કોઈ કહે- મેં એકલીએ કંઈ ઠેકો લીધો છે કે આ કામ રોજ કરું, તો કોઈએ કહ્યું – હું કંઈ નોકરાણી નથી આખો વખત કામ કર્યા કરું?
કોઈ વળી વગર કારણે, ‘મને ઠીક નથી’ એમ કહીને આખો દિવસ ઓઢીને પડી રહે તો વળી કોઈ, ‘પિયરથી સમાચાર આવ્યા છે, મારી મા માંદી છે,’ કહી પિયર જતી રહે. કોઈ દિવસ ચૂલો સળગતા બપોર થાય તો વાળો કોઈ દિવસ ઘરમાં ખાવાનું હોવા છતાં બત્રીસ માણસનું કુટુંબ સાવ ભૂખ્યું રહે.
પંદર વર્ષથી ખેતી કરતો બળદ ધીમે ધીમે નબળો થઈ ગયો, પહેલા જેવું કામ કરી શકતો ન હોવાથી મોટા બાપાએ કોઈને કીધા વગર પઠાણને વેચી દીધો. બીજો બળદ ખરીદાયો નહીં. તે વર્ષે અડધી જમીન વણખેડાયેલી રહી. હાટના દિવસે હાટબાપા હાટમાં ગયા નહીં. ઘરે સૂઈ રહ્યા. નાના કાકા અને હરિભાઈ વચ્ચે સાપ નોળિયાનો સબંધ થવા લાગ્યો.
કેટલીયે પેઢીથી પરસ્પર વચ્ચે વહેતી સ્નેહની નદી ખુબ ઝડપથી સુકાતી જતી હતી. હંમેશા અનન્ય પ્રેમમાં ગળાબૂડ રહેતો અમારૂ ઘર દિવસે દિવસે ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ, અભાવ અને નફરતના પૂરમાં ધસી રહ્યું હતું.
આવી પરિસ્થિતિમાં પણ એક વસ્તુ અક્ષત હતી તે હતી મા’ની વાડી. મા પહેલાની જેમ જ વહેલી સવારે ઉઠી વાસણ ટોપલામાં ભરી વાડીની પુકુરમાં વાસણ ઘસવા જાય. બધાં વાસણ રાખ, નાળિયરના કુચા વડે ઘસી ઘસી ચળકાવી દે. તે પછી વાડીનું કામ શરુ કરી દે.
‘-આને બીજું કંઈ કામ છે કે નહીં! ઘર ડૂબી પાણી ઢીચણ સુધી આવી ગયા ને આ વાડી ને વળગીને બેઠી છે. જરાય શરમ નથી.’
‘મરશે ત્યારે વાડી સાથે લઈ જશે.’
‘કેટલું અભિમાન છે. આપણે બધાં કેટલી ચિંતા કરીએ છીએ. અને છે કંઈ આને ? બસ ખાલી મારી વાડી… મારી વાડી…છી …છી …’ જે બધાં મા’ને માન આપતા, શ્રદ્ધા કરતાં તે બધાંએ મા’ને મો પર આવા કઠોર વચન કહેવાનું શરુ કરી દીધું હતું.
એક વર્ષથી બાપુજી પ્રાઈવેટ કંપનીમાંથી નિવૃત થઈ ઘેર રહેતા હતા. ચાલીસ વર્ષથી બહાર ગધેડાંની જેમ મહેનત કરી બત્રીસ પ્રાણીના પરિવારનું પોષણ કરી રોગી બની ગયા હતાં. હવે ગામના પાણી, પવન ખોરાક તેમના શરીરને અડતા ન હતા.
ઘેર કંકાસના કારણે તેમના ખાવાપીવાના પણ ઠેકાણાં રહેતા નહીં. પહેલે તો જયારે ઘેર આવતા ત્યારે ઘરના લોકો તેમની આગળ પાછળ ફરતાં, હવે તો ઘરના ખૂણે એક પથારીમાં પડ્યા રહે છે, કોઈ તેમની સામું પણ જોતું નથી. તેમની નજર સામે ઘરને તૂટતું જોઈ દિવસે દિવસે વધારે ને વધારે નંખાતા જાય છે.
“જુદા થઈ જઈએ. હવે સાથ નહીં રહેવાય.” એક દિવસ હાટબાપાએ સાંજે ઘોષણા કરી.
“જુદા થઈ જઈએ.”
કદાચ બધાં આવું જ ઇચ્છતા હતાં. માનસિક અને શારીરિક રીતે તૂટી ગયેલા બાપુજીમાં વિરોધ કરવાની જરી એ શક્તિ ન હતી. અને કરે તો પણ કોઈ તેમની વાત સંભાળવાનું ન હતું.
મા અવાક બની ગઈ હતી.
ગામના સરપંચ રાધા મોહન મહાંતિ, મામલતદાર, હાઇસ્કુલના સંસ્કૃત શિક્ષક, અમારા ગામની પૂજા કમિટીના ચેરમન અને સેક્રેટરીની હાજરીમાં એક જ દિવસમાં બધી વસ્તુઓનાં ભાગ પડી ગયા.
કોના ભાગે શું આવશે એ જાણવા ખાલી ઘરના લોકો જ નહીં, આખું ગામ ઉત્સુક હતું.
ઘણી વાર સુધી હિસાબ માંડી સરપંચ રાધા માધવકાકા એક કાગળ પર લખેલું વાંચવા લાગ્યા.-
મોટા બાપુજી – ઘરના પશ્ચિમ તરફના બે ઓરડા, વાડી, બે એકર આઠ વીઘા ખેતર, કેનાલ બાજુની બે નાળિયેરી, એક આંબો, એક દુઝતી ગાય, કાંસા અને સ્ટીલના ચાર વાસણ…
હાટબાપા- કેનાલ બાજુ ના બે ઓરડા, બે એકર આઠ વીઘા ખેતર, બે નાળિયેરી, બે આંબા, એક ગાય, એક બળદ, ચાર વાસણ…
બાપુજી – પૂર્વ તરફ ના બે ઓરડા, વાડીના બદ્દલે ત્રણ એકર ખેતર, ત્રણ નાળિયેરી, એક લીંબુડી, વાસણ… ગાય વાછડી…
મા ક્યાં હતી કોણ જાણે, પણ એકદમ દોડી આવી અને પંચાયતને પગે પડી રડતાં રડતાં બોલી, “વડીલો, મારે ખેતર, ગાય બળદ, ઝાડપાન, વાસણ જોઈતા નથી. એ બધું ચાર ભાઈઓને આપી દો. મને તો બે ઓરડા અને મારી વાડી જોઈએ… બસ બીજું કંઈ ના જોઈએ મને…”
છેલ્લું વાક્ય બોલતી વખતે મા’નું ગળું રૂંધાઇ ગયું.
સરપંચે કહ્યું,” વાડી પર તો મોટાભાઈનો હક થાય. તે ન બદલી શકાય. તેના બદલે તમને ચાર વીઘા જમીન વધારે આપી છે. જેને જે આપવાનું થાય તે અમે આપ્યું. લોકાચાર તો નિભાવવો પડે. કોઈનું મન દુઃખાવાનો અમારો ઈરાદો નથી. તમને ઓછું લાગે છે તો વધારાનો એક વીઘો જમીન આપીએ…
-“મારે જમીન નથી જોઈતી.” મા ચીસ પાડીને દોડી જતી રહી. જેણે આ પરિવારને તોડી ઉજાડ્યું છે, તેને મારા ભાગની સ્થાવર મિલકત આપી દો. મારે અનાજ, વાસણ કુસણ, પલંગ કબાટ કંઈ ન જોઈએ. મારી વાડી હું કોઈને નહીં આપું… મરી જઈશ પણ નહીં આપું… નહીં આપુ …!”
-“બરજુભાઈ તમારું શું કહેવું છે ?” સરપંચે મોટા બાપુ તરફ જોઈ પૂછ્યું.- તમારા ભાઈની વહુ વાડી માંગે છે…”
– “કાકા નકામી વાતો કેમ સાંભળો છો!“ મોટાબાપુ કંઈ બોલે એ પહેલા હરિભાઈ પોતાની જગ્યાએથી ઊભો થઈ આગળ આવ્યો.- “એ બધી નકામી વાતો સાંભળવાનો કોઈને ટાઇમ છે? વડીલ, તે બાજુ ધ્યાન આપ્યા વગર જલદી જલદી ભાગલાનું કામ પતાવો. માણસ ઘર ભેગો થાય કે પછી રાત આખી અહીં બેઠો રહે? કાલે સવારે, હું તે વાડીમાં પાયો ખોદીશ… છ મહિનામાં પાકું મકાન ઊભું કરી દઈશ…”
મા રડતાં રડતાં બોલતી હતી- “ હે પંચ પરમેશ્વર… તમને મહાદેવની સોગંદ…. તેત્રીસ કરોડ દેવતાની આણ, મારી વાડી મને આપો, બદલામાં બધું લઈ લો…”
માની વાત કાને ધર્યા વગર તે લોકોએ બીજા બે કાકાનો ભાગ આપવામાં મન પરોવ્યું. બધાં ખુશ લાગતા હતા. લાગતું હતું કે બધાંના મોં પર ઘણા દિવસોથી છુપાવી રાખેલો આનંદ પ્રગટ થયો છે!!
જમીન ખેતર, ઘર-બાર, ઝાડ વૃક્ષ, ગાય બળદ,અનાજ, હળ ઓજારથી લઈને વાસણ કુસ ણ, ગાદલાં ગોદડાં, સાવરણા સાવરણી સુધીની બધી વસ્તુના ભાગ પાડતા સવાર પડી ગઈ. બધું કામ સફળતાપૂર્વક પાર પાડી આત્મસંતોષ સાથે મહાજન પોત પોતાનાં ઘેર પહોંચ્યાં, ત્યારે પૂર્વ આકાશ લાલ થયું હતું.
સવાર પડી. તે દિવસે પૂર્વાકાશમાં સૂરજ રોજને જેમ સોનેરી કિરણો વિખેરાતો વિખેરાતો આવ્યો નહીં. પણ અમારા ઘરના લોકો તે દિવસે ખૂબ ઉત્સાહથી પોત પોતાના કામમાં મચી પડ્યા હતા.
કોઈ પોતાના ભાગે આવેલું ઘર ગોઠવતા હતા, તો કોઈ રસોઈ માટે ચૂલો સરખો કરતુ હતું. કોઈ પોતાના ભાગે આવેલા ગાય બળદ માટે ઘાસ વાઢતું હતું તો કોઈ પોતાના છોકરાઓને નાસ્તો આપતું હતું.
ઉંમર અને રોગના કારણે કદી પણ ખેતરમાં પગ ન મૂકતા મોટા બાપુજી તે દિવસે વહેલી સવારે ફાળિયું બાંધી મોટી લાકડી હાથમાં લઈ ખેતર જવા નીકળા. હાટ બાપા પોતાના ખેતરમાં હળ ચલાવવાની તૈયારી કરતાં હતાં. બે નાના કાકા પોતપોતાના ગાય બળદ માટે ગમાણ બાંધવા મચી પડ્યા હતા.
મોટાબાપુનો દીકરો હરિભાઈ આજે બજારે જવાના બદલે પાવડો કોદાળી લઈ મા’ ની વાડી પાસે પહોંચી ગયો હતો.
ખાલી માને છોડી આખી પૃથ્વી ચંચળ હતી. મા નિર્વાક, નિસ્પંદ, પથ્થરની મૂર્તિની જેમ ગઈ કાલ રાતથી વાડીના ઓટલા પર એકીટશે ક્ષિતિજ તરફ નજર નાખીને બેઠી હતી. ગઈકાલથી મોંમાં એક પાણીનું ટીપું નાખ્યું ન હતું. ગઈકાલ સુધી પોતાના લાગતા પરિવારના માણસો આજે જાણે સાવ પરાયા થઈ ગયા. કોઈ એક જણ પણ આવીને મા’ ને બોલાવતું નથી અને પૂછતું પણ નથી કેમ આમ નિરાશ થઈને બેઠા છો?
શારીરિક તકલીફના લીધે બાપુજી પંચાયતની બધી શર્ત, નિયમ, અને ભાગલા પ્રત્યે સાવ નિસ્પૃહ થઈ ઘરમાં પથારીમાં પડી રહ્યા હતાં.
વાડીની ઝાંપલી ખેંચી તોડીને હરિભાઈ વાડીમાં પેઠો. ક્યાંથી કામ શરૂ કરવું એક ક્ષણ માટે ઊભા રહી વિચાર્યું. પછી મનમાં શું આવ્યું કોણ જાણે, પહેલા છોડ પર થયેલા જુદાં જુદાં શાકભાજી તોડી તીડીને એક કોથળામાં ભર્યા. રીંગણ, કાકડી, ટામેટાં, કારેલા, કંકોડાં, લીલાં મરચાં, કેળા, પપૈયા…
બે કોથળા ભર્યા પછી, હરિભાઈની ધીરજ ખુટી, શાક તોડવાનું છોડી છોડ ખેંચી કાઢવાનું શરુ કર્યું. અડધા કલાકમાં રિંગણી, ભીંડા, કારેલાં, કાકડી વગેરેના છોડ ખેંચી સાફ કરી નાખ્યાં. જે ઉખાડી ન શકાય તે બધાં કોદાળીથી વાઢી નાખ્યાં. એ પછી જામફળ, સરગવો, પપૈયાના ઝાડનો વારો આવ્યો. ઉત્સાહથી બધાં ઝાડ ધરાશયી કરી નાખ્યાં. એક કલાક માં તો બધા સાફ. ભાજીની ક્યારી સાફ કરતાં જરી પણ વાર લાગી નહીં.. આખું મેદાન થઈ ગયું.
ખાલી બે અઢી કલાકમાં મા’ ની આંખો સામે આખી વાડી સાફ થઈ ગઈ. એવી સાફ કે આ બાજુ ઊભા રહો તો સામેની ક્ષિતિજ દેખાય. વચ્ચે કઈ આડું ન આવે. વર્ષો સુધી લોહી પાણી રેડી ઊભો કરેલો બગીચો પળવારમાં નામોનિઃશેષ થઈ ગયો..
ઓહ, ઘડવા કરતાં ભાંગવું કેટલું સહેલું છે!
ક્ષિતિજની પેલે પાર વયસ્ક સૂરજદાદા છુપાઈ ગયા છે. રાત પોતાના કાળા પાલવ નીચે પૃથ્વીને છુપાવવા અધીરી બની છે. મા સવારથી વાડીના ઓટલા પર ચૂપચાપ અવાક્ બેઠી છે.
બપોરના ચાર વાગે સુકાંતિભાભી એક થેલીમાં થોડા શાક ભાજી મા’ ની સામે મૂકી જતાં જતાં કહેતા ગયા, “તમારા ભત્રીજાએ કહ્યું આ માને આપી આવ. કેટલી મહેનતથી વાવ્યા હતા, ફળ તો ચાખે. ઘરના બધાંને વહેંચી આવી. તમારા માટે વધારે મોકલ્યા છે…!!”
મા ચૂપ ચાપ બેઠી છે . બીજું કઈ બોલ્યા વગર સુકાંતિભાભી મોં મચકોડી ને જતા રહ્યા.
રાત આગળ વધતી હતી. કોણ જાણે ક્યાં સુધી ગાઢ અંધારામાં મા એક છાયા મૂર્તિની જેમ વાડીના તે ઓટલા પર બેસી રહી હતી.
વહેલી સવારે ઘરના લોકો એ જોયું, મા’ ની વાડીમાં માટીમાં કોઈ ઊંધા માથે પડ્યું છે.
****
લેખક પરિચયઃ
ક્ષિરોદ દાસ: વાર્તાકાર, નવલકથાકાર, સંપાદક. જન્મ: ૧૫-૧૦-૧૯૬૫. જન્મસ્થળ- બાલિયાટુબી (જગતસિહપુર).
સાહિત્ય કૃતિ- વાર્તાસંગ્રહ: અસુસ્થ સમય, નિરબતાર ભાષા, ભોક, અનેક જત્રંણા ઓ અન્યાન્ય ગલ્પ, સત્સતીકા ખેળ વગરે ૧૮ વાર્તાસંગ્રહ,
નવલકથા- સંપર્કર સૂતાકહીએ, બેદનાર દેબ, પ્રિય પૃથીબી, કળાજાઈ વગેરે. સંપાદન – સમારોહ શ્રેષ્ઠ ગલ્પ,જીબન, પ્રિય ગલ્પ, ગલ્પર ગા વગેરે.
પુરસ્કાર અને સન્માન- મંથન ગલ્પ પુરસ્કાર, સમારોહ ગલ્પ પુરસ્કાર, પુર્બાન્ચળ બીશુબ પુરસ્કાર વગેરે.)
વાડી સાથેના આત્મીય સંબંધની અત્યંત સંવેદનશીલ અને કલાત્મક વાર્તા