બે ગઝલ ~ કૌશલ શેઠ ‘સ્તબ્ધ’ (રાજકોટ)
1.
બધા વાર તહેવાર જીવી ગયા,
અમે એમ વહેવાર જીવી ગયા,
રહી સૌની સાથે સરળ હોય જીવન,
અમે થઈ તડીપાર જીવી ગયા,
કદી જિંદગીમાં કસોટી જો આવી,
કરી આર કે પાર જીવી ગયા,
ખબર નૈ કે હળવાશ કેવી હશે એ,
અમે તો ઘણો ભાર જીવી ગયા,
કથા તો જીવી જાય છે સૌ અહીં પણ,
કથાનો અમે સાર જીવી ગયા,
2.
કેટલું પકડું અને હું કેટલું છોડું અહીં?
કંઈક વહેલું થાય છે ને કંઈક છે મોડું અહીં,
વાત છે બસ એટલી કે જિંદગી ઝંઝાળ છે,
તો પછી ઝંઝાળ પાછળ કેટલું દોડું અહી?
સુખ અને સગવડની વચ્ચે ભેદ છે બસ એટલો,
ભાગ્યમાં તો ખૂબ છે પણ હાથમાં થોડું અહીં,
એક ઉત્તર જાય છે ને એક દક્ષિણ જાય છે,
મન હવે મસ્તિષ્ક સાથે કેમ હું જોડું અહીં ?
ટાંકણે આવી દશેરા એ જ રામાયણ કરે,
‘સ્તબ્ધ’ આજે દોડશે શું આપણું ઘોડું અહીં?
~ કૌશલ શેઠ ‘સ્તબ્ધ‘, રાજકોટ
+91 94299 79522
સરસ. વધારે માણવાની ઈચ્છા થાય છે.
બંને ગઝલો સરસ છે.