ઓસ્ટ્રેલિયાનો યાદગાર પ્રવાસ ~ માના વ્યાસ ‘સ્પંદના’
રોજિંદી ઘટમાળની કાંટાળી વાડમાં છીંડું પાડીને કોઈ નવા સ્થળ, ધામ, નદી, સાગર, પર્વત કે માનવીને મળવા નીકળી પડીએ એટલે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય છે.
આપણું ઘર આપણને ખૂબ વ્હાલું લાગતું હોય પરંતુ એ આપણાં માટે દુનિયાની શ્રેષ્ઠ જગ્યા છે એ મનને સમજાવવા પણ દુનિયા ફરવી પડે. પોતીકા ઓશિકાની સુગંધ છોડી પારકા તકિયે અઢેલીને બેસીએ ત્યારે જ ઘરની કિંમત થતી હોય છે. એ માટે સમયાંતરે પ્રવાસ પર જવું પડે. પ્રવાસને ધર્મ સાથે જોડી દો એટલે યાત્રાધામ બની જાય.
એટલે જ ઋષિમુનિઓએ મંદિર પહાડોની ટોચે બનાવ્યાં હશે! જેથી લોકો સહપરિવાર યાત્રાએ નીકળે. પ્રવાસની ખાટીમીઠી સ્મૃતિઓ જીવનભર યાદગાર રહેતી હોય છે.
ફરે તે ચરે, જીવ્યા કરતાં જોયું ભલું… વગેરે કહેવતો અનુભવે જ કહેવામાં આવી છે.
આમ તો બધા પ્રવાસ યાદગાર હોય છે. નાનપણના પ્રવાસ બ્લેક એન્ડ વાઈટ ફોટાઓમાં જીવંત થઈ ઊઠતા હોય છે, અને સેપિયા કાગળ ઉપર ધૂંધળા ચહેરાઓને ઓળખવાની મજા પડતી હોય છે.
હવે તો મોબાઈલમાં ફોટા પાડવા એકદમ સુગમ થઈ ગયાં છે. પાછાં તરત જ ફોરવર્ડ કરી આખી દુનિયાને જાણ કરી શકાય કે તમે ક્યાં ફરી આવ્યા?
2016માં હું અને પતિ સંજીવ સિડની (ઓસ્ટ્રેલિયા) ગયાં હતાં. આમ તો લગ્નમાં મ્હાલવા ગયેલાં અને અમે હસવામાં કહેતા કે છોલે વિથ ઢોસાના લગ્નમાં જઇએ છીએ. એટલે કે સાઉથ ઇન્ડિયન કન્યા સાથે પંજાબી છોકરાના લગ્ન હતા.
સિડની એક ખૂબસૂરત શહેર છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરનાં નીલ જળ એના કોટે નીલમ હારની જેમ શોભે છે.
સિડનીને કિનારે સાવ નજીક ઊભેલી તોતિંગ શીપને જોઇને અચંબિત થઈ જવાયું હતું. પાંચ દિવસ સખત કામ અને શનિ-રવિ આસપાસ આવેલા સોહામણા બીચ પર સવારથી સાંજ રેતી અને પાણીને મન ભરીને માણ્યાં કરવાં એ સિડનીનો મિજાજ છે.
લગ્ન પછી અમે સિડનીથી લગભગ સાડાઆઠસો કિલોમીટર દૂર મેલબોર્ન શહેર જોવાં ગયાં હતાં. મેલબોર્ન ખૂબ જ સુંદર શહેર છે. વિક્ટોરિયન સ્થાપત્યનાં ઊંચા ભવ્ય દેવળો, મ્યુઝિયમ અને રમકડાં જેવી ટ્રામે હજી એ વિતેલાં સમયની જાહોજલાલીને પંડમાં સાચવી રાખી છે. એ પુરાણી સંસ્કૃતિ હજી પણ શહેરની નસોમાં વહે છે.
એ સાથે ક્રિકેટનું પ્રખ્યાત મેદાન, ટેનિસ કોર્ટ, નવાં મોલ્સ વગેરે આજના આધુનિક સમયની સાથે તાલ મિલાવી ચાલે છે. મેલબોર્ન પાસે સુંદર બીચ આવેલાં છે. ઘણાં ઘરમાં કાર સાથે યોટ કે સ્પીડબોટ પણ પાર્ક થયેલી દેખાય. અમે મેલબોર્નથી જુદી જુદી એક દિવસીય ટૂર લીધી હતી.
પહેલે દિવસે ગ્રેટ ઓશન રોડ જવાનું હતું. એન્ટાર્કટિક સમુદ્રને કિનારે કિનારે લગભગ બસો કિલોમીટર સુધી રોડ બાંધવામાં આવ્યો છે.
બસની બારીમાંથી મહાસાગરનાં ભૂરાં જળનું દર્શન આંખને શીતળતા આપતું હતું. કિનારાને અડીને આવેલાં મહાકાય ખડકો, એકધારા સુસવતા પવન અને સમુદ્રનાં મોજાંની થપાટો ખાઇને અવનવી આકૃતિ રચી ઊભા છે.
કુદરતની છીણી અને હથોડીમાં પણ કલા છે એ દેખાઈ આવે છે. કોઈ ભવ્ય, વિશાળ અડગ ખડક કાળાંતરે ઘસારો પામીને પણ સુંદર દેખાઈ શકે છે એ જોવા મળ્યું. બીજે દિવસે અમે ફિલિપ આઇલેન્ડની ટૂર લીધી હતી.
બસ ડ્રાઈવર એક યુવતી હતી, જેન. ખૂબ બોલકી અને ચબરાક પણ માયાળુ. જેન માઇક્રોબાયોલોજીમાં માસ્ટર કરે અને શનિ-રવિ બસ ડ્રાઈવર કમ ટૂર ગાઇડનું કામ પણ કરે. ઉર્જાનો સ્ત્રોત એની ભીતર સતત વહેતો હોય એવું લાગે.
આપણે ભારતીયો બાળકોને કોલેજકાળ દરમિયાન કામ કરવા પ્રેરિત નથી કરી શકતાં. ઘણીવાર તેમની સાચી પ્રતિભા અને વિવિધ શોખ પ્રત્યેની રુચિ કેળવાતી નથી.
જેને આવતાં જ સૌને ઉમળકાભેર મળી લીધું. જેવી એને ખબર પડી કે અમે ઇન્ડિયા આવ્યાં છીએ એટલે ખૂબ ખુશ થઈ ગઈ. શાહરુખ ખાનની ફેન અને ફિલ્મ ‘ચક દે..’માં ઓસ્ટ્રેલિયાની હોકી ટીમની ગોલકીપરનો નાનકડો રોલ કરેલો. ફોર ટુ સેકંડ્સ, એણે હસીને કહેલું.
મેં ત્યારે જ મુંબઈ પહોંચી ‘ચક દે..’ ફિલ્મ ફરીથી જોવાનું નક્કી કરી લીધું હતું.
સૌથી પહેલાં કોઆલા પાર્ક લઇ ગયાં. ઝાડની ટોચ પર બેઠેલાં શરમાળ કોઆલા વિશે જેન પાસે ભરપૂર માહિતી હતી. પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડી નીલગિરીનાં ઝાડ પર છેક ટોચ પર બેસી દિવસનાં અઢાર કલાક ઊંઘતા કોઆલા જોવાની મઝા પડી હતી.
જેન દરેક નાની વાતને અતિશયોક્તિથી ભરી દેતી અને એથી સૌની ઉત્કંઠા વધી જતી. થોડી વારે એક રેઇનફોરેસ્ટ જોવાં લઇ ગયાં. નાનકડાં જંગલ જેવું હતું.
ભારતમાં કદાચ દરેક રાજ્યમાં આનાથી મોટાં જંગલ જોવાં મળે, પણ આ તો જેન હતી, ટૂર ગાઇડ. દરેક વનસ્પતિનું એવું ભાર દઈને વર્ણન કરતી રહે અને આપણને લાગે સારું થયું આ જગ્યા જોવા આવ્યા; નહીં તો ફેરો ફોગટ જાત.
આખરે સાંજે અમે જેને માટે આટલે દૂર આવ્યાં હતાં એ ફિલિપ આઇલેન્ડ પર આવી પહોંચ્યાં. અહીંની પ્રખ્યાત પેંગ્વિન પરેડ જોવા. આ બીચ પર બ્લ્યુ પેંગ્વિન રહે છે કે જે ફેરી કે લિટલ પેંગ્વિન તરીકે ઓળખાય છે. અહીં એમનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે.
ફિલિપ બેની સામે રળિયામણા બીચ પર નીચેથી ઉપર તરફ બેંચ મુકેલી હતી જેથી સૌને બરાબર દેખાય. રાત્રે આઠ વાગ્યે સૂરજ સાંજની લાલિમા વેરતો આથમી ગયો. દક્ષિણ ગોળાર્ધમાં જાન્યુઆરીમાં ઉનાળો હોય છે અને સૂર્ય મોડે સુધી આથમતો નથી.
કોલેજનાં વિદ્યાર્થીઓ લેક્ચર ભરતાં હોય એમ સૌ ફિલિપ બેની સામે બેંચ પર બેસી ગોઠવાઇ ગયાં હતાં. અમને જણાવવામાં આવ્યું હતું કે બરાબર નવ વાગે પેન્ગ્વિન સમુદ્રમાંથી બહાર આવશે.
મોબાઈલ સાઇલન્ટ મોડ પર રાખવા અને પેન્ગ્વિનનાં ફોટો લેતી વખતે ફ્લેશ લાઇટ ન વાપરવા વારંવાર તાકીદ કરાઇ રહી હતી, અને જો પકડાવ તો દંડ પણ ભરવો પડે. પેંગ્વિનની નાજુક આંખોને કેમેરાની ફ્લેશ લાઇટથી નુકસાન થતું હોય છે. અવાજથી તે દિશા ભૂલી જતાં હોય છે.
અમારાં આશ્ચર્ય વચ્ચે બરાબર નવને ટકોરે એક પેંગ્વિન દરિયામાંથી બહાર આવ્યું. દર્શકોનો હર્ષથી દબાયેલો આછો ચિત્કાર સંભળાઇ રહ્યો. ધીમે ધીમે જાદુગર ટોપીમાંથી સસલાં કાઢે એમ એક પછી એક પેંગ્વિન પાણીમાંથી બહાર આવવા માંડ્યા. કેવું કુદરતી સમયપાલન?
પાણીમાંથી બહાર આવી શાળાનાં શિસ્તબદ્ધ બાળકોની જેમ લાઇનબંધ ચાલતાં આવી પરેડ કરતાં પોતપોતાનાં માળા તરફ જવા લાગ્યાં. બેંડના સંગીતને બદલે થોડો કર્કશ અવાજ કરતાં હજારોની સંખ્યામાં એકઠાં થઈ ગયાં.
કિનારાની રેતીમાં બખોલ કરી માળા બનાવેલાં હતાં. પેંગ્વિન એવું પક્ષી છે જે ઊડી નથી શકતું એટલે તરત જ શિકાર થઈ જાય. એથી બચવા એ સૂર્ય ઊગતાં જ પાણીમાં જતાં રહે અને સૂર્યાસ્ત પછી જમીન પર રક્ષણ તથા પ્રજનન હેતુ પરત આવે. છે ને કમાલ?
એમની ડોલતી ચાલ અને અંદરોઅંદર ભેગા મળી રહેવાની અને સંવાદ કરવાની ચેષ્ટા જોવાનો અનેરો આનંદ આવ્યો. ખરેખર ભારતમાં જે જોવાં નથી મળતી એવી એ પેંગ્વિન પરેડથી અમારો પ્રવાસ યાદગાર બની રહ્યો.
~ માના વ્યાસ ‘સ્પંદના’, મુંબઈ
સરસ પ્રવાસવર્ણન. સરળ ભાષામાં વાતચીત કરતા હોય તે રીતનું લખાણ ગમી જાય છે.
માનાબહેન, પ્રવાસવર્ણન દેખાય છે એટલું સહેલું નથી હોતું. તમે આ લેખમાં વાચકોને પોતાના શબ્દોની સાથે લઈને ચાલ્યાં છો. સહજ અને સુંદર આલેખન. અભિનંદન,