સત્ય સુધાકર કુંભ નગર છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો વિશ્વભરમાં ચર્ચિત બન્યો છે. વિશ્વના બાવન દેશોની વસતી ભેગી કરો એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી અપેક્ષિત છે. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરનારો મહાકુંભ પ્રલંબ પ્રતીક્ષા પછી યોજાયો છે.
૧૮૮૧માં નક્ષત્રોની જે સ્થિતિ હતી તે 144 વર્ષ પછી પાછી આવી છે. અતુલ દવે એને અંતરથી આવકારે છે…
ધન્ય એવી થઈ જવાની જિંદગાની કુંભમેળે
ડૂબકી મારી કરીશું સ્નાન શાહી કુંભમેળે
પાપ ધોવાશે બધા જન્મોજનમના ત્યાં અમારા
છે ખરેખર એટલી શ્રદ્ધા અમારી કુંભમેળે
સમુદ્રમંથન વખતે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું હતું.
આ યુદ્ધ દરમિયાન અમૃતના ઘડામાંથી ચાર ટીપાં ચાર જુદા જુદા સ્થાનોમાં પડ્યા. આ સ્થાન એટલે હરિદ્રાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. એટલે આ ચારેય જગ્યાએ કુંભ મેળો યોજાય છે. ભારતી ગડા કથા સાથે આસ્થાને જોડે છે…
છે કથા યુગોયુગોની જાણવા સુંદર ઘડી
બાર વરસે એ ક્ષણોને માણવાની પળ જડી
શું કહું કેવી ખુશી એ કુંભદર્શનથી મળી
હે પ્રભુ! લાગે છે આજે આસ્થા સાચી પડી
આસ્થા માત્ર દેવ-દર્શન પૂરતી સીમિત નથી હોતી. એ ક્રિયાથી આગળ જઈ કિરતારને પામવાનો પ્રયાસ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય કે જૈન ધર્મમાં પરમ અને ધરમની સાધનાર્થે જોડાયેલા અનેક વ્યક્તિત્વો ઉચ્ચ ડિગ્રી કે ધખધખતી શ્રીમંતાઈ હોવા કઠિન માર્ગ સ્વીકારે છે.
કુંભ મેળાને કારણે પ્રકાશમાં આવેલા `એન્જિનિયર બાબા’ આઈઆઇટી ગ્રેજ્યુએટ અભય સિંહે વિજ્ઞાન છોડી જ્ઞાનનો માર્ગ અપનાવ્યો છે.
વિવિધ અખાડા, ફિરકા, રંક-રાજા, ભણેલા-અભણ એક તાંતણે જોડાવા અહીં આવી પહોંચે છે. ભારતી વોરા `સ્વરા’ આ તાંતણાનો ફોડ પાડે છે…
રાત અહીંની જાગતી રહેતી, ધૂણા ધગે સતત
થાય અમાસમાંય પૂનમ, તે જ આ પ્રયાગ છે
યોગીનું, જોગીનું ને સંસારીનું છે મિલન અહીં
પામો અહીં અગમ ને નિગમ, તે જ આ પ્રયાગ છે
પ્રયાગ એટલે ત્રણ નદીનો સંગમ. ગંગા, જમના અને અદૃશ્ય મનાતી સરસ્વતીનો સંગમ પાવન મનાયો છે. સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ વૃષભમાં હોય ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં યોજાય છે. રમેશ મારુ ‘ખફા’ મેળાની મહત્તા નિરૂપે છે…
ધરમશંખ વાગે મહાકુંભ મેળે
અલખનાદ ગૂંજે મહાકુંભ મેળે
શિવોહમ્ શિવોહમ્ નમો માત ગંગે
સકલવિશ્વ ઝૂમે મહાકુંભ મેળે
કુંભ મેળામાં વિવિધ અખાડાના સાધુઓ જોડાય છે. ધાર્મિક મઠની પરંપરામાં શરૂઆતમાં ચાર અખાડા હતા. પછી મતમતાંતર થતાં તેમનું વિભાજન થયું અને હવે લગભગ પંદર મુખ્ય અખાડા છે.
નિર્મોહી, નિર્વાણી, દિગંબર, જૂના, આવાહન, પંચઅગ્નિ, તપોનિધિ નિરંજન, પંચાયતી અખાડા મહાનિર્વાણી, આઠલ, બડા ઉદાસીન, નયા ઉદાસીન અને નિર્મલ અખાડા મુખ્ય ગણાય છે. મહિલાઓ અને કિન્નરોનો પણ પોતાનો અખાડો છે.
દરેક અખાડાની પોતાની કાર્યપદ્ધતિ હોય છે. જેઓ શિવની ભક્તિ કરે તે શૈવ, વિષ્ણુની ભક્તિ કરે તે બૈરાગી અને ત્રીજો સંપ્રદાય ઉદાસીન પંથ ગણાય છે. જો કે આ બધા જ પવિત્ર સ્નાનની પરંપરામાં જોડાઈ વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. ગીતા પંડ્યા એક વિશિષ્ટ સ્નાનનો નિર્દેશ કરે છે…
જઈને ઘાટ ગંગાના ઊભો છે એ
સલિલમાં `દેવ અંઘોળી‘ કરે જોગી
તપસ્યા, ત્યાગ, શ્રદ્ધા ભક્તિનો મહિમા
અતલમાં પાપ ફંગોળી કરે જોગી
આપણે માત્ર તસવીરો અને દૃશ્યો જોઈને કુંભ મેળા પ્રત્યે અચંબિત થઈ જઈએ છીએ. જે લોકો પ્રત્યક્ષ યાત્રાએ જાય છે એમનો અનુભવ ચોક્કસ ગહન હશે. વાતાવરણમાં વિચરતી ચેતના આત્મસાત થાય તોપણ તેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ હોય છે. દિલીપ ધોળકિયા `શ્યામ’ એ પ્રયાસ કરે છે…
અલખ નામે કરી ગેરુ ભીતર શણગારે બેઠો છું
અગમના કોઈ ભેદી ગુંજતા ઈશારે બેઠો છું
સફળ થૈ સાધના જાણે, યુગોથી ચાલતી મારી
મહા આ કુંભમાં અંતિમ જીવન ઉતારે બેઠો છું
લાસ્ટ લાઈન
યુગ નવો ને આસ્થા જૂની
એથી ઉજાગર કુંભ નગર છે
સંત મુખેથી જ્ઞાન વહે છે
કેવું મનોહર કુંભ નગર છે
દેવ-દાનવથી મંથન થ્યું’તું
અમૃત એનો સાર કહે છે
કુંભ અમરતાનો છલકાયો
એ તીર્થંકર કુંભ નગર છે
ઘાટ સજ્યા પુષ્પોથી સાથે
શોભે દીવા ઝગમગ ઝગમગ
આજ થયાં જ્યાં તારા ઝળહળ
સ્વર્ગથી સુંદર કુંભ નગર છે
ભીતર શ્રદ્ધા ભક્તોને છે
શાહી સ્નાને પાવન થાતા
સાધુ, સંતો, શ્રદ્ધાળુની
સાચી ધરોહર કુંભ નગર છે
`વિદ્યા’નો મદ છોડી ચાલું
ડૂબકી મારું સંગમમાં હું
પાપ હરે સૌ જન્મોના એ
સત્ય સુધાકર કુંભ નગર છે
~ વિદ્યા ગજ્જર `વિદ્યા‘
wah jay ho
વાહ કુંભ ! વંદન કુંભ !