આપણે ભોગ નથી ભોગવતા, ભોગ આપણને ભોગવે છે ~ લેખ ~ અનિલ ચાવડા
પુરાણોમાં યયાતિની કથા ખૂબ જાણીતી છે. રાજા યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા ત્યારે શુક્રાચાર્યે વચન લેવડાવ્યું કે દેવયાની સિવાય અન્ય કોઈની સાથે શરીરસંબંધ ન બાંધે. પરંતુ યયાતિ એ વચન પાળી શકતો નથી અને દેવયાનીની સખી શર્મિષ્ઠા સાથે સંબંધ બાંધી બેસે છે. તેની સાથે લગ્ન કરી અલગ ભવનમાં રાખે છે.
દેવયાનીને ખબર પડે છે, ત્યારે તે તરત પિતા શુક્રાચાર્યને જાણ કરે છે. શુક્રાચાર્ય વચનભંગ બદલ યયાતિને અકાળે વૃદ્ધ થઈ જવાનો શ્રાપ આપે છે. યુવાસ્થામાં જ યયાતિ ઘરડો થવા લાગે છે, પણ તેની ભોગવિલાસની લાલસા મટતી નથી.
તેને શર્મિષ્ઠાથી ત્રણ અને દેવયાનીથી બે દીકરા હતા. પોતાની ભોગવિલાસની લાલસા સંતોષવા તે પોતાના દીકરાઓને તેમની યુવાની આપી દેવા કહે છે, પણ કોઈ પોતાની યુવાની આપવા તૈયાર થતું નથી, સિવાય કે પુરુ.
પુરુ તો હજી ઘણો નાનો હતો, બધાને આશ્ચર્ય થયું કે આવું કેમ? ત્યારે પુરુએ જવાબ આપ્યો કે, આટલા વર્ષો સુધી પિતા વાસનામાં રત્ત રહ્યા છતાં, તેનાથી મુક્ત નથી થઈ શકતા તો હુંં પણ લાંબું જીવીને લોભલાલચથી મુક્ત થઈ શકીશ તેમ માનવાને કોઈ કારણ નથી.
મનુષ્યને ગમે તેટલું મળે છતાં ઓછું જ પડે છે. માણસનું મન જાદુઈ ઘડા જેવું છે, તેમાં ગમે તેટલું નાખો, તે ભરાતું જ નથી.
ચાલીને મજૂરીએ જનાર વ્યક્તિ સાઇકલનું સપનું સેવે છે. સાઇકલ પર કામે જનાર માણસ સ્કૂટર ઝંખે છે. સ્કૂટરની સવારી કરનાર કારની આશા રાખે છે. કારવાળો માણસ મોંઘામાં મોંઘી ગાડી ઇચ્છે છે. મોંઘી ગાડી ધરાવનાર માણસ પોતાનું હેલિકોપ્ટર કે પ્લેન ઇચ્છે છે.
આ આંધળી દોટ ક્યાંક અટકતી નથી, સિવાય કે સ્મશાન. ગમે તેમાં બેસીને જાવ, કારમાં કે ઊંટગાડીમાં; મરણ પછી તો છેવટે સ્મશાનમાં જ જવાનું છે.
આપણે બધા એક રીતે લાલસાના લાલ રંગમાં રંગાઈ ગયેલા માણસો છીએ. દરેકને કશુંક ને કશુંક જોઈએ છે. દરેકમાં કશાકનો અભાવ છે. દરેક વ્યક્તિ અમુક અધૂરપથી પીડાય છે. કોઈ સુખી નથી.
બધા પારકાની થાળીમાં મોટો લાડુ જોઈને અંદરથી દુઃખી થઈ જાય છે. પોતાના ઘરે નવું સ્કૂટર છે એનું સુખ ભૂલીને પાડોશી મારા કરતા સારી કાર લાવ્યો તેની વ્યથા વધારે છે.
માણસને પોતાની જરૂરિયાત મુજબ નથી જોઈતું હોતું, તેને બીજા કરતા વધારે જોઈતું હોય છે.
પોતાના આસપાસના લોકો પાસે જે છે તેનાથી હંમેશાં પોતાની પાસે વધારે હોય તેવી ઝંખના જ દુઃખનું મુખ્ય કારણ હોય છે. મારા બધા મિત્રો પાસે સેમસંગ કે વનપ્લસનો મોંઘો ફોન છે, તો મારી પાસે તો એપ્પલ જ હોવો જોઈએ.
બધાને પોતાની ઉપર ફોકસ જોઈએ છે. જિંદગી નામના આ નાટકમાં લાઈટ હંમેશાં પોતાની પર પડેલી રહે તેવું બધા ઇચ્છે છે.
આપણે અંદરખાનેથી મારું-મારું કરતા માણસો છીએ. આપણાથી કશું છૂટતું નથી. આપણા ત્યાગમાં પણ અંહકાર હોય છે, નમ્રતા નથી હોતી.
નાનકડી પેન્સિલનું બોક્સ પણ સ્કૂલમાં બાળકોને આપીએ તો ફોટા પડાવીને છાપામાં છપાવીએ છીએ, જુઓ અમે કેટલું ઉમદા કામ કર્યું છે.
એક દિવસ એક પૈસાદાર માણસ કીંમતી સુવર્ણમુદ્રાની થેલી લઈને રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો અને જોરથી બધાને ખબર તેમ તેમ થેલી ખખડાવીને પરમહંસને આપી.
તે બધાને બતાવી દેવા માગતો હતો કે હું કેટલી કીંમતી વસ્તુ આપી રહ્યો છું. પરમહંસે કહ્યુું, ભાઈ આ ધાતુના ટુકડાઓની મારે કંઈ જરૂર નથી.
માણસ કહે, સ્વામીજી આ માત્ર ધાતુ નથી, મૂલ્યવાન સુવર્ણમુદ્રાઓ છે. આપની માટે જ છે. પરમહંસ કહે, પણ કીંમતી હોય કે સસ્તી, જેની જરૂર જ નથી તેને હું શું કરું. પેલો માણસ કહે તો હું પાછી લઉ જાઉં. રામકૃષ્ણ કહે, ના, એ હવે તું ન લઈ શકે, તેં મને આપી એટલે એ મારી થઈ. પણ તું એક કામ, થેલી ઉપાડ અને બાજુની નદીમાં જઈને ફેંકી આવ.
પેલો માણસ તો ગભરાયો આટલી કીંમતી સુવર્ણમુદ્રાઓ એમ કંઈ ફેંકી દેવાય? પણ આ તો ખુદ સ્વામીનો આદેશ. એટલે કરે પણ શું? એ ગયો. પણ ક્યાંય સુધી પાછો ન આવ્યો. એટલે પરમહંસે સેવકોને મોકલ્યા કે જાવ, પેલો શું કરે છે.
જઈને જોયું તો પેલો માણસ એક એક સુવર્ણમુદ્રાને ક્યાંય સુધી જોઈ રહેતો હતો અને દુઃખી હૃદયે મહાપરાણે નદીમાં ફેંકી રહ્યો હતો. તેને તો જાણે પોતાનું બધું લુંટાઈ ગયું હોય એવુંં લાગતું હતું. જે વસ્તુ પોતે આપી દેવા જ લાવ્યો હતો, એ વસ્તુ ફેંકતા પણ એનો જીવ ચાલતો નહોતો.
આપણે પોતાની વસ્તુ કે વિચાર સરળતાથી છોડી શકતા નથી. એ બધું ઘણી વાર સ્થૂળ રીતે છૂટી પણ જાય, તોયે સૂક્ષ્મ રીતે આપણી અંદર જ રહે છે.
વસ્તુ છૂટ્યા પછી તેની પ્રત્યેનો લગાવ આપણી અંદર સતત જીવ્યા કરે છે કે અરેરે મારી ફલાણી વસ્તુ જતી રહી, મારું ઢીંકણી વસ્તુ દેવાઈ ગઈ. આવા ત્યાગમાં પણ ભારોભાર રાગ હોય છે.
છોડવા માટે તો સિદ્ધાર્થ જેવું કલેજું જોઈએ. એક ઝાટકે રાજપાટ, સુખવૈભવ, પત્ની અને બાળક સુદ્ધાનો ત્યાગ કરીને સત્યની શોધમાં નીકળી પડ્યા.
રાજા યયાતિએ હજાર વર્ષ સુધી ભોગવિલાસમાં રત્ત રહીને સંસારનો ત્યાગ કર્યો અને છેલ્લે તેમણે લખ્યુંં,
भोगा न भुक्ता वयमेव भुक्ताः
तपो न तप्तं वयमेव तप्ताः।
कालो न यातो वयमेव याताः
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥
(અર્થાત્, આપણે ભોગ નથી ભોગવતા, ભોગ આપણને ભોગવે છે. આપણે તપ નથી કર્યું, સ્વયં તપ્ત થઈ ગયા છીએ. કાળ સમાપ્ત નથી થતો, આપણે જ સમાપ્ત થઈ જઈએ છીએ. ઇચ્છા જીર્ણ નથી થતી, આપણે જ જર્જરિત થઈ જઈએ છીએ.)
~ અનિલ ચાવડા
ખુબ સચોટ વાત કરી 👌