રોમની સ્મરણીય સાંજ ~ પ્રવાસવર્ણન ~ સંધ્યા શાહ
પ્રવાસ મને બહુ જ ગમે. જીવનની ભાગદોડ અને વ્યસ્તતામાં જ્યારે સમય મળે ત્યારે નીકળી જવું ગમે. પ્રવાસમાં એક સમૃદ્ધ વિશ્વનો વાસ હોય છે.
લીલાછમ્મ મેદાનો, ખળખળ વહેતી નદીઓ, રંગબેરંગી શહેરો, ઊંડી ખીણો, ઊંચા વૃક્ષો, ઉત્તુંગ શિખરો અને પુષ્પોની બિછાત મનને પ્રસન્ન કરી દે છે. પત્થરો, ઝરણાઓ, વૃક્ષો અને કાળખંડને ઉજાગર કરતા શિલ્પો અપાર આનંદનો પર્યાય બની રહે છે. નવા શહેરની, નવી સંસ્કૃતિની, વિ-ગત સમયની, સુખદ સ્મૃતિની આજે વાત કરવી છે.
એર ઇન્ડિયાનું દિલ્હીથી ઉપડેલું અમારું વિમાન રોમની ધરતી પર ઉતર્યું એ પહેલાં તો કેટકેટલી વાર એ દ્રશ્ય મનમાં કંડારાઈ ગયું હતું. મનને ક્યાં દિશા અને કાળના બંધનો નડે છે!
મને હંમેશા એવું લાગે કે અજાણી દિશાઓ મને સાદ પાડીને બોલાવે છે. અણદીઠેલી ભોમ પર આંખ માંડવાની ઉત્સુકતાએ તો હું અહીં, રાત્રે દસ વાગે ઝળાંહળાં રોશનીમાં દેશ-વિદેશના પ્રવાસીઓ સમેત ફ્યુમિસિનો એરપોર્ટ પર ઊભી છું.
સાચ્ચે જ એક સ્વપ્ન જેવું લાગતું હતું, ક્યારેય એવી કલ્પના જ ક્યાં હતી કે હું મારા વતનથી હજારો માઈલ દૂર આ ધરતી પર આવીશ. આજ પર્યંત જે નામ કેવળ ઈતિહાસમાં અને અંગ્રેજી સાહિત્યમાં વાંચ્યા હતા તે આખીય સૃષ્ટિને જાતે નિહાળી શકીશ!
દિલ્હીથી રોમની આઠેક કલાક્ની સફર, ઈમિગ્રેશનની લાંબી લાઈન અને એરપોર્ટ પર પણ ખૂબ ચાલીને થાકી ગયા હતા, છતાં આ શાશ્વત શહેરમાં પ્રવેશવાનો આનંદ આ થાકને ભૂલાવી દે તેવો હતો.
સરસ મજાની, નાની, બહુ ભપકાવાળી નહીં પણ સ્વચ્છ ‘મહારાજા’ હોટલમાં સહુ મિત્રો જમ્યા. એક જ માણસ પચાસેક વ્યક્તિઓને અત્યંત સ્ફૂર્તિથી જમાડતો હતો.
ભારતીય સમય અને અહીંના સમયમાં ત્રણ કલાકનો ફરક છે. અમે ઘડિયાળ પાછળ મૂકી દીધી. હોટલ ‘સાઈમન’માં અમારો મુકામ હતો. સામાન મૂક્યો ને પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયા.
રોમ એટલે કાળની સંદૂક્માં સચવાયેલાં શાશ્વતીનાં પગલાં… યુદ્ધનો, સામર્થ્યનો, કળા અને સાહિત્યનો સદીઓનો ઈતિહાસ અહીંના કણકણમાં સંચિત છે. આ ઈતિહાસના સાક્ષી બનવાની પારાવાર ઉત્કંઠાએ વહેલી સવારમાં જ નીકળી પડ્યા.
અઢળક સહેલાણીઓથી ઊભરાતા પરિસરમાં રોમના ભવ્ય ભૂતકાળની સાહેદી આપતું કોલોસિયમ (Colosseum) જોયું.
વિશ્વની સાત અજાયબીઓમાં સમાવિષ્ટ રોમનું સહુથી પ્રેક્ષણીય સ્મારક એટલે કોલોસિયમ, ૬૦,૦૦૦ પ્રેક્ષકોને સમાવી શકે તેવું એમ્ફી થિયેટર, તેનો ઈતિહાસ રક્તરંજિત છે.
આ ગોળાકાર, ગગનચુંબી ઈમારતમાં રાજાઓ, ઉમરાવો અને શ્રીમંતોના નબીરાઓના મનોરંજન માટે દ્વંદ્વયુદ્ધ અને પશુયુદ્ધ યોજાતાં. ક્યારેક અંગકસરતના ખેલ, ક્યારેક સંગીતના સૂરો તો ક્યારેક દારુણ યુદ્ધના સાક્ષી બનેલ આ સ્થળે એ પળોને ચાક્ષુષ થતી અનુભવી રહી.
યોદ્ધાઓના જય-પરાજયની ગુંજ જાણે આજેય સંભળાતી હતી. અમારો ગાઈડ આ ભવ્ય ઈમારતની ભીતર સમાયેલાં ક્રંદનોની વાત કરતો હતો ત્યારે મને યાદ આવ્યું કે મારી મા કહેતી હતી; ‘રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે તેનો રાજા નીરો ફીડલ વગાડતો હતો’.
મારી ઉત્સુકતાના જવાબ રૂપે તેણે કોલોસિયમની અંદર રહેલી અને હવે તો પૂર્ણત; નષ્ટ થઈ ગયેલી એ પ્રતિમાની જગ્યા દર્શાવી.
શતાબ્દીઓના સાક્ષી બનેલા આ સ્મારકના અવશેષ જ હવે તો જોવા મળે છે; તેમ છતાં એ સહુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ‘ખંડહર બતા રહા હૈ કિ ઈમારત કિતની બુલંદ થી.’ લોકો જ્યારે રોમને યાદ કરે, કોલોસિયમને અચૂક યાદ કરે.
શહેરની મધ્યમાં શ્વેત સંગેમરમરનું સ્થાપત્ય છે વિક્ટર એમેન્યુલ મોન્યુમેન્ટ (Victor Emmanuel Monument). ઈટાલીને સંગઠિત કરવાનું શ્રેય જેને મળ્યું છે તેવા પ્રથમ રાજા વિક્ટરને સમર્પિત આ સ્મારકમાં શાસનના પ્રભાવની છડી પોકારતા અનેક શિલ્પો છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા અજાણ્યા યુવકોની સ્મૃતિઓ આ સ્મારક સાથે સંકળાયેલી છે. હણહણતા ઘોડા પર સવાર રાજાનું શૌર્ય પ્રગટ કરતું શિલ્પ ધ્યાનાકર્ષક છે.
ઊંચાઈ પરથી રાજા શહેરનું વિહંગાવલોકન કરી શકે તે માટે ઘોડાઓ પણ ચડી શકે તેવી અતિ લાંબી પગથી, ચોવીસ કલાક પ્રદિપ્ત રહેતા અગ્નિની રખેવાળી કરતા સૈનિકો અને ફૂલોથી શોભતું પરિસર નયનરમ્ય છે.
આખાય પરિસરમાં પળવારમાં પીંછી અને રંગોની મદદથી ભવ્ય મહાલયોને ચિત્રિત કરી દેતા કળાકારો આ શહેરની ભૂતકાળની જાહોજલાલી દર્શાવતા હતા.
ભાતભાતના મહોરાથી, સંગીતના સૂરોથી અનેક લોકો પ્રવાસીઓનું મનોરંજન કરતા હતા. રોમન સમ્રાટનો પોષાક પહેરીને ફરતા લોકો અને નજરબંધી કરીને હવામાં અદ્ધર બેઠા હોય તેવા સાધુઓ સાથે પ્રવાસીઓ ફોટા પડાવતા હતા.
સાત ટેકરીઓની વચ્ચે વસેલા રોમમાં ૫૦૦ જેટલા કક્ષ ધરાવતો રાજાનો મહેલ, ઉપરી અધિકારીઓના નિવાસ, ગુલામો સહિત તમામ વસ્તુઓ વેચતું બજાર, ધરતીકંપને કારણે તૂટી ગયેલા સ્તંભો.. આ બધું નિહાળતાં, નિહાળતાં આખો વિસ્તાર ઘૂમવાની મજા આવી.
કોન્સ્ટેટાઈન, જુલિયસ સીઝર, ઓગસ્ટસ… કંઈ કેટલાય રોમન સમ્રાટોની આ ભૂમિ પર સમય જાણે થંભી ગયો! ઈતિહાસના પૃષ્ઠો નજર સમક્ષ તરવરવા લાગ્યા. કેટલી રોમાંચક પળો! એક ભવ્ય અતીતના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય.

‘Rom was not built in a day’ ની પ્રતીતિ આપતાં અગણિત શિલ્પો જોઈને અમે પહોંચ્યા ટ્રેવી ફાઉન્ટેન. વિશ્વભરના પ્રવાસીઓનું આ પ્રિય સ્થળ છે. રોમનો સહુથી વિખ્યાત આ બેરોક ફાઉન્ટેન અત્યંત કળાત્મક છે.
શંખ આકારના રથ ઉપર બેઠેલા દરિયાદેવ, રથને હાંકતા બે ઘોડાઓ… સમુદ્રના ભાવને વ્યક્ત કરતા હોય તેમ એક શાંત અને એક તોફાની ને સતત વહેતી જળધારા.
ઈટાલિયન આર્કિટેક્ટ નિકોલા સાલ્વીએ શરુ કરેલા ૮૫ ફૂટ ઊંચા ને ૧૬૫ ફૂટ પહોળા આ ફાઉન્ટેનના અદ્દ્ભૂત શિલ્પકામમાં પેટ્રોની સાથે અનેક કારીગરોનું કૌશલ્ય જોવા મળે છે.
એક એવી માન્યતા છે કે આ ફુવારાના વહેતા પાણીમાં સિક્કો નાખીને કોઈ પણ ઈચ્છા કરો, તમારી ઝંખનાની પૂર્તિ થશે. પ્રતિભાવંતો કહે છે, ‘રોમને ફરીથી સજીવ કરવાની ઝંખના કરો.’ (પ્રતિદિન આ પાણીમાં ૩૦૦૦ જેટલા યુરો નાખવામાં આવે છે. રાત્રે તે એક્ત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને આપી દેવામાં આવે છે.)
એક પુનર્મિલનની કથા પણ આ ફાઉન્ટેન સાથે જોડાયેલી છે. ‘થ્રી કોઇન્સ ઈન ધ ફાઉન્ટેન’ ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મમાં આ વાત વણી લેવાઈ છે.
ફાઉન્ટેનની આસપાસ ઊમટેલા પ્રવાસીઓની સંગાથે હું પણ જોડાઇ. એ આઈસ્ક્રીમની લિજ્જત માણતી ફાઉન્ટેનની ધાર પર બેસીને જળશિકરોથી ભીંજાતી રહી. અલબત્ત, ફાઉન્ટેનમાં સિક્કો તો મેં પણ નાખ્યો જ.
***
કોઈ નિશ્ચિત સીમારેખા વગર જ અલગ ઓળખ જમાવીને બેઠેલું વેટિક્ન સિટી વિશ્વનો સહુથી નાનો દેશ છે. અત્યંત લાંબા પરિસરમાં છવાયેલું, કેથોલિક સામ્રાજ્યનું જગતભરનું આ મહત્વનું મથક પોપનું પ્રભુત્વ દર્શાવે છે.
અહીં માઈકલ એન્જલો અને બર્નિની જેવા શિલ્પકારોની કળાએ પત્થરોમાં પ્રાણ પૂર્યા છે. ઈશુ ખ્રિસ્ત અને મોઝીસના જીવનની ક્ષણોને જીવંત કરતા ચિત્રો, વિશાળ ગુંબજો, સ્તંભો અને સોનેરી રંગની આભા મુગ્ધ કરી દે છે.
સેસ્ટાઈન ચેપલની છત પર એકલે હાથે માઈકલ એંજલોએ બનાવેલા ૩૦૦થી અધિક ચિત્રોને તેના જીવનની ઉત્તમ કૃતિઓ ગણવામાં આવે છે.
વેટિકન મ્યુઝિયમમાં પણ વાનગોગ, પિકાસો અને મુરાની જેવા કલાકારોની કૃતિઓ ૫૫ જેટલા ઓરડામાં ફેલાયેલી છે. આટલા ઉત્તમ ચિત્રો અને કલા કારીગરીને માણવાનો સમય ઓછો પડ્યો.
પ્રતિદિન હજારો યાત્રાળુઓ-વિશ્વના સહુથી મોટા ધર્મના અનુયાયીઓ અહીં આવીને પોતાની શ્રદ્ધાને જીવંત રાખે છે. વેટિકનને વંદન.
જગતની અમર કલાકૃતિઓને શાંતિથી નહીં નિહાળ્યાના અફસોસ સાથે અમે ‘સ્પેનિશ સ્ટેપ્સ’ પહોંચી ગયા. ખરેખર તો કોઈ ફ્રેંચ સ્થપતિએ બનાવેલા ૧૩૫ પગથિયા માત્ર એક ચર્ચ તરફ જવાનો રસ્તો છે. કોઈ સમયે આ વિસ્તારમાં આવેલી સ્પેનિશ એમ્બસીને કારણે આ પગથિયા સ્પેનિશ સ્ટેપ્સ તરીકે ઓળખાય છે.
પહોળા પગથિયાની બન્ને પગથી વચ્ચે ફૂલોની નયનરમ્ય બિછાતને પ્રવાસીઓ માણી રહ્યા હતા. કલાકારો, ચિત્રકારો, ફેશન ડિઝાઈનરો અને કવિઓના આ માનીતા સ્થળે મેળો ભરાયો હોય તેટલા દેશવિદેશના લોકો અને ફૂલોના સૌંદર્યને માણવામાં અમે એટલા મશગુલ હતા કે ઉપર ચર્ચમાં જવાનું મન જ ન થયું. રોમની આ રમણીય સાંજ વધુ એક કારણસર સ્મરણીય બની ગઈ.
સ્પેનિશ સ્ટેપ્સ પર બેસવાની જગ્યા તો મળી જ નહીં. આસપાસ ટહેલતા ચોકની વચ્ચે આવેલા ફાઉન્ટેનને જોયો. રોમમાં જેમ ચર્ચની સંખ્યા વધારે તેમ પ્રત્યેક રસ્તા પર વિશિષ્ટ સ્તંભ અને ફૂવારા જોવા મળે છે. ખૂબ પ્રાચીન એવા આ ફૂવારામાં બોટનું શિલ્પ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બોટ પાણીમાં ડૂબતી હોય તેવું લાગે.
મિત્રો પાસે પાછા વળતા અચાનક મારી નજર ‘કિટ્સ શેલી હાઉસ’ પર પડી. મારા આશ્ચ્રર્ય અને આનંદનો પાર ન રહ્યો. ૧૬મી સદીના આ મહાન કવિઓની પ્રેમ અને પ્રકૃતિની કેટકેટલી કવિતાઓ હ્રદયમાં અંકિત થયેલી છે! એફ. વાય. બી. એ.નો ખંડ, સહાધ્યાયીઓ અને એ કવિતાઓનો રસાસ્વાદ.. બધું જ સાંભરી આવ્યું.
એ મહાન કવિઓ અહીં રહ્યા હશે, આ રસ્તા પરથી પસાર થયા હશે એ વિચાર માત્રથી ધન્ય થઈ જવાયું. મૂઠી ઊંચેરા એ સર્જકોની સ્મૃતિને સાચવી રાખવા માટે આ ઘરને સંગ્રહ્સ્થાનમાં ફેરવી દેવાયું છે.
કિટ્સ અને શેલીની સાથે બાયરન, કોલરિજ અને બ્રાઉનિંગ જેવા સમકાલીન સર્જકોના કાવ્યો, પુસ્તકો અને પત્રો પણ અહીં સંચિત છે.
અપાર આનંદથી મારા પ્રિય કવિઓને વંદન કરીને અમે વિદાય લીધી. ઢળતી સાંજે ‘ઈટાલિયન અફેર્સ’માં જમતી વખતે પણ કિટ્સ અને શેલીની પંક્તિઓ જ યાદ આવતી રહી.
~ સંધ્યા શાહ, મુંબઈ
+91 9324680809
સરસ આલેખન કર્યું છે, સંધ્યાબહેન.
અભિનંદન.
સરસ પ્રવાસવર્ણન