જીસકી બીવી લંબી… ~ માના વ્યાસ
કન્યા જોઈએ છે.
નમણી, ગોરી, ઊંચી, ભણેલી…વગેરે
આવી જાહેરાત આપણે પેપરમાં વાંચતાં હોઇએ છીએ. આમાં ઊંચી પછી કૌંસમાં (ઉમેદવારથી વધુ નહીં) આવું લખવામાં આવતું નથી, પરંતુ સમજી જવાનું હોય છે.
સામાન્ય રીતે પત્ની પતિથી નીચી જ હોય એ આપણે સર્વથા સ્વીકારી લીધું છે. આપણી આંખ એ જ પ્રમાણેનું યુગલ જોવા ટેવાઈ ગઇ છે. કદાચ ઉંમરમાં મોટી ચાલી જાય, પરંતુ હાઇટમાં કદાપિ નહીં.
અરે પુરુષનો અહંકાર તો ન સ્વીકારી શકે, પરંતુ સ્ત્રી પોતે પણ પોતાનાથી નીચા વરને પસંદ કરતી નથી. કેમ?
મારી મિત્ર ઊંચી છે લગભગ 5’8”. માબાપ તો ચિંતામાં જ હતાં. વરમાં બીજી કચાશ ચાલશે, પણ ઊંચો હોવો જરૂરી. આખરે સરખી હાઈટવાળો મળ્યો. બંનેને ભીંતસરસા ઊભાં રાખ્યાં. પેન્સિલથી લીટીઓ પડાઇ. બેઠી દડીનાં ભાવિ સાસુ મીટર પટ્ટી સાથે માપવા લાગ્યાં. વર બે સેન્ટીમીટર ઊંચો હતો.
સૌએ હાશકારો અનુભવ્યો. મારી ફ્રેન્ડને ઊંચી એડીના ચંપલ પહેરવાનો બેહદ શોખ હતો. એ હવે સપાટ ચંપલ સુધી સિમિત રહ્યો. શું થાય? કદી વરે પણ ન કહ્યું કે ભલે, તને ગમે છે તો પહેરને!
મારાં દાદા-દાદી કદી સાથે નહોતાં ચાલતાં કારણ કે સાવ નાની ઉંમરમાં લગ્ન થયેલાં ત્યારે વહુ આટલી લાંબી થઇ જશે એનો ખ્યાલ નહોતો.
ઘણીવાર કદમાં નાનો પુરુષ હજી નીચી પત્ની શોધતો હોય છે. આમ તો જે કુટુંબમાં પુરુષો નીચા હોય તેમણે તો ઊંચી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાં જોઈએ જેથી બીજી નસલમાં પરિવર્તન આવે.
હજી નવાઇની વાત એ છે કે પુરુષ કરતા સ્ત્રી એક ફૂટથી વધુ નીચી હોય તો ચલાવી લેવાય પરંતુ સ્ત્રી પાંચ સેન્ટીમીટર પણ ઊંચી ન ચાલે.
ઊંચી સ્ત્રી પ્રતિભાશાળી લાગે છે તેથી એની સાથે સામાન્ય હાઇટવાળો પુરુષ પોતાને ‘વામણો લાગીશ’ એમ ધારી નાનમ અનુભવતો હશે!
એ બાબતમાં હોલીવૂડના ડેશિંગ હિરો ટોમ ક્રૂઝનુ કહેવું પડે. પોતાની પ્રતિભા પર એટલો આત્મવિશ્વાસ કે એનાથી ચાર ઇંચ ઊંચી નિકોલ કિડમેન સાથે પરણેલો.
આપણે પણ વ્યક્તિગત પ્રતિભાને મહત્વ આપી પરાપૂર્વથી ચાલી આવેલી આવી માન્યતા અને વિચારધારાને બદલવાની માનસિકતા હવે કેળવવાની જરૂર છે. સ્ત્રી તથા પુરુષ બંનેએ.
~ માના વ્યાસ (મુંબઈ)
Sunder lakhan